દેવેન વર્માની કોમેડી સ્થૂળ નહોતી, તેની કોમેડી
પણ નીખાલસતાથી ભરેલી રહેતી
કોમેડી ફિલ્મોના ચાહકોને ‘અંગુર’ નામની ફિલ્મ યાદ ન હોય તેવું તો બની
જ ન શકે. ૧૯૬૮ માં આવેલી ફિલ્મ ‘દો દુની ચાર’ માં કીશીર કુમાર અને આસિત સેન ડબલ
રોલમાં શેઠ – નોકરના રોલમાં હતા. તેના પરથી જ પ્રેરણા લઈને ગુલઝારે ૧૯૮૨ માં બે
ગુજરાતી કલાકારોને લઈને ‘અંગુર’ નામની ફિલ્મ બનાવી. જેમાં શેઠ બન્યા હતા સંજીવ
કુમાર અને તેના નોકરનું પાત્ર ભજવ્યું હતું દેવેન વર્માએ. કારણ વિનાના જોક્સ, અળવીતરા,
બાઘાપણા વિના તેઓ સંજોગોના કારણે ઉભા થતા હાસ્યને સર્જતા હતા. કોમેડીમાં જ્હોની
લીવર, મહેમુદ, રાજેન્દ્રનાથના નામના સિક્કા પડતા ત્યારે કોમેડીમાં સફળ થવાની વાત જ
અન્ય અભિનેતા માટે સ્વપ્ન સમાન હતી. એ સમયે દેવેન વર્માએ પોતાની આગવી શૈલીની
કોમેડીથી સફળતા પ્રાપ્ત કરી હતી અને એ પામવા માટે તેમણે ખૂબ મહેનત અને લગન સાથે
પરિશ્રમ કર્યો હતો. રમેશ તલવાર દિગ્દર્શિત ‘દુસરા આદમી’ જોનારને એ ફિલ્મમાં હિરોઈન
(નીતુસિંઘ) ના મામા બનતા સંગીતગુરુ પણ યાદ હશે જેમણે ભાણેજે પોતાના પ્રેમીને મળવા
ટ્રેનની ચેઈન ખેંચતા ટી.સી. ને દંડ ચૂકવવો પડે ત્યારે પણ મ્યુઝીક શોધે છે. જરા હજુ
પાછળ જઈ કોઈ ‘ચોરી મેરા કામ’ ફિલ્મને યાદ કરે તો તેમા ગુજરાતી બોલતા અને ફસાતા એ
પાત્રની યાદ આવશે જેનું નામ ‘પ્રવીણભાઈ’ છે પરંતુ એકેય વાતે પ્રવીણ નથી.
દેવેન વર્મા ગુજરાતી છે પણ એમાં ખુશ થવા
જેવું કંઇ નથી. એણે કદી ગુજરાતી હોવાનું ગૌરવ તો જવા દ્યો..... ગુજરાતી તરીકે
પોતાનો ઉલ્લેખ પણ કદી કર્યો નથી. લગભગ ૧૯૬૬ ની આસપાસની કોઈ સાલ હશે. જયારે
અમદાવાદના શાહીબાગ ખાતેના પોલીસ સ્ટેડીયમમાં ‘શંકર જયકિશન નાઈટ’ યોજાયેલી. રાજ
કપૂર, રાજેન્દ્ર કુમાર, મોહમ્મદ રફી, વિમી અને દેવેન વર્મા ઉપસ્થિત હતા. જેમાં
દેવેને ‘મધુ માલતી મસાલે મે’ નામની ખૂબ હસાવતી સ્ક્રીપ્ટ રજૂ કરી હતી. મોહમ્મદ
રફીના ગીત ‘બહારો ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ’ પર રાજેન્દ્ર કુમાર સ્ટેજ પર
વિમીને બંને હાથમાં ઊંચકીને ફર્યો હતો. દેવેન વર્મા અન્ય કોમેડીયનો કરતા જુદી
ભાતવાળો બેશક હતો. ક્યાંક ક્યાંક બફૂનરી (કોમેડીનો એક પ્રકાર) કરવી પડી હશે. બાકી
એની ફિલ્મોના રોલ થોડા સેન્સીબલ હતા. ખાસ કરીને ઋષિકેશ મુખર્જીની ફિલ્મોમાં. બીજા
ફિલ્મ સ્ટાર્સના અવાજની મિમિક્રી કરતા જ્હોની લીવર જેવા કોમેડીયનો તો પછી આવ્યા. સ્ટેજ
પર ફિલ્મ કલાકારોના અવાજની નકલની શરૂઆત દેવેને કરી હતી. દેવેન વર્માની પહેલી ફિલ્મ
શશી કપૂરની ‘ધર્મપુત્ર’ હતી. જે સાવ ફ્લોપ ગઈ. દેવેન એ વખતે સ્ટેજ શો માટે
મોરેશિયસ ગયો હતો. ત્યાં શશી કપૂરનો ટેલીગ્રામ આવ્યો કે, ‘ધર્મપુત્ર’ ફેઈલ ગઈ છે
ને કારણ કોઈને ખબર નથી. ફિલ્મ ‘અંગુર’ માં ડબલ રોલ કરતો દેવેન પાત્રોમાં ‘સા’
અક્ષરનો ઉચ્ચાર જુદો જુદો કરે છે. છેક ફિલ્મ રીલીઝ થયા પછી ગુલઝારનું ધ્યાન
પડ્યું. એટલે એ વખતે અમેરિકા ગયેલા દેવેનને તાબડતોબ મુંબઈ બોલાવવામાં આવ્યો અને એનું
પૂરું ડબિંગ ફરીથી કરવામાં આવ્યું.
કોમેડીમાં પૂરું ટાઈમિંગ જાળવી રાખતો દેવેન
વર્મા પોલીસ ઇન્સ્પેક્ટર દફા ૩૦૨ યા દફા ૨૦૩ યાદ કરાવવાના બદલે શાયરી પર શાયરી
કહેતો જતો હોય તો કેવું લાગે? એવી કોમેડી ‘દિલ’ ફિલ્મમાં થઇ હતી. ‘યે જીના હૈ
અંગુર કા દાના, કુછ ખટ્ટા હૈ કુછ મીઠા હૈ’ જેવી ખટમીઠી કોમેડી ભૂમિકા ભજવનાર એ
અભિનેતા દેવેન વર્મા છે. નૂર મોહમ્મદ ચાર્લી પછીના તબક્કામાં આવેલા મહેમુદ,
જગદીપથી માંડી અસરાની સુધીના હાસ્ય અભિનેતાઓ સાથે શાંત પણ સ્વસ્થ ટક્કર લેનાર કોઈ
કોમેડિયન હોય તો આ દેવેન વર્મા. રાજપૂતો ખોટી રીતે ક્યાંય ઝુકતા નથી. એવી ધારણાને
‘વર્મા’ અટકધારી આ રાજપૂતે કોમેડીમાં ય સાચી પાડી છે. વર્માનો અર્થ થાય તલવારથી
રક્ષા કરનાર. દેવેન વર્માએ નોખી શૈલીથી કોમેડીની રક્ષા કરી. તેમના કોમેડી
કેરેક્ટરમાં કશા વિચિત્રપણાનો અહેસાસ ન હોય. બુદ્ધિનું દેવાળું ફુંકાયું હોય એવું
વર્તન ન હોય. સ્ત્રીના કપડા પહેરી હસાવે નહિ. દેવેન વર્માની કોમેડી સુક્ષ્મ
અભિનયવાળા વાચિક વડે સર્જાતી. તેમાં બુદ્ધિચાતુર્ય હોય પણ આઈ.એસ.જોહર પ્રકારનું
નહિ. સાવ પોતીકી રીતનું. દેવેન વર્માનો ચહેરો ય એવો નહિ કે જોતા જ હસવું આવે. પડદા
પરની તેમની હાજરી ધીરે ધીરે ખીલતી જાય. યશ ચોપરા, ઋષિકેશ મુખર્જી, ગુલઝાર, આસિત
સેન જેવા દિગ્દર્શકો ચોખ્ખી કોમેડીના આગ્રહી રહ્યા. તેમણે મહેમુદ, જગદીપ,
રાજેન્દ્રનાથ વગેરેનો નહિ દેવેન વર્માનો જ આગ્રહ રાખ્યો. આ બધાની ફિલ્મોમાં
કોમેદડી વઘાર તરીકે નહિ બલકે અંદરના સ્વાદ તરીકે આવતી તેથી સૌ મમળાવ્યા કરતા.
નૂર મોહમ્મદ ચાર્લી, વી.એચ.દેસાઈ પછીના
ગુજરાતી કોમેડીયનોમાં દેવેન વર્મા જ ટોપ પર ગણી શકાય. દિનેશ હિંગુ, ટીકુ તલસાણીયા,
અમૃત પટેલ જેવા ગુજરાતીઓ પછી કોઈ પરેશ રાવલનું ય નામ કોમેડિયનમાં જોડે. પરંતુ તે
માત્ર કોમેડીનો અભિનેતા નથી. એટલે દેવેન વર્મા ફરતે જ ગોળ કુંડાળું કરી ‘ટોપ’ ની
નોંધ કરવી પડે. જો કે ૨૩ ઓક્ટોબર ૧૯૩૬ ના રોજ મુંબઈમાં જન્મેલા આ અભિનેતા અકસ્માતે
કોમેડિયન બની ગયા. વર્માનું કુટુંબ ૧૯૪૫ થી જ પુણેમાં સ્થાયી થયેલું. તેથી ત્યાં જ
શાળા શિક્ષણ પછી વાડિયા કોલેજમાં બી.એ. થયા પછી કાયદાનું ભણવા જોડાયેલા. એ
દિવસોમાં જ સંગીત, નાટક અને મીમીક્રીનો શોખ ચડી ગયેલો. મોકો મળ્યો તો કાયદાનું
ભણતર કાયદેસર પૂરું કરવાને બદલે કોલેજ મિત્ર પાસે મુંબઈ આવી ગયા.
પેલા મિત્ર સંગીતના કાર્યક્રમો કરતા હતા. આ
ભાઈ ગાઈ શકે અને મિમિક્રી કરી શકે એમ હતા. આવા એક કાર્યક્રમને બી.આર.ચોપરાએ જોયો
અને શશી કપૂર, માલા સિન્હા અભિનીત યશ ચોપરા દિગ્દર્શિત ‘ધર્મપુત્ર’ માં નાની
ભૂમિકા આપી અને ૨૩ ઓક્ટોબર ૧૯૬૧ ના રોજ તેમની કારકિર્દી શરૂ થઇ. કોઈપણ અભિનેતાની
કારકિર્દીમાં શરૂના વર્ષો બહુ અવઢવવાળા હોય છે. સફળતા મળશે કે નહિ? મળશે તો કેવા
પ્રકારની ભૂમિકામાં મળશે? વ્યવસાયી ફિલ્મોદ્યોગ અભિનેતાની સફળ ભૂમિકામાંથી
કારકિર્દી નક્કી કરી આપે છે. દેવેન વર્મા સભાન હતા એટલે ‘કવ્વાલી કી રાત’ માં
મુમતાઝ સાથે કોમેડી જરૂર કરી પરંતુ મોહન સહેગલ દિગ્દર્શિત ‘દેવર’ માં ખલનાયકની
ભૂમિકા કરી. પરંતુ એ જ પહેલો ચહેરો આડે આવ્યો જે તેમને ખલનાયક લાગવા દેતો નહોતો.
તેમણે આ દરમિયાન અશોક કુમારની દીકરી રૂપા ગાંગુલી સાથે પ્રેમલગ્ન પણ કરી લીધા હતા.
એક સમયે ખુદ મરાઠી નલીની જયવંતના પ્રેમમાં પડેલા બંગાળી શ્વસુરજી અશોક કુમારને તેમની
દીકરી ગુજરાતીને પરણે તેનો વાંધો હતો પરંતુ સમજદાર શ્વસુરે સમજદાર ભાવી જમાઈને
ઓળખી લીધા પછી ૧૯૬૭ માં શહનાઈ વાગી ઉઠી. દેવેન વર્માએ એ દરમ્યાન જ ‘નવરત્ન
ફિલ્મ્સ’ બેનર હેઠળ ધર્મેન્દ્ર – શર્મિલા ટાગોરને લઈને બ્રિજના દિગ્દર્શનમાં
‘યકીન’ ફિલ્મનું પ્રથમવાર નિર્માણ કર્યું. આ ફિલ્મ પછી તેમણે ફિલ્મનિર્માણ ઉપરાંત
દિગ્દર્શન પણ હાથમાં લીધું. ‘યકીન’ ના પટકથા સંવાદ પોતે જ લખેલા અને ગુજરાતી હોય
તો કોઈ વિભાગમાં પાછું પડવાનું વિચારી શકે કઈ રીતે? ‘બુઢ્ઢાં મિલ ગયા’ ના હીરો
નવીન નિશ્ચલ સાથે કામ કરતા કરતા એ જ નવીન નિશ્ચલ સાથે ગુજરાતી હિરોઈન આશા પારેખને
લઇ ‘નાદાન’ નું નિર્માણ – દિગ્દર્શન કર્યું. પોતાની પહેલી ફિલ્મમાં અભિનય નહોતો
કર્યો. આમાં કર્યો. ફરી સફળતા મળી. આ કારણે ચાનક ચડતી ગઈ અને બડા કબુતર, યાસ્મીન,
બેશરમ, ચટપટી, દાનાપાની સહીત સાત ફિલ્મોના નિર્માણ સુધી તેઓ ૧૯૯૦ માં પહોચી ગયા.
૧૯૭૧ થી ૧૯૮૦ ના દાયકામાં તેમણે ૪૯ જેટલી
ફિલ્મો કરી તો ૧૯૮૧ થી ૧૯૯૦ દરમ્યાન ૪૩ જેટલી ફિલ્મો આવી. આ દરમિયાનની તેમની
ફિલ્મોમાં ધુંદ, કોરા કાગઝ, ચોરી મેરા કામ, કભી કભી, દુસરા આદમી, ખટ્ટામીઠા,
ગોલમાલ, થોડી સી બેવફાઈ, લેડીઝ ટેલર, સિલસિલા જેવી અનેક ફિલ્મો હતી. ‘ચોરી મેરા
કામ’ માં ગુજરાતી પ્રવીણભાઈની ભૂમિકાએ જ તેમને પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો.
ત્યાર બાદ ૧૯૭૮ ની ‘ચોર કે ઘર ચોર’ અને ત્રીજીવાર ‘અંગુર’ ફિલ્મમાં શ્રેષ્ઠ
કોમેડિયનનો એવોર્ડ મળ્યો. ‘ચોરી મેરા કામ’ માં વારંવાર બોલાતો ડાયલોગ ‘ધોતિયું
ઢીલું થઇ ગયું’ પ્રવીણભાઈનું ચાહકો આજે પણ વીસર્યા નથી. દેવેન વર્માએ અરુણા ઈરાની
સાથે સૌથી વધુ વાર જોડી બનાવી તોય પ્રિય ગાંગુલી સાથેની જોડી એ કારણે વધુ ચર્ચામાં
આવી કે તેઓ સાળી – બનેવી સંબંધ ધરાવતા હતા. ઘણા તો એમ માની બેસતા કે દેવેન વર્માએ
પ્રિયા સાથે જ લગ્ન કર્યા છે પણ રૂપા ગાંગુલી પૂર્ણપણે દેવેનની ગૃહિણી હતી. દેવેન
વર્માએ કદી હીરો બનવાની ય બેતાબી ન હતી ને તોય ૧૯૬૪ માં ‘નૈહર છુટલ જાયે’ નામની
ભોજપુરી ફિલ્મમાં હીરો બનાવાનો મોકો મળેલો. મરાઠીમાં ફરારી, હા ખેળ સાવલ્યાંચા અને
દોસ્ત અસાવા તર અસામા અભિનય કર્યો. દેવેન વર્માએ પોતાની કારકિર્દીમાં કેટલાક
અખતરાપણ પસંદ કર્યા છે. અભિનય, નિર્માણ, પટકથા – સંવાદ લેખક પછી તેમણે આદમી સડક
કા, દુસરા આદમી, જોશ, છુપછુપી વગેરે ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. તેમાય રાજેશ
રોશનના સંગીતમાં યશ ચોપરાના પત્ની પામેલા ચોપરા સાથે ગાયેલું ‘દુસરા આદમી’ નું ગીત
‘અંગાન આયેંગે સાંવરિયા.....’ તો ખૂબ જ લોકપ્રિય પણ થયેલું. ઉપરાંત ફિલ્મ ‘આદમી
સડક કા’ માં દેવેન વર્માએ ‘આજ મેરે યાર કી શાદી હૈ.....’ ગીત ગાયું હતું જે આજે પણ
લગ્ન પ્રસંગે સાંભળવા મળે છે. જે ઘણા વાચકો નહિ જાણતા હોય.
ગુજરાતી હોવા છતાં તેમણે ગુજરાતી ફિલ્મો ન
કરી એવું કોઈ કહે તો તેનો જવાબ છે કે નિર્માતા જયંતીલાલ શાહ અને દિગ્દર્શક સુશીલ
વ્યાસની ૧૯૭૯ ની ફિલ્મ ‘ગાજરની પીપુડી’ માં તેઓ મહેમાન કલાકાર હતા અને ૧૯૭૫ ની
‘કોના બાપની દિવાળી’ માં તેઓ હીરો હતા. જો કે તેમની હીરો તરીકેની ફિલ્મ ક્યારેય
રીલીઝ ન થઇ. આ ફિલ્મના પ્રોડ્યુસર રમેશ સરૈયા અને ગોવિંદ સરૈયા હતા. રમેશ સરૈયા તો
અત્યારે હયાત નથી. પણ ૮૮ વર્ષીય ગોવિંદ સરૈયાને આજે પણ એ ફિલ્મ અને ફિલ્મ સાથે
જોડાયેલી તમામ વાતો યાદ છે. ગોવિંદ સરૈયા કહે છે કે, આ ફિલ્મ દેવેનના કારણે જ
રીલીઝ થઇ નહિ એવું કહું તો ચાલે. ડબિંગ માટે દેવેન પહોચતો જ નહિ. બહુ વખત સુધી રાહ
જોવડાવે અને પછી પાછા આવવું પડે. એક દિવસ નક્કી કરી લીધું કે ફિલ્મ નથી રીલીઝ
કરવી. ફિલ્મ વેચાઈ ગઈ હોવા છતાં પણ અટકાવી દીધી અને કેટલાય લોકોના પૈસા એમાં પડ્યા
રહ્યા.
દેવેન વર્માની આ ગુજરાતી ફિલ્મમાં સ્નેહલતા
હિરોઈન હતી તો હિન્દી ફિલ્મોના એક સમયના જાણીતા કેરેક્ટર એક્ટર ડેવિડ પણ હતા.
ગોવિંદ સરૈયાએ આ ફિલ્મ દેવેન વર્મા પરનું એક લેણું ચૂકવવાના હેતુથી આપી હતી.
ગોવિંદ સરૈયા વિગતો આપતા કહે છે કે, બન્યું એવું કે એ સમયે અમારી ફિલ્મ
‘સરસ્વતીચંદ્ર’ નું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. લીડ રોલ માટે દિલીપ કુમાર અને
ધર્મેન્દ્રે અમને બહુ રખડાવ્યા. પણ પછી શશી કપૂરે દેવેન વર્મા સાથે મીટીંગ કરાવી. દેવેનને
ઓલમોસ્ટ અમે ફાઈનલ કર્યો. પણ એના પછી ફરીથી હીરો બદલ્યો. હીરો બદલાયો ત્યારે
દેવેનને એમ કહ્યું હતું કે, તને હીરોનો રોલ એકવાર આપીશું. એ દરમ્યાન ‘કોના બાપની
દિવાળી’ ની વાર્તા આવી. લાગ્યું કે દેવેન એના માટે બેસ્ટ છે અને અમે એ ફિલ્મ
દેવેનને આપી. આ ફિલ્મનું ડીરેક્શન ગુજરાતી થીયેટરના એક સમયના દિગ્ગજ એક્ટર શૈલેશ
દવેએ કર્યું હતું. શૈલેશ દવેએ ડીરેક્ટ કરી હોય એવી એ પહેલી ફિલ્મ. એ સમયે શૈલેશ
દવે ગોવિંદ સરૈયાની ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મમાં આસીસ્ટન્ટ ડિરેક્ટર હતા. ફિલ્મ વખતે
દેવેન શૈલેશ દવેને બહુ સપોર્ટ કરતો હતો. ખાસ કંઇ કામ હતું નહિ એટલે એ પણ રાજી થઈને
કામ કરતો પણ ફિલ્મ આગળ વધતી ગઈ એમ એમ એની પાસે કામ વધવા માંડ્યું અને પછી તો એ પણ
હિન્દી ફિલ્મોમાં અટવાઈ ગયો.
ફિલ્મની
વાર્તા ; દેવેન વર્મા અને સ્નેહલતા અભિનીત ‘કોના બાપની દિવાળી’ ની વાર્તા એક એવા
લુખ્ખા માણસની હતી જે બીજાના પૈસા વાપરીને જલસા કરવામાં માને છે. આ જલસા કરવામાં
એક વખત તે ફસાઈ જાય છે અને ફસાયા પછી તેને સમજાય છે કે ‘કોના બાપની દિવાળી’ એવી
કહેવત ભલે રહી. પણ હકીકત તો એ છે કે દિવાળીનો ખર્ચ છેલ્લે તો આપણે જ ભોગવવાનો હોય
છે.
સ્નેહલતાને આ ફિલ્મ વિષે વધુ કંઇ યાદ નથી સ્નેહલતા
કહે છે કે, મને ફિલ્મનું નામ અને કેટલાક સીન સિવાય બીજું કંઇ યાદ નથી. દેવેન વોઝ
વેરી કાઈન્ડ, સેન્સ ઓફ હ્યુમર તેની ગજબનાક હતી. સામાન્યમાં સામાન્ય વાતમાં પણ તેની
કોમેડી ચાલતી હોય. કેટલાક સીન તો તેણે ચેન્જ કરાવ્યા અને એના ડાયલોગ હિન્દીમાં
લખીને પછી એનું ગુજરાતી કરાવવામાં આવ્યું હતું.
n
ગજ્જર નીલેશ
No comments:
Post a Comment