facebook

Wednesday, 2 September 2015

umar kolsawala

ઉમર કોલસાવાલાને સિનેમેજિક પરિવાર તરફથી અશ્રુભીની શ્રદ્ધાંજલિ
૪૨ વરસની કેરિયર દરમ્યાન ઉમર કોલ્સવાલાએ ૨૫૦ જેટલી ગુજરાતી ફિલ્મોના પી.આર.ઓ. તરીકે કામ કર્યું છે. સત્યેન કપૂર, ઉર્મિલા ભટ્ટ, અરવિંદ પંડ્યાના સેક્રેટરી તરીકે કામ કર્યું છે. ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર તથા જીત ઉપેન્દ્રના પ્રચારક – પ્રમોટર તરીકે નોંધપાત્ર કામ કર્યું છે.

    ગુજરાતી – હિન્દી ફિલ્મોમાં પાછલા કેટલાય વર્ષોથી લેખન કરી રહેલા ઉમર કોલસાવાલાએ મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાને તા. ૬ મેં ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. મૂળ જામનગરના વતની ઉમર કોલ્સવાલાએ ફાની દુનિયા છોડી દેતા બોલીવૂડ અને ઢોલીવૂડ ક્ષેત્રે અને પત્રકારત્વ ક્ષેત્રે આઘાતની લાગણી છવાઈ છે. ૬૬ વર્ષની ઉમર ધરાવતા ઉમર કોલસાવાલા છેલ્લા ઘણા લાંબા સમયથી માંદગીના બિછાને હતા. ૬ મેં ના રોજ આવેલો હાર્ટએટેકનો હુમલો જીવલેણ સાબિત થયો હતો.
    ૨૪ જુલાઈ ૧૯૫૦ના રોજ જામનગર શહેરમાં જન્મેલા ઉમર કોલસાવાલા નાનપણથી મુંબઈમાં જ રહ્યા હતા. મુંબઈની મહારાષ્ટ્ર કોલેજમાં આર્ટસમાં ત્રીજું વરસ પૂરું કરીને ઉમર કોલ્સવાલાએ ઘરની પરિસ્થિતિને અનૂકુળ થવા પિતાજીના કોલસાના વ્યવસાયમાં જોડાયા હતા. તેથી જ તેઓ ‘કોલસાવાલા’ તરીકે વધુ પ્રખ્યાત હતા. શાળા - કોલેજમાં સાહિત્ય સભામાં સક્રિય રસ લેતા. તેઓ વિવિધ સામયિકોમાં લખતા અને સ્કુલના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા પ્રગટ કરતા. ગુજરાતી પખવાડીકના સંપાદક હતા. પત્રકારત્વનું વ્યવસાયિક ધોરણે શરૂઆત તેમણે પીઢ અને તેજસ્વી પત્રકાર બદરી કાંચવાલા સાથે ‘પારસ’ માં જોડાઈને કરી હતી. ત્યાં સારો એવો સમય કામ કાર્ય પછી રાજકોટથી નીકળતા જયહિન્દ ગ્રુપના અમૃતા સિને સામાયિકમાં જોડાયા. સાથે જ ફૂલછાબ અને જી જેવા પ્રતિષ્ઠિત પેપરોમાં વરસો સુધી કોલમ લખી. જૂના કલાકારોના જીવન પરની તેમની ફૂલછાબમાં પ્રગટ થતી ‘ગુઝરા હુઆ ઝમાના’ કોલમ ખૂબ જ લોકપ્રિય થયેલી. ‘જી’ માં ટી.વી. સીરીયલ ‘રામાયણ’ અને ‘મહાભારત’ વિષે શ્રુંખલાબંધ લેખ લખ્યા. સાથે જ ગુજરાતી ફિલ્મો વિષે વરસો સુધી લખ્યું. સ્વ. વેણીભાઈ પુરોહિતની વિદાય પછી ‘જી’ માં હિન્દી ફિલ્મોના અવલોકનની કોલમ પણ મધુબેન કોટકે ઉમર કોલસાવાલાને સોપી હતી.
    ૪૫ વરસની કેરિયર દરમ્યાન ઉમર કોલસાવાલાએ ૨૫૦ જેટલી ગુજરાતી ફિલ્મોના પી.આર.ઓ. તરીકે કામ કર્યું હતું. સત્યેન કપૂર, ઉર્મિલા ભટ્ટ, અરવિંદ પંડ્યાના સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર તથા જીત ઉપેન્દ્રના પ્રચારક – પ્રમોટર તરીકે નોંધપાત્ર કામ કરી ચુક્યા હતા. તેઓ ગુજરાતી પત્રકાર સંઘ – પ્રેસ ક્લબ, ફિલ્મ જર્નાલીસ્ટ સોસાયટીના સક્રિય સભ્ય હતા. હાલ જો તેઓ કાર્યરત હોત તો આવતી ૨૪ જુલાઈના રોજ તેઓ ૬૪ વર્ષના થયા હોત. પણ તેઓએ આપની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વચ્ચેથી અંધારી વિદાય લઇ લીધી તેથી તેમના નિયમિત લેખના ચાહકોને ઘણું દુઃખ છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તે જ અભ્યર્થના સાથે ઓમ શાંતિ.  


n  ગજ્જર નીલેશ     

Tuesday, 1 September 2015

13 movie in 2013

૨૦૧૩ ના વર્ષની ૧૩ ગુજરાતી ફિલ્મો પર એક નજર
આમ તો વરસે દહાડે સાઈઠેક ફિલ્મની એવરેજ છેલ્લા અમુક વરસોથી જોવા મળી છે. આ વરસે પણ એ જળવાઈ રહી. જોકે, દરવખતની જેમ યાદ રહે એવી ફિલ્મો પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ નીકળી (આમ તો આંગળીના વેઢા કરતા એક વધારે....! ૧૩ ફિલ્મની વાત કરવી છે ને એટલે....!) આ બધી જ ફિલ્મોમાંથી મોટાભાગની કમાણીની બાબતે લાખના બાર હજાર કરનારી નીકળી..... ને એમાં પાછું નવુયે કશું નહોતું. એટલે એની વાત કોરાણે મુકીએ. સાવ થોડી ફિલ્મ કમાણીની દ્રષ્ટીએ સારી રહી. તો કેટલીક કમાણીમાં નિષ્ફળ રહી, પણ ચર્ચામાં રહી.



૧. હેપ્પી ફેમીલી પ્રા.લિ.

    ૨૦૧૩ ના વર્ષમાં દર્શકોને HEPહેપ્પી હેપ્પી કરવાના પ્રયાસરૂપે પરદા પર આવી હેપ્પી ફેમિલી. બહુ સારી ગુજરાતી ફિલ્મની અપેક્ષાવાળા અને ગુજરાતીના બજેટમાં હિન્દી ફિલ્મની અપેક્ષા રાખનારા 'ચીવટ'વાળા દર્શકો ચોક્કસ એમાંય વાંધોવચકો શોધે.. પણ સરવાળે સારુ કરવાનો પ્રયત્ન કર્યો એનો રાજીપો. દિગ્દર્શક રઘુવીર જોશી અને નિર્માતા આનદ દોશી સહિતની યંગબ્રિગેડ ગુજરાતી ફિલ્મ બનાવે... અને ગુજરાતી દર્શકો મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી ફિલ્મ જોવા આવશે એવી આશા રાખે એ જ તો સારી ગુજરાતી ફિલ્મ આવશે તેવી આશા અમર રાખવામાં આપણને મદદ કરે છે. 
૨. ધ ગુડ રોડ

    બહુ ઓછા દર્શકોએ જોયેલી.. પણ બહુબધી ચર્ચાયેલી ફિલ્મ એટલે ધ ગુડ રોડ. ઓસ્કરમાં ગઈ અને ફેંકાઈ ગઈ એ આ ફિલ્મની બીજી ઓળખ. જ ઓસ્કરમાં

એન્ટ્રી ન લીધી હોત તો મોટાભાગના ગુજરાતીઓને જાણ પણ ન થઈ હોત કે આ ફિલ્મ ક્યારે પરદા પર આવી અને ક્યારે ઉતરી ગઈ. પણ જેવી આ ફિલ્મની જાણ થઈ કે, ફિલ્મ જોયા વિના જ કેટલાય એચ.પી.(હરખપદુડા) ગુજરાતીઓ...  ગુજરાતી ફિલ્મો સારી બનવા લાગી છેની ચર્ચામાં લાગી ગયા.. તો આ ફિલ્મ જોઈ જ નહોતી તેવાય કેટલાય લોકો આ ફિલ્મના વિરોધમાં પણ મેદાને ઉતરી ગયા. 
    એની વે.. ગુજરાતી ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રીનો હરખ... અને ફેંકાયાનો વસવસો. 
3. કોઈને કહેશો નહી 

    ગે રીલેશનશીપ પર બનેલી બીજી ગુજરાતી ફિલ્મ ( આ પહેલા મેઘધનુષ્ય આવી હતી.. જો બીજી કોઈ આવી હોય તો જ્ઞાનમાં વધારો કરવા જણાવશો) આ ફિલ્મના ગીતોમાં પ્રયોગ કરાયો. ગુજરાતી ઉપરાંત આ ફિલ્મમાં અંગ્રેજી અને સંસ્કૃત ગીતનો નવતર પ્રયોગ કરાયો. મેકિંગ પણ ગમે એવું હતુ. ઓવરઓલ.. ફિલ્મના નામ.. કોઈને કહેશો નહી..ને બદલે આવી પણ ફિલ્મ બની છે એમ કોઈ પણને કહેવાય યાર.. એ બહાને લોકો સુધી ગુજરાતી ફિલ્મની વાત પહોંચે અને ગુજરાતી ફિલ્મની ચર્ચા થાય. 
    ( તા.ક. મોટેભાગે આપણી ગુજરાતી ફિલ્મ્સ વાળા આમ પણ માઉથ પબ્લિસિટી પર ભરોસો રાખે છે, બાકી પૈસેથી કરાતી પબ્લિસિટીમાં અગેઈન બજેટ પ્રોબ્લેમ!) 
૪. સપ્તપદી 

વરસની શરૂઆતમાં જ આવી હતી આ ફિલ્મ.. સપ્તપદી.. 
નામ વાંચીને તમને યાદ આવી ખરી ?
ના આવી. ? 
ક્યાંથી આવે.. ?
બહુ ઓછી પબ્લિસિટીનો ભોગ બની હતી આ ફિલ્મ પણ... મેકિંગ વખતે આ ફિલ્મ જેટલી ચર્ચાઈ એથી અનેક ગણી ચર્ચાઓ તેના રિલિઝ વખતે થવી જોઈતી હતી. આફ્ટરઓલ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની ફિલ્મ નિર્માણ કંપની એબીકોર્પ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી હતી. વળી, સ્વરૂપ સંપત અને માનવ ગોહિલ જેવા અદભૂત અદાકારોએ તેમાં અભિનય કર્યો હતો. બિગ-બીએ પોતાની કંપનીની ફિલ્મ ગણીને..
     અમુકવાર બ્લોગ પર આનો ઉલ્લેખકર્યો હોત તોય દર્શકો થિયેટરમાં પહોંચીને ફિલ્મને સફળતા સુધી લઈ ગયા હોત. હશે..નસીબ ગુજરાતી ફિલ્મના.. બીજુ શું ?
૫. માબાપના આશીર્વાદ

    પારિવારિક વાર્તા અને વિક્રમના ચાહકોને વખાણે તેવું મેકિંગ ધરાવતી ફિલ્મ, મા-બાપના આશીર્વાદ..ને કમાણીમાં દર્શકોના આશીર્વાદ મળ્યા. બોક્સઓફિસ પર ફિલ્મ ચાલે એ ગુજરાતી ફિલ્મના સારા ભવિષ્ય માટે આવશ્યક છે. હાલ જે દર્શકો સીંગલ સ્ક્રીનમાં ફિલ્મ જોવા જાય છે તે દર્શકોને આ ફિલ્મ પસંદ પડી. અને પરિણામે ફિલ્મ કમાણીની દૃષ્ટિએ પણ સફળ રહી. 
૬. પાટણથી પાકિસ્તાન 

    આ વર્ષમાં વિક્રમ માટે બીજી સફળતા એટલે પાટણથી પાકિસ્તાન. નામ પરથી જ નવો વિષય લાગતી આ ફિલ્મને દર્શકોએ એક્શનના કારણે પસંદ કરી.  
    ચર્ચાંમાં ચૂંદડી અને બદલાની ભાવના - એવરેજ દેખાવ.
૭. મારા રાજ ઠાકોરની ચૂંદડી

    જગદીશ ઠાકોર અને રેશ્મા પુરોહિત અભિનિત આ ફિલ્મને સિંગલ સ્ક્રીનના દર્શકોએ એવરેજ પ્રતિભાવ આપ્યો. આ ફિલ્મમાં ચરિત્ર અભિનેતા અને અભિનેત્રીના કિરદારમાં અરવિંદ રાઠોડ અને પદ્મારાણીએ ફરી એકવાર રંગ જમાવ્યો. વટ અને વેરની વાત સાથેની આ ફિલ્મને મિશ્રપ્રતિસાદ મળ્યો. 
૮. ઠાકોરની લોહીભીની ચૂંદડી 

    સુપરહિટ ફિલ્મ લોહીભીની ચૂંદડીની રિમેક એટલે ઠાકોરની લોહીભીની ચૂંદડી. આ ફિલ્મમાં હીરો બદલાયા, જો કે, દિગ્દર્શક સુભાષ શાહ જ હતા. મૂળ  ફિલ્મના અભિનેતાઓ સાથે આ ફિલ્મના અભિનેતાઓની સરખામણી ન કરીએ એ જ ઉત્તમ... કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ એવરેજ રહી હોવાનું કહેવાય છે. 
૯. મારી પ્રીત કરે પોકાર 

    કાયમ હીરો બને એ વિલન.. અને કાયમ વિલન બને એ હીરો બને.. એવું બન્યુ ગુજરાતી ફિલ્મ મારી પ્રીત કરે પોકારમાં. હિતેન કુમારે નવું કરવાના ભાગ રૂપે આ ફિલ્મમાં નેગેટિવ શેડ સ્વીકાર્યો અને પાર પાડ્યો. દર્શકોને આ ફિલ્મ પસંદ પડી હોત એવું કહેતા ફિલ્મની નજીકના વર્તુળો જણાવે છે કે, આ ફિલ્મ તારીખોના ચક્કરમાં અટવાણી એટલે ધારી એટલી દર્શકો સુધી ન પહોંચી શકી. 
૧૦. સુહાગ

    સ્ત્રી કેન્દ્રી અને બદલાની વાત સાથેની ફિલ્મ એટલે સુહાગ. રોમા માણેકે આ ફિલ્મમાં તવાયફનું કિરદાર નિભાવ્યુ. સૌરાષ્ટ્રના અમુક જ થિયેટરમાં રજૂ થઈ. બાકીના વિસ્તારના દર્શકોએ તો એ જોવાની જ બાકી છે.
    ચર્ચાણી બહુ, વખણાઈ નહી.
૧૧. નામ છે મારુ ગંગા

    અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં.. આવી જ જાહેરાત સાથેની આ ફિલ્મના પોસ્ટર્સમાં બિગ-બી બહુ છવાયા. જ્યાં જુઓ ત્યાં નામ છે મારુ ગંગા.. એવા ગુજરાતી ટાઈટલ સાથેના પોસ્ટરમાં બચ્ચન અન્ય કલાકારો સાથે દેખાય. એ જોઈને કોઈ પણને થાય કે, બાપુ.. જલસો પડવાનો.. બિગ-બી આપણી ફિલ્મમાં... ને આ જ આશાઓ સાથે થિયેટરમાં જાવ.. એટલે છેતરાયાનો અહેસાસ થાય. ભોજપુરીમાંથી ઘણુ જ ખરાબ ગુજરાતી ડબ થયેલી આ ફિલ્મ જોયા બાદ એમ જ થાય કે, આપણી ગુજરાતી ફિલ્મોમાંય અમુક સારી બને છે, થિયેટરમાં ગયા પછી બહાર નીકળી જવાનું તો મન થયુ હતુ..પણ સહનશક્તિની પરીક્ષા કરવા અને ફિલ્મના દરેક ખરાબ પાસા નિહાળવા માટે આ લખનાર થિયેટરમાં બેસી રહેલો. 
૧૨. હા હું દીકરીનો બાપ

    ગુજરાતી ફિલ્મો પબ્લિસિટી પાછળ પૈસા નથી ખર્ચતી એવું મહેણું ભાંગનારી ફિલ્મ હતી.. હા.હું દીકરીનો બાપ. જો કે, એટલી પબ્લિસિટી છતાં સરવાળે દર્શકો થિયેટર સુધી ન પહોંચે એ આપણા કમનસીબ.!
૧૩. શક્તિ ધ પાવર

    શક્તિ ધ પાવર.. આ ફિલ્મનું ટ્રેલર જોયુ ત્યારે ફિલ્મને લઈને બહુ બધી આશાઓ બંધાણી હતી. જો કે, બધી આશાઓ ક્યાં પૂરી થાય છે એ ન્યાયે આ ફિલ્મ સારી હશે એ આશા.. ફિલ્મ જોયા બાદ નિરાશામાં પરીણમી. ફિલ્મમાં ગ્રાફિક્સનો આટલો ખરાબ ઉપયોગ કરશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય. અમુક દ્રશ્યોને બાદ કરતા દર્શકો આ ફિલ્મની શક્તિનો સ્વીકાર કરે.. એટલો પાવર તો ફિલ્મમાં નહોતો જ.







krushna kant

પુસ્તક નહિ, પણ ઐતિહાસિક કાલસંદુક


    (અમુક મહિનાઓ પહેલા પ્રકાશિત થયેલા અભિનેતા – દિગ્દર્શક કુષ્ણકાન્ત (કે.કે.) ના ફિલ્મી જીવનના સંભારણાના પુસ્તક ‘ગુઝરા હુઆ ઝમાના’ વિષે અહીં કશુ લખવાનો જોગ અને એ પહેલા તો તેની પ્રથમ આવૃત્તિની તમામ નકલો ખતમ થઇ ગઈ અને એક મહિના જેટલા ટૂંકા સમયમાં તેની બીજી આવૃત્તિ કરવાનો નિર્ણય લેવાનો થયો. આ પુસ્તકને મળેલા આવા અભૂતપૂર્વ પ્રતિસાદથી આનંદ અવશ્ય થાય છે, પણ આશ્ચર્ય નથી થતું. હવે બીજી આવૃત્તિ નિમિત્તે એ પુસ્તકના સ્વાગતવચન તરીકે લખેલું આ લખાણ અહીં મુકતા અત્યંત આનંદ થાય છે.)
    જેતપુરની કેપીટોલ ટોકિઝ અને સાલ ૧૯૫૨ની. ફિલ્મ ‘દાગ’ એમાં લાગેલી. ફિલ્મોમાં આવતા સંવેદનાત્મક દ્રશ્યો ઝીલવાની પાકટતા તો આવી જ ગઈ હોય. એ ફિલ્મનું એવું જ એક દ્રશ્ય : દીકરા દિલીપકુમારે (ફિલ્મમાં નામ શંકર જે એક શિલ્પી હોય છે.) દારૂની લતમાં દેવું કરવાથી એની ગેરહાજરીમાં વિધવા માતા (લલીતા પવાર) ને ઘર ખાલી કરાવવા ગામનો શાહુકાર અને એની સાથે જપ્તીદાર આવે છે અને ડોશીને ખાલી હાથે ઘરમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી કરે છે. કકળતા હૈયે ડોશી ઘરમાંથી નીકળવા તો જાય છે પરંતુ નીકળતા નીકળતા એક લોટી પોતાની સાથે લઇ જવાનું મન કરે છે. જેની આમ તો છૂટ નથી. તે લોટીને અડકવા જાય છે એ સાથે જ શાહુકાર તેને ધધડાવી નાખે છે. લલીતા પવાર રીતસર ડરી જાય છે. લોટી લીધા વિના તે આગળ વધે છે. ત્યાં પોતાની ટેકણલાકડી પડી હોય છે. એ ખૌફ ખાધેલી નજરે શાહુકાર તરફ જુએ છે. ત્યારે શાહુકારની સાથે આવેલો જપ્તીદાર એની પર દયા ખાઈને એ છૂટ આપે છે. “લે લો માજી લે લો”. એ દ્રશ્ય મારા મનમાં આજે પણ હું મનના પડદા પર જોઈ શકું છું. કારણકે એમાં લલીતા પવાર ઉપરાંત એ બે જણાનો અભિનય પણ અતિ વાસ્તવિક છે. એ બે જણામાં શાહુકારની સાથે આવેલા જપ્તીદાર હતા ચરિત્ર અભિનેતા દુબે અને પેલા બીજા ખૌફ ઉભો કરનાર શાહુકાર તે આ આપણા કે.કે. ઉર્ફે કૃષ્ણકાંત હોય તો એકાદ ક્લોઝઅપ વૃદ્ધાનો હશે. પણ આ બેમાંથી એકનો પણ ક્લોઝઅપ નથી. માત્ર મીડ શોર્ટ જ છે, અને તેમાં પણ દાયકાઓ સુધી જોનારાના મનમાં જળવાઈ રહેનારી પ્રભાવકતા પેદા કરવી એનો યશ દિગ્દર્શકને તો ખરો જ. પણ અભિનેતાઓની પણ એમાં એટલી જ હિસ્સેદારી.

    ૧૯૯૫ થી ૨૦૦૦ સુધીની ગુજરાત રાજ્યની ફિલ્મ એવોર્ડ જ્યુરીના કે.કે. ચેરમેન હતા. ગુજરાતી ફિલ્મોની વાહિયાતતાથી ઉબાઈ ગયેલા કોઈ પણને ગમે તેવી કચરા ફિલ્મને પણ આખેઆખી જોઈ લેવાની શીખ આપતા. એ એમના કાયમી મૃદુ સ્વરે કહેતા, “જુઓ ભાઈ, એમ કંટાળવાનું નહિ કે ઝોલા પણ નહિ ખાવાના. કારણકે આપણે ડાયરેક્ટરથી માંડીને ડાન્સમાસ્ટર સુધીની તમામ કેટેગરીમાં ઇનામો આપવાના છે. કેમ ખબર પડે કે છેલ્લા દ્રશ્યોમાં કોઈ ઉત્કૃષ્ટ ગીત-સંગીત કે નૃત્ય નીકળી આવે? આપણાથી કોઈને અન્યાય ના થવો જોઈએ.” એમની વાણીમાં રહેલા ન્યાયીભાવ અને વાતની સચ્ચાઈ સ્પર્શતી. એ વાત જુદી છે કે ત્રણ વર્ષને અંતે કંટાળીને ‘વોક-આઉટ’ કરી નાખેલું. એ પછી એથીય સારો યોગ થયેલો. જેનો ઉલ્લેખ કદાચ આ પુસ્તકમાં નથી. તે એ કે ગુજરાત રાજ્ય ફિલ્મ નિર્માણ નિગમ હતું ત્યારે વિનોદ જાની (હવે તો સ્વર્ગસ્થ) એના ચેરમેન હતા. એની અંતર્ગત ફિલ્મ નિર્માણ પણ થતું રહેતું. એક ફિલ્મ બનાવવાનું કે.કે. ને સોપયેલું.      

............
    એવરગ્રીનની જેમ એવરઓલ્ડ ફિલ્મી લોકો પણ હોય છે. એ લોકો ક્યારેય યુવાન નહિ હોય એમ લાગે. આ અનુભૂતિ મને કે.કે. ને મને ‘સીમા’ (૧૯૫૫) ફિલ્મમાં જોઇને થઇ હતી. આશ્રમમાં આશરો લઈને રહેતી એક સ્ત્રીને તેનો દારુડીયો પતિ મળવા આવીને જે ઉધામા મચાવે છે તે જોઇને એમ જ લાગ્યું હતું કે આ યુવાન સ્ત્રીનો પતિ આટલો ઉમરવાન? એમાં એમને ઉમરવાન દેખાવાની કોઈ પાત્રગત આવશ્યકતા નહોતી. પણ તેમનો ઉશ્કેરાટનો અભિનય એટલો હુબહુ હતો કે મારા એમની કાયમી છાપ રહી ગઈ. એવો ઉશ્કેરાટ બલકે પુણ્યપ્રકોપ તેમણે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નામની ગુજરાતી ફિલ્મમાં ઘરના વડીલ તરીકે બતાવ્યો હતો. અભિનય કરવાની કે.કે. ની ઢબ અદભુત છે. ગુસ્સો એમના સ્વભાવમાં હશે તોય એ સ્થાયીભાવ નહિ જ હોય. છતાં એ એ ભાવનો જાનદાર અભિનય કરી શકે છે. તો મૃદુતા એમના સ્વભાવમાં તો સ્થાયીભાવ તરીકે કોઈ પણ વરતી શકે તેમ છે. તો તેવો અભિનય તેમને સહજ છે પણ એ અભિનયગત મૃદુતા જોતા એ એમની એટલે કે કે.કે. તરીકેની વ્યક્તિગત નહિ, પણ જે તે પાત્રની લાક્ષણિક લાગે. આ અઘરી વાત જરા બીજા ઉદાહરણથી સમજાવુ તો અભિનેતા રાજકુમારની કડકાઈ કોઈ પણ પાત્રમાં રાજકુમારીયા જ લાગતી. (જે એમના સ્વભાવમાં જ હતી.) એમની માસ્ટરી એમના અસલ વર્તનમાં હતી તેની તે જ પાત્રમાં વરતાતી. તેનો કોઈ અલગ ‘શેડ’ નહોતો જોવા મળતો. નાના પલશીકરનું રાંકપણું, હંગલનું દયામણાપણું અને નાઝીર હુસૈનનો રૂઆબ, જે તેમની પોતાની મૂડી તરીકે તેમને જન્મથી મળેલું હતું તેના બળ ઉપર જ એ પાત્રોને નિભાવતા. પણ નાટ્ય શાસ્ત્ર એમ કહે છે કે જે પોતાના સ્વભાવમાં હોય તો પણ તે વસ્તુને પોતાની સ્ટાઈલમાં નહિ, પણ સોપાયેલા પાત્રની વર્તન – ઢબમાં ઢાળનારો કલાકાર વધુ પ્રતિભાશાળી ગણાય. પરંતુ એક વાત બેશક, તેમને બીજા ચરિત્ર અભિનેતાઓ કરતા અલગ સ્થાનના અધિકારી બનાવે છે. એમના જુના સાથી કલાકારોમાંથી એકમાત્ર શકીલાજીએ એમની મુખ્ય ભૂમિકાવાળી ‘બેગુનાહ’ ની વાત કરતા કે.કે. ને પણ પ્રશંસાના ભાવથી યાદ કર્યા હતા. અને આ મુદ્દો પણ તેમણે જ સ્પષ્ટ કરી આપ્યો હતો. તે ફિલ્મમાં કે.કે. ની અગત્યની ભૂમિકા હતી. પણ કમનસીબે તે ફિલ્મ તેર અઠવાડિયા ચાલ્યા પછી પ્રતિબંધિત થઇ ગઈ હતી, કારણકે તે હોલીવૂડની એક ફિલ્મની નકલ હતી. શકીલાજીની ભૂમિકા એક ડોક્ટરની હતી.
    આ પુસ્તકમાં આલેખાયેલા સંસ્મરણોમાં કેન્દ્રસ્થાને કે.કે. છે પણ એમને ફોકસ પોતાના પર નથી રાખ્યું. (કાઠીયાવાડી બોલીમાં કહું તો એ વચ્ચે છે પણ વચાળે નથી.) મારું આ વાક્ય જરા એબ્સર્ડ લાગશે. પણ ઝીણવટથી સમજવા જેવું છે. કોઈ પણ ઘટનાને એમણે પોતાની આસપાસ નથી ગુંથી. પરંતુ પોતે તે ઘટનાજાળમાં ક્યાં અને કેવી રીતે ગુંથાયા હતા તે આલેખ્યું છે. આમ એમણે પોતાની જાતની વાતને નહિ પણ ઇતિહાસની કોઈ રસિક વાતને મહત્વ આપ્યું છે. ઇતિહાસની એ વાતને એ નિમિત્તે એમણે બોમ્બે ટોકિઝ, અમર પિક્ચર્સ, અમીય ચક્રવર્તીના ‘માર્સ એન્ડ મુવીઝ’, મહિપતરાય શાહ, અનુપચંદ શાહની નિર્માણસંસ્થા જેવી ચિત્રનિર્માણ સંસ્થાઓની ચડતી-પડતીની કથાઓ વર્ણવી છે. તો એમની પૂરી અધુરી ફિલ્મોની દશા – અવદશા – સફળતા – નિષ્ફળતાની અધિકૃત હકીકતો પણ આપી છે. ગુજરાતી ફિલ્મો અને તખ્તાની રસપ્રદ વાતો તો આમાં તો છે જ. પણ હિન્દી ફિલ્મજગત અને ઉદ્યોગ તેમાં વધુ વિશેષ રીતે ઉપસાવાયા છે.

    એમના દરેક વ્યક્તિચિત્રોમાં એટલું બધું જીવન તેમણે પૂર્યું છે કે આપણી નજર સામે એ હરતા – ફરતા અને કામ કરતા નજર સામે આવે છે. નીતિન બોઝનું વ્યક્તિચિત્ર એમાં સૌથી વધુ તાદશ્ય નીપજી આવ્યું છે. એમને ગુરુ માનનારા કે.કે. એ એમની પુરતી ગરિમા બરકરાર રાખીને પણ એમની હતાશાને વ્યક્ત કરી આપી છે. કેટલીક હકીકતો તેઓ જાણતા હશે. પણ એના ઉલ્લેખ માત્રથી પણ કે.કે. દુર રહ્યા છે. નીતિન બોઝને ‘ગંગા જમના’ નું દિગ્દર્શન સોપીને દિલીપકુમારે ગુરુ પરત્વે કૃતજ્ઞતા તો બતાવી, પણ પાછળથી એ ફિલ્મના દિગ્દર્શનની તમામ બાગડોર પોતાના હાથમાં લઇ લીધી અને ગુરુને નેપથ્યમાં મૂકી દીધા એ હકીકત તો ફિલ્મનો ઈતિહાસ જાણનારા સૌ કોઈ જાણે છે. પરંતુ કે.કે. એ એ વસ્તુને સ્પર્શ ના કરીને આ પુસ્તક પુરતી દિલીપકુમાર અને નીતિન બોઝ બંનેની ઈજ્જતને જાળવી લીધી. બીજા અનેક અનેક વ્યક્તિચિત્રો – રાજ કપૂર, અમીય ચક્રવર્તી, સાધના બોઝ, શોભા ખોટે, લીલા દેસાઈ અને રવીન્દ્ર દવે જેવાના માત્ર વાક્યોના એક – બે લસરકાથી કે.કે. એ રસળતી બાનીમાં નિરૂપ્યા છે અને એ બધા નિરૂપણોની સમાંતરે એ જમાનાની ફિલ્મનિર્માણની પ્રક્રિયા અને ગતિવિધિઓ, કલાકારોની સ્થિતિ, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, શુટિંગની રીતરસમો અને ટેકનીક અને તે વખતનો દેશકાળ સુધ્ધા કે.કે. એ ઈતિહાસજ્ઞ હોવાના કોઈ અભિનિવેશ વગર આ પુસ્તકમાં પ્રતિબિંબિત કરી આપ્યો છે.


n  ગજ્જર નીલેશ 

kanti savaliya

કાન્તીભાઈ સાવલિયા માંગશે ગુજરાતી ફિલ્મોનો જનમ જનમનો સાથ


    રાજકોટ તો પહેલેથી જ રંગીલું શહેર તરીકે જગવિખ્યાત છે. ત્યાંથી ગુજરાતી ફિલ્મોને ઘણા કલાકાર કસબીઓ મળ્યા છે. જેમાં વધુ કે નામ ઉમેરાવા જઈ રહ્યું છે. મોટી પાનેલી ગામ ઉપલેટા તાલુકાનું છે જે રાજકોટ જીલ્લામાં આવેલું છે. ત્યાના વતની કાન્તીભાઈ સાવલિયા એક ગુજરાતી ફિલ્મ ગુજ્જુ દર્શકો સમક્ષ ટૂંક સમયમાં લઈને આવશે. ફક્ત ૬ ચોપડી ભણેલા વ્યક્તિ પણ ઘણું કરી શકે છે જો તેમનામાં દુનિયામાં કંઇક કરી બતાવવાની ઈચ્છા હોય તો. આ વાત કાંતિભાઈ જણાવે છે. શરૂઆતમાં ‘પરભવની પ્રીત’, ‘પરદેશી મણિયારો’ જેવી સારા ગજાની ફિલ્મો બનાવી. ૧૯૯૯ માં ‘સાવલિયા ફિલ્મ્સ’ ના નામે બેનરની સ્થાપના કરી. હાલ તેઓ પોતાના બેનરની ફિલ્મ ‘માંગુ સાયબા જનમ જનમનો સાથ’ ફિલ્મના શુટિંગ વ્યસ્ત છે. નિર્માતા કાન્તીભાઈ સાવલિયા અને પ્રવીણસિંહ પરમારની ફિલ્મમાં નવીનતા એ છે કે આ ફિલ્મમાં રાકેશ બારોટ પ્રથમવાર ડબલ રોલ ભજવી રહ્યા છે. ફિલ્મ વિષે જણાવતા કાન્તીભાઈ કહે છે કે એક ઘરમાં બે ભાઈઓમાં જે મોટો હોય છે તેને જ હમેશા કોઈપણ કામ ધંધાદારી કે સામાજિક બાબતોમાં પહેલ કરવી પડતી હોય છે. સાથે સાથે તે જયારે પ્રેમમાં પડે છે અને તે જે છોકરીને પ્રેમ કરતો હોય તેને બીજો કોઈ પણ ચાહતો હોય તો શું થાય છે તેની સાથે અને કેવા કેવા રસ્તાઓ નીકળે છે તે વિષયને અત્યંત સાહજીકતાથી આ ફિલ્મમાં આલેખવામાં આવી છે. રાકેશ બારોટ સાથે અન્ય કલાકારોમાં સાઉથની એક્ટ્રેસ હીરની આહીર, ગીત શાહ, રતન રંગવાણી, પૂજા ગોર, શૈલેશ પ્રજાપતિ, જ્યોતિ ચુડાસમા, દેવેન્દ્ર પંડિત, મનીષા નારકર, મીના પુરાની, રણજીત વાઘેલા, વનરાજ સિંહ તથા ઉર્વશી (બાળ કલકર) છે. દિગ્દર્શન અન્નાજી તથા અશોક ઘોષ સંભાળી રહ્યા છે. છબીકલા અરવિંદસિંહ પુવાર (મુંબઈ) ની છે. ગીતોને શબ્દોથી મઢ્યા છે મનુભાઈ રબારીએ તથા સંગીત આપ્યું છે અજય વાઘેશ્વરીએ. કથા ગોરધનભાઈ ચૌહાણે લખી છે જયારે પટકથા લેખક રાજેશભાઈ ચોરસિયા છે. ફાઈટ માસ્ટર હીરાલાલ યાદવ છે. ડાન્સ માસ્ટર રાજુ નાયડુ, હબીબ તથા શૈલેશ છે. ફિલ્મના પીઆરઓ યુવા પત્રકાર ગજ્જર નીલેશ છે.


n  ગજ્જર નીલેશ 

gujarati lekhika

ગુજરાતી લેખિકા V/S ગુજરાતી ફિલ્મો
વર્ષ ૧૯૮૦માં આવી ‘ભવની ભવાઈ’. ધીરુબહેન પટેલની વાર્તા પરથી કેતન મહેતાએ બનાવેલી આ ફિલ્મમાં હિન્દી ફિલ્મ્સના પરફોર્મર્સ હતા. સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી, મોહન ગોખલે, દીના પાઠક વગેરે. 
વર્ષા અડાલજાની વાર્તા ‘મારે પણ એક ઘર હોય’ પરથી ૧૯૯૯માં બની ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’. ગુજરાત ગવર્મેન્ટના એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મમાં કેટલાક સુંદર સમન્વય થયેલા.


  
    ગુજરાતી ફિલ્મ્સ અને ગુજરાતી નવલકથાઓ, આ બંનેનો સદર્ભ વિચારીએ તો ઘણી ફિલ્મ્સ નજર સામે આવે. પણ ગુજરાતી ફિલ્મ્સ અને સ્ત્રી લેખિકાએ લખેલી નવલકથા કે નવલિકા, આ સંબંધ ચકાસીએ તો ફક્ત ત્રણ ફિલ્મ્સના નામ મળે. ‘કાશીનો દીકરો’, ‘ભવની ભવાઈ’ અને ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’. ‘કાશીનો દીકરો’ વર્ષ ૧૯૭૯માં વિનોદિની નીલકંઠની ટૂંકી વાર્તા ‘દીકરો’ પરથી બની. કાશી એના દિયરને મોટો કરે છે. ભરયુવાનીમાં દિયરનું મૃત્યુ થાય છે. પતિની ભૂલને કારણે માતૃત્વ ધારણ કરી ચુકેલી દેરાણીને બચાવવાનો કાશીનો સંઘર્ષ સુક્ષ્મ રીતે આ ફિલ્મમાં વણી લેવાયેલો. નાટ્ય દિગ્દર્શક કાંતિ મડિયાની આ પ્રથમ ફિલ્મ. રાગિણી, રાજીવ, રીટા ભાદુરીનો સુંદર અભિનય. રમેશ પારેખ, રાવજી પટેલ જેવા કવિઓના ગીતો અને ક્ષેમુ દિવેટીયાનું સંગીત. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.

    વર્ષ ૧૯૮૦માં આવી ‘ભવની ભવાઈ’. ધીરુબહેન પટેલની વાર્તા પરથી કેતન મહેતાએ બનાવેલી આ ફિલ્મમાં હિન્દી ફિલ્મ્સના પરફોર્મર્સ હતા. સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી, મોહન ગોખલે, દીના પાઠક વગેરે. ગૌરાંગ વ્યાસનું સંગીત અને ભવાઈનો ઉપયોગ, બ્રેખ્તિયન સ્ટાઈલન ઉપયોગ કરીને ફિલ્માવવામાં
આવેલો અંત. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં આવેલી વાવમાં પાણી તો જ ભરાય જો કોઈ બત્રીસલક્ષણા પુરુષનો ભોગ અપાય અને એ બત્રીસલક્ષણો પુરુષ દલિત વર્ગનો હોય. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય પારિતોષિક મળ્યા છે.

    ત્રીજી ફિલ્મ વર્ષા અડાલજાની વાર્તા મારે પણ એક ઘર હોય’ પરથી ૧૯૯૯માં બની ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’. ગુજરાત ગવર્મેન્ટના એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મમાં કેટલાક સુંદર સમન્વય થયેલા. અભિજાત જોષીની પટકથા, તુષાર વ્યાસના સંવાદ, સંદીપ પટેલનું દિગ્દર્શન, તુષાર શુકલ, માધવ રામાનુજ, રાજેન્દર શુકલ અને ઝવેરચંદ મેઘાણીના ગીતો, દીપેશ દેસાઈનું સંગીત, હિતેન કુમાર, રોમાં માણેક અને આરતીનો અભિનય ત્રણેય ફિલ્મોમાં પડદા પર જાણે કોઈ કવિતા જીવાતી હોય એવું લાગે. કદાચ, સ્ત્રી લેખિકાઓ માનવ મનના અજ્ઞાત ખૂણાને વધુ સારી રીતે સમજી શકતી હશે.
   


n  ગજ્જર નીલેશ 

priyanka chadda

ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકો મીઠા - પ્રિયંકા ચડ્ડા



    રાજસ્થાનની કોટા શહેરની પ્રિયંકા ચડ્ડા આજે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રથમ હરોળની બિનગુજરાતી અભિનેત્રી ગણાય છે. નાનપણથી અભિનયનો શોખ શાળા-કોલેજમાં નાટકો દ્વારા અભિનયમાં નીખાર આવ્યો. મોટા પડદે કંઇક કરવાની ઘેલછા સાથે પ્રિયંકા કોટામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અને પ્રિયંકા પરિવારની સંમતિથી મુંબઈ આવી. રાજસ્થાનમાં રહી તેમણે પ્રથમ રાજસ્થાની આલ્બમથી અભિનય કેરિયર શરૂ કરી. મુંબઈ આવ્યા બાદ થોડી સ્ટ્રગલ કરી અને ભોજપુરી ફિલ્મ ‘જય હો સતી મૈયા’ મળી ત્યારબાદ ‘સાતો જનમ નિફનુ સજનવા’ ધારાવાહિકમાં દમદાર પાત્ર નિભાવ્યું. હરિયાણવી ફિલ્મ ‘હમ ના જુદા હોંગે’ માં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઇ. ધીરે-ધીરે પ્રિયંકાની અભિનય યાત્રાએ વેગ પકડ્યો. ગુજરાતી ભાષા પ્રિયંકાને ન આવડતી છતાં ‘તારે મારે પ્રીત છે ગોરી’ ગુજરાતી ફિલ્મમાં તેમને લીડ ભૂમિકા મળી. પ્રિયંકા સાહસી હતી અને તેમણે આ ફિલ્મની સફળતા અને તેમની અભિનય પ્રતિભા જોઈ ફિલ્મ મેકરો તેમને સાઈન કરવા લાગ્યા. ‘પિયુ તારા વિના મને એકલું લાગે’ માં વિક્રમ ઠાકોર સાથે કામ કરી પ્રિયંકા ખૂબ જાણીતી બની. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના લગભગ બધા સુપરસ્ટારો સાથે પ્રિયંકાએ અભિનયના ઓજસ પાથર્યા છે.

    પ્રિયંકા ચડ્ડા મોટા પડદાની સાથે નાના પડદે પણ ચમકેલી છે. ડીડી-૧ ની ‘સૌતેલા’, ‘જાયેં કહાં’, ‘ચંદ્રમુખી અને જ્યોતિ’ જેવી ધારાવાહિકો કરી છે. આ સિવાય ટી-સીરીઝનું ‘ચલો શની શિંગણાપુર’ આલ્બમમાં કામ કરી ચુકી છે. પ્રિયંકાએ ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હરણફાળ ભરી છે અને ૧૫ થી વધારે ફિલ્મો કરી ચુકી છે. પ્રિયંકાની આગામી ફિલ્મ ‘ઓઢણી’ રીલીઝ થઇ રહી છે.

    આ ફિલ્મ વિષે જણાવતા પ્રિયંકા કહે છે કે ‘ઓઢણી’ એક અલગ જ પ્રકારની ફિલ્મ છે. મારા કો-સ્ટાર રવિકુમાર છે અને દિગ્દર્શક વિક્રમ રાજપૂત છે. મારૂ પાત્ર ઠાકોરની દીકરીનું ભજવી રહી છું. જેમાં મારા બે મોટા ભાઈઓ છે. જેમાં જે મારા એક ભાઈ છે તે મારા લગ્ન તેમના એક કંપનીના પાર્ટનર સાથે નક્કી કરી દે છે અને હું નાનપણથી એક મારા ઘરના નોકરના છોકરા સાથે પ્રેમ કરતી હોઉં છું. જેના જોડે હું લગ્ન કરવા માંગું છું. આ પ્રકારનું મારૂ પાત્ર છે એક પ્રેમિકાનું.   

પ્ર – ગુજરાતી અને રાજસ્થાની ફિલ્મો વચ્ચે શું તફાવત છે?
ઉ – ગુજરાતી ફિલ્મો અને રાજસ્થાની ફિલ્મો વચ્ચે એક તફાવત એ છે કે જેટલી ઓડીયન્સ ગુજરાતી ફિલ્મોની છે તેટલી રાજસ્થાની ફિલ્મોની નથી. છતાં પણ ગુજરાતી ફિલ્મો ખૂબ જ ઓછી ચાલે છે જેનું એક જ કારણ છે કે એકદમ ન સાંભળવી ગમે તેવી વાર્તા ઉઠાવીને તેની મુવી બનાવી નાખે છે પણ તેઓને ખ્યાલ નથી કે આવું કરવાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જ આપણે પાછળ ધકેલી રહ્યા છીએ. તેઓ ફિલ્મ બનાવવામાં બજેટ વધારે રાખે અને કહે કે અમારી આ ફિલ્મ અમે આટલા મોટા બજેટમાં બનાવી છે. જયારે તે બજેટનો જ ઉપયોગ તે લોકો જો પબ્લીસીટી પાછલા ખર્ચ કરે તો ફિલ્મ ચાલવાની જ છે.

પ્ર – સબસીડી બાબત આપનું શું માનવું છે?
ઉ – મારા ખ્યાલથી સબસીડી ચાલુ થવી જોઈએ. કારણ કે જે ગુજરાત સિવાયના બહારના લોકો છે તે પણ ગુજરાતી ફિલ્મો બનાવવામાં રસ લે અને જેમ પહેલા ગુજરાતી ફિલ્મો બનતી હતી તેમજ આગળ પણ સારી ફિલ્મોને સારા-સારા નિર્માતા-દિગ્દર્શકો ન્યાય આપતા રહે.

પ્ર – ગુજરાતી લોકો વિષે?
ઉ – જેમ ગુજરાતની બોલી મીઠી છે તેમજ અહીંના લોકો પણ એકદમ મીઠા છે એટલે જ મને ગુજરાતી ભાષા બોલવી અને ગુજરાતી લોકો સાથે કામ કરવાની મજા આવે છે.

n  ગજ્જર નીલેશ

vikram rajput

‘ઢોલીડા’ ફિલ્મના દિગ્દર્શક વિક્રમ રાજપૂતને ‘સિનેમેજિક’ પરિવાર તરફથી જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ


    ગુજરાત પહેલેથી જ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે કલા પીરસાતું આવ્યું છે જેમાં ગાંધીનગરના વતની અને ૪ એપ્રિલના રોજ જેઓની વર્ષગાંઠ આવી રહી છે એવા વિક્રમ રાજપૂત કે જેઓને પ્રથમ તો સિનેમેજીક પરિવાર તરફથી જન્મદિનની શુભેચ્છાઓ. વિક્રમ રાજપૂત ૧૯ વર્ષની નાની વયથી કલાક્ષેત્રે સક્રિય છે. આટલી નાની વયે તેઓએ ‘કુદરતનો અનોખો રંગ’ નામે એક નાટક લખેલું જે તે ઉંમરે એક સિદ્ધિ ગણાય. જે નાટકનું દિગ્દર્શન પણ તેમનું હતું અને તેમાં તેમણે અભિનય પણ કરેલો. ભણતરની સાથે સાથે અભિનય – દિગ્દર્શનની જવાબદારી કરતા જોઇને ત્યારે લોકો મોઢામાં આંગળા નાખી ગયેલા કે આટલી નાની ઉંમરે આટલું મોટું સાહસ? ત્યારબાદ ‘વેદનાના આંસૂ’, ‘બિલાડો’, ‘મૂરતિયો ગમતો નથી’ વગેરે કમર્શિયલ નાટકોમાં તેઓએ અભિનય – દિગ્દર્શનની બેવડી જવાબદારીઓ નિભાવેલી. ટીવી સીરીયલમાં ‘પ્રોફેસર પડોસી’ (ડીડી-૧૧) પર પ્રસારીત થતી હતી. વિક્રમ રાજપૂતની પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી ‘સપના સતાવે મારા સાજણના’. જેમાં દિગ્દર્શનનું સુકાન તેમણે સંભાળેલું. ઉપરાંત એક હિન્દી ફિલ્મ પણ દિગ્દર્શિત કરી છે ‘ડોન ભાઈ’. હાલ તેઓ પોતાની ફિલ્મ ‘ઢોલીડા’ પૂરી કરી છે અને આગામી ૧૬ એપ્રિલના રોજ ‘મણિયારો આયો સાજણના દેશમાં’ નું શુટિંગ શરૂ કરવા જઈ રહેલ છે. ત્યારબાદ તેઓ ‘બંસરી ઘેલો શ્યામ’ ફિલ્મની યોજના પણ ઘડી રહ્યા છે. વધુમાં એક હિન્દી ફિલ્મ પણ વિક્રમ રાજપૂત દિગ્દર્શિત કરવા જઈ રહ્યા છે. ‘જીવનધારા’ નામની આ ફિલ્મમાં સંજય દત્ત મહેમાન કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે બીજુકે ‘ઢોલીડા’ ફિલ્મના હીરો રવિકુમાર પણ આ હિન્દી ફિલ્મમાં ચમકતા જોવા મળશે.
    ફિલ્મનું ટાઈટલ ‘ઢોલીડા’ રાખવા અંગે પૂછતા તેઓએ લાંબા ટાઈટલ બાબતે જણાવેલું કે લાંબા ટાઈટલ રાખવાનો હું વિરોધ નથી કરતો પણ મને એવું લાગે છે કે તે ટાઈટલમાં કોઈ એક જૂના અથવા નવા ગીતની લાઈન લખી નાખી હોય જયારે આવા ટાઈટલો પ્રેક્ષકોની જીભે પણ તરત ચડતા નથી. પાછું ટાઈટલને અનુકુળ તમારી ફિલ્મની સ્ટોરી હોવી જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે ફિલ્મનું જે ટાઈટલ હોય છે તેનાથી વિપરીત દિશામાં જ ફિલ્મની કથા જતી હોય છે.
પ્ર – ‘ઢોલીડા’ ફિલ્મ વિષે?
ઉ – આ ફિલ્મમાં જે ‘ઢોલીડા’ કેરેક્ટર છે તે પ્રેમી પંખીડાઓને મદદ કરે છે. ફિલ્મમાં મેઘના અને માધવનો પ્રેમ બતાવવામાં આવ્યો છે. જેમ જે જૂના પ્રેમીઓ થઇ ગયા લૈલા-મજનુ, શીરીન-ફરહાદ જેઓને પ્રેમના દુશ્મન સમાજે જ પ્રેમથી વંચીત રાખ્યા. જે સમાજ પ્રેમીઓના પ્રેમની નૌકાને કિનારા સુધી પહોચવા જ નથી દેતા. પરંતુ જે સાચા પ્રેમીઓ છે તેઓની સામે મૌત પણ આવીને ઊભું રહી જાય તો પણ તેઓ એકબીજાનો સાથ છોડશે નહિ. આજે પણ જે વર્ષો જૂના પ્રેમીઓ પોતાના પ્રેમ માટે પાળિયા થઇ ગયા તે વસ્તુ તેવો વિરોધ પ્રેમીઓ માટે આજે પણ થઇ રહ્યો છે. કોઈ એક સમાજના છોકરાના લગ્ન તે જ સમાજની છોકરી સાથે તેનો જ સમાજ હર્ષોલ્લાસથી કરાવે છે પણ ટ જ સમાજનો છોકરો તેના જ સમાજની છોકરીને પ્રેમ કરી બેસે તો તેનો સમાજ વિરોધ કરે છે. આવું કેમ? કહેવાનો અર્થ એ જ છે કે પ્રેમીઓના દુશ્મન સમાજ અને મોભેદારો કે જે સમાજને લઈને બેઠા છે તે તેઓના ખરા દુશ્મનો છે. તે લોકો જો જાગૃત થશે તો દુનિયામાં કોઈ પ્રેમી પાળિયો નહિ થાય. 
    ધ્રુવ મુવી પ્રોડક્શનની ફિલ્મ ‘ઢોલીડા’ના નિર્માતા લલિત પટેલ, ધર્મેશ પટેલ (મોગરી) છે. સહ-નિર્માતા નરેશ પટેલ, જીત ઠાકોર અને અંજેશ મિશ્રા છે. જયારે દિગ્દર્શન વિક્રમ રાજપુતનું છે. સહ-દિગ્દર્શક શ્રેયા ધકાતે, ઇમરાન મદાર છે. કથા-પટકથા લખી છે અતુલ મકવાણાએ અને હિતેશ શોભાસણના ગીતોને સંગીતથી સજાવ્યા છે અનવર શેખ (સારેગામા સ્ટુડીઓ). ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે. ફિલ્મના દ્રશ્યો તથા ગીતોને કેમેરામાં કંડાર્યા છે કયુમ મોમીને. ફાઈટ માસ્ટર જૂના અને જાણીતા મહંમદ અમદાવાદી છે. ડ્રેસમેન મધુભાઈ છે. ફિલ્મમાં અભિનયના અજવાળા પાથરશે રવિ કુમાર, પ્રિયંકા ચડ્ડા, દિવ્યા પાટીલ, જય પટેલ, હસમુખ ભાવસાર, નીના શાહ, ચૈતાલી શાહ, નીરવ કલાલ, મનોજ રાવ, ઝાકીર ખાન, પ્રિયંકા શ્રીમાળી, છાયા ઠાકોર, નરેશ વાઘેલા, ગોપી ગુજરાત છે. ફિલ્મના દ્રશ્યોને ઇડર, હિંમતનગર, વડાલી, ભિલોડા જેવા ગુજરાતના રમણીય સ્થળો પર શુટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મના પીઆરઓ યુવા પત્રકાર ગજ્જર નીલેશ છે.


n  ગજ્જર નીલેશ