facebook

Showing posts with label bewafa sajan. Show all posts
Showing posts with label bewafa sajan. Show all posts

Saturday, 31 October 2015

mamta soni

‘ઠાકોર નં. 1’ માં આઈટમ સોંગ બાદ સીધી ઉંચી છલાંગ લગાવીને મમતા સોની બની ગઈ ‘બેવફા સાજણ’


    ગુજરાતી ફિલ્મોની બ્યુટીક્વીન એટલે મમતા સોની થોડા સમય પહેલા નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલાની ફિલ્મ ‘ઠાકોર નં. 1’ માં આઈટમ ડાન્સમાં નજરે પડી હતી તે પછી તો મમતા સોનીએ એક હિન્દી ફિલ્મમાં પણ પોતાના જોબનનો જાદુ પાથર્યો છે. પરંતુ તે ફિલ્મ અને તેનું સોંગ રેગ્યુલર ફિલ્મો જેવું જ છે તેમાં કંઇ નવું નથી. બીજી મહત્વની વાત એ પણ છે કે મમતા સોનીએ ટૂંક સમયમાં પોતાના દર્શકોની અને ચાહકોની સંખ્યા વધારીને હરણફાળ ભરી છે જે જાહેર છે. આમ તો મમતા વિક્રમ ઠાકોર સાથે જ ફિલ્મો કરવામાં માને છે પરંતુ આ ભગવાન વાઘેલાની બીજી ફિલ્મ ‘બેવફા સાજણ’ માં તે ગુજરાતી ફિલ્મોના જાણીતા ગાયક – હીરો જગદીશ ઠાકોર સાથે આવવાની છે. તેની પાછળની વાત કરતા મમતા કહે છે કે, હું કોઈ બીજા હીરો સાથે ફિલ્મો સ્વીકારતી જ નથી. કારણકે મે તે ભૂલ અગાઉ પણ કરી છે પરંતુ ભગવાન વાઘેલાની ફિલ્મ સ્વીકારવાનું મુખ્ય કારણ એ છે કે ફિલ્મની વાર્તા મજબુત હતી જે મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. બાકી વિક્રમ સાથે મારી જોડી દર્શકોએ સ્વીકારી છે તેથી હું મારા દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.

પ્ર – ‘બેવફા સાજણ’ વિષે?
ઉ – ભગવાન વાઘેલાની ફિલ્મ ‘બેવફા સાજણ’ માં હું ઇન્સ્પેક્ટરનો રોલ ભજવી રહી છું. મારું એવું પાત્ર છે કે ગુના ખતમ કરવા કરતા જે લોકો ગુના આચરે છે તેવા ગુનેગારોને જ ખતમ કરવા. તેઓ શામાટે આવા કામો કરે છે તેનું કારણ જાણવું જોઈએ અને તેને ખતમ કરવું જોઈએ. ફિલ્મમાં કાયદાકીય રીતે કડક પણ છું અને નરમ દિલની પણ બતાવવામાં આવી છું. બીજી એક વાત હું અહીં જણાવવા માગીશ કે, હું બીજા કોઈની ફિલ્મોમાં ગેસ્ટ અપીરીયન્સ જેવા રોલ કરતી જ નથી અપવાદ કે કોઈ સારૂ બેનર હોય. તે સમયે મે ભગવાન વાઘેલાની ફિલ્મમાં આઈટમ સોંગ કર્યું તો મને ગમ્યું અને એમને પણ ગમ્યું હશે. મારા સોંગથી થીયેટરમાં પબ્લિકનો ધસારો વધ્યો તો એમને એમ થયું હશે કે જો મમતા સોનીના એક સોંગથી જો ચાલતી હોય તો આખી ફિલ્મમાં મમતાને લેવાથી શું પરિણામ આવશે? તેથી તેમણે વિચાર્યું કે મમતા સોનીને લઈને ફિલ્મ બનાવીએ તો પબ્લિકનો સારો રિસ્પોન્સ મળશે. આ ઉપરાંત મારે પણ કંઇક અલગ કરવું હતું જેથી મે આ ફિલ્મ સાઈન કરી. દરેક ફિલ્મોમાં હિરોઈનના ભાગે કંઇ કરવાનું આવતું જ નથી. ઝાડ ફરતે ગીતો ગાવા અને નાચવા કુળવા સિવાય બીજું કશું નવું આવતું નથી. જયારે આ ફિલ્મમાં દર્શકોને હું એક્શન કરતી જોવા મળીશ.

પ્ર – મહિલાઓએ સમાજમાં કેટલું સશક્ત રહેવાની જરૂર છે?
ઉ – મહિલાઓને હું કહીશ કે તમે મને આ રોલમાં જોશો તો ખ્યાલ આવશે કે જીવનમાં કેવા કેવા પરિબળોનો સામનો કરવો પડતો હોય છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા પાત્ર પરથી એક પણ મહિલા સારૂ માર્ગદર્શન મેળવશે તો મને ખુશી થશે. કેમકે નિર્માતાએ મને આ રોલ માટે યોગ્ય સમજી તો હું પડદે રહીને પણ જરૂરી માર્ગદર્શક બની રહીશ. હું અત્યાર સુધી દરેક ઇન્ટરવ્યુમાં કહું છું કે એક લેડીને હંમેશા કામ કરતુ રહેવું જોઈએ. ભલે તમે ઘરની બહાર નથી નીકળી શકતા તો ઘરમાં પણ કંઇક નાનું મોટું કામ કરવું જોઈએ હું એવું માનું છું.

પ્ર – સ્ટંટ સીન જાતે ભજવશો?
ઉ – અત્યાર સુધી તો જે પણ સ્ટંટ સીન મારા ભાગે આવ્યા છે તે મે મારા જાતે જ ભજવ્યા છે કારણકે, તે બહુ નાના સ્ટંટ હતા. પણ આ ફિલ્મમાં મારા ઘણા એવા સ્ટંટ સીન હશે જે દર્શકો પણ જોઇને આશ્ચર્યમાં પડી જશે કે મમતા સોની ફક્ત શાયરીઓ નથી કરી જાણતી. તે એક સારી સ્ટંટ વુમન પણ છે.
પ્ર – ચાહકોની ભીડથી ડર લાગે છે?
ઉ – હા, મારે જયારે જાહેર કાર્યક્રમો હોય છે ત્યારે મને ભીડથી બહુ ડર લાગે છે. ભલે અમે અમારા ચાહકો વચ્ચે હોઈએ છતાં પણ મનમાં એ ડર હોય છે કે ક્યારે કોઈ ચાહક શું કદમ ઉપાડે તે અમને ખબર નથી હોતી. મને મારો એક ચાહક યાદ છે કે, જયારે હું સવારે જાગી તો ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, એક છોકરાએ ‘રાધા રાધા’ નામ લખીને પોતાનું ખૂબ લોહી વહાવેલું. એમાં એવું પણ લખેલું હતું કે તે છોકરાને મને મળવું હતું. ત્યારે એવું થાય કે પોતાનું લોહી કાઢીને આવું બધું કરવાથી શું મતલબ? મારા અમુક પ્રોગ્રામોમાં પણ ફરમાઇશ આવે અને તે પણ લોહીથી કાગળ પર લખેલી હોય.



n  ગજ્જર નીલેશ 

jagdish thakor

જગદીશ ઠાકોર ‘બેવફા સાજણ’ માં પોતાની વાસ્તવિક જીંદગી સમાન રોલ ભજવશે


    જગદીશ ઠાકોર. આ નામ ડાયરાના રસિયાઓ માટે નવું નથી. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે જે સફળ હીરોની ગણતરી થાય છે એમાં જગદીશ ઠાકોરનું નામ પણ છે. દરેક ફિલ્મોમાં પોતાનો વટ, માં જળવાઈ રહે તેવી અભિનયક્ષમતા અને દરેક પાત્રમાં પાત્ર ન લગતા જીવંત અભિનય જોવા મળે તેવી અભિનયની ઝાંખી. તેમના અભિનય પર પણ તો દર્શકો આફરીન છે જ સાથે સાથે તેમની ગાયકી પર પણ લાખો યુવાનો ફિદા થઈને નાચે છે. ડાયરામાં જયારે જગદીશ ઠાકોરનો અવાજ ગુંજે છે ત્યારે યુવાધન હિલોળે ચડે છે. એક એકથી ચડિયાતી ફિલ્મો અને દરેકમાં તેમના અભિનયની પ્રશંસા તેમનો ચાહકો તરફથી તેમને ખિતાબ છે. ટૂંક સમયમાં તેઓ નિર્માતા ભગવાન વાઘેલા સાથે એક નવી ફિલ્મમાં જોવા મળશે. હજી ફિલ્મનું શૂટ ચાલુ છે. અગાઉ ભગવાન વાઘેલા સાથે ત્રણેક ફિલ્મો કરી ચુકેલા જગદીશ ઠાકોરને તેમની મનપસંદ ફિલ્મ ‘ઠાકોર નં. 1’ પ્રિય છે. દરેક ટોચની અભિનેત્રીઓ સાથે કામ કરી ચુકેલા જગદીશ ઠાકોરના ફિલ્મોગ્રાફમાં વધુ એક હિરોઈનનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલાની અપકમિંગ ફિલ્મ ‘બેવફા સાજણ’ માં તેમની હિરોઈન લાખો યુવા હૈયાઓની રાણી મમતા સોની છે. ‘બેવફા સાજણ’ માં આ જોડી પ્રથમવાર પડદા પર જોવા મળશે. અગાઉ જગદીશ ઠાકોર અને મમતા સોની ‘ઠાકોર નં. 1’ માં હતા પણ તેમની બંને વચ્ચે કોઈ સંવાદો નહોતા. હવે તે બંને વચ્ચેની કેમેસ્ટ્રી કેવી જામે છે તે તો ફિલ્મ રીલીઝ થાય પછી જ ખબર પડશે.

    ફિલ્મ ‘બેવફા સાજણ’ માં જગદીશ ઠાકોર જેમ રીઅલ લાઈફમાં સિંગર છે તે જ રીતે રીલ લાઈફમાં પણ સિંગર બતાવવામાં જ આવ્યા છે. સાથે સાથે તેમને મમતા સોની ફિલ્મની હિરોઈન સાથે એકતરફી પ્રેમ હોય છે. જેમાં હીરો હિરોઈનના એક ષડયંત્રનો ભોગ બને છે જેનો ફિલ્મના અંતે ફીરો બદલો લે છે. જગદીશ ઠાકોર ડાયરાકિંગ તો ચેહ જ જેથી તેને ધ્યાનમાં લઈને ફિલ્મના નિર્માતાએ એક સરસ ડાયરો પણ ફિલ્મમાં લીધો છે. હીરોના પિતાનું સપનું પૂરું કરવા હીરો શું વિદેશમાં ગાયક તરીકે પોતાની કેરિયર બનાવી શકે છે કે કેમ તે અહીં જાણવા મળશે. જગદીશ ઠાકોરની પ્રથમ ફિલ્મ ‘તું તો સાજણ મારા કાળજે કોરાણી’ હતી જેમાં તે એક સિંગર તરીકે જોવા મળ્યો હતો અને હવે આ બીજી ફિલ્મ છે ‘બેવફા સાજણ’ જેમાં જગદીશ ઠાકોર એક સિંગર તરીકે દર્શકો સામે આવશે. તેથી અભિનેતાને પણ ખૂબ ખુશી છે કે ફરી તેને આ પ્રકારનો રોલ મળ્યો. વચ્ચે જે પણ ફિલ્મો આવી તેમાં જગદીશે એક્શન હીરોની ભૂમિકાઓ વધુ ભજવી.

પ્ર – તમારી સાથે અન્ય કોઈ હીરો પણ ફિલ્મમાં હોય ત્યારે ડર રહે?
ઉ – એવું છે જ નહિ. મે તમામ પ્રકારની ફિલ્મો સ્વીકારી છે. મને નથી લાગતું કે ડબલ હીરોવાળી ફિલ્મો હોય તો ડરવાની જરૂર છે. તેઓ તેમનું પાત્ર ભજવે છે હું મારા પાત્રને ન્યાય આપવાનો પ્રયાસ કરૂ છું. મારી એવી ઘણી ફિલ્મો છે જેમાં હું સોલો હીરો તરીકે પણ છું અને બે હીરો હોય તેવી ફિલ્મો કરી ચુક્યો છું અને થોડા સમયમાં બીજી ફિલ્મો પણ આવશે. જેમાં મારી સાથે અન્ય અભિનેતાઓ પણ હશે. મારે બધા કલાકારો સાથે ખૂબ સારા સંબંધો છે. હું મારી બાજુમાં કયો કલાકાર છે તે નથી જોતો પરંતુ હું મારા રોલ પર જ વધુ મહેનત કરૂ છું કે આને વધુ સારૂ કઈ રીતે કરી શકાય.

પ્ર – તમારા પ્રોગ્રામો અને ફિલ્મો વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવો છો?
ઉ - પ્રોગ્રામો તો જયારે એની સીઝન હોય ત્યારે જ લઉં છું. હા, એકાદ દિવસ અને નજીકમાં જ જો પ્રોગ્રામ ગોઠવાયો હોય તો ફિલ્મનું શૂટ દિવસે પૂરું કરીને રાત્રે ડાયરો કરી લઉં છું. જયારે પ્રોગ્રામો ખૂબ વધી જાય ત્યારે ફિલ્મો બહુ ઓછી કરી નાખું છું. થોડી તકલીફ થાય પણ કરતો રહીશ તેમાં મને તાજગી મળે છે. કારણ કે, ક્યારેક ક્યારેક તમારે તમારા ચાહકોની રૂબરૂ થવું જોઈએ એવું હું માનું છું.  
પ્ર – અમુક ફિલ્મના પાત્રોનું નામ જગદીશ ઠાકોર જ કેમ?
ઉ – હું માનું છું કે ડાયરાઔમાં ઓડીયન્સ મને જગદીશ ઠાકોર મારા નામથી જ ઓળખે છે તેથી હું મારી ઘણી ફિલ્મોમાં દિગ્દર્શકોને મારૂ નામ જગદીશ ઠાકોર રાખવા જ સૂચવું છું. બીજા નામો પણ હું ફિલ્મોમાં રાખું છું. જેમ કે, અગ્નિ પરીક્ષા ફિલ્મમાં મારૂ નામ દેવરાજ હતું, વાવ ફિલ્મમાં લાખા ઠાકોર નામ હતું. જેના લીધે દર્શકોએ મારો સ્વીકાર કર્યો નહિ.




n  ગજ્જર નીલેશ