facebook

Showing posts with label abhilash ghoda. Show all posts
Showing posts with label abhilash ghoda. Show all posts

Tuesday, 27 October 2015

abhilash ghoda

જો ફિલ્મ જેવી ફિલ્મ નહિ બનાવો તો તમે લારી લઈને વેચવા નીકળશો તો પણ કોઈ તમારી ફિલ્મનો ખરીદાર નહિ મળે - અભિલાષ ઘોડા


    મહારાષ્ટ્ર સરકારે થીયેટરો માટે જે જાહેરનામું બહાર પાડ્યું તેના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે સાંજના છ વાગ્યે ત્યાની માતૃભાષાની ફિલ્મો માટે એક એક શો ફરજીયાત બતાવવો એવો કાયદો ઘડ્યો તો આપણી ગુજરાત સરકાર પણ આપણી ગુજરાતી ભાષાની ફિલ્મો માટે આવા કાયદા અમલમાં લાવશે કે નહિ એ એક પ્રશ્ન છે. આ માટે ભૂતકાળમાં પણ ગુજરાત સરકારને ઘણી અરજીઓ કરવામાં આવી છે જેનો હજી સુધી કોઈ સચોટ નિર્ણય આવ્યો નથી. જેના વિષે અભિલાષ ઘોડાએ જણાવ્યું કે, આમાં આપણે સરકારનો વાંક ના કાઢી શકાય. મરાઠી ફિલ્મનો આ નિર્ણય સરાહનીય છે અને તેમાં એ શક્ય છે કારણ કે, મરાઠી ફિલ્મો અને મુંબઈ તે બંને એકબીજાને કનેક્ટેડ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું મેઈન સેન્ટર જ મુંબઈ કે એટલે ત્યાં પ્રોડક્શન એ લેવલના હોય છે અને બીજું કે તેને ત્યાની ફિલ્મો માટે પૂરતું ઓડીયન્સ મળી રહે છે. આપણે અહીં પરિસ્થિતિ જુદી છે પરંતુ જે ફિલ્મો આવકાર દાયક છે તેને કંઇ નડતું જ નથી. જેમકે, એક ફિલ્મ આવી હતી ‘બે યાર’ જેને ખૂબ સફળતા મળી. જે લોકો થીયેટર માટે આટલા આટલા ઊંચા થઈને પછડાઈ છે તેને મારે કહેવું છે કે ‘બે યાર’ ને ક્યાં થીયેટર મેળવવા માટે મુશ્કેલી પડી? ગુજરાતી ફિલ્મોને થીયેટર નથી મળતા તે વાત હું માનતો નથી અને તે વાત તદ્દન ખોટી છે. ફિલ્મો ભલે સારામાં સારી બનતી હોય પણ જ્યાં સુધી દર્શકોને જોવા લાયક નહિ બને ત્યાં સુધી ફિલ્મો નહિ ચાલે. અત્યાર ના ઘણા બધા થીયેટરો પણ સારી રીતે ચાલે છે અને તેનું રીનોવેશન થઈને એકદમ સારા બની ગયા છે અને જે થીયેટરોની હાલત ખખડધજ છે તેના થીયેટર માલિકોને પૈસા ખરચવામાં રસ નથી. છતાં પણ તે ચાલે છે અને એને જોઈતું ઓડીયન્સ મળી રહે છે તો આગળ શું કરવાનું?

    હું એમ માનું છું કે કોઈપણ વસ્તુની ડિમાન્ડ કરતા પહેલા એટલે કે, થીયેટરની ડિમાન્ડ કરો, સબસીડીની ડિમાન્ડ કરો કે ફિલ્મોના ટેક્સ ફ્રીની ડિમાન્ડ કરો પણ તે પ હેલા તમારી પ્રોડક્ટમાં દમ હોવો જોઈએ. જો પ્રોડક્ટમાં દમ હશે તો ઘરે બેઠા માલ વેચાશે. બાકી તમે લારી લઈને વેચવા નીકળશો તો પણ કોઈ ખરીદાર નહિ મળે. જ્યાં સુધી સારા મેકરો આ ઇન્ડસ્ટ્રીઝને નહિ મળે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ધૂંધળું જ છે. પહેલાના ડિરેક્ટરોએ તેમના પ્રોડ્યુસરો પાસે જે ડિમાન્ડ કરી હતી તે તેમના નિર્માતાઓએ પૂરી કરી હતી અથવા તો પૂરી કરવી પડી હતી. દિગ્દર્શકોનો એટલો વટ હતો. જયારે અત્યારની પરિસ્થિતિમાં ગણ્યાગાંઠયા પ્રોડ્યુસરો એવા છે જેને મુહુર્તના આગલે દિવસે યાદ આવે કે, સાલો ડિરેક્ટર તો બૂક કરવાનો રહી ગયો. એટલે ગમે તેને બોલાવી લે કે તને આવડે છે ને શોટ લેતા. આવી જા ચલ ફિલ્મ બનાવ. આ ફિલ્મ શું બનવાની હતી. એમાં એવું કહેવામાં આવે છે કે અમને સબસીડી નથી મળતી તો તમને કંઇ મળવું જ ના જોઈએ. હું એવું માનું છું. મજાક બનાવી દીધી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને. 



n  ગજ્જર નીલેશ 

Saturday, 26 September 2015

abhilash ghoda

સ્વચ્છ, તંદુરસ્ત, હળવી શૈલીનું પ્રહસન એટલે .....કમાલ કરે છે, ધમાલ કરે છે એક ડોસી ડોસાને હજુ વહાલ કરે છે


    કલાજગતમાં મુઠ્ઠી ઉંચેરૂ નામ ધરાવતા અભિલાષ ઘોડા નિર્મિત – દિગ્દર્શિત અને જાણીતા લેખક પ્રવીણ સોલંકી લિખિત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી પ્રેરિત પ્રહસન ‘એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે’ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે થોડા સમય પહેલા જ મંચસ્થ થયું.
    સ્વ. સુરેશ દલાલના ગીતમાંથી આ પંક્તિ લઇ પ્રવીણ સોલંકીએ એક સ્વચ્છ, તંદુરસ્ત અને હળવી શૈલીનું પ્રહસન લખ્યું છે. તેમના તખ્તા લાયકીવાળા નાટકોમાં મંચન કુશળતા સહેજેય વર્તાય છે અને માટે જ દર્શકો તેમના નાટકો ખાસ પસંદ કરે છે તેવી તેવી તેમની વસ્તુ ગૂંથણી હોય છે.
    દાસ દંપતી દ્વારા દામ્પત્યના વૃદ્ધ સ્નેહની વાત કુનેહથી વણી લેવામાં આવી છે. પ્રાણજીવન દાસ (જેમના નામમાં બબ્બે ખલનાયકોના નામ છે, પ્રાણ અને , બાપ રે બાપ.....) સિત્તેર વટાવી ચુક્યા છે. પાંસઠ વર્ષના દેવી સાથે રોજીંદા જીવન વિષયક ચર્ચાઓ ચાલતી હોય છે. ત્યાં અમેરિકા સ્થાયી થયેલા દીકરા રાકેશનો ફોન આવે છે તેમાં દાસ સંપતિને લગ્નના ૫૦ વર્ષ ઉજવવા અમેરિકા આવવાનું આમંત્રણ અપાય છે. વળી તેમને શ્રેષ્ઠ દંપતીનો એવોર્ડ પણ આપવાનો છે અને તે પણ રાકેશના અમેરિકન મિત્રો દ્વારા. પતિ પત્ની વચ્ચે જવા ન જવાની ચર્ચાઓ ચાલે છે. દ્વિઅંકી નાટકમાં દ્રશ્યો ઘણા છે. દ્રશ્ય રચના વર્તમાનકાળ અને ભૂતકાળને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવી છે. તેમાં દેવીના પિતા કાલીદાસનું મૃત્યુ, પ્રાણજીવન દ્વારા થયેલો દગો, પર સ્ત્રી આકર્ષણ, છેતરપીંડી વગેરે પ્રસંગો ભજવાય છે. મિત્ર બમનની મદદ નિષ્ફળ જાય તો પણ પ્રયત્નશીલ છે. આ બધું દેવી સમજે છે છતાં સહિષ્ણુતાથી સ્વીકારે છે. પરંતુ દેવી જયારે પ્રાણજીવન સામે એક જ રહસ્ય ખોલે છે ત્યારે નાટકની પૂર્ણતાનો અહેસાસ થાય છે.

    પાત્રવરણીમાં મુખ્ય પાત્ર પ્રાણજીવનનું નિશીથ બ્રહ્મભટ્ટ નિભાવે છે કે જે પાત્રને તેમણે તેમની આગવી કુશળતાથી ભજવ્યું છે. કહો કે આખું નાટક તેમના ખભા પર સ્થિર છે. દેવી (નંદીની મહેતા), બમન (હરેશ ડાઘીયા), સાસુ (દીપા ત્રિવેદી), કાલીદાસ (હર્ષ કવીથીયા), સરિતા (શ્વેતા શાહ) પોક મુકનારા વગેરે પોતપોતાની કુશળતા જાળવી શક્યા છે. અંતે અભિલાષ ઘોડા દ્વારા અપાતો સમગ્ર નાટ્ય કર્મીઓનો પરિચય પણ રસપ્રદ રહ્યો. ખ્યાલ આવી જાય છે કે બધા કલાકાર અને કસબીઓ યુવાન છે. નિર્માતામાં તો આ કલા જન્મજાત છે. એમણે ઘણી ટીવી શ્રેણીઓ, ફિલ્મો, મોટા ગજાના ઈવેન્ટ્સમાં પોતાનું કલા રૂપ પ્રગટ કર્યું જ છે. નાટકના સંવાદો સસ્તા અને દ્વિઅર્થી ક્યાંય નથી છતાં નાટકે પોતાનો ધાર્યો હેતુ સિદ્ધ કર્યો જ છે યોગ્ય આરોહ – અવરોહ અને ભાર દ્વારા. થોડી માળખાકીય મર્યાદાઓ સેટમાં છે. કબાટ, સોફા, પેડસ્ટલ ફેન, દીવાલો પર લગાવાયેલા આધુનિક લેમ્પ, પણ પ્રાણજીવનના પ્રવાસ વખતે કબાટ પર મુકાયેલી બેગ (લાલ રંગની) યોગ્ય સમયે ઉતારવી જોઈતી હતી તે ના ઉતરી. એક પ્રખ્યાત અંગ્રેજ વિવેચક કહે છે કે કૃતિમાં બંધુક દીવાલ પર લટકતી હોય તો તે કૃતિ દરમિયાન ફૂટવી જ જોઈએ નહિ તો તેના અસ્તિત્વનો કોઈ અર્થ નથી.
    શોના અંતે બહાર નીકળતી વખતે પ્રેક્ષકોના અભિપ્રાયો પણ સારા હતા. ક્યાંય વલ્ગારીટી નહિ, અશ્લીલતા નહિ, હસી હસીને બેવડ વળી જવાય તેવો બધાનો અભિનય, સુંદર સંવાદો, સંગીતની જોરદાર ઈફેક્ટ પ્રહસનને આસ્વાદ બનાવે છે.
    વૃદ્ધ દામ્પત્ય કે જેના લગ્નને ૫૦ વર્ષ થયા છે તેમાં પણ પરસ્પર માટેની ચિંતાઓ, વાચાળ સંવાદો દ્વારા જણાતી સહિષ્ણુતા, અન્યોન્યને નિભાવનારી અને ક્ષમાવૃત્તિ આદર્શ દામ્પત્યની પરાકાષ્ઠા સૂચવતો નાટકનો સંદેશ છે.
    હું આવી રીતે ફક્ત વખાણ જ કરૂ એવું પણ નથી. લોકપ્રિયતાના લક્ષણો મે જે માણ્યા તે જ જણાવ્યા છે. એક સહજ પત્રકાર તરીકે. બાકી તો મનહર, મનભર દ્વિઅંકી.   


n  ગજ્જર નીલેશ