facebook

Saturday, 26 September 2015

abhilash ghoda

સ્વચ્છ, તંદુરસ્ત, હળવી શૈલીનું પ્રહસન એટલે .....કમાલ કરે છે, ધમાલ કરે છે એક ડોસી ડોસાને હજુ વહાલ કરે છે


    કલાજગતમાં મુઠ્ઠી ઉંચેરૂ નામ ધરાવતા અભિલાષ ઘોડા નિર્મિત – દિગ્દર્શિત અને જાણીતા લેખક પ્રવીણ સોલંકી લિખિત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી પ્રેરિત પ્રહસન ‘એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે’ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે થોડા સમય પહેલા જ મંચસ્થ થયું.
    સ્વ. સુરેશ દલાલના ગીતમાંથી આ પંક્તિ લઇ પ્રવીણ સોલંકીએ એક સ્વચ્છ, તંદુરસ્ત અને હળવી શૈલીનું પ્રહસન લખ્યું છે. તેમના તખ્તા લાયકીવાળા નાટકોમાં મંચન કુશળતા સહેજેય વર્તાય છે અને માટે જ દર્શકો તેમના નાટકો ખાસ પસંદ કરે છે તેવી તેવી તેમની વસ્તુ ગૂંથણી હોય છે.
    દાસ દંપતી દ્વારા દામ્પત્યના વૃદ્ધ સ્નેહની વાત કુનેહથી વણી લેવામાં આવી છે. પ્રાણજીવન દાસ (જેમના નામમાં બબ્બે ખલનાયકોના નામ છે, પ્રાણ અને , બાપ રે બાપ.....) સિત્તેર વટાવી ચુક્યા છે. પાંસઠ વર્ષના દેવી સાથે રોજીંદા જીવન વિષયક ચર્ચાઓ ચાલતી હોય છે. ત્યાં અમેરિકા સ્થાયી થયેલા દીકરા રાકેશનો ફોન આવે છે તેમાં દાસ સંપતિને લગ્નના ૫૦ વર્ષ ઉજવવા અમેરિકા આવવાનું આમંત્રણ અપાય છે. વળી તેમને શ્રેષ્ઠ દંપતીનો એવોર્ડ પણ આપવાનો છે અને તે પણ રાકેશના અમેરિકન મિત્રો દ્વારા. પતિ પત્ની વચ્ચે જવા ન જવાની ચર્ચાઓ ચાલે છે. દ્વિઅંકી નાટકમાં દ્રશ્યો ઘણા છે. દ્રશ્ય રચના વર્તમાનકાળ અને ભૂતકાળને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવી છે. તેમાં દેવીના પિતા કાલીદાસનું મૃત્યુ, પ્રાણજીવન દ્વારા થયેલો દગો, પર સ્ત્રી આકર્ષણ, છેતરપીંડી વગેરે પ્રસંગો ભજવાય છે. મિત્ર બમનની મદદ નિષ્ફળ જાય તો પણ પ્રયત્નશીલ છે. આ બધું દેવી સમજે છે છતાં સહિષ્ણુતાથી સ્વીકારે છે. પરંતુ દેવી જયારે પ્રાણજીવન સામે એક જ રહસ્ય ખોલે છે ત્યારે નાટકની પૂર્ણતાનો અહેસાસ થાય છે.

    પાત્રવરણીમાં મુખ્ય પાત્ર પ્રાણજીવનનું નિશીથ બ્રહ્મભટ્ટ નિભાવે છે કે જે પાત્રને તેમણે તેમની આગવી કુશળતાથી ભજવ્યું છે. કહો કે આખું નાટક તેમના ખભા પર સ્થિર છે. દેવી (નંદીની મહેતા), બમન (હરેશ ડાઘીયા), સાસુ (દીપા ત્રિવેદી), કાલીદાસ (હર્ષ કવીથીયા), સરિતા (શ્વેતા શાહ) પોક મુકનારા વગેરે પોતપોતાની કુશળતા જાળવી શક્યા છે. અંતે અભિલાષ ઘોડા દ્વારા અપાતો સમગ્ર નાટ્ય કર્મીઓનો પરિચય પણ રસપ્રદ રહ્યો. ખ્યાલ આવી જાય છે કે બધા કલાકાર અને કસબીઓ યુવાન છે. નિર્માતામાં તો આ કલા જન્મજાત છે. એમણે ઘણી ટીવી શ્રેણીઓ, ફિલ્મો, મોટા ગજાના ઈવેન્ટ્સમાં પોતાનું કલા રૂપ પ્રગટ કર્યું જ છે. નાટકના સંવાદો સસ્તા અને દ્વિઅર્થી ક્યાંય નથી છતાં નાટકે પોતાનો ધાર્યો હેતુ સિદ્ધ કર્યો જ છે યોગ્ય આરોહ – અવરોહ અને ભાર દ્વારા. થોડી માળખાકીય મર્યાદાઓ સેટમાં છે. કબાટ, સોફા, પેડસ્ટલ ફેન, દીવાલો પર લગાવાયેલા આધુનિક લેમ્પ, પણ પ્રાણજીવનના પ્રવાસ વખતે કબાટ પર મુકાયેલી બેગ (લાલ રંગની) યોગ્ય સમયે ઉતારવી જોઈતી હતી તે ના ઉતરી. એક પ્રખ્યાત અંગ્રેજ વિવેચક કહે છે કે કૃતિમાં બંધુક દીવાલ પર લટકતી હોય તો તે કૃતિ દરમિયાન ફૂટવી જ જોઈએ નહિ તો તેના અસ્તિત્વનો કોઈ અર્થ નથી.
    શોના અંતે બહાર નીકળતી વખતે પ્રેક્ષકોના અભિપ્રાયો પણ સારા હતા. ક્યાંય વલ્ગારીટી નહિ, અશ્લીલતા નહિ, હસી હસીને બેવડ વળી જવાય તેવો બધાનો અભિનય, સુંદર સંવાદો, સંગીતની જોરદાર ઈફેક્ટ પ્રહસનને આસ્વાદ બનાવે છે.
    વૃદ્ધ દામ્પત્ય કે જેના લગ્નને ૫૦ વર્ષ થયા છે તેમાં પણ પરસ્પર માટેની ચિંતાઓ, વાચાળ સંવાદો દ્વારા જણાતી સહિષ્ણુતા, અન્યોન્યને નિભાવનારી અને ક્ષમાવૃત્તિ આદર્શ દામ્પત્યની પરાકાષ્ઠા સૂચવતો નાટકનો સંદેશ છે.
    હું આવી રીતે ફક્ત વખાણ જ કરૂ એવું પણ નથી. લોકપ્રિયતાના લક્ષણો મે જે માણ્યા તે જ જણાવ્યા છે. એક સહજ પત્રકાર તરીકે. બાકી તો મનહર, મનભર દ્વિઅંકી.   


n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment