facebook

Thursday, 5 November 2015

manish patel

એકદમ નમ્ર અને સાલસ સ્વભાવના નિર્માતા મનીષ પટેલનું ફિલ્મ નિર્માણક્ષેત્રે આગમન


    નિર્માતા હર્ષદ કંડોલિયા, રીધમ કંડોલિયા અને મનીષ પટેલ કંડોલિયા ફિલ્મ્સના બેનર હેઠળ એક ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ છે. જેના નિર્માતા મનીષ પટેલની વાત કરીએ તો એકદમ નમ્ર અને સાલસ વ્યક્તિત્વ ધરાવે છે. બહુ શાંતિથી કામ પાર પાડવામાં માને છે. ઉતાવળાપણું કે કોઈ કામ જલ્દી કરી નાખવું તેવું નથી કરતા. બહુ સમજી વિચારીને જ આગળ વધાય તેવો તેમનો જીવનમંત્ર છે.ફિલ્મમાં ગુજરાતના લોકપ્રિય લોકગાયકો અને એ પણ બબ્બે રાજદીપ બારોટ અને રાકેશ બારોટને લેવાનું સાહસ કર્યું છે. એટલે પ્રથમ ફાયદો નિર્માતાઓને એ થશે કે તે બંને ગાયકોના ચાહકો તો ફિલ્મને પ્રેક્ષક રૂપે મળી જ રહેવાના છે. એ ઉપરાંત તેઓએ અત્યાર સુધી સાથે પણ હજી સુધી એક પણ ડાયરો નથી કર્યો. આ ફિલ્મમાં તેઓને બંનેને એક ડાયરામાં રમઝટ મચાવતા પણ જોવા મળવાના છે. ફિલ્મ સામાજિક છે અને સાથે તેમાં લવસ્ટોરી પણ છે અને એ પણ બબ્બે લવસ્ટોરી. ફિલ્મનું જમા પાસું એ છે કે અત્યારે સમાજમાં ફેલાયેલું એક દુષણ એટલે વ્યાજનું વિષચક્ર. જે વ્યક્તિ આ વિષચક્રમાં ફસાય છે તે અંદર ને અંદર ખુપતો જ ચાલ્યો જાય છે. આ દુષણ અત્યારે દરેક ગામ અને મોટા મોટા મહાનગરોમાં પણ ફેલાયેલું છે. તે બાબત પર થોડો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી ફસાય ગયા પછી કેવી રીતે મહા મુસીબતે માણસ બહાર આવે તે હદયદ્રાવક કથા છે જેનું સરસ નિરૂપણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે.

પ્ર – એક જ ક્ષેત્રના બે સિંગર એકસાથે લીધા તો તકલીફ થયેલી?
ઉ – ના, અમને એવી કોઈ તકલીફ નથી પડી જેના લીધે અમારી ફિલ્મ પર અસર થાય. બંનેએ ખૂબ જ સરસ અને એકબીજાને મદદરૂપ થઇ શકે તે રીતે અમારી આખી ફિલ્મનું શુટિંગ પાર પાડ્યું હતું. આ અમારી એવી પ્રથમ ફિલ્મ છે જેમાં અમે બે મોટા ગજાના ગાયકોને સાથે લાવી રહ્યા છીએ. ફિલ્મ દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા છે જે મને જીવનભર યાદ રહેશે. આ મારી પ્રથમ ફિલ્મ છે છતાં પણ મને એમ નથી લાગ્યું કે હું પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યો છું. દરેક નાના મોટા કલાકારો તથા ટેકનીશીયનોએ પૂરેપૂરો સપોર્ટ આપ્યો. દરેક મોટા કલાકારોને જોઇને પહેલા મને એમ થતું હતું કે તેઓ બહુ જાહેરમાં નહિ આવતા હોય. પરંતુ મને એમની સાથે કામ કરીને એવું લાગ્યું કે તેઓ પણ આખરે આપણી જેમ એક વ્યક્તિ જ છે ને. તેઓ હમેશા લોકોની ટચમાં રહેવા માંગતા હોય છે. એકદમ સાલસ સ્વભાવના કલાકારો મને મારી ફિલ્મ માટે મળ્યા જેનાથી મને આનંદ છે. તેઓ પણ ખૂબ જ ખુશ હતા કે એક નવો કન્સેપ્ટ આવી રહ્યો છે જેમાં બે ટોચની હિરોઈનો અને બે ગાયકો સાથે આવી રહ્યા છે.

પ્ર – તમારી પ્રથમ ફિલ્મનો અનુભવ કેવો રહ્યો?
ઉ – ખૂબ સરસ અનુભવ રહ્યો. આનો સંપૂર્ણ શ્રેય હું મારા મિત્ર અને મારા પાર્ટનર હર્ષદ કંડોલિયાને આપું છું. મને નાનપણથી ફિલ્મો પ્રત્યે લગાવ હતો પણ મને એવું કોઈ પ્લેટફોર્મ કે એવું કોઈ માધ્યમ મને નહોતું મળ્યું કે જેના દ્વારા હું આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી શકું. હર્ષદ કંડોલિયા મારા બાળપણના મિત્ર હૂવાથી જુનો પરિચય અને મારો ફિલ્મો જોવાનો શોખ એમને ખબર હતો. તેમણે મારી સામે પ્રસ્તાવ મુક્યો કે આપણે પણ એક સારી અને સામાજિક ફિલ્મ બનાવીએ. મને પણ એમની વાતમાં રસ પડ્યો, સ્ક્રીપ્ટ વાંચી અને આગળ વધ્યા.
પ્ર – યુનિટમાં કેવું વાતાવરણ રાખવાનો પ્રયાસ કર્યો?
ઉ – અમે દરેક કલાકારને સારી સુવિધાઓ આપી જેનાથી તેઓ શુટિંગ પૂર્ણ કરીને જયારે પાછા ફરે ત્યારે એકદમ તરોતાજા ફ્રેશ થઇ શકે અને દરેક માટે કોઈ ખામી ના આવે. જે પણ વસ્તુની જરૂર પડે તે હાજર કરી આપવી. યુનિટમાં નોનવેજ કે દારૂ જેવા નશીલા પદાર્થો લાવવાની સખત મનાઈ કરી દેવામાં આવી હતી.

પ્ર – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષે.
ઉ – ગુજરાતી ફિલ્મો અત્યારે મધ્યમ વર્ગના લોકો જ માણે છે. ખરૂ જોતા આપણી પોતાની માતૃભાષાની ફિલ્મો માટે દરેક વર્ગના લોકોએ એટલે કે મધ્યમ અને જે ભણેલા ઉચ્ચ વર્ગના અને આગળ પડતા છે તેમણે પણ માણવી જોઈએ. અત્યારે જે દર્શક છે તે મધ્યમ વર્ગ જ છે. તેને આગળ લાવવા માટે દરેક નાગરિકે ફિલ્મ જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મોમાં આપણી સંસ્કૃતિ દેખાય છે. તેને વળગી રહેવા માટે જ નિર્માતાઓ ફિલ્મો બનાવે છે. તેને સાથ આપશો તો તે કંઇક નવું કરવા પ્રેરાશે.
પ્ર – ફિલ્મના દિગ્દર્શક ?
ઉ – ફિલ્મના દિગ્દર્શકો રાહુલ વેગડ અને વિજય દલવાડી પાસેથી અમને બહુ જ સારૂ કામ મળ્યું છે. રાહુલ વેગડે ફિલ્મના સોન્ગ્સ પણ લખ્યા છે. જે કાનને ગમે તેવા બન્યા છે. વિજય દલવાડી તરફથી ખૂબ સહકાર મળ્યો. તેમનું દિગ્દર્શન કરવાની પધ્ધતિ બહુ જ સારી હતી. તેઓ બધા કલાકારોને સમજાવટથી કામ લેતા હતા.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment