facebook

Showing posts with label dhamo dhamaliyo. Show all posts
Showing posts with label dhamo dhamaliyo. Show all posts

Saturday, 31 October 2015

disha patel

‘ધમો ધમાલિયો’ ની અભિનેત્રી દિશા સલમાન ખાન સાથે ‘કેહના ચાહા કહ ના સકે’ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરશે


    એક કરોડપતિ પરિવારમાંથી આવતી યુવતી જેનું મોટામાં મોટું દુખ એ છે કે તેના માતા પિતાનું અવસાન થઇ ચુક્યું હોય છે અને પોતે પોતાના ભાઈ સાથે રહે છે. તેનો મોટો ભાઈ જ તેને ખૂબ લાડ લડાવી મોટી કરે છે. જેના માટે બહેન માટે એક સારો મુરતિયો શોધીને સાસરે વળાવવી પણ સાથે સાથે એ એવું પણ નથી ઈચ્છતો કે કોઈની પ્રેમજાળમાં ફસાઈને બહેન પોતાની જીંદગી બરબાદ કરે. પરંતુ નાનપણનો પ્રેમ કેમ ભૂલાય જે તે યુવતીને થયેલો હોય છે તેના જ ગામના એક યુવક સાથે. જેને પિતા સમાન ભાઈ મંજુરી આપતો નથી અને પોતાનું પોત પ્રકાશે છે. થોડોક વિયોગ અને સપનાઓમાં રચતી યુવતીને એમ જ હોય છે કે હવે મારો પ્રેમ મને પાછો મળશે કે નહિ. બંનેના પ્રેમમાં વિલન બને છે જોરૂનો ભાઈ એટલે સાળો જેણે બહેનને લાડકોડથી ઉછેરી હોય છે. (બધા સાળા આવા જ હોય) આવી મનોરંજક ફિલ્મ માટે દિશા પટેલને ખૂબ જ ઉત્સાહ છે કે તેનું પાત્ર ફિલ્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. અત્યારે દરેક ફિલ્મોમાં હીરો જ પડદા પર છવાઈ જતો હોય છે પણ યોગેશ પટેલ નિર્મિત ફિલ્મ ‘ધામો ધમાલિયો’ ફિલ્મમાં દિશા પટેલ છવાઈ જશે જેની નોંધ અત્યારથી જ લેવા જેવી છે.

    દિશા પટેલ કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા પોતાનું કેરેક્ટર જોવે છે. ફિલ્મમાં તે પાત્ર દર્શકોને કેટલું ગમશે. તેનું મહત્વ ફિલ્મમાં શું છે તેના પર જ દિશા પટેલ ફિલ્મ લે છે. તેમના માટે પાત્ર મહત્વનું છે નહિ કે બીજી કોઈ વસ્તુ. સાથે સાથે હંમેશા તેઓ સાચું કહેવામાં માને છે અને અત્યારના જમાનામાં કોઈને સાચું કહેવું તે પણ એક દાદ માગી લે તેવી વાત છે. કારણ કે અમુક લોકોને સાચું ખટકતું હોય છે પણ જે છે તે કંઇ બદલાઈ જવાનું તો છે નહિ. તો તેનાથી મોઢું ફેરવીને શો ફાયદો?
    અત્યારે દરેક કલાકાર સોલો ફિલ્મ હોય તો જ સ્વીકારે છે જયારે દિશા પટેલ એક એવી અભિનેત્રી છે જેને તે માટે કોઈ અફ્સોસ નથી કે તે સોલો ફિલ્મ હોય કે કોઈપણ મલ્ટીસ્ટારર ફિલ્મ હોય. તેના માટે પોતાનું પાત્ર જીવંત અને સારૂ કઈ રીતે બને તે વધારે મહત્વનું છે. તેના માટે દિશા પટેલ ખૂબ મહેનત કરે છે. તેઓ એવું માને છે કે તમે પાત્રને પૂરતો ન્યાય આપશો તો ગમે તેવું પાત્ર હશે તો પણ તે ખીલી ઉઠશે.

    ફિલ્મના નિર્માતા યોગેશ પટેલ અને દિગ્દર્શક હીરાલાલ ખત્રી વિષે દિશા પટેલ જણાવે છે કે બંનેનું કામ ખૂબ જ સરસ છે. તેમની સાથે કામ કરવાની મને મજા આવી. ફિલ્મમાં દરેક સીન સરસ અને જોવાલાયક બની રહ્યા છે જેના માટે હું હીરાલાલ ખત્રીને થેન્ક્સ કહીશ કે તેમણે પોતાના અનુભવનો નીચોડ આ ફિલ્મમાં કાઢ્યો છે.
    આ ઉપરાંત ખુશીની વાત એ છે કે દિશા પટેલ નિર્માતા શૈલેશ શાહની હિન્દી ફિલ્મ ‘કેહના ચાહા કહ ના સકે’ ફિલ્મથી સલમાન ખાન સાથે મેઈન લીડ ભૂમિકા ભજવતી જોવા મળવાની છે. આ ફિલ્મ દિશા પટેલના જીવનનો ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે. ગુજરાતીમાંથી હિન્દી ફિલ્મોમાં પ્રયાણ કરી રહેલી દિશા પટેલ પોતાના લાજવાબ અને મનમોહક અભિનય માટે ગુજરાતી દર્શકોની માનીતી અદાકારા છે.




n  ગજ્જર નીલેશ 

Friday, 30 October 2015

heera lal khatri

એક દિગ્દર્શક કોઈ કલાકાર કે ફિલ્મ પ્રત્યે ઓરમાયું વર્તન ન કરી શકે - હીરાલાલ ખત્રી


    હીરાલાલ ખત્રી દિગ્દર્શિત બે ફિલ્મો આવી રહી છે. એક તો અર્બન ટાઈપ ‘લવમાં એમ.બી.બી.એસ.’ અને બીજી ‘ધમો ધમાલિયો’ જેના નિર્માતા યોગેશ પટેલ છે. અત્યારે દરેક ગુજરાતી ફિલ્મોમાં આમ જનતાને કંઇક ને કંઇક મેસેજ આપવાનો રીવાજ છે તો આ ફિલ્મમાં પણ એવા જ કેટલાક તથ્યો દિગ્દર્શક હીરાલાલ ખત્રીએ ઉજાગર કર્યા છે. જે જોઇને દર્શકોને ફિલ્મમાં નવીનતા લાગશે. ફિલ્મનો વિષય અમીર અને ગરીબ વચ્ચેના ભેદભાવનો છે. જાતિવાદમાં જે ઊંચનીંચ લોકોએ બનાવી દીધી છે તેને અનુલક્ષીને ફિલ્મ પર ભાર મુકવામાં આવ્યો છે. આ પહેલા જીંદગી લખી મેં તો પીયુ તારે નામ, આંખમાં કંકુ કપાળે કાજળ, ચાણક્યની છેલ્લી ચાલ વગેરે જેવી ફિલ્મો બનાવી ચુકેલા હીરાલાલ ખત્રીની આ એવી ફિલ્મ છે જે અત્યારથી જ દર્શકોને રાહ જોવા મજબૂર કરી રહી છે. કારણકે ફિલ્મનો વિષય ભલે જુનો રહ્યો પણ તેને અલગ ઢબથી રજૂ કરવાનો શ્રેય હીરાલાલ ખત્રીને જાય છે. નવા કલાકારો જેને ફિલ્મોનું નોલેજ જ નથી અને હીરો બની જાય છે તેને તેઓ કહે છે કે ખાસ કાળજી રાખીને ટ્રીટ કરવા પડે છે. તેઓને દરેક દ્રશ્ય ફિલ્માવતી વખતે તેની સાથે તે સીન બાબતે ઘણી ચર્ચા કરવી પડે છે કે, ભાઈ આમ નહિ આમ કર. ચોખ્ખી વાત છે કે કોઈ નવો કલાકાર જે પહેલીવાર અભિનય કરી રહ્યો હોય તેને અનુભવ ન હોય એટલે એને થોડી તકલીફ પડે છે. અમારા નિર્માતા યોગેશ પટેલની જ વાત કરૂ તો તેમનામાં શીખવાની ધગશ છે, સારો અભિનય કરી જાણે છે. તે વ્યક્તિ તુરંત સમજી જાય છે કે ડિરેક્ટર શું કહેવા માંગે છે અને તરત તેને અભિનયમાં અનુસરે છે.

પ્ર – સાથે સાથે બોડી લેન્ગવેજ પણ જરૂરી છે?
ઉ – તમારા અભિનયમાં તમે ફક્ત ડાયલોગ બોલીને અભિનય કરી જાણો તે ન ચાલે. સાથે સાથે શરીરનું હલનચલન પણ અભિનયમાં જરૂરી છે જ. અમારા નિર્માતા યોગેશ પટેલનું બોડી સાઉથની ફિલ્મોના હીરો જેવું છે જેવું ગુજરાતી ફિલ્મોમાં નથી જોવા મળ્યું. ફિલ્મમાં વધારે જરૂર તમારી એક્ટિંગ પર હોય છે નહિ કે તમારા બોડી પર. મારૂ જે પાત્ર આ ફિલ્મમાં હતું તે તેમણે મને આ તેમની ફિલ્મમાં બખૂબી નિભાવી બતાવ્યું છે.

પ્ર – ફિલ્મમાં તેમના પર જ ધ્યાન વધારે આપવામાં આવ્યું છે?
ઉ – ના, આ માહિતી તમને એકદમ ખોટી મળી છે. ભલે તમને જેમણે પણ કહ્યું હોય પણ આમાં હું સંમત નથી. કારણકે આ ફિલ્મમાં ભલે હીરો જ મારા નિર્માતા હોય. પરંતુ એમની સામે હું પહેલા ડિરેક્ટર છું. એટલે ડિરેક્ટરની એક જવાબદારી હોય છે કે તેને દરેક કલાકાર પાસે ઉત્તમમાં ઉત્તમ કામ લેવું. દિગ્દર્શકને જ સ્ટોરીની સંપૂર્ણ માહિતી હોય છે. દિગ્દર્શક સ્ટોરી પ્રત્યે કે કોઈ કલાકાર પ્રત્યે ગદ્દારી કરે તો તેનું કામ તરત દેખાઈ જાય કે આમાં તો આવું જ બધું કરેલું છે. વધારે તમે ફિલ્મ પડદા પર આવે ત્યારે મને કહેજો કે ફિલ્મ કેવી બની છે. મે મારી ફિલ્મમાં વિષય સાથે કોઈપણ જાતની છેડછાડ નથી કરી.

    શ્રી ક્રિશ્નાયોગ ફિલ્મ્સ આર્ટના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘ધમો ધમાલિયો’ ના નિર્માતા યોગેશ પટેલ છે. સહનિર્માતા ચાણક્યગીરી ગોસ્વામી છે. દિગ્દર્શનનું સુકાન સાંભળ્યું છે હીરાલાલ ખત્રીએ જયારે સહદિગ્દર્શનની જવાબદારી વિભાબેન જગદીશભાઈ ઠક્કર નિભાવી છે. કથા તથા સંવાદો રસિક નિર્મલના છે અને પટકથા હીરાલાલ ખત્રીની છે. ગીતો લખ્યા છે ઋચાસિંગ ગૌતમે જેને સંગીત આપ્યું છે શ્રેયાંક સોનીએ. ફિલ્મના નયનરમ્ય દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે મનીષ વ્યાસે. ફિલ્મના કલાકારોને ઠુમકા લગાવ્યા છે અશ્વિન ગોહિલ અને મહેશ બલરાજે જયારે ફાઈટ માસ્ટર નિસાર ખાન છે. કલાકારોમાં યોગેશ કુમાર, દિશા પટેલ, કમલેશ બારોટ, ઝીલ મહેતા, બિમલ ત્રિવેદી, રૂપલ દેસાઈ, ત્રંબક જોશી, કૌશિકા ગોસ્વામી, રોહિત મહેતા, જાગૃતિ ગોસ્વામી, પરેશ ભટ્ટ, ઇકબાલ બહુરૂપી વગેરે પોતાની કલાનો કસબ ફિલ્મમાં બતાવશે. ખાસ મહેમાન કલાકાર તરીકે ગુજરાતના મીનીસ્ટર દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણી છે. ફિલ્મ ટૂંક જ સમયમાં રીલીઝ થશે.



n  ગજ્જર નીલેશ 

bimal trivedi

‘ધમો ધમાલિયો’ ફિલ્મથી દર્શકોને ફિલ્મોમાં બદલાવ દેખાશે - બિમલ ત્રિવેદી



    બિમલ ત્રિવેદી જુના અને ખ્યાતનામ કલાકાર પરંતુ તેઓ અત્યાર સુધી બહુ ઓછા મીડિયામાં આવ્યા છે એટલે એમનો પરિચય હું આપીશ પણ એ પહેલા તેમની આવનારી ફિલ્મ યોગેશ પટેલ નિર્મિત અને હીરાલાલ ખત્રી દિગ્દર્શિત ‘ધામો ધમાલિયો’ જેમાં તેઓ નેગેટીવ શેડમાં જોવા મળવાના છે. શરૂઆતમાં ઘણા એવા કલાકારો હિન્દી ફિલ્મોમાં હીરો બનવા આવતા હોય છે પરંતુ તેઓ હીરો બન્યા બાદ અંતે દર્શકો તેમને વિલનના રૂપમાં જ સ્વીકારવા તૈયાર હોય છે. આવું અહીં ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમાર સાથે પણ થયેલું. તેઓ પહેલી ફિલ્મમાં હતા તો ખલનાયક જ પણ અત્યારે તેઓ લાખો દિલોના હીરો છે. આવા બીજા હીરો કમ ખલનાયક એટલે બિમલ ત્રિવેદી. જેઓ દર્શકોને થોડા સમયમાં એક અલગ જ ગેટઅપ સાથે ફિલ્મ ‘ધામો ધમાલિયો’ માં દેખાશે. જેમાં તેઓનું પાત્ર ફક્ત ગામના કહેવાતા જમીનદાર તરીકેનું છે પણ એની આડમાં તે બે નંબરના કામો કરતો હોય છે જે ગેરકાયદેસર છે. જે વાતની ગંધ ગામના કોઈપણ વ્યક્તિને સુધ્ધા નથી હોતી. એકદમ સારો માણસ છે જે પોતાની લાડથી ઉછેરેલી બહેનને પણ એટલો જ પ્રેમ કરે છે કે એ કોઈ બીજા નાના કે હલકા માણસના પ્રેમમાં પડીને પોતાનું જીવન ધૂળધાણી ન કરે. એક ભાઈ તરીકે તે ખૂબ સારો માણસ છે પણ ધંધા માટે તે કંઇ પણ કરી શકે છે એ પણ હકીકત છે. આ ફિલ્મમાં બિમલ ત્રિવેદી એક અલગ ગેટઅપ તથા તેમનો એક અલગ અંદાઝ જોવા મળશે. જેવો વર્ષો પહેલા હિન્દી ફિલ્મોમાં વિલનો માટે જોવા મળતો હતો.

    અગાઉ તેઓ રાજવીર, ચાણક્યની છેલ્લી ચાલ જેમાં તેમની અને હિતુ કનોડિયા પર એક સોંગ પણ ફિલ્માવવામાં આવેલું. દલડા દીધા પ્રીત રે બંધાણી વગેરે ફિલ્મોમાં બિમલ ત્રિવેદી હીરો તરીકે પડદા પર જોવા મળેલા. તેઓ પોતાના અભિનય બાબતે જણાવે છે કે કલાકાર માટે કોઈપણ અભિનય કરવો તે અઘરૂ ના હોવું જોઈએ. કલાકાર પાણી જેવો હોવો જોઈએ જેના અભિનયને તમે ગમે તેના રૂપમાં ઢાળી શકો. એમને પોતાના પર એટલો વિશ્વાસ છે કે તેઓને કોઈપણ અભિનય માટે પાત્ર મળ્યું છે તો તેઓએ તે પાત્રને પડદા પર જીવંત બનાવ્યું છે. તેઓ પોતે પોતાના પાત્રને સમજે છે કે આને અભિનયમાં વાળવું હોય તો તેના માટે શું ધ્યાન રાખવું જરૂરી છે.

પ્ર – ગુજરાતી ફિલ્મોનું ઓડીયન્સ ભાગી કેમ રહ્યું છે?
ઉ – તે માટે હું માનું છું ત્યાં સુધી મીડિયા એ માટે એક ઉત્તમ સાધન છે. તમે પબ્લિક ભાગે છે એમ કહ્યું તેના કરતા એમ સવાલ પૂછો કે પબ્લિકને પાછું કેમ લાવવું તે વધારે યોગ્ય ગણાશે. ભાગ્યા ક્યારે ગણાય કે તેઓ જયારે ફિલ્મ જોવા આવ્યા હોય. જે વર્ગ ફિલ્મ જોતો જ નથી તેને લાવવાનો છે. મીડિયા જો પહેલા સપોર્ટ કરે અને ગુજરાતી ફિલ્મો માટે કંઇક સમાચાર કે જાહેરાત માટેનું માધ્યમ બને અને જેમ તેઓ હિન્દી ફિલ્મોના ન્યુઝ માટે આટલા બધા અધીરા છે તેટલા જ ગુજરાતી ફિલ્મો પ્રત્યે પણ સજાગ થાય તો આ લાઈન સાથે જોડાયેલા દરેક વ્યક્તિને કંઇક સારૂ કર્યાનો આનંદ મળે. કારણ કે, તેમના કામની મીડિયા નોંધ લઇ રહ્યું છે. તમે આ સવાલ મને જો મને અલગ રીતે પૂછ્યો હોત કે ઓડીયન્સ પાછું લાવવા શું કરવું પડે તો મને વધારે ગમ્યું હોત.  પહેલાની ફિલ્મો માટે તે સમયે ઓડીયન્સ મળી રહેતું હતું એનું કારણ છે કે ત્યારે ૨૪ કલાક જોઈ શકો એટલી ચેનલો નહોતી અને ત્યારના લોકો પોતાની સંસ્કૃતિ કેવી છે તે જાણવા માટે પણ તલપાપડ હતા. તેવું ફિલ્મોમાં પ્રતિબિંબ પડતું હતું. અત્યારે ફિલ્મો તો ઘણી બધી બને છે પણ તેને જોવાવાળો વર્ગ ખોવાઈ ગયો છે. આપણે કંઇક નવું અને મનોરંજક આપશું તો ફિલ્મો ચાલવાની જ છે. નવા નવા નિર્માતાઓ અને દિગ્દર્શકો આ બધું હાલના સમય પ્રમાણે કરી જ રહ્યા છે. આ ફિલ્મ ‘ધામો ધમાલિયો’ પણ આજની યંગ જનરેશનને ધ્યાને લઈને જ બની છે. જે દર્શકો જોશે એટલે તેમને પણ ફિલ્મો માટે માન થશે કે ગુજરાતી ફિલ્મોમાં બદલાવ આવી રહ્યો છે.



n  ગજ્જર નીલેશ