facebook

Saturday 29 August 2015

mahendra kapoor

એક મીઠડો ગાયક – મહેન્દ્ર કપૂર
મહેન્દ્ર કપૂર બિનગુજરાતી હોવા છતાં તેમના ગુજરાતી ગીતોની સંખ્યા નાની સુની નથી



ભારતીય હિન્દી ફિલ્મ જગતમાં ગ્રેટ શોમેન તરીકે રાજકપૂર સાહેબનું નામ જેમ સુવર્ણાક્ષરે અંકિત છે એ જ રીતે, એની સમાંતરે ભારતીય હિન્દી ફિલ્મ સંગીત જગતમાં મહેન્દ્ર કપૂરનું નામ સુવર્ણ અક્ષરે આલેખિત છે. ફિલ્મ સંગીતક્ષેત્રની ત્રિપુટીને આપણે ક્યારેય, કદાપી, હરગીઝ નહિ જ ભૂલી શકીએ. મન્નાદા ( ડે ) સાહેબ, મહંમદ રફી, અને મહેન્દ્ર કપૂર આ ત્રણેય સમર્થ સ્વરના માલિકોએ ભારતીય પ્રજાના હેયામાં પોતાના સ્વરના અજબ કામણ પાથર્યા છે. એમાય મહેન્દ્ર કપૂર તો આપણને ‘આપણા’ જ લાગે કેમ કે એમણે ગુજરાતી ફિલ્મ સંગીતમાં એટલા બધા અમર ગીતો આપ્યા છે કે આપણે ક્યારેય એના સ્વરઋણમાંથી મુક્ત નહિ થઇ શકીએ. મન્નાડે અને મહંમદ રફી પછી સશક્ત સ્વર અને તાર સપ્તકનીય ઉપરના સૂરમાં સહેલાઈથી ગાનાર મહેન્દ્ર કપૂરે ગયેલા અસંખ્ય ગીતો હવે માત્ર આપણી સ્મરણહુંડી છે. ભારતીય ભક્તિ સંગીત પરંપરામાં પણ આ ગાયકે ઘણી ઉત્તમ ભક્તિરચનાઓને સ્વર આપ્યો છે. મહેન્દ્ર કપૂરે ગયેલા હનુમાન ચાલીસામા આપણને તેના ભક્તિભાવ ભર્યા ભાવ સંવેદનક્ષમ સ્વરનો અનુભવ થયા વગર રહેતો નથી જ. સફળ ફિલ્મો હમરાઝ, નિકાહ, પૂરબ ઔર પશ્ચિમ, ઉપકાર અને અન્ય ઘણી ફિલ્મોની સફળતામાં મહેન્દ્ર કપૂરે ગયેલા ગીતોએ અગ્ર ભૂમિકા ભજવી છે. દેશભક્તિ ગીતોમાં તો આજે પણ એમણે ગયેલા ગીતો જ મોખરે છે.
    ૧૯૭૩ની સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘રાજા ભરથરી’ ( કીર્તિ કલા મંદિર, મુંબઈ પ્રસ્તુત, ટી. જે. પટેલ નિર્મિત અને રવીન્દ્ર દવે દિગ્દર્શિત ) ફિલ્મનું સંગીત અવિનાશ વ્યાસજીએ તૈયાર કર્યું
હતું. જેન જેના ગીતો એ સમયે ગલીએ ગલીએ ગુંજતા હતા. ‘રાજા ભરથરી’ ફિલ્મમાં ઘણા ગીતો હતા. એમાંથી બે ગીતો આજે પણ જૂની પેઢીના લોકોની સ્મૃતિમાં અકબંધ છે. અરે, અમેરિકા અને આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પણ ‘રાજા ભરથરી’ ના મહેન્દ્ર કપૂરે ગાયેલા એક સુપરહિટ ગીતની ફરમાઈશ અચૂક કરે જ છે. મહેન્દ્ર કપૂરે આ
ગીતમાં જે દર્દ ઠાલવ્યું છે તે આપણી આંખમાંથી અશ્રુ વહાવે એટલું સક્ષમ છે. એમાંય ગીતની વચ્ચે આ ગાયકે તારસ્વરે જે આલાપ ગાયો છે તે આ લખતી વેળા હું પણ આ ગીત ગણગણતો જાઉ છું. મહેન્દ્ર કપૂરનું ભાવ સ્મરણ અંજલી રૂપે આપણે સૌ આ અભેરાઈ પર મુકાઈ ગયેલું ગીત ગાઈએ અને આપણા મહાન ગાયકને એ નિમિત્તે યાદ કરીએ. આજની પેઢીએ અને આજના ગાયકોએ આવા ગીતો પાસે જવું જોઈએ. ગાતા પહેલા ખૂબ ખૂબ સાંભળવું જોઈએ. ‘રાજા ભરથરી’ ફિલ્મના એ બે સફળ ગીતો એટલે

૧. ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો છે તારે દ્વાર ( મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર )
૨. પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટીને...........
આજે આચમનના આંગણે મહેન્દ્ર કપૂરને આપણા સૌની હદયાંજલી અર્પીએ આ ગીતથી.....

પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટીને,
અમે રે પોપટ રાજા રામના ( હોજી રે.....)

ઓતરા તે ખંડમાં આંબલો પાક્યો ત્યારે,   
સુંદલે મારેલ મુને ચાંચ રાણી પિંગળા, હેએએ

ઇરે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તોય ન હાલી મારી સાથ, રાણી પિંગળા,
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના,

બીજા બીજા જુગમાં રાણી, તું હતી મૃગલીને,
અમે રે મૃગેશ્વર રાજા રામના ( હોજી રે.....)

વનરા તે વનમાં પારધીએ ફાંસલો બાંધ્યો
પાડતા છાંડ્યા મેં મારા પ્રાણ રાણી પિંગળા, હેએ

ઇરે પાપીડે મારા પ્રાણ
જ હરિયા ને
તોયે ન હાલી મોરી સાથ રાણી પિંગળા
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના

ત્રીજા ત્રીજા જુગમાં રાણી, તું હતી બ્રાહ્મણીને,
અમે રે તપેશ્વર રાજા રામના ( હોજી રે.....)


કંદલિક વનમાં ફૂલ વીણવા ગ્યા’તા ત્યારે,
ડસિયેલ કાળુંડો નાગ રાણી પિંગળા, હેએએ

ઇરે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને

તોયે ન હાલી મોરી સાથ રાણી પિંગળા
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના

ચોથા ચોથા જુગમાં રાણી, તું હતી પિંગળા ને,
અમે રે ભરથરી રાજા રામના, ( હોજી રે..... )

ચાર ચાર યુગમાં તારો વાસ હતો ને,
તોયે ન હાલી મોરી સાથ રાણી પિંગળા
દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના

    મહેન્દ્ર કપૂરે ‘રાજા ભરથરી’ ફિલ્મમાં જે રીતે આ ગીત ગાયું છે એ ગાનપાઠ મુજબ અહીં ગીત લખ્યું છે. પરંપરિત મૂળ ગીતમાં કદાચ શબ્દ ફેરફાર હોય, પણ અવિનાશ વ્યાસે મહેન્દ્ર કપૂર પાસે ખૂબજ ભાવવાહી સ્વરમાં આ ગીત ગવડાવીને ગીતની અમરતામાં વધારો કર્યો છે. ગીતોમાં અવિનાશભાઈએ શહેનાઈ, સિતાર, વાંસળી, તબલા, મંજીરા અને કીબોર્ડ વાઈબ્રોનો એ સમયે કરેલો ઉપયોગ કાબિલે દાદ છે. એમાંય ગીતના ફિલર મ્યુઝીક તરીકે જ્યાં જ્યાં શરણાઈના કરુણતમ સ્વરો વાગે છે તે આ આખાય ગીતને વધુ કરુણ બનાવે છે. મહેન્દ્ર કપૂર પૂર્વે અન્ય આપણા ઘણા લોકસંગીતના ધુરંધર ગાયકોએ, ભજનિકોએ આ લોકગીત ગાયું જ હશે પણ મારા મન હદયમાં મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગવાયેલું ગીત દ્રઢ થયેલું છે. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ઉપર ફિલ્માવાયેલું આ ગીત ગુજરાતી ફિલ્મનું છે અને મહેન્દ્ર કપૂરે ગયેલું છે તે આપણી ભાષાની – આપણા સંગીતની મોંઘી મૂડી છે. મહેન્દ્ર કપૂરના સ્વરને, તેમના આત્માને શત શત વંદન.


No comments:

Post a Comment