facebook

Showing posts with label bollywood actors. Show all posts
Showing posts with label bollywood actors. Show all posts

Tuesday, 27 October 2015

bollywood to dhollywood

આ કલાકારોને બોલિવૂડમાં ના મળી સફળતા, હવે ઢોલિવૂડમાં મચાવશે ધૂમ


    પહેલાં સ્થાનિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કલાકારો બોલિવૂડમાં કામ કરવાનું તેમનું સ્વપ્નું હતું. જોકે, હવે સમય બદલાઈ ગયો છે. હવે, બોલિવૂડમાં કામ કર્યા બાદ પણ કલાકારો સ્થાનિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જેમ કે બંગાળી, મરાઠી તથા ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરવા ઉત્સુક હોય છે. 
    હાલમાં જ બોલિવૂડમાં કામ કર્યા બાદ એવા ઘણાં કલાકારો છે, જેમણે પોતાના કરિયરની શરૂઆત તો બોલિવૂડથી કરી છે. તેમ છતાંય તેમણે પ્રાદેશિક ભાષાની ફિલ્મ્સમાં કામ કર્યું છે. પહેલાં ગુજરાતી ફિલ્મ્સને લઈને કલાકારો નાકનું ટેરવું ચઢાવી દેતા હતાં. જોકે, હવે સમય બદલાયો છે અને ગુજરાતી ફિલ્મ્સની ક્વોલિટી પણ સુધરતા બોલિવૂડ કલાકારો પણ હવે ગુજરાતીમાં કામ કરી રહ્યાં છે.
    આજે આપણે એવા જ કેટલાંક બોલિવૂડ કલાકારો પર નજર કરીશું, જેમણે શરૂઆત તો બોલિવૂડથી કરી પણ તક મળતાં ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

    અભિમન્યુ સિંહ; 'ગુલાલ' તથા 'રામ-લીલા'માં દમદાર ભૂમિકા ભજવ્યા બાદ અભિમન્યુ સિંહ ગુજરાતી ફિલ્મ 'પ્રેમજીઃ રાઈઝ ઓફ અ વોરિયર'માં કામ કર્યું છે. 'રામ-લીલા'માં અભિમન્યુ ગુજરાતી બન્યો હતો. 'પ્રેમજીઃ રાઈઝ ઓફ અ વોરિયર'માં અભિમન્યુ કચ્છી લુકમાં જોવા મળ્યો છે. આ ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવા છે. દર્શકોને અભિમન્યુનો લુક ઘણો જ પસંદ આવ્યો છે. 

    નીતિ મોહનઃ 'જબ તક હૈં જાન'નું ગીત 'જીયા રે...' પછી 'સ્ટુડન્ટ ઓફ ધ યર'નું 'ઈશ્કવાલા લવ' જેવા પાવર-પેક્ડ સોંગ્સ આપ્યા બાદ નીતિ મોહને ગુજરાતી ફિલ્મમાં પોતાનો સ્વર આપ્યો છે. ધ્વની ગૌતમ દિગ્દર્શિત ફિલ્મ 'રોમાન્સ કોમ્પ્લીકેટેડ'માં ગીત ગાયું છે. આ ફિલ્મ હજી રીલિઝ થઈ નથી. આ ફિલ્મમાં સોનુ નિગમ, જાવેદ અલી તથા નિરજ શ્રીધર જેવા ગાયકો ગીત ગાશે, તેમ માનવામાં આવી રહ્યું છે. 

    નક્ષ અઝીઝઃ 'આર રાજકુમાર'નું ગીત 'સાડી કા ફોલ સા'. 'ફટા પોસ્ટર નિકલા હિરો'નું ગીત 'ધતિંગ ડાન્સ'થી લોકપ્રિય થનાર ગાયક નક્ષ અઝીઝ આમ તો બંગાળી ગાયક છે. તેણે બોલિવૂડમાં અનેક જાણીતા સોંગ્સ આપ્યા છે. નક્ષના 'ગંદી બાત', 'પૂંગી' જેવા ગીતો સંગીતપ્રેમીઓને ઘણાં જ પસંદ આવ્યા હતાં. નક્ષે ગુજરાતી ફિલ્મ 'આ તે કેવી દુનિયા'ના બે ગીતો 'નાથાલાલ' તથા 'ઓનલી કરન્સી' ગાયા છે. આ ફિલ્મના ડિરેક્ટર તેજસ પડિયા છે. 

    નમ્રતા વૈદઃ ટીવી સીરિયલ 'બેઈન્તિહા'માં લાલચુ તથા ષડયંત્ર કરનારી નાની વહુ શાઝિયાની ભૂમિકા ભજવનાર ન્રમતા વૈદે પોતાની કરિયરની શરૂઆત ગુજરાતી ટીવી સીરિયલ 'મોટી બા'માંથી કરી હતી. આ સિવાય નમ્રતા વૈદે ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું હતું. હવે, નમ્રતા વૈદ ગુજરાતી ફિલ્મથી પોતાની કરિયરને આગળ વધારી રહી છે. નમ્રતાએ 'પ્રેમજીઃ રાઈઝ ઓફ અ વોરિયર'માં કામ કર્યું છે. 

    રાશિદ અલીઃ 'જાને તુ યા જાને ના'ના ગીત 'કભી કભી અદિતી' અને 'કહી તો' જેવા ગીતો હિટ્સ રહ્યાં હતાં. રાશિદે પોતાના અવાજથી ચાહકોને ઘણાં જ ઈમ્પ્રેસ કર્યાં હતાં. હવે, રાશિદ અલી ધ્વની ગૌતમની ફિલ્મ 'રોમાન્સ કોમ્પલિકેટેડ'માં ગીત ગાવાનો છે. આ ફિલ્મમાં અન્ય કેટલાંક બોલિવૂડ ગાયકો પણ ગીત ગાવાના છે. 

    દિવ્યા મિશ્રાઃ 2014ની ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનાલિસ્ટ દિવ્યાએ અનેક મોડલિંગ પ્રોજેક્ટ્સ તથા પ્રિન્ટ કેમ્પેઈન કર્યાં છે. હવે, તે પોતાની કરિયરની શરૂઆત બોલિવૂડ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મથી કરવા જઈ રહી છે. દિવ્યા મિશ્રા ધ્વની ગૌતમની ફિલ્મ 'રોમાન્સ કોમ્પલિકેટેડ'માં કામ કરી રહી છે. 



n  ગજ્જર નીલેશ


Monday, 12 October 2015

deven varma

દેવેન વર્માની કોમેડી સ્થૂળ નહોતી, તેની કોમેડી પણ નીખાલસતાથી ભરેલી રહેતી  


    કોમેડી ફિલ્મોના ચાહકોને ‘અંગુર’ નામની ફિલ્મ યાદ ન હોય તેવું તો બની જ ન શકે. ૧૯૬૮ માં આવેલી ફિલ્મ ‘દો દુની ચાર’ માં કીશીર કુમાર અને આસિત સેન ડબલ રોલમાં શેઠ – નોકરના રોલમાં હતા. તેના પરથી જ પ્રેરણા લઈને ગુલઝારે ૧૯૮૨ માં બે ગુજરાતી કલાકારોને લઈને ‘અંગુર’ નામની ફિલ્મ બનાવી. જેમાં શેઠ બન્યા હતા સંજીવ કુમાર અને તેના નોકરનું પાત્ર ભજવ્યું હતું દેવેન વર્માએ. કારણ વિનાના જોક્સ, અળવીતરા, બાઘાપણા વિના તેઓ સંજોગોના કારણે ઉભા થતા હાસ્યને સર્જતા હતા. કોમેડીમાં જ્હોની લીવર, મહેમુદ, રાજેન્દ્રનાથના નામના સિક્કા પડતા ત્યારે કોમેડીમાં સફળ થવાની વાત જ અન્ય અભિનેતા માટે સ્વપ્ન સમાન હતી. એ સમયે દેવેન વર્માએ પોતાની આગવી શૈલીની કોમેડીથી સફળતા પ્રાપ્ત કરી હતી અને એ પામવા માટે તેમણે ખૂબ મહેનત અને લગન સાથે પરિશ્રમ કર્યો હતો. રમેશ તલવાર દિગ્દર્શિત ‘દુસરા આદમી’ જોનારને એ ફિલ્મમાં હિરોઈન (નીતુસિંઘ) ના મામા બનતા સંગીતગુરુ પણ યાદ હશે જેમણે ભાણેજે પોતાના પ્રેમીને મળવા ટ્રેનની ચેઈન ખેંચતા ટી.સી. ને દંડ ચૂકવવો પડે ત્યારે પણ મ્યુઝીક શોધે છે. જરા હજુ પાછળ જઈ કોઈ ‘ચોરી મેરા કામ’ ફિલ્મને યાદ કરે તો તેમા ગુજરાતી બોલતા અને ફસાતા એ પાત્રની યાદ આવશે જેનું નામ ‘પ્રવીણભાઈ’ છે પરંતુ એકેય વાતે પ્રવીણ નથી.

    
    દેવેન વર્મા ગુજરાતી છે પણ એમાં ખુશ થવા જેવું કંઇ નથી. એણે કદી ગુજરાતી હોવાનું ગૌરવ તો જવા દ્યો..... ગુજરાતી તરીકે પોતાનો ઉલ્લેખ પણ કદી કર્યો નથી. લગભગ ૧૯૬૬ ની આસપાસની કોઈ સાલ હશે. જયારે અમદાવાદના શાહીબાગ ખાતેના પોલીસ સ્ટેડીયમમાં ‘શંકર જયકિશન નાઈટ’ યોજાયેલી. રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, મોહમ્મદ રફી, વિમી અને દેવેન વર્મા ઉપસ્થિત હતા. જેમાં દેવેને ‘મધુ માલતી મસાલે મે’ નામની ખૂબ હસાવતી સ્ક્રીપ્ટ રજૂ કરી હતી. મોહમ્મદ રફીના ગીત ‘બહારો ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ’ પર રાજેન્દ્ર કુમાર સ્ટેજ પર વિમીને બંને હાથમાં ઊંચકીને ફર્યો હતો. દેવેન વર્મા અન્ય કોમેડીયનો કરતા જુદી ભાતવાળો બેશક હતો. ક્યાંક ક્યાંક બફૂનરી (કોમેડીનો એક પ્રકાર) કરવી પડી હશે. બાકી એની ફિલ્મોના રોલ થોડા સેન્સીબલ હતા. ખાસ કરીને ઋષિકેશ મુખર્જીની ફિલ્મોમાં. બીજા ફિલ્મ સ્ટાર્સના અવાજની મિમિક્રી કરતા જ્હોની લીવર જેવા કોમેડીયનો તો પછી આવ્યા. સ્ટેજ પર ફિલ્મ કલાકારોના અવાજની નકલની શરૂઆત દેવેને કરી હતી. દેવેન વર્માની પહેલી ફિલ્મ શશી કપૂરની ‘ધર્મપુત્ર’ હતી. જે સાવ ફ્લોપ ગઈ. દેવેન એ વખતે સ્ટેજ શો માટે મોરેશિયસ ગયો હતો. ત્યાં શશી કપૂરનો ટેલીગ્રામ આવ્યો કે, ‘ધર્મપુત્ર’ ફેઈલ ગઈ છે ને કારણ કોઈને ખબર નથી. ફિલ્મ ‘અંગુર’ માં ડબલ રોલ કરતો દેવેન પાત્રોમાં ‘સા’ અક્ષરનો ઉચ્ચાર જુદો જુદો કરે છે. છેક ફિલ્મ રીલીઝ થયા પછી ગુલઝારનું ધ્યાન પડ્યું. એટલે એ વખતે અમેરિકા ગયેલા દેવેનને તાબડતોબ મુંબઈ બોલાવવામાં આવ્યો અને એનું પૂરું ડબિંગ ફરીથી કરવામાં આવ્યું.

    
    કોમેડીમાં પૂરું ટાઈમિંગ જાળવી રાખતો દેવેન વર્મા પોલીસ ઇન્સ્પેક્ટર દફા ૩૦૨ યા દફા ૨૦૩ યાદ કરાવવાના બદલે શાયરી પર શાયરી કહેતો જતો હોય તો કેવું લાગે? એવી કોમેડી ‘દિલ’ ફિલ્મમાં થઇ હતી. ‘યે જીના હૈ અંગુર કા દાના, કુછ ખટ્ટા હૈ કુછ મીઠા હૈ’ જેવી ખટમીઠી કોમેડી ભૂમિકા ભજવનાર એ અભિનેતા દેવેન વર્મા છે. નૂર મોહમ્મદ ચાર્લી પછીના તબક્કામાં આવેલા મહેમુદ, જગદીપથી માંડી અસરાની સુધીના હાસ્ય અભિનેતાઓ સાથે શાંત પણ સ્વસ્થ ટક્કર લેનાર કોઈ કોમેડિયન હોય તો આ દેવેન વર્મા. રાજપૂતો ખોટી રીતે ક્યાંય ઝુકતા નથી. એવી ધારણાને ‘વર્મા’ અટકધારી આ રાજપૂતે કોમેડીમાં ય સાચી પાડી છે. વર્માનો અર્થ થાય તલવારથી રક્ષા કરનાર. દેવેન વર્માએ નોખી શૈલીથી કોમેડીની રક્ષા કરી. તેમના કોમેડી કેરેક્ટરમાં કશા વિચિત્રપણાનો અહેસાસ ન હોય. બુદ્ધિનું દેવાળું ફુંકાયું હોય એવું વર્તન ન હોય. સ્ત્રીના કપડા પહેરી હસાવે નહિ. દેવેન વર્માની કોમેડી સુક્ષ્મ અભિનયવાળા વાચિક વડે સર્જાતી. તેમાં બુદ્ધિચાતુર્ય હોય પણ આઈ.એસ.જોહર પ્રકારનું નહિ. સાવ પોતીકી રીતનું. દેવેન વર્માનો ચહેરો ય એવો નહિ કે જોતા જ હસવું આવે. પડદા પરની તેમની હાજરી ધીરે ધીરે ખીલતી જાય. યશ ચોપરા, ઋષિકેશ મુખર્જી, ગુલઝાર, આસિત સેન જેવા દિગ્દર્શકો ચોખ્ખી કોમેડીના આગ્રહી રહ્યા. તેમણે મહેમુદ, જગદીપ, રાજેન્દ્રનાથ વગેરેનો નહિ દેવેન વર્માનો જ આગ્રહ રાખ્યો. આ બધાની ફિલ્મોમાં કોમેદડી વઘાર તરીકે નહિ બલકે અંદરના સ્વાદ તરીકે આવતી તેથી સૌ મમળાવ્યા કરતા.

    
    નૂર મોહમ્મદ ચાર્લી, વી.એચ.દેસાઈ પછીના ગુજરાતી કોમેડીયનોમાં દેવેન વર્મા જ ટોપ પર ગણી શકાય. દિનેશ હિંગુ, ટીકુ તલસાણીયા, અમૃત પટેલ જેવા ગુજરાતીઓ પછી કોઈ પરેશ રાવલનું ય નામ કોમેડિયનમાં જોડે. પરંતુ તે માત્ર કોમેડીનો અભિનેતા નથી. એટલે દેવેન વર્મા ફરતે જ ગોળ કુંડાળું કરી ‘ટોપ’ ની નોંધ કરવી પડે. જો કે ૨૩ ઓક્ટોબર ૧૯૩૬ ના રોજ મુંબઈમાં જન્મેલા આ અભિનેતા અકસ્માતે કોમેડિયન બની ગયા. વર્માનું કુટુંબ ૧૯૪૫ થી જ પુણેમાં સ્થાયી થયેલું. તેથી ત્યાં જ શાળા શિક્ષણ પછી વાડિયા કોલેજમાં બી.એ. થયા પછી કાયદાનું ભણવા જોડાયેલા. એ દિવસોમાં જ સંગીત, નાટક અને મીમીક્રીનો શોખ ચડી ગયેલો. મોકો મળ્યો તો કાયદાનું ભણતર કાયદેસર પૂરું કરવાને બદલે કોલેજ મિત્ર પાસે મુંબઈ આવી ગયા.

    
    પેલા મિત્ર સંગીતના કાર્યક્રમો કરતા હતા. આ ભાઈ ગાઈ શકે અને મિમિક્રી કરી શકે એમ હતા. આવા એક કાર્યક્રમને બી.આર.ચોપરાએ જોયો અને શશી કપૂર, માલા સિન્હા અભિનીત યશ ચોપરા દિગ્દર્શિત ‘ધર્મપુત્ર’ માં નાની ભૂમિકા આપી અને ૨૩ ઓક્ટોબર ૧૯૬૧ ના રોજ તેમની કારકિર્દી શરૂ થઇ. કોઈપણ અભિનેતાની કારકિર્દીમાં શરૂના વર્ષો બહુ અવઢવવાળા હોય છે. સફળતા મળશે કે નહિ? મળશે તો કેવા પ્રકારની ભૂમિકામાં મળશે? વ્યવસાયી ફિલ્મોદ્યોગ અભિનેતાની સફળ ભૂમિકામાંથી કારકિર્દી નક્કી કરી આપે છે. દેવેન વર્મા સભાન હતા એટલે ‘કવ્વાલી કી રાત’ માં મુમતાઝ સાથે કોમેડી જરૂર કરી પરંતુ મોહન સહેગલ દિગ્દર્શિત ‘દેવર’ માં ખલનાયકની ભૂમિકા કરી. પરંતુ એ જ પહેલો ચહેરો આડે આવ્યો જે તેમને ખલનાયક લાગવા દેતો નહોતો. તેમણે આ દરમિયાન અશોક કુમારની દીકરી રૂપા ગાંગુલી સાથે પ્રેમલગ્ન પણ કરી લીધા હતા. એક સમયે ખુદ મરાઠી નલીની જયવંતના પ્રેમમાં પડેલા બંગાળી શ્વસુરજી અશોક કુમારને તેમની દીકરી ગુજરાતીને પરણે તેનો વાંધો હતો પરંતુ સમજદાર શ્વસુરે સમજદાર ભાવી જમાઈને ઓળખી લીધા પછી ૧૯૬૭ માં શહનાઈ વાગી ઉઠી. દેવેન વર્માએ એ દરમ્યાન જ ‘નવરત્ન ફિલ્મ્સ’ બેનર હેઠળ ધર્મેન્દ્ર – શર્મિલા ટાગોરને લઈને બ્રિજના દિગ્દર્શનમાં ‘યકીન’ ફિલ્મનું પ્રથમવાર નિર્માણ કર્યું. આ ફિલ્મ પછી તેમણે ફિલ્મનિર્માણ ઉપરાંત દિગ્દર્શન પણ હાથમાં લીધું. ‘યકીન’ ના પટકથા સંવાદ પોતે જ લખેલા અને ગુજરાતી હોય તો કોઈ વિભાગમાં પાછું પડવાનું વિચારી શકે કઈ રીતે? ‘બુઢ્ઢાં મિલ ગયા’ ના હીરો નવીન નિશ્ચલ સાથે કામ કરતા કરતા એ જ નવીન નિશ્ચલ સાથે ગુજરાતી હિરોઈન આશા પારેખને લઇ ‘નાદાન’ નું નિર્માણ – દિગ્દર્શન કર્યું. પોતાની પહેલી ફિલ્મમાં અભિનય નહોતો કર્યો. આમાં કર્યો. ફરી સફળતા મળી. આ કારણે ચાનક ચડતી ગઈ અને બડા કબુતર, યાસ્મીન, બેશરમ, ચટપટી, દાનાપાની સહીત સાત ફિલ્મોના નિર્માણ સુધી તેઓ ૧૯૯૦ માં પહોચી ગયા.

    ૧૯૭૧ થી ૧૯૮૦ ના દાયકામાં તેમણે ૪૯ જેટલી ફિલ્મો કરી તો ૧૯૮૧ થી ૧૯૯૦ દરમ્યાન ૪૩ જેટલી ફિલ્મો આવી. આ દરમિયાનની તેમની ફિલ્મોમાં ધુંદ, કોરા કાગઝ, ચોરી મેરા કામ, કભી કભી, દુસરા આદમી, ખટ્ટામીઠા, ગોલમાલ, થોડી સી બેવફાઈ, લેડીઝ ટેલર, સિલસિલા જેવી અનેક ફિલ્મો હતી. ‘ચોરી મેરા કામ’ માં ગુજરાતી પ્રવીણભાઈની ભૂમિકાએ જ તેમને પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. ત્યાર બાદ ૧૯૭૮ ની ‘ચોર કે ઘર ચોર’ અને ત્રીજીવાર ‘અંગુર’ ફિલ્મમાં શ્રેષ્ઠ કોમેડિયનનો એવોર્ડ મળ્યો. ‘ચોરી મેરા કામ’ માં વારંવાર બોલાતો ડાયલોગ ‘ધોતિયું ઢીલું થઇ ગયું’ પ્રવીણભાઈનું ચાહકો આજે પણ વીસર્યા નથી. દેવેન વર્માએ અરુણા ઈરાની સાથે સૌથી વધુ વાર જોડી બનાવી તોય પ્રિય ગાંગુલી સાથેની જોડી એ કારણે વધુ ચર્ચામાં આવી કે તેઓ સાળી – બનેવી સંબંધ ધરાવતા હતા. ઘણા તો એમ માની બેસતા કે દેવેન વર્માએ પ્રિયા સાથે જ લગ્ન કર્યા છે પણ રૂપા ગાંગુલી પૂર્ણપણે દેવેનની ગૃહિણી હતી. દેવેન વર્માએ કદી હીરો બનવાની ય બેતાબી ન હતી ને તોય ૧૯૬૪ માં ‘નૈહર છુટલ જાયે’ નામની ભોજપુરી ફિલ્મમાં હીરો બનાવાનો મોકો મળેલો. મરાઠીમાં ફરારી, હા ખેળ સાવલ્યાંચા અને દોસ્ત અસાવા તર અસામા અભિનય કર્યો. દેવેન વર્માએ પોતાની કારકિર્દીમાં કેટલાક અખતરાપણ પસંદ કર્યા છે. અભિનય, નિર્માણ, પટકથા – સંવાદ લેખક પછી તેમણે આદમી સડક કા, દુસરા આદમી, જોશ, છુપછુપી વગેરે ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. તેમાય રાજેશ રોશનના સંગીતમાં યશ ચોપરાના પત્ની પામેલા ચોપરા સાથે ગાયેલું ‘દુસરા આદમી’ નું ગીત ‘અંગાન આયેંગે સાંવરિયા.....’ તો ખૂબ જ લોકપ્રિય પણ થયેલું. ઉપરાંત ફિલ્મ ‘આદમી સડક કા’ માં દેવેન વર્માએ ‘આજ મેરે યાર કી શાદી હૈ.....’ ગીત ગાયું હતું જે આજે પણ લગ્ન પ્રસંગે સાંભળવા મળે છે. જે ઘણા વાચકો નહિ જાણતા હોય.
    ગુજરાતી હોવા છતાં તેમણે ગુજરાતી ફિલ્મો ન કરી એવું કોઈ કહે તો તેનો જવાબ છે કે નિર્માતા જયંતીલાલ શાહ અને દિગ્દર્શક સુશીલ વ્યાસની ૧૯૭૯ ની ફિલ્મ ‘ગાજરની પીપુડી’ માં તેઓ મહેમાન કલાકાર હતા અને ૧૯૭૫ ની ‘કોના બાપની દિવાળી’ માં તેઓ હીરો હતા. જો કે તેમની હીરો તરીકેની ફિલ્મ ક્યારેય રીલીઝ ન થઇ. આ ફિલ્મના પ્રોડ્યુસર રમેશ સરૈયા અને ગોવિંદ સરૈયા હતા. રમેશ સરૈયા તો અત્યારે હયાત નથી. પણ ૮૮ વર્ષીય ગોવિંદ સરૈયાને આજે પણ એ ફિલ્મ અને ફિલ્મ સાથે જોડાયેલી તમામ વાતો યાદ છે. ગોવિંદ સરૈયા કહે છે કે, આ ફિલ્મ દેવેનના કારણે જ રીલીઝ થઇ નહિ એવું કહું તો ચાલે. ડબિંગ માટે દેવેન પહોચતો જ નહિ. બહુ વખત સુધી રાહ જોવડાવે અને પછી પાછા આવવું પડે. એક દિવસ નક્કી કરી લીધું કે ફિલ્મ નથી રીલીઝ કરવી. ફિલ્મ વેચાઈ ગઈ હોવા છતાં પણ અટકાવી દીધી અને કેટલાય લોકોના પૈસા એમાં પડ્યા રહ્યા.
    દેવેન વર્માની આ ગુજરાતી ફિલ્મમાં સ્નેહલતા હિરોઈન હતી તો હિન્દી ફિલ્મોના એક સમયના જાણીતા કેરેક્ટર એક્ટર ડેવિડ પણ હતા. ગોવિંદ સરૈયાએ આ ફિલ્મ દેવેન વર્મા પરનું એક લેણું ચૂકવવાના હેતુથી આપી હતી. ગોવિંદ સરૈયા વિગતો આપતા કહે છે કે, બન્યું એવું કે એ સમયે અમારી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ નું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. લીડ રોલ માટે દિલીપ કુમાર અને ધર્મેન્દ્રે અમને બહુ રખડાવ્યા. પણ પછી શશી કપૂરે દેવેન વર્મા સાથે મીટીંગ કરાવી. દેવેનને ઓલમોસ્ટ અમે ફાઈનલ કર્યો. પણ એના પછી ફરીથી હીરો બદલ્યો. હીરો બદલાયો ત્યારે દેવેનને એમ કહ્યું હતું કે, તને હીરોનો રોલ એકવાર આપીશું. એ દરમ્યાન ‘કોના બાપની દિવાળી’ ની વાર્તા આવી. લાગ્યું કે દેવેન એના માટે બેસ્ટ છે અને અમે એ ફિલ્મ દેવેનને આપી. આ ફિલ્મનું ડીરેક્શન ગુજરાતી થીયેટરના એક સમયના દિગ્ગજ એક્ટર શૈલેશ દવેએ કર્યું હતું. શૈલેશ દવેએ ડીરેક્ટ કરી હોય એવી એ પહેલી ફિલ્મ. એ સમયે શૈલેશ દવે ગોવિંદ સરૈયાની ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મમાં આસીસ્ટન્ટ ડિરેક્ટર હતા. ફિલ્મ વખતે દેવેન શૈલેશ દવેને બહુ સપોર્ટ કરતો હતો. ખાસ કંઇ કામ હતું નહિ એટલે એ પણ રાજી થઈને કામ કરતો પણ ફિલ્મ આગળ વધતી ગઈ એમ એમ એની પાસે કામ વધવા માંડ્યું અને પછી તો એ પણ હિન્દી ફિલ્મોમાં અટવાઈ ગયો.
ફિલ્મની વાર્તા ; દેવેન વર્મા અને સ્નેહલતા અભિનીત ‘કોના બાપની દિવાળી’ ની વાર્તા એક એવા લુખ્ખા માણસની હતી જે બીજાના પૈસા વાપરીને જલસા કરવામાં માને છે. આ જલસા કરવામાં એક વખત તે ફસાઈ જાય છે અને ફસાયા પછી તેને સમજાય છે કે ‘કોના બાપની દિવાળી’ એવી કહેવત ભલે રહી. પણ હકીકત તો એ છે કે દિવાળીનો ખર્ચ છેલ્લે તો આપણે જ ભોગવવાનો હોય છે.
    સ્નેહલતાને આ ફિલ્મ વિષે વધુ કંઇ યાદ નથી સ્નેહલતા કહે છે કે, મને ફિલ્મનું નામ અને કેટલાક સીન સિવાય બીજું કંઇ યાદ નથી. દેવેન વોઝ વેરી કાઈન્ડ, સેન્સ ઓફ હ્યુમર તેની ગજબનાક હતી. સામાન્યમાં સામાન્ય વાતમાં પણ તેની કોમેડી ચાલતી હોય. કેટલાક સીન તો તેણે ચેન્જ કરાવ્યા અને એના ડાયલોગ હિન્દીમાં લખીને પછી એનું ગુજરાતી કરાવવામાં આવ્યું હતું.     




n  ગજ્જર નીલેશ 

Saturday, 26 September 2015

dharmesh mehta

તારક મહેતાના પૂર્વ ડાયરેક્ટર ધર્મેશ મહેતા કિરદારોની શોધમાં વડોદરા આવ્યા


    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માસિરિયલની શરૂઆતથી ૫૦૦ એપીસોડ ડાયરેક્ટ કરનારા ડાયરેક્ટર ધર્મેશ મહેતા શુક્રવાર વડોદરાની મુલાકાતે આવ્યા હતા.ધર્મેશ મહેતાનું માનવુ છે કે ગુજરાતી બેકગ્રાઉન્ડની સિરિયલ માટે ગુજરાતી યુવક-યુવતીઓની પસંદગી સફળ સાબિત રહેશે. કારણ કે ગુજરાતી યુવક-યુવતીઓ સિરિયલમાં જેટલું નિભાવી શકશે એટલુ કદાચ અન્ય ન નિભાવી શકે. ખાસ હીરો-હીરોઇનની શોધમાં આવેલા ધર્મેશ મહેતાને આજે શહેરના ઘણા યુવક-યુવતીઓએ એક્સપ્રેસ રેસિડેન્સીઅલકાપુરી ખાતે મળી પોતાના ફોટો અને ફોન નંબર આપ્યા હતા. ત્યારે આગામી સમયમાં તેઓ વડોદરા ખાતેથી મળેલા ફોટોમાંથી પસંદગી પામેલા યુવક-યુવતીઓના ઓડિશન્સ પણ કરવાના હોવાની વાત તેઓએ જણાવી હતી. જ્યારે સાંજે ૫.૩૦ કલાકે તેમણે શહેરની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની મુલાકાત લીધી હતી. અને મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓને પણ તકનો લાભ લેવા ઉપરાંત ડાયરેકશન અને મુંબઇની ફિલ્મ- સિરિયલ ઇન્ડસ્ટ્રી અંગે ટિપ્સ આપી હતી.

    નવરાત્રીનો વૈભવ વરસાદને કારણે ન જોવાયો તેનો અફસોસ વ્યક્ત કર્યો
વડોદરાનાં ગરબા ખુબ જ પ્રખ્યાત છે. નવરાત્રી પર્વ હોવાને કારણે વડોદરા ખાતે એક દિવસની મુલાકાતે ધર્મેશભાઇ નવરાત્રીમાં ગરબે ઘૂમતા ખેલૈયામાંથી કોઇ સારો ચહેરો દેખાઇ જશેની આશાએ આવ્યા હતા. પરંતુ વરસાદને કારણે તેઓ ગરબાની મુલાકાતે જઇ શક્યા ન હતા. જેથી 'વરસાદને કારણે વડોદરાના ગરબાનો વૈભવ હું નિહાળી શક્યો નહીંએવો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો.

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પહેલા ૫૦૦ એપિસોડ્સનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યા પછી પોતાના બૅનર હેઠળ આર. કે. લક્ષ્મણની દુનિયાનું સફળ નિર્માણ અને દિગ્દર્શન કરનાર ગુજરાતી કલાકાર ધર્મેશ મહેતા હવે ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશવા માગતા કલાકારો માટે તક ઊભી કરી રહ્યા છે. તેઓ અભિનયની વ્યવસ્થિત તાલીમ લઇને બૉલીવુડ અને ટેલિવુડમાં પ્રવેશ કરી શકે તે માટે તેમણે નમનરાજ એક્ટિંગ સ્ટુડિયોની લોખંડવાલા, અંધેરી ખાતે સ્થાપના કરી છે. ૯ વર્ષની ઉંમરે તખ્તા પર બાળકલાકાર તરીકે અભિનયનો પ્રારંભ કરનાર ધર્મેશ મહેતાએ બૅક સ્ટેજ અને દિગ્દર્શન-નિર્માણ પણ કર્યું. ધર્મેશ મહેતા કહે છે, બેટ્ટે ડેવિસે કહ્યું હતું કે આંતરિક દષ્ટિ અને ચમત્કૃતિ વગર અભિનય માત્ર વેપાર બની જાય છે, પણ આ બંનેનો સમન્વય થાય ત્યારે તે સર્જન બને છે. અને આ જ ઉક્તિને સાર્થક કરવા રંગભૂમિ પ્રત્યે સમર્પિત, નિષ્ઠાવાન અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ઉત્તીર્ણ થયેલા પરેશ પારેખ, શરદ વ્યાસ અને અન્ય અનુભવી શિક્ષકો તેમના સ્ટુડિયોમાં કલાકારો સર્જવા તૈયાર છે. 
ત્રણ મહિનાના કોર્સમાં અભિનયની સઘન તાલીમ આપ્યા બાદ સક્ષમ કલાકારોને તેમની સિરિયલ તથા તેમના પ્રોડકશનના અન્ય સાહસોમાં અભિનયની તક આપવામાં આવશે. 

    તમને કદાચ યાદ હશે કે વર્ષો પહેલા ‘રજની’ નામની એક સીરીયલ સપ્તાહમાં એકવાર દર્શાવાતી હતી જેમાં પ્રિયા તેંડુલકરે સરળ અભિનય આપ્યો હતો તેમાં પણ સામાન્ય માનવીના, તે સમયના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. સબ ટીવી પરથી ઓફીસ ઓફિસમાં પંકજ કપૂર જેવા તગડા કલાકાર હતા અને તેમાં નાના નાના પ્રશ્નો માટે સમય અને પૈસા વેડફતા માનવીની વાતને રજૂ કરાઈ હતી. જેમાં લાંચ – રુશ્વત જ સાથે ફાઈલ સાથે સામાન્ય માનવીને ફંગોળાતો બતાવાતો હતો.
    ધર્મેશ મહેતાએ જયારે ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’ બનાવવાની જાહેરાત કરી કે તરત આપણા માનનીય વડા પ્રધાન શ્રી મનમોહનસિંહના અભિનંદન આપતો સંદેશ મળ્યો હતો જેનાથી ધર્મેશ મહેતાનો ઉત્સાહ બમણો થયો હતો.

    ધર્મેશ મહેતા આ ક્ષેત્રે નવા નથી. મૂળ ભાવનગરના વતની અને મુંબઈમાં સ્થિર થયેલા ધર્મેશ મહેતાને બાળપણથી જ અભિનયનો શોખ હતો. ૧૯૭૯ માં બાળ કલાકાર તરીકે પ્રવેશ કાર્યો હતો. ધીરે ધીરે આ ક્ષેત્રે તેઓ ઘણું શીખ્યા. આઈ.એન.ટી. જેવી સંસ્થા સાથે તેમણે બેક સ્ટેજમાં પણ ઘણું કામ કર્યું અને નાટકની દુનિયાની ઝીણામાં ઝીણી જાણકારી મેળવી ત્યારપછી ‘ચીલઝડપ’ નામના નાટકનું સ્વતંત્ર દિગ્દર્શન પણ કર્યું. આ વર્ષ ૧૯૮૬ નું હતું.
    ત્યારપછી ક્રિએટીવ આર્ટ નામની નાટ્ય સંસ્થાની સ્થાપના કરી અને આ બેનર હેઠળ ૧૭ થી ૧૮ જેટલા સફળ નાટકોનું સર્જન પણ કર્યું. આ નાટકોમાં સખણા રેજો રાજ, બળવંત અને બબલી, જેમાં ટીકુ તલસાણીયા જેવા કલાકાર હતા. આવતી કાલનું અજવાળું, જય હો જમનાદાસ જેવા નાટકો હતા. પહેલેથી જ તેમનો રસ હળવા નાટક અને હળવા છતાં હેતુલક્ષી સાથે સામાન્ય માનવીને સ્પર્શતા વિષયો તરફનો રહ્યો છે અને એટલે જ ધર્મેશ મહેતાએ ફરી સામાન્ય માનવીના ભારેખમ પ્રશ્નો પર અજમાયશ કરવાનું નક્કી કર્યું છે.
    ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ૫૦૦ જેટલા એપિસોડનું દિગ્દર્શન સુકાન સંભાળ્યા પછી ધર્મેશ મહેતાએ નમનરાજ પ્રોડક્શન પ્રાઈવેટ લીમીટેડની સ્થાપના કરી છે જેમાં તેઓ અને તેમની પત્ની જીજ્ઞા મહેતા સક્રિય રીતે કામ કરી રહ્યા છે.

    ગ્લેમર જગત, નાટક, રોચક, સીરીયલ અને ફિલ્મની નગરી, પાછી દારૂબંધી પણ નહિ એટલે છાંટો પાણીથી શરૂ કરીને પેગ પર પેગ ચડાવીને કામ કરનારા અહીં આ ક્ષેત્રમાં તમને સામાન્ય રીતે ભટકાઈ જશે. ડ્રીંક સાથે સિગરેટનો શોખ ધર્મેશ મહેતાને પણ હતો. તેઓ સહજતાથી આ ટેવ કહો તો ટેવ અને અપલક્ષણ કહો તો તેનો સ્વીકાર કરે છે. પરંતુ તેઓને વાપી પાસે આવેલા ધરમપુરના શ્રીપદ રામચંદ્ર આશ્રમનું, એક ધાર્મિક નાટકના દિગ્દર્શનનું તેડું આવ્યું. તેઓ ત્યાં રહ્યા ત્યારે ત્યાં ગુરુના ગાઢ પરિચયમાં આવ્યા. આ ગુરુ સાથેના સત્સગે ધર્મેશ મહેતા પર એટલી ઊંડી અસર કરી કે તેમણે દારૂ પીવાનો છોડી દીધો, સિગરેટ ફૂંકવાની છોડી દીધી અને આજની તારીખમાં તો ડુંગળી – લસણ પણ ખાતા નથી. તેમનું જીવન એકદમ બદલાઈ ગયું છે. ધર્મેશ મહેતાનું મોસાળ ભાવનગર નજીકના મહુવા શહેરમાં આવેલું છે.


-- ગજ્જર નીલેશ 

p. kharsani

એક્ટર ન હોત તો હું શું બનત? : પી. ખરસાણી


    ઉંચાઈ સામાન્ય કરતા ઓછી, સપ્રમાણ શારીરી અને આંખોમાં આજે પણ શ્રેષ્ઠ અભિનય કરવાની ખેવના, વળી સરસ વ્યક્તિત્વ અને હસમુખો સ્વભાવ. પહેલી નજરે જે કોઈને પણ પોતીકા બનાવી લે એવા ગુજરાતી પીઢ કલાકાર પ્રાણલાલ ખરસાણી ગુજરાતી ફિલ્મ જગતમાં આગવું સ્થાન ધરાવે છે. જુદા જુદા પાત્રોને યાદગાર રીતે ભજવનાર પ્રાણલાલ ખરસાણીએ પી. ખરસાણી તરીકે દર્શકો અને કલારસિકોના હૃદય પર વર્ષો સુધી રાજ કર્યું. ૨૦ વર્ષની ઉંમરે વ્યવસાયિક રીતે ગુજરાતી નાટકોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પ્રાણલાલ ખરસાણીએ ત્યાર પછી ક્યારેય પાછું વળીને જોયું જ નથી. ૮૫ થી ઉપરની ઉંમરે પહોચેલા પી. ખરસાણી આજકાલ મોટાભાગનો સમય સમાચાર વાંચવામાં જ વિતાવે છે. આખું જીવન ફિલ્મો અને નાટકને સમર્પિત હોવા છતાં આજના ટીવી પ્રોગ્રામો અને ફિલ્મો જોતા નથી કેમકે તેમને તે વાસ્તવિકતાથી દૂર ચાલ્યા ગયા હોય તેમ લાગે છે. સાથે સાથે હમણાં તેઓની જીંદગી વિશેનું પુસ્તક ‘પી. ખરસાણીનો વેશ’ પણ પ્રકાશિત કરવામાં આવ્યું. જેના લીધે મને તેમના વિષે લખવાનું મન થયું. ત્યારે ગુજરાતી ફિલ્મોના પીઢ કલાકારના જીવનની કેટલીક રસપ્રદ વાતો અહીં પ્રથમ પુરુષ એક્વચનમાં તેમના મુખે જ માણીએ.

    ૧૯ જુન ૧૯૨૬ ના દિવસે અમદાવાદમાં જન્મ, પિતાનું નામ દેવજીભાઈ ખરસાણી, માતાનું નામ વ્હાલથી વાલીબા કહીને બોલાવતા. એક નાનો ભાઈ અને બે નાની બહેન. ૮ વર્ષની ઉંમરે મે મારા પિતાને ગુમાવી દીધા. મારી વાલીબાએ જ અમને મોટા કર્યા. પિતાની માંદગીને કારણે નાણા ખર્ચ ખૂબ થયેલો. એટલે તેમના અવસાન બાદ મારી માતાએ અમને ઉછેરવામાં ઘણી જ તકલીફો વેઠેલી. બાનો સ્વભાવ થોડો કડક પણ મને ક્યારેય કોઈ વાત માટે ના નહોતી પાડી. કદાચ એટલે જ કલાજગતમાં હું સફળતા મેળવી શક્યો. નાનપણથી મને ચિત્રો દોરવાનો શોખ એટલે અભ્યાસની સાથે સાથે ચિત્રો દોરવાની પ્રેક્ટિસ કર્યા કરતો. વાલીબાને મદદ કરવા હું અભ્યાસની સાથે સાથે ટ્યુશનો પણ કરતો. મારો અભ્યાસ બહુ લાંબો ચાલ્યો નહિ. હું પાંચમા ધોરણમાં હતો ત્યારે આઝાદીની ચળવળમાં ભાગ લેવાની ઈચ્છા થઇ અને અભ્યાસ છોડી દીધો. એ સમયે ક્યારેય એવું વિચાર્યું નહોતું કે અભિનયક્ષેત્રે હું કારકિર્દી બનાવીશ. મારો એક મિત્ર રામલીલા મંડળીમાં કામ કરતો ત્યારે તેની વાતો સાંભળીને મનમાં નાટક કરવાની ઈચ્છા થઇ હતી. ૧૫ વર્ષની ઉંમરે મે અમારી પોળમાં એક ઉત્સવ સમયે કોમેડી નાટક જાતે જ લખ્યું અને તેમાં અભિનય કર્યો હતો બસ ત્યારથી જ અભિનય મારા જીવનનો એક હિસ્સો બની રહ્યો.

    અભ્યાસ છોડી દીધો હતો એટલે આર્થિક રીતે પગભર થવા માટે ૧૯૪૨ ની લડત બાદ લાટી બજારમાં ૧૦ રૂપિયાના પગારે નોકરી કરી. ત્રણ મહિના પછી એક ઝવેરીને ત્યાં ઝવેરી બજારમાં ૨૫ રૂપિયાના પગારે નોકરી કરી પણ મનને ટાઢક વળતી નહિ એટલે ખાલી સમયમાં ચિત્રો દોર્યા કરતો. આ ગાળામાં અમારી પોળમાં જ રહેતા એક વડીલે મને એક નાટ્યમંડળીના બોર્ડ ચિતરવાનું કામ અપાવ્યું. જીવનમાં ક્યારેય મોટી સાઈઝના ચિત્રો દોરવાનો અનુભવ ન હોવા છતાં મારૂ કામ નાટ્ય કંપનીવાળાને ગમ્યું. બસ ત્યારથી નોકરીને તિલાંજલિ આપીને પેઈન્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. રંગો અને પીંછી વડે કલાકોના કલાકો કામ કરવાનું મને ખૂબ ગમતું. તે સમયના જાણીતા ચિત્રકાર રહીમ સાથે ઘણું કામ કર્યું. ચિત્ર પ્રદર્શની પણ કરી. એ દિવસો યાદ કરૂ ત્યારે આજે પણ રંગોની દુનિયામાં ખોવાઈ જાઉં છું. મને યાદ છે કે ‘ભગવાનને છપ્પન ભોગ જયારે ગરીબના અનાજ માટે વલખા’ આ વિષય પર આઝાદીની લડત દરમિયાન એક વ્યંગચિત્ર મે બનાવેલું. જેને કારણે મારે ત્રણ મહિના ભુગર્ભવાસમાં જવું પડ્યું હતું. પાંચ વર્ષ મે રંગોની દુનિયામાં વિહાર કર્યો. અચાનક જ ચિત્રો સાથેની મારી યાત્રા સમાપ્ત થઇ ગઈ હોય તેમ મારી માંદગીના કારણે ખોટ જવા લાગી. એ કામને છોડવું પડ્યું. એ દિવસોમાં હું અંધારામાં ખોવાઈ ગયો હોઉં એવું લાગ્યું. પણ ત્યારે મને ખ્યાલ નહોતો કે મારા જીવનમાં અભિનયના અજવાળા પથરાશે.

    ૧૯૪૬ માં પ્રથમવાર નાટકમાં કામ કર્યું. ‘રક્ષાબંધન’ તે સમયનું ખૂબ જાણીતું હિન્દી નાટક, જેમાં મને પાત્ર ભજવવાની તક મળી. પ્રથમ નાટકમાં જશવંત ઠાકર જેવા વ્યક્તિની ઓળખાણ થઇ અને તેમની ભારત નાટ્યપીઠ સંસ્થાની નાટ્યક્ષેત્રે મારી કારકિર્દીની શરૂઆત થઇ. તે સમયે નાટકમાં કામ સીધે સીધું મળતું નહિ. નાટ્યમંડળીના બોર્ડ ચિતરવાનું, મેકઅપ કરવાના કે સેટના નાના મોટા કામો કરવા પડતા. મારી શરૂઆત પણ એમ જ થઇ. પહેલા બોર્ડ પેઇન્ટીંગ પછી મેકઅપ અને ત્યારબાદ મને અભિનય કરવાની તક મળી. મળેલા જીવ, જુગલ જુગારી, પૂર્ણિમા, મેના ગુર્જરી, વિરાહ વહુ, ઢીંગલીઘર, પત્તાની જોડ અને જીવન એક નાટક જેવા પ્રસિધ્ધ નાટકોમાં અભિનય કર્યો. જયશંકર સુંદરી, કે. કા. શાસ્ત્રી, ભારતી સારાભાઇ, રસિકલાલ પરીખ અને દીનાબેન પાઠક જેવા નાટકના જાણીતા મહાનુભાવો સાથે કામ કરવાની તક મળી જેથી મને અભિનય અંગેનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત થયું. એ દિવસોમાં મારી સાથે બનેલ એક રસપ્રદ ઘટના મને આજે પણ બરાબર યાદ છે. તે સમયે નાટ્ય વિદ્યા મંદિરના મેના ગુર્જરી નાટકમાં જયશંકર સુંદરી સાથે કામ કરવાનો મોકો મળ્યો. નાટકમાં મેકઅપ, ડ્રેસ ડિઝાઈનીંગ, પબ્લિસીટી, સેટ ડિઝાઈનીંગ અને એક્ટિંગની જવાબદારી મારા માથે હતી. એક સાથે ઘણું કામ હોવાથી હું સૌથી વહેલો હોલ પર પહોંચતો અને સૌથી મોડો ઘેર જતો. કામના થાકના કારણે ચાલુ નાટકમાં એકવાર હું બેભાન થઇ ગયો. આ વાતથી જયશંકર સુંદરી મારી પર ખૂબ જ ગુસ્સે થયેલા. પાછળથી તેમને મારા પર નાખવામાં આવેલી વધારે પડતી જવાબદારી અંગે જાણ થઇ. ત્યારે તેમણે સ્વખર્ચે કલાકારો માટે દૂધ મંગાવવાનું શરૂ કરેલું અને નિયમ કરેલો કે આવનાર દરેક કલાકાર સૌપ્રથમ દૂધ પીને પછી જ કામ શરૂ કરવું. એક મહાન કલાકારના મહાન વ્યક્તિત્વનો અનુભવ મને તે દિવસે થયેલો.
    અભિનય ઉપરાંત હું શાળા કોલેજોમાં અભિનય શીખવાડવા અને નાટક ડિરેક્ટ કરવા જતો હતો. ૬૦ જેટલા કોમર્શિયલ નાટકોનું દિગ્દર્શન મે કરેલું. ૧૯૫૮ માં દામીનીબહેન સાથે ‘મામાજીનો મોરચો’ નાટક ડિરેક્ટ કરેલું. એક મહિનામાં ૧૮ શો કરવા છતાં પણ નુકસાન જતા હું ઘણો જ નિરાશ થઇ ગયો હતો. તે સમયે પરિવારની જવાબદારી પણ ઘણી હતી. આ દિવસોમાં મને પ્રથમ ફિલ્મની ઓફર મળી. મુંબઈમાં કરેલા નાટકોના કારણે મારૂ નામ ત્યાં ખાસ્સું જાણીતું બન્યું હતું જેના કારણે ‘ઘરદીવડી’ ફિલ્મમાં મને કાંતિ મડિયાના ભાઈનું પાત્ર મળ્યું. બસ ત્યારથી ગુજરાતી ફિલ્મોમાં હાસ્યકલાકાર તરીકે મારી નવી ઓળખ બની.

    મારી પ્રથમ ફિલ્મમાં મન્નાડેએ ગાયેલું ‘જુનાગઢનો જોગી હું, ગીરનાર શિખર પર મે મારી ઝુપડી ઠોકી.....’ ગીત મારા પર ફિલ્માવવાનું હતું. દાઢી મુછ સાથેના મેકઅપમાં સવારના ૬ વાગ્યાથી હું તૈયાર થઇ ગયેલો. આખો દિવસ મેકઅપ સાથે જ ફર્યા કરવું પડ્યું. ખરા તાપમાં મેકઅપને કારણે ખૂબ જ અકળામણ અનુભવાતી. જમવાનું પણ સ્ટ્રો વડે ખાધું નહિ પણ પીધું. સતત ત્રણ દિવસના શુટિંગ બાદ ગીત ફિલ્માંકન પૂરું થયું. આ ગીતમાં મારૂ કામ સૌને ગમ્યું તેનો મને સંતોષ હતો. મારી પ્રથમ ફિલ્મ સાથેનો આ પ્રસંગ મને આજે પણ રોમાંચિત કરી દે છે. ફિલ્મો અને નાટક બંનેમાં મને નાટક કરવા વધુ ગમતા. નાટકમાં દર્શકોનો પ્રતિભાવ તરત જ જાણવા મળી જાય છે. મને યાદ છે ‘પત્તાની જોડ’ નાટકમાં મારા પાત્રનું અડધા નાટકે મૃત્યુ થઇ જતું. આ દ્રશ્ય વખતે ઘણા દર્શકો રડતા, તે જોઇને મારા અભિનય માટે મને ગૌરવ થતો. આવી અનુભૂતિ ફિલ્મોમાં કામ કરવાથી મળતી પછી તો કેટલાય દર્શકોની વિનંતીને માન આપીને એ નાટકના મૃત્યુના દ્રશ્યને બદલી દેવામાં આવ્યું.

    ૧૯૫૨ ની ૧૪ મી ફેબ્રુઆરીએ મારા લગ્ન હંસા સાથે થયેલા. આમ તો લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, પરંતુ મારી વાલીબાની જીદને કારણે લગ્ન કર્યા. લગ્નના દિવસોમાં જ મને મંડપ બાંધવાનું મોટું કામ મળ્યું. એક ઉગતા કલાકાર માટે ગૌરવની વાત હતી એટલે લગ્નવિધિ પતાવીને સીધો જ મંડળના કામમાં જોડાયો હતો. મારી પત્નીનું મોઢું પણ મે લગ્નના ત્રણ દિવસ બાદ જોયેલું. મારી પત્નીએ મને મારી કારકિર્દીમાં આગળ વધવા માટે ઘણો સહકાર આપ્યો. મારી નાટકની પ્રેક્ટિસના સમયે તે ઘણીવાર મારી સાથે આવતી અને મને મદદ કરતી. મારા દરેક સારા નરસા દિવસોમાં તેણે મને ખૂબ જ સાથ આપ્યો જેથી મને જીવનની મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મળી. ચાર પુત્ર અને બે પુત્રીઓ સાથેનું અમારૂ જીવન મીઠા સંભારણા સમાન બની રહ્યું છે.


    ‘મળેલા જીવ’ અને ‘જીવન એક નાટક’ માટે મુંબઈ રાજ્ય તરફથી ‘બેસ્ટ એક્ટર’ અને ‘પત્તાની જોડ’ નાટક માટે ‘બેસ્ટ એક્ટર, ડિરેક્ટર’ ના એવોર્ડ પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત ગુજરાત સંગીત નાટક એકેડેમી તરફથી ‘ગૌરવ પુરસ્કાર’, ‘પંડિત ઓમકારનાથ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’, ગુજરાત ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન તરફથી ‘લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યા છે. આશરે ૧૦૦ થી પણ વધુ ગુજરાતી ફિલ્મો, હાજી નાની ગામને ચોરે હેવી ટીવી સીરીયલ અને રેડીઓ પ્રોગ્રામ પણ કર્યા. તેમ છતાં આજે માનો જો પૂછવામાં આવે કે જો હું એક એક્ટર ન હોત તો હું શું બનત? તો તરત જ ‘રસોઈયો બાનું’ એમ જણાવી દઉં. મને રસોઈ બનાવવાનો ઘણો જ શોખ છે. શીરો, દાળ, મકાઈનું શાક હું ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી જાણું છું. જીવનમાં આટલી સફળતા મળ્યા બાદ પણ ચિત્રો દોરવાનું છોડી દીધું તેનો અફસોસ મને રહી ગયો છે. આજે જયારે પણ કોઈ ચિત્ર પ્રદર્શનની મુલાકાત લઉં ત્યારે મને ફરીથી પીંછી હાથમાં પકડવાની ઈચ્છા થઇ આવે છે. ફરીથી રંગોની દુનિયામાં સફર ખેડવા મન લલચાઈ જાય છે. 

    -- ગજ્જર નીલેશ 

Tuesday, 15 September 2015

chandulal shah

આ ગુજરાતી હતા બોલિવૂડના સરદાર’: પટેલના કહેણ પર આપી દીધા એક લાખ!
   


    ભારતને સ્વતંત્રતા અપાવવામાં સરદારનો ફાળો અમૂલ્ય છે એમ આઝાદી અગાઉના બોલીવુડમાં એક વ્યક્તિની ઓળખ સરદાર તરીકે થતી હતી. આખા હિન્દી સિનેજગત પર એક વખત રાજ કરનાર સરદારે અંતિમ દિવસો બહુ જ ખરાબ રીતે પસાર કર્યા હતા. તેજીમાં જેમના ઘર આગળ કારોનો કાફલો રહેતો હતો તેમણે છેલ્લા દિવસોમાં બસમાં ફરવાનો વારો આવ્યો હતો. મૂળ જામનગરના અને મુંબઇની રૂપેરી દુનિયાના વેપારી તરીકે જાણીતા ચંદુલાલ શાહનું નામ આજે પણ હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં આદરથી લેવાય છે.
    એમની કમનસીબી કે જાણીતા કલાકારો કામ માટે એમના સ્ટુડિયો આગળ આંટા મારતા હતા અને જ્યારે આ સરદારે અંતિમ શ્વાસ લીધા ત્યારે માત્ર રાજક્પૂર અને કેટલોક ઓફિસ સ્ટાફ જ અંતિમયાત્રામાં હાજર રહ્યો હતો.  ૧૯૪૫ ની આસપાસ સિનેઉદ્યોગના એકવારના સર્વેસર્વા, અને સિનેજગતના સરદાર તરીકે ઓળખાતા સોદાગર ચંદુલાલ શાહને સરદાર પટેલે કહેલું : ‘‘જુઓ ચંદુભાઈ તમે પણ સરદાર છો. ને લોકો મને પણ સરદાર કહે છે. તમારે ચૂંટણી માટે કોંગ્રેસને લાખ રૂપિયા આપવાના છે.’’ સરદાર ચંદુલાલે તરત જ એ રકમની સગવડ કરી આપી. સ્વરાજ્ય પ્રાપ્તિ પહેલાથી જ બિરલા, બજાજ જેવા ઉદ્યોગપતિઓ સરદારની ઇચ્છા મુજબ ફાળો આપતા, કારણ કે એમને સરદાર પટેલની પ્રામાણિકતા પર પૂરતો વિશ્વાસ હતો.
    સરદારના ઉપનામથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા થયેલા ચંદુલાલ શાહે ૧૯૨૯માં રણજિત ફિલ્મ કંપની સ્થાપી અને ફિલ્મોનું ધોધમાર પ્રોડક્શન ચાલુ કર્યું. રીતસરની ફેક્ટરી જ હતી. આ બેનર હેઠળ ૩૭ મૂંગી ફિલ્મો, ૧૨૦ બોલતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. આ વાત સરદારની છે. એ સરદારની કે વલ્લભભાઇ પટેલને જ્યારે દેશે સરદાર તરીકે સંબોધવાનું શરૂ થયું ત્યારે ફિલ્મજગતને પણ બીજી એક વ્યક્તિમાં સરદારપણું દેખાયેલું.  બન્ને સરદારગુજરાતના. એક કરમસદના અને બીજા જામનગરના. નામ ચંદુલાલ જેસંગભાઇ શાહ. તેઓ ન્યૂ થિયેટર્સ કલકતા, બોમ્બે ટોકિઝ, મુંબઇ, પ્રભાત ફિલ્મ કંપની, કોલ્હાપુર, પૂણેની સામે નામ ગજાવનાર રણજિત ફિલ્મ કંપનીના મશહૂર માલિક, નિર્માતા, દિગ્દર્શક હતા.

    રામગોપાલ વર્માએ ફિલ્મ નિર્માણની ફેક્ટરીકરી તેના સાત-આઠ દાયકા પહેલાં જેમણે ખરા અર્થમાં ફિલ્મનિર્માણની ફેક્ટરી શરૂ કરી હતી અને અનેક કલાકારો, દિગ્દર્શકો, સંગીતકારોને તક આપી હતી. રણજિતનામનું રહસ્ય જાણી લેવા જેવું છે. જામનગરના નરેશ રણજિતસિંહના નામે રમાતી રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટને સૌ જાણે છે. આ રણજિત ફિલ્મ કંપનીપણ એ રણજિતસિંહના નામે જ છે. ચંદુલાલ શાહના પિતા જામનગર રિયાસતના કોઠારી હતા. ચંદુલાલ શાહને સ્વાભાવિક જ રણજિતસિંહ પ્રત્યે આદર એટલે પોતે ફિલ્મ કંપની શરૂ કરી ત્યારે તેમનું માત્ર નામ જ ન આપ્યું, બલકે રિયાસતનું રાજચિન્હ રણજિતનું પ્રતીક બન્યું. ચંદુલાલ પોતે પણ રાજવીથી કમ ન હતા. શાહ સોદાગરના મિજાજથી ફિલ્મો પણ બનાવી અને અંગત જિંદગી પણ જીવ્યા તથા કહાણી બની શકે તેવા મોતને વર્યા.
    રણજિત ફિલ્મ કંપની કે જે પાછળથી રણજિત મૂવિટોન બની તેની સ્થાપના તો ૧૯૨૯માં થઇ પરંતુ તે પહેલાં એપ્રિલ ૧૮૯૮માં જન્મેલા ચંદુલાલે લક્ષ્મી ફિલ્મ કંપની, કોહિનૂર ફિલ્મ કંપની અને જગદીશ ફિલ્મ કંપનીમાં વાર્તાકાર તરીકે કારકિર્દી આરંભી દિગ્દર્શક તરીકે પ્રગતિ કરીને પંચદંડ’(૧૯૨૫, લક્ષ્મી પિક્ચર્સ), ‘ટાઇપિસ્ટ ગર્લ’ (૧૯૨૬) ‘એજ્યુકેટેડ વાઇફ’, ‘ગુણસુંદરી’, ‘સતી માદ્રી’, ‘સિંઘની સુમરી’ (૧૯૨૭) જેવી કોહિનૂરની અને ત્યાર બાદ જગદીશ ફિલ્મ કંપનીનીગૃહલક્ષ્મીઅને વિશ્વ મોહિનીનું દિગ્દર્શન કરતાં કરતાં સુધીમાં આ વેપારી પોતાની કંપની શરૂ કરવા તત્પર થઇ ચૂક્યો હતો. ટાઇપિસ્ટ ગર્લવેળા ગૌહરબાનુ જોડે કેળવાયેલો પરિચય બે-અઢી વર્ષમાં એવો ગાઢ બની ચૂક્યો હતો કે ૧૯૨૯માં રણજિત ફિલ્મ કંપની સ્થાપી ત્યારે ગૌહરબાનુની ભાગીદારી રાખેલી. આ ભાગીદારી પૂરાં પાંત્રીસ વર્ષ ચાલી. ગૌહરબાનુએ ત્યાર બાદ રણજિત સિવાય ક્યાંય અભિનય પણ ન કર્યો. તેઓ એકબીજાને જે રીતે સમર્પિત રહ્યાં તે ફિલ્મજગતમાં ચર્ચાસ્પદ બનતા સંબંધોમાં સૌથી વધુ ગૌરવપૂર્ણ અને નમૂનેદાર સંબંધ હતો. મુંબઇ આવતાં પહેલાં જ પરણી ચૂકેલા ચંદુલાલને પ્રથમ પત્નીથી નવીન નામનો દીકરો પણ હતો.

    રણજિતે ૧૯૨૯થી ૧૯૩૨ સુધીમાં ૩૭ જેટલી મૂંગી ફિલ્મો અને ત્યારબાદ ૧૨૦ બોલતી ફિલ્મો અને બે ગુજરાતી ફિલ્મોને ઉમેરો તો ૧૨૨ ફિલ્મો બનાવી. માત્ર ૩૨ વર્ષના ગાળામાં આટલી બોલતી ફિલ્મો બનાવનારા નિર્માતા શોધ્યે મળવા મુશ્કેલ છે. 1947 સુધી દર વર્ષે તેમની છ-સાત ફિલ્મો રજૂ થતી. આ ફિલ્મોમાં ગૌહર, ઇ. બીલીમોરિયા, મહેતાબ, માઘુરી, ઇશ્વરલાલ, ઘોરી, રાજા સેન્ડો, દીક્ષિત, ચાર્લીથી માંડી પૃથ્વીરાજ કપૂર, ખુર્શીદ, નૂરજહાં, અરુણ(ગોવિંદાના પિતા), મીનાકુમારી, કરણ દીવાન, નિરુપા રોય ઉપરાંત રણજિતની ૧૧ ફિલ્મોમાં ચમકનાર મોતીલાલ પણ છે. મઘુબાલાએ 'બેબી મુમતાઝ' તરીકે રણજિતની ચાર ફિલ્મોમાં કામ કરેલું, તો રાજ કપૂરની કારકિર્દીનો આરંભ પણ અહીંથી થયેલો. રાજની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ 'નીલકમલ'ના નિર્માણમાં પણ તેમની મદદ હતી. દિલીપકુમારે રણજિતની 'જોગન' અને 'ફૂટપાથ'માં તો દેવઆનંદે 'મઘુબાલા' અને 'નીલી'માં કામ કરેલું. આ યાદીમાં મીનાકુમારી, બેગમપારા, ઉષા કિરણ, ગીતાબાલી અને નરગીસ પણ છે. કુંદનલાલ સાયગલ જેવા ત્રીજા-ચોથા દાયકાના સુપર સ્ટાર ગાયક-અભિનેતાને ત્રણ ફિલ્મમાં અભિનય, ગાયન કરવા માટે રૂ.૧,૩૫,૦૦૦ જેવી તે સમયની જબરદસ્ત મોટી રકમ ચૂકવનારા ચંદુલાલ શાહ હતા. ન્યૂ થિયેટર્સમાં મહિને ૧૪૫૦ + ૨૦૦૦ = ૩૪૫૦ મેળવનાર સાયગલને આટલી મોટી રકમ બીજી કોઇ કંપની આપે તેવી હિંમત કોઇનામાં ન હતી. ફિલ્મજગતમાં સ્ટારને સૌથી મોટી રકમ આપવાની શરૂઆત ચંદુલાલ શાહથી જ થઇ છે.
    રણજિતમાં એક તરફ મારઘાડવાળી ફિલ્મો બનતી બીજી તરફ સામાજિક ફિલ્મો. એ સમયે ધાર્મિક ફિલ્મોનું ખૂબ ચલણ હતું. તેથી 'સતી સાવિત્રી', 'કૃષ્ણ સુદામાં', 'સંત તુલસીદાસ', ભક્ત સુરદાસ અને 'શંકર પાર્વતી' જેવી ફિલ્મો પણ બની. 'ચાર ચક્રમ' જેવી પ્રથમ કોમેડી ફિલ્મ પણ ઠેઠ ૧૯૩૨માં બનાવી હતી. 'જોગન', 'ફૂટપાથ' અને 'હમલોગ' જેવી ઉંચા ધોરણની ફિલ્મો પણ ચંદુલાલ શાહે બનાવી. તેમણે લગભગ ૨૧ જેટલા દિગ્દર્શકો પાસે ફિલ્મો બનાવડાવી. તેમની કંપનીમાં એક સમયે ૭૦૦ – ૮૦૦ કલાકાર, ટેક્નિશિયનો કામ કરતા હતા. આ બધા માટે તેમણે રેશનિંગની દુકાન પણ ખોલી હતી. જેથી તેમને ત્યાં કામ કરનાર કદી ભૂખ્યો ન રહે. મુંબઇના દાદર પૂર્વમાં આવેલી તેમની કંપનીમાં શૂટિંગ માટે ચાર સ્ટુડિયો હતા. એ સ્ટુડિયોમાં જ એક મોટા ચોકમાં ચંદુલાલ શાહ અને ગૌહરબાનુનું કાર્યાલય રહેતું. સવારે જ્યારે તે બંને કારમાં પ્રવેશે ત્યારે તેમના ઇંતેજારમાં અનેકો ઉભા રહેલા હોય તેવું રોજિંદું દ્રશ્ય હતું. આવીને સોફા પર બેસે એટલે કામ શરૂ થાય. કામ માગવા આવેલા દિગ્દર્શક, કલાકાર, સંગીતકારને તેઓ થોડી જ વારમાં પારખી લે અને કામ આપે.

    લાખો-કરોડોનું ટર્નઓવર કરનાર અને અનેકો માટે 'શેઠ' એવા ચંદુલાલ શાહ ભારે દિલદાર અને સાહસી હોવા ઉપરાંત શેર-સટ્ટાબાજ હતા. આઝાદી પછી તેમણે સટ્ટામાં જ એકાદ કરોડ ગુમાવેલા પણ તેમણે કોઇને રોવડાવેલ નહીં. પોતાની સંપત્તિ, સ્ટુડિયો વેચીને, ગીરવી મુકીને લેણિયાતોની ૯૬ લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી. એક વાર ઉઠી ગયા પછી તેઓ ફરી ઊભા થઇ શક્યા નહીં. ચંદુલાલ શાહે આપેલા નામ-દામથી અનેકનાં બંગલા-કાર થયાં પણ આખરી દિવસોમાં તેઓ સ્વયં બસમાં સફર કરતા હતા. એક વખત 'અછૂત' જેવી ફિલ્મ બનાવનાર સરદાર ચંદુલાલ શાહ સૌને માટે અછૂત બની ચૂક્યા હતા. છેલ્લે તેમણે રાજ કપૂર-નરગીસ અભિનીત 'પાપી'નું દિગ્દર્શન કર્યું હતું અને તેઓ જ્યારે ૧૯૭૫ની ૨૫મી નવેમ્બરે મૃત્યુ પામ્યા ત્યારે તેમની સ્મશાનયાત્રામાં સ્ટુડિયોના કેટલાક કર્મચારીઓ ઉપરાંત માત્ર રાજ કપૂર હતા. કેદાર શર્મા જેવા ચંદુલાલ શાહના ખાસ દિગ્દર્શકના કહ્યા અનુસાર એક વાર ચંદુલાલ શાહે પૂછેલું કે મારા વિશે તારો શું મત છે? કેદાર શર્મા એ જણાવેલું કે આપ કા ચહેરા લોહે કા, બાલ ચાંદી કે ઓર દિલ સોને કા હૈ!




n  ગજ્જર નીલેશ