ક્યા વિષય પર ફિલ્મ નથી બની અને બની છે તો તેને
થોડી અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકાય - વસંત નારકર
નિર્માતા
શૈલેશ શાહ ગુજરાતી સિનેમાનું જાણીતું નામ બની ચુક્યું છે. તેમના પ્રોડક્શનમાં
ગુજરાતી દર્શકોએ ઘણી ગુજરાતી ફિલ્મો ટૂંકા ગાળામાં જોઈ. આ તો એવું કહેવાય કે,
સિગરેટ બળે ઓછી અને લજ્જત વધુ આપે. તેમની ફિલ્મો આવી અને દર્શકોને પૂરતું મનોરંજન
પણ કરાવતી ગઈ. થોડા સમયમાં તેમની લેડી ઇન્સ્પેક્ટર પર આધારિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’
આવી રહી છે. જેની તમામ ફિલ્મોના દિગ્દર્શક વસંત નારકર રહ્યા છે. તેમનું દિગ્દર્શન
પ્રક્ષકોએ વખાણ્યું છે. દરેક ફિલ્મોમાં ફિલ્મ મેકિંગ જબરદસ્ત રહે છે. શરૂઆતની
ફિલ્મોમાં ઓઢણીએ કમાલ કરી હતી. જેમાં તેમણે ભરપુર મનોરંજનનો મસાલો પીરસ્યો હતો. ‘ધ
લેડી દબંગ’ પણ ચર્ચામાં એ વાતે છે કે તે હિરોઈન ઓરીએન્ટેડ ફિલ્મ છે તથા તેના ગીતો
પણ મજેદાર રહ્યા છે. જેમાં સિંઘમ ટુ ના ટાઈટલ સોંગની બેઠી નકલ કરવામાં આવી છે. જેમાં
હિરોઈન હેમાંગીની કાજ, જીત ઉપેન્દ્ર અને હિતેન કુમાર તે ગીતમાં ઠુમકા લગાવતા નજરે
પડશે. હવે તેઓ એક નવો જ કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે. જે ફિલ્મનું નામ ‘વ્હાલનો
વારસદાર’ રાખવામાં આવ્યું છે. એક પારિવારિક સોશ્યલ ડ્રામા મુવી છે. ફિલ્મમાં બાઉ
એટલે જૂની પેઢી અને દીકરો એટલે નવીપેઢી વચ્ચેનો સંઘર્ષ દર્શાવ્યો છે. પોતાના
અનુભવથી અને પોતાની મહેનતથી ધનિક બનેલો માણસ જેને એમ છે કે બસ મારા જ અનુભવો સાચા
છે. જે એમ.બી.એ. કરેલો દીકરો છે જેનું શિક્ષણ ઊંચું છે એને એમ લાગે કે મારા અનુભવો
સાચા છે. જેના લીધે બંને બાપ દીકરા વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. બાપ શિસ્તપ્રિય
વ્યક્તિ છે જે પોતાના અનુશાસનમાં દીકરાને રાખીને આ કરવું આ ન કરવું તેમ કરીને પોતાને
તાબે રાખે છે. જેમાં દીકરો બંધાવા માંગતો નથી. જે બધો બળાપો બળવા સ્વરૂપે બહાર આવે
છે. તેઓએ અગાઉ ઘણા ડ્રામા પણ પ્લે કરી ચુક્યા છે, લખી ચુક્યા છે, સીરીયલો પણ
ડીરેક્ટ કરી ચુક્યા છે અને ડ્રામામાં પોતે અભિનય પણ આપી ચુક્યા છે. પરંતુ હવે તેઓ
દિગ્દર્શનમાં એટલા રચ્યાપચ્યા રહે છે કે એટલો સમય નથી મળતો કે કોઈ ફિલ્મમાં અભિનય
કરી શકે. આમ પણ તેઓની પહેલી પસંદ દિગ્દર્શન જ છે. બની શકે કે હું એક્ટિંગ કરૂ તો
ડીરેક્શનમાં એટલું ધ્યાન ના આપી શકું અને મારા આર્ટીસ્ટ પર પણ ધ્યાન આપવામાં
નિષ્ફળ રહું. તેથી હું અભિનય બાબતે અત્યારે વિચારી ના શકું. આગળ કહે છે કે, મે
એકાદ વાર એવી કોશિશ કરેલી પણ મને એવું લાગ્યું કે આના લીધે મેકિંગ પર ખરાબ અસર થાય
છે. તેઓ ફિલ્મમાં અભિનય નથી કરતા પણ તેઓ તેની ફિલ્મના કલાકારોને સીન કેવી રીતે
ભજવવો તે પોતે અભિનય કરીને શીખવે છે. જેથી તેમનામાં અભિનયનો કીડો તો છે જ પણ તેઓ
આવી રીતે તેનાથી સંતોષ માની લે છે. ફિલ્મના દિગ્દર્શક વસંત નારકર સાથે ફિલ્મ વિષે
થોડી માહિતી મળી જે તેઓએ સિને મેજિક સાથે શેર કરી.
પ્ર
– ફિલ્મ અને કલાકારો વિષે કહેશો.
ઉ
– ફિલ્મના તમામ કલાકારોએ પુરેપુરો સહકાર આપ્યો. જેમાં જીત ઉપેન્દ્ર, મેહુલ બુચ,
દિશા પટેલ, ચીની રાવલ વગેરે સાથે કામ કરતા ક્યારેય થાક નથી અનુભવ્યો. ચીની રાવલમાં
અખૂટ અભિનય પ્રતિભા ભરેલી છે જે તેણે આ ફિલ્મમાં બતાવી છે. બાકી બીજા કલાકારો તો
બધામાં બેસ્ટ છે જ.
પ્ર
– ડીરેક્શન કરતા પહેલા શું ધ્યાને લો છો?
ઉ
– હું પહેલા ફિલ્મનો વિષય જોઉં છું અને થોડું અમારી ટીમ વિચારતી હોય છે કે જૂની કઈ
ફિલ્મો દર્શકોએ સ્વીકારી હતી. જે વાર્તાને સારો પ્રતિસાદ મળ્યો હતો. ક્યા વિષય પર
ફિલ્મ નથી બની અને બની છે તો તેને થોડી અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકાય. એક વખત
એક્શન ફિલ્મ બનાવી તો ફરીવાર વિચારીએ કે હવે કંઇક જુદું કરીએ એળે કોમેડી સબ્જેક્ટ
પસંદ કરીએ અને તેના પર ફિલ્મ બનાવીએ. આમ અલગ અલગ વિષયો પર ફિલ્મો બનાવીએ તો દર્શકો
પણ તે પ્રમાણે મળતા રહે.
પ્ર
– બીજા કોઈ બેનરમાં કામ કરશો?
ઉ
– લોકોને એક ચર્ચા કરવાનો મોકો જોઈતો હોય છે કે વસંત નારકર ફક્ત શૈલેશ શાહની
ફિલ્મો જ દિગ્દર્શિત કરે છે. પણ હું એવા કોઈ કરારથી બંધાયેલો નથી કે આ બેનરમાં જ
ફિલ્મો કરૂ. મારે શૈલેશ શાહ સાથે આ વાત થયેલી જ છે કે અને હું પણ કહું છું કે જો
કોઈ બીજા બેનરની સારી ફિલ્મ આવશે તો હું ચોક્કસ તેનું દિગ્દર્શન કરીશ. એમાં કોઈ
બેમત નથી. શૈલેશ શાહ સાથે કામ સતત ચાલુ હોય છે તેનું એક જ કારણ છે કે તે એક ફિલ્મ
શરૂ કરે છે અને તે ફિલ્મ પૂરી થાય એટલે તરત નવી ફિલ્મનો પ્રોજેક્ટ પકડાવી દે છે.
મને ત્રણ કે ચાર મહિનાનો ફ્રી સમય મળે તો હું બીજી કોઈ ફિલ્મ કરીશ. હું કંઇ બેસી
તો નહિ જ રહું ને.
પ્ર
– આપણી ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલ વિષે?
ઉ
– ગોવિંદભાઈ પટેલને લોકો ગુજરાતી ફિલ્મ મેકર તરીકે હંમેશા યાદ રાખશે. તેમણે
ફિલ્મોમાં નહિ પણ ગુજરાતી પ્રક્ષકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. મને તેમની સાથે
ક્યારેય કામ કરવાનો મોકો મળ્યો નથી. જે મારા માટે દુખની વાત છે. એક લિજેન્ડ
વ્યક્તિ જેમણે ગુજરાતી ફિલ્મોને જીવંત બનાવી.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment