facebook

Friday 28 August 2015

manisha trivedi

નિર્માત્રી, દિગ્દર્શિકા, અભિનેત્રી મનીષા ત્રિવેદી   
ઈમેજીન પર આવતી ‘દ્વારકાધીશ’ માં શ્રી કૃષ્ણની પત્ની રૂક્ષમણીની માતા ભામિનીનો રોલ તથા ‘સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન’ માં જીવુંબાનો રોલ ખૂબ જ નામના પામેલા.




   
નાટકોથી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોથી રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાનો અવસર ખૂબ ઓછા લોકોને મળે છે. સ્કુલ કાળથી જ નાટકો પ્રત્યે મન વળતા B.A. with drama ડબલ ગ્રેજ્યુએશન થયેલા મનીષા ત્રિવેદીની વાત છે. નાટકોની પ્રાથમિક તાલીમ મલ્લિકા સારાભાઈની ‘દર્પણ એકેડમી’ થી કરેલી. હરિન ઠાકરનું કમર્શિયલ નાટક ‘રૂપિયામાં રમતો માણસ’ માં પ્રથમવાર સ્ટેજનો સામનો કર્યો. પ્રથમ મંચ અભિનયનો અનુભવ મેળવ્યા બાદ આ નાટકના ૭૦૦ જેટલા શો કર્યા. ત્યાર બાદ વિનોદ જાનીનું બે ભાગમાં વહેંચાયેલા નાટક ‘પ્રીત પીયુ ને પાનેતર’ માં કામ કરી એક અનોખી ખુશી મેળવી. ઉપરાંત કોમેડી નાટકોમાં ‘જેની રૂપાળી વહુ એના નખરા બહુ’, ‘સાસુ વહુની સંતાકુકડી’, ‘લો ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા’ વગેરે યાદગાર નાટકો છે. જી-ગુજરાતી પર આવતી ‘ભવિષ્યવાણી’ નાં ૧૦૦૦ જેટલા એપિસોડ કરનાર મનીષા ત્રિવેદીએ હિન્દી તથા ગુજરાતી ધારાવાહિકો ‘છૂટાછેડા’, ‘એક ડાળનાં પંખી’, ‘રીતેરીવાજ’,




‘યુંનાઈટેડ સ્ટેટસ ઓફ ગુજરાત’ વગેરે તથા ઈમેજીન પર આવતી ‘દ્વારકાધીશ’ માં શ્રી કૃષ્ણની પત્ની રૂક્ષમણીની માતા ભામિનીનો રોલ તથા ‘સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન’ માં જીવુંબાનો રોલ બંને અનુક્રમે એક વર્ષ તથા દોઢ વર્ષ સળંગ ભજવેલા છે. હિન્દી ધારાવાહિકોની ચર્ચા ચાલી રહી હોય અને આસિત મોદીની ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ નાં મનીષાના પાત્ર ‘કલાવતી’ ને પણ ધ્યાને લેવું રહ્યું. જેમાં પોપટલાલને મૂરતિયા તરીકે જોવા માટે એક જ દિવસે એક સાથે બે છોકરીઓ આવી ચડે છે અને પોપટલાલાની જે ‘સૂડી વચ્ચે સોપારી’ થાય છે તેમાંની એક
છોકરીની માતા મનીષા ત્રિવેદી હતી. ‘મહિમા શનીદેવકી’ હિન્દી ધારાવાહિક તથા ‘ગૃહલક્ષ્મી’ તથા ‘સદાબહાર’ નું એન્કરીંગ પણ કરેલ છે.
      ગુજરાતી ફિલ્મોમાં ‘જય જલારામ’ તથા ‘જેસલ તોરલ’ માં લીડ રોલ કરેલ છે તથા ઉલ્લેખનીય ફિલ્મોમાં ‘વહુરાણી’, ‘જય અંબે જગદંબે’, ‘પ્રીત નાં કરશો પરદેશીને’, ‘ભીંજાય પ્રીત ભેરૂની’, ‘પ્રીત ભરી ઓઢણી’ વગેરે છે. મનીષા ત્રિવેદી સાથે થયેલ વાત-ચીતના કેટલાક અંશો.
પ્ર – આપની દ્રષ્ટિએ નાટકો તથા ફિલ્મોમાં શું તફાવત છે ?           
ઉ – ગુજરાતી ફિલ્મો કરતા નાટકો વધુ પડકારજનક છે. અત્યારે જે પ્રકારની મતલબ કે શહેરી વાતાવરણવાળી ફિલ્મો બની રહી છે તો તેની સરખામણીએ શહેરી કલ્ચરવાળા નાટકો ઘણા વરસોથી બનતા આવે છે. બીજું કે નાટકોમાં પ્ર્રેક્ષકોની રૂબરૂ થવાનું હોય છે જેથી શરૂઆતમાં થોડોક ભય રહે કે કોઈ સંવાદમાં કે અભિનયમાં કચાશ નાં રહે. જ્યારે ફિલ્મોમાં એવું નથી હોતું.
પ્ર – આસિત મોદી સાથે ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ માં કામ કરીને કેવું લાગ્યું ?





ઉ – આસિતજી સાથે હું પહેલા પણ ‘હમારી સાસ લીલા’ માં કામ કરી ચુકી છું એટલે કહી શકું કે તેઓ ખૂબ જ ધીરજથી કામ કરાવી શકે છે. તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ છે કે તેઓને કલાકારો પાસેથી જેવું કામ જોઈએ તેવું લઇ શકે છે. ‘તારક મહેતા..........’ ની  ટીમ સાથે પણ કામ કરવાની ખૂબ મજા આવી. બધા કલાકારોએ મને પૂરો સપોર્ટ આપ્યો. ખોટું નહિ કહું ખરેખર ખૂબ મજા પડી ગઈ.
પ્ર – આપની એક હિન્દી ફિલ્મ પણ આવી.
ઉ – હા, મેં હમણા જ એક હિન્દી ફિલ્મ કરી છે. જે અમદાવાદમાં જ બની રહી હતી. ‘ડી ડે’ નામની હિન્દી ફિલ્મથી શરૂઆત તો કરી છે.
પ્ર – વાચકોને કોઈ સંદેશ?
ઉ – વાચકોને મારો સંદેશ છે કે બધા ખૂબ પ્રગતિ કરે બીજું એ કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાતી નાટકો, ગુજરાતી કલ્ચરલ એકટીવીટીઝ ખૂબ  આગળ વધે અને લોકો જે ગુજરાતી ફિલ્મો, નાટકોથી પાછા જતા જાય છે પાછા પડતા જાય છે તેઓને ગુજરાતી કલા પ્રત્યે ઝુકાવ વધે એવી મારી શુભેચ્છા છે.
    હવે, એક ખાસ વાત મનીષા ત્રિવેદી નિર્મિત, દિગ્દર્શિત અને અભિનિત નાટક ‘પિતૃ દેવો ભવ’ વિષે.
    લેખક પ્રવીણ સોલંકીએ એક સામાજિક દ્રષ્ટિકોણ રાખીને આ કથાને એવી રીતે તૈયાર કરી કે દર્શક તેમાં પોતાનું વ્યક્તિત્વ જોઈ શકે. પિતા-પુત્રની આ કથામાં પિતાને ત્યારે લાગે છે જ્યારે પુત્ર પોતાની માતાના નિધન વખતે પણ સ્વદેશ પાછા ફરવામાં અસમર્થતા બતાવે છે. આ વાતને વધારે મહત્વ ના આપતા પિતાને અચરજ તે     દિવસે થાય છે જ્યારે ગ્રીન કાર્ડ માટે એક વિદેશી મહિલાને પુત્ર લગ્ન કરીને પોતાના ઘરે લાવે છે અને પુત્ર પિતા પર સંપત્તિ સંબંધિત કેસ કરી પોતાના પિતાને પાગલ સાબિત કરી કેસ  જીતી જાય છે. જે બાદ પિતા બધું જ (ઘરવખરી) છોડીને ત્યાંથી ચાલ્યો જાય છે.
    આકર્ષક મંચ તથા વ્યક્તિત્વ અનુરૂપ પિતા – કૃણાલ ભટ્ટ અને પુત્ર – કશ્યપ પાઠકનો અભિનય જોરદાર રહ્યો. અન્ય કલાકારોમાં નિશીથ બ્રહ્મભટ્ટ, અભિજ્ઞા મહેતા સાથે નિર્માત્રી, દિગ્દર્શિકા, અભિનેત્રી મનીષા ત્રિવેદીએ આ નાટકમાં માતા-પુત્રીની બેવડી ભૂમિકા ભજવેલી છે.

-          ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment