facebook

Friday, 28 August 2015

83 year

ફિલ્મોના સંગીતને ૮૩ વર્ષ પૂર્ણ – ૮
ભારતની પહેલી talkie / બોલતી ફિલ્મ ‘આલમ આરા’ બન્યાને માર્ચ ૧૪, ૨૦૧૪ ના રોજ ૮૩ વર્ષ પૂરા થયા. આ ફિલ્મ પર અવાજનું રેકોર્ડીંગ કેવી રીતે કરાયું હતું ? સાઉન્ડ ટ્રેક રેકોર્ડ કરવા માટે હાલ વપરાતી પદ્ધતિ કઈ ?


    આ મુદ્દાના ટેકનીકલ પાસાને સ્પષ્ટ કરતુ ‘શોલે’ ફિલ્મનું દ્રષ્ટાંત જોઈએ. ઉઘડતા દ્રશ્યમાં ઘોડેસવાર ડાકુટોળકીએ (શુટિંગ માટે રોજના રૂ|.૪૦૦૦ ના દરે ભાડે લવાયેલી.) દોડતી ટ્રેન પર હલ્લો બોલાવ્યો ત્યારે (૧) ઘોડાની ક્રમશઃ બુલંદ થતી દડબડાટી, (૨) ઘોડા કેમેરા સમક્ષ પસાર થયા બાદ ઉત્તરોત્તર ધીમી પડતી દડબડાટી, (૩) બંધુકના ફાયરીંગનું ધડામ્, (૪) વચ્ચે વચ્ચે ક્લોઝ-અપ શોટ આપતા કલાકારોના ડાયલોગ. (૫) ટ્રેનના એન્જીનનું ભક્છુક. (૬) પછડાટ ખાતા ઘોડાની હણહણાટી. (૭) ટ્રેનની પોલાદી એક્સલનો ખણ..... ખણ..... અવાજ. (૮) દૂરથી સંભળાતી જે તે ડાકુની હાકલ. (૯) ટ્રેન પર કલાકારોના જમ્પ વખતનો બોદો ધમાકો. (૧૦) રોમાંચની જમાવટ કરતુ બેકગ્રાઉન્ડ મ્યુઝીક વગેરે મળીને જુદી જુદી ૨૧ ચેનલો પર વિવિધ અવાજોનું રેકોર્ડીંગ જરૂરી બન્યું. અંતે ૨.૨:૧ નો એસ્પેકટ રેશીઓ (પહોળાઈ ૨.૨ તો ઊંચાઈ ૧) ધરાવતી ૭૦ એમ.એમ.ની ફિલ્મ પર તે બધા અવાજોના બે સ્ટીરીઓફોનિક ટ્રેક અંકિત કરવામાં આવ્યા.
    આ કામ સહેલું નથી. નિષ્ણાંત સાઉન્ડ રેકોર્ડર માટે અત્યંત માથાભારે પડકાર સમાક્રમન /synchronization (ટૂંકમાં, sync/સિન્ક) એટલે કે દ્રશ્યનો તથા અવાજનો સમાન અનુક્રમ જાળવવાનો હોય છે. દા. ત. સિનેમાના પડદે બંધુક ફૂટે એ જ વખતે સ્ક્રીન પછવાડેના સ્પીકરમાંથી ધડાકાનો અવાજ નીકળવો જોઈએ. આ જાતના સુમેળ માટે વપરાતી પરંપરાગત ટેકનીકને સિનેમેટોગ્રાફીની પરિભાષામાં ડબલ-સીસ્ટમ પ્રોસેસ કહે છે. અરદેશર ઈરાનીએ ‘આલમ આરા’ નું ધ્વનિમુદ્રણ સિંગલ-સીસ્ટમ પ્રોસેસ વડે પરબારું ફિલ્મ પર કર્યું હોવાને કારણે તેમના માટે sync/સિન્ક મેળવવાનો પ્રશ્ન નહોતો, પણ અર્વાચીન ડબલ-સીસ્ટમ પ્રોસેસમાં ફિલ્મનો કેમેરા દ્રશ્યને ઝીલે છે અને રેકોર્ડીંગનું જુદું સાધન કલાકારોના સંવાદોને અંકિત કરે છે. આ ડબલ વ્યવસ્થા એટલે માટે જરૂરી ગણાય કે સંવાદો એ ફાઈનલ ટ્રેક નથી. ‘શોલે’ ના દ્રષ્ટાંતમાં જોયું તેમ બીજા અનેક જાતના અવાજો તેની સાથે મિશ્રિત કરવાના હોય છે અને તેમ કરવા જતા ક્યાંય રાગમેળ તૂટવો ન જોઈએ.
    શરૂઆતથી જ દ્રશ્ય અને શ્રાવ્ય એમ બે પાંગાના પ્રારંભિક છેડા વચ્ચે જો સિન્ક બેસાડી દેવાય તો આગળ જતા તેમની વચ્ચે તાલબદ્ધતા આપોઆપ જળવાયેલી રહે. એટલે દિગ્દર્શકો એવા પ્રથમ સિન્કની ચોક્કસ ક્ષણ નોંધી લેવા માટે ક્લેપરબોર્ડ વાપરે છે. દરેક નવા શોટના આરંભે દ્રશ્યનો ક્રમ, શુટિંગની તારીખ, ફીલ્માવાતા શોટના સ્લેટ નંબર વગેરે માહિતી લખેલું ક્લેપરબોર્ડ મુવી કેમેરા સમક્ષ ધરી રાખતો ક્લેપરબોય તે પાટિયાની કલેપસ્ટિક ખ...ટા...ક... ના અવાજ થાય એ રીતે જરા પછાડીને બંધ કરે છે. ફિલ્મના પ્રાયોગિક ડેવલપિંગ પછી સાઉન્ડ રેકોર્ડીંગનો નિષ્ણાંત ધ્વનિમુદ્રિત ટેપને અત્યંત ધીમી ગતિએ ફેરવે ત્યારે ખ...ટા...ક... અવાજ તેને લાંબા ઘૂરકાટ જેવો સંભળાય છે. બીજી તરફ ફિલ્મની અનેક ફ્રેમ કલેપસ્ટિકને બંધ થયેલી બતાવે છે, જેમાંની પહેલીવહેલી ફ્રેમ સાથે ઘૂરકાટનો આરંભ થાય એ રીતે તેણે દ્રશ્ય-શ્રાવ્યની sync બેસાડી દેવું જોઈએ. આ પ્રમાણે આરંભના બે છેડા બરાબર મેળવાયા પછી બાકીની ફિલ્મી પટ્ટી અને મેગ્નેટિક ટેપના મેચિંગ અંગે કશું જોવાપણું રહેતું નથી. નવા દ્રશ્ય માટે જોકે ફરી વખત ક્લેપરબોર્ડ વાપરવાનું થાય છે. ડબલ-સિસ્ટમ પ્રોસેસમાં ક્લેપરબોર્ડ અનિવાર્ય છે.

n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment