facebook

Saturday, 29 August 2015

niraj vora

અભિનય, લેખન, દિગ્દર્શનનો સમન્વય એટલે નીરજ વોરા
ગોવિંદા ટાઈપ કોમેડીને ‘રંગીલા’ એ નવો વળાંક આપ્યો અને તે માટે નીરજ જેવાનું લેખન જવાબદાર હતું. ‘હેરાફેરી’ દરમિયાન અક્ષયકુમાર સાથે જે સંબંધ બંધાયો તેના પરિણામે ‘ખિલાડી ૪૨૦’ જેવી જબરદસ્ત સાહસી સ્ટંટવાળી વર્ષ ૨૦૦૦ની ફિલ્મનું નીરજને દિગ્દર્શન મળ્યું. નીરજે તેના ભાઈ ઉત્તંક સાથે ૧૯૯૩ની આશુતોષ ગોવારીકરની આમીરખાન અભિનીત ‘પહલા નશા’ માં કથા-પટકથા ઉપરાંત સંગીત આપ્યું પછી ફિલ્મલેખક તરીકેની દિશામાં આગળ વધી જવાયું. ‘ખિલાડી ૪૨૦’ ફિલ્મ સફળ ન રહી, પરંતુ ૨૦૦૬ની ‘ફિર હેરાફેરી’ના દિગ્દર્શને તેમને જબરદસ્ત સફળતા અપાવી.


   


    વીત્યા દોઢ-બે દાયકામાં ખાસ્સા બધા ગુજરાતીઓએ હિન્દી ફિલ્મોના જુદા જુદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને મોટી ઓળખ બનાવી. માત્ર દિગ્દર્શન, નિર્માણ જેવા ક્ષેત્રમાં પ્રવેશેલી પ્રતિભાના નામ દેવા હોય તોપણ વિપુલ શાહ, સંજય છૈલ, સંજય ગઢવી, રાહુલ ધોળકિયા અને નીરજ વોરા. સંજય લીલા ભણશાલી તો આ બધા વચ્ચે જરા વિશેષ ભાગે ગોઠવાયેલા છે. આ બધામાં કોણ વધુ પ્રતિભાશાળી એ કહેવું મુશ્કેલ છે અને ફિલ્મની સફળતા-નિષ્ફળતાના આધારે જ પ્રતિભા નક્કી થતી હોય તો વધુ મુશ્કેલ છે. પરંતુ આ બધામાં નીરજ વોરા જરા એ રીતે નોખા પડે તેમ છે. તેમણે ફિલ્મોના દિગ્દર્શન ઉપરાંત કથા-પટકથા લેખન, સંગીત જેવા ક્ષેત્રમાં પણ પૂરો અધિકાર દાખવ્યો છે. વિખ્યાત તાર શહેનાઈ વાદક પં. વિનાયક વોરાના પુત્ર હોવાના કારણે તેમની કળારુચિ સંગીતથી માંડી ભાષારસ સુધી વિકસેલી હતી. નાટક હોય કે ફિલ્મું સ્વરૂપ, નીરજને તેના વ્યવસાયની વધુ સર્જનાત્મક પડકારોમાં રસ પડે.
    ૨૨ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ ભુજમાં જન્મેલા નીરજ તેમના માતા (પ્રમિલાબેન) પિતા (પં. વિનાયક વોરા) ના ત્રણ સંતાનોમાં બીજા ક્રમના છે. મોટા બહેન કવિતા અને નાનો ભાઈ તે ઉત્તંક. (ઉત્તંકે નીરજ સાથે ‘નીરજ-ઉત્તંક’ જોડી તરીકે અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી અને હિન્દી ટી.વી. સીરીયલોમાં સંગીત આપ્યું છે. નીરજ ફિલ્મોમાં વધુ વ્યસ્ત બનતા ઉત્તંક હવે ‘ઉત્તંક વોરા’ તરીકે સંગીત આપે છે.) ૧૯૭૮થી ગુજરાતી નાટકોમાં સક્રિય નીરજે ‘હુતુતુતુ’, ‘ટેઈક ઈટ ઇઝી’, ‘મહાપુરુષ’થી માંડી ‘તને રોજ મળું છું પહેલીવાર’ સુધીના નાટકોમાં ક્યારેક નિર્માતા, ક્યારેક દિગ્દર્શક, ક્યારેક બંને ઉપરાંત લેખન કરનારા નીરજે ૧૯૮૪ની કેતન મહેતાની ‘હોલી’ માં અભિનયથી ફિલ્મ કારકિર્દીનો આરંભ કરેલો. એ ફિલ્મમાં આમીર ખાન, આશુતોષ ગોવારીકર, અમોલ ગુપ્તે, પરેશ રાવલ સહિતની ઘણી પ્રતિભા લગભગ પહેલીવાર ફિલ્મના પડદે દેખાયેલી.



    ગુજરાતી, હિન્દી નાટકો થતા ત્યારે આ બધાનું મિત્ર-જૂથ હતું. બધા જ મિત્રો ફિલ્મોમાં ગોઠવાતા ગયા અને નીરજની કારકિર્દી પણ ૧૯૯૫ની ‘રંગીલા’ માં સંવાદ લખ્યા પછી ખરા અર્થમાં શરૂ થઇ. અલબત્ત, ૧૯૮૮ની ’ખરીદાર’ માં તેઓ કાર્તિક મહેતાના સહાયક દિગ્દર્શક હતા. તે ફિલ્મના લેખનમાં પણ નીરજની સક્રિયતા હતી. પેલો દિગ્દર્શનનો કેળવેલો કસબ તો વર્ષ ૨૦૦૦ની અક્ષય કુમાર અભિનીત ‘ખિલાડી ૪૨૦’ માં કામ લાગ્યો. પરંતુ એ ફિલ્મના દિગ્દર્શન પહેલા ખાસ્સી બધી ફિલ્મોમાં નાની-મોટી, પણ મહત્વની ભૂમિકાઓ કરી. ‘રંગીલા’ માં તે ફિલ્મસ્ટાર્સની પાર્ટીમાં એવા દારૂડિયાની ભૂમિકામાં હતા, જે ભલભલાને સ્ટાર્સ બનાવ્યાની ફિશિયારી મારે છે. ‘અકેલે હમ અકેલે તુમ’ માં જે પાત્ર ભજવેલું તેનું નામ મૂલચંદ છે. પ્રિયદર્શનની ‘વિરાસત’ માં અનિલ કપૂરના એવા દોસ્તની ભૂમિકા ભજવેલી જે મિત્ર માટેની લડાઈમાં હાથ ગુમાવે છે. ‘દૌડ’ માં ચાકોનું પાત્ર હતું જેમાં કોમેડી છે.
    જો ‘હોલી’ થી ૨૦૦૯માં રજૂ થયેલી ‘શોર્ટ કટ’ માં ‘નીરજ વોરા’ ની ભૂમિકા ભજવતા અભિનેતા નીરજની ફિલ્મો ગણો તો ૨૨-૨૩ થાય. આમાં ઘણી ફિલ્મોમાં તે હીરોના મિત્ર છે. એ બધી જ ફિલ્મોમાં તેમણે ભજવેલા દ્રશ્યોની અલગ વી.સી.ડી. બનાવીને જોશો તો ખ્યાલ આવશે કે અભિનય વૈવિધ્ય બાબતે પણ કમ નથી, પરંતુ રામગોપાલ વર્માની ‘રંગીલા’ ફિલ્મમાં સંજય છેલ સાથે લખેલી પટકથા જબરદસ્ત સફળ રહી. (એ ફિલ્મમાં ઉર્મિલાનું ઘર નીરજના પત્ની બીજલ (હવે સ્વર્ગસ્થ) નું પિયર છે. આ ફિલ્મ પછી મન્સુર ખાનની શાહરૂખ અભિનીત ‘જોશ’, ધર્મેશ-દર્શનની આમીર ખાન અભિનીત ‘મેલા’ ના સંવાદો લખ્યા. ફિલ્મલેખક તરીકે વળી એક વળાંક પ્રિયદર્શનની ‘હેરાફેરી’ થી આવ્યો. એ ફિલ્મ સિચ્યુએશન વડે વિકસતી આવે છે અને ત્રણ પાત્રો વચ્ચેના લાગણીમય સંબંધમાં સાહજિક રીતે જે સંઘર્ષ આવે તેમાંથી કોમેડી ઊભી થાય છે. ગોવિંદા ટાઈપ કોમેડીને ‘રંગીલા’ એ નવો વળાંક આપ્યો અને તે માટે નીરજ જેવાનું લેખન જવાબદાર હતું. ‘હેરાફેરી’ દરમિયાન અક્ષયકુમાર સાથે જે સંબંધ બંધાયો તેના પરિણામે ‘ખિલાડી ૪૨૦’ જેવી જબરદસ્ત સાહસી સ્ટંટવાળી વર્ષ ૨૦૦૦ની ફિલ્મનું નીરજને દિગ્દર્શન મળ્યું. નીરજે તેના ભાઈ ઉત્તંક સાથે ૧૯૯૩ની આશુતોષ ગોવારીકરની આમીરખાન અભિનીત ‘પહલા નશા’ માં કથા-પટકથા ઉપરાંત સંગીત આપ્યું પછી ફિલ્મલેખક તરીકેની દિશામાં આગળ વધી જવાયું. ‘ખિલાડી ૪૨૦’ ફિલ્મ સફળ ન રહી, પરંતુ ૨૦૦૬ની ‘ફિર હેરાફેરી’ના દિગ્દર્શને તેમને જબરદસ્ત સફળતા અપાવી. અલબત્ત, આ છ વર્ષના ગાળામાં ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘આવારા પાગલ દીવાના’, ‘કહેતા હૈ દિલ બાર બાર’, ‘તુઝે મેરી કસમ’, ‘ગરમ મસાલા’, ‘દીવાને હુએ પાગલ’, ‘ચુપ ચુપકે’, ‘ગોલમાલ’, ‘ભાગમ્ ભાગ’ સહિતની ફિલ્મો લખી. નીરજને સંઘર્ષના દિવસોમાં પણ સારા દિગ્દર્શક, સારા સ્ટાર્સવાળી ફિલ્મો જ લખવા મળી અને દર વખતે તેમાં પ્રતિભા પૂરવાર પણ કરી આપી. આ ક્ષમતાએ જ તેમને દિગ્દર્શક તરીકે વધુ અપાવી. થોડા સમય પહેલા રજૂ થયેલી ‘શોર્ટ કટ’ નીરજ દિગ્દર્શિત હતી અને ‘રન ભોલા રન’, ‘વન વે ટીકીટ’, ‘ફેમિલીવાલા’ ફિલ્મો આવતા થોડા મહિનામાં રજૂ થઇ શકે છે. ‘ફેમિલીવાલા’ ના તો નિર્માતા પણ નીરજ વોરા જ છે.
    નીરજ વોરા કથા-પટકથા-સંવાદ લેખક તરીકે દરેક ફિલ્મે વિકસ્યા છે. ‘હેરાફેરી’, ‘ફિર હેરાફેરી’, ‘ગરમ મસાલા’, ‘ગોલમાલ’, ‘ભાગમ્ ભાગ’ વગેરેમાં કોમેડી લખી ત્યારે સામાન્ય પાત્રો અને તેની સામાન્ય સ્થિતિઓમાંથી કોમેડી સર્જી તેથી દરેકને પોતીકી લાગી શકી. પરંતુ ‘મેલા’, ‘જોશ’, ‘અજનબી’, ‘કુછ ના કહો’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ વગેરેના વિષયો નોખા છે. તે સાદી પ્રેમકથા નહોતી બલકે સંવેદનસભર સંબંધો જે નાટકીયતા સર્જે તેનું આલેખન છે. નીરજ વોરા બને ત્યાં સુધી પૂનરાવર્તનથી બચીને કામ કરવામાં માને છે. ક્યારેક નીરજે ફિલ્મમાં ગાયું છે. ૧૯૯૭ની ‘દૌડ’ માં નીરજને ગાયક તરીકે પણ સાંભળી શકો. પોતાની જાતને કસતા રહેવાનું નીરજને ગમે છે. થોડા વર્ષો પહેલા તેમની ટાટા સ્કાયની જાહેરાત ખૂબ લોકપ્રિય બનેલી જેમાં આમીર ખાન પહેલીવાર સ્ત્રી-પુરુષના બંને વેશમાં રજૂ થયેલો. જોકે તે જાહેરાતના દિગ્દર્શન પહેલા નીરજ પેપ્સીડેન્ટ, પેરાશુટ તેલ સહિતની કેટલીક જાહેરાતોમાં મોડેલ તરીકે પણ હતા.
    નીરજ વોરા હોય ત્યાં પરેશ રાવલ પણ હોય અને તેનું કારણ એ જ કે ૧૯૮૨થી તેઓ એકબીજાના મિત્ર છે. પરેશે નાટકોનું દિગ્દર્શન શરૂ કરેલું ત્યારે પણ નીરજનો સંગાથ હતો. પરંતુ તેઓ એકબીજાની મૈત્રીને સર્જનાત્મક કામોમાં જ ઉત્તમ રીતે સંયોજવા ભેગા મળ્યા છે. વળી, ગુજરાતીપણાવાળા પાત્રો સર્જવાને બદલે તેમણે ગણપતરાવ જેવા મુંબૈયા મરાઠી મધ્યમ વર્ગના પાત્રને સર્જી કમાલ કરી છે. નીરજ હંમેશા ક્વોન્ટીટી કરતા ક્વોલીટીમાં રસ ધરાવે છે. ફિલ્મો પહેલા એક ટીવી સીરીયલમાં કામ કરી ચુકેલા નીરજ વોરાને ટીવી સીરીયલ બનાવવામાં રસ નથી. તેના કરતા ગુજરાતી નાટકોના નિર્માણ-દિગ્દર્શનને તેઓ વધારે મહત્વનું માને છે. નાટકોમાં વિવિધ વિષય સાથે કામ કરવાનું મળે છે જેનો ફાયદો ફિલ્મના કામોમાં થાય છે. ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ ફિલ્મ જોનારને ‘મગજળ સીંચી અમે ઉછેરી વેલ’ નાટક યાદ આવશે તો ‘હેરાફેરી’ માં શૈલેષ દવેના ‘ખેલ’ નાટકનું ટેલીફોન દ્રશ્ય યાદ આવશે. ‘ખિલાડી ૪૨૦’ માં નીરજના જ ‘મહાપુરુષ’ ઉપરાંત બીજા ત્રણેક નાટકોનું મિશ્રણ હતું. હોલીવૂડની ફિલ્મોની વી.સી.ડી. જોઈ જોઈ ફિલ્મો ઊભી કરવા કરતા નાટકનો સ્ત્રોત નીરજને વધુ વૈવિધ્યભર્યા બનાવે છે. નડિયાદવાલાથી માંડી અનિલ કપૂર જેવા નીરજની ફિલ્મોના નિર્માતા બનવા તત્પર છે તે આ કારણે.
    નીરજ વોરાની ‘ફેમિલીવાલા’, ‘ રન ભોલા રન’, સહિતની ફિલ્મો રજૂ થવામાં છે અને તે અન્ય ફિલ્મોના કામે ચડી ગયા છે સાથે સાથે નાટકો તો ખરા જ. માત્ર ૫૧ વર્ષની ઉંમરમાં આટલું સિદ્ધ કરવું સહેલું નથી. અંગત જીવનમાં પ્રિય પત્નીને ગુમાવ્યાનો રંજ છે અને પિતા પં. વિનાયક વોરાની વિદાય પણ નીરજને ભીતરથી હચમચાવી ગયેલી. પરંતુ ભાઈ ઉત્તંક ઉપરાંત કેટલાક સંગીત મિત્રો અને ફિલ્મ-નાટકમાં રત નીરજ શાંત, સ્વસ્થ પડકાર ઝીલ્યા કરે છે.


    નાટકો વિષે પૂછતા તેઓએ જણાવ્યું કે જે રીતે બોલીવૂડના મરાઠી કમ્યુનીટીના ફિલ્મમેકર અમુક સમયાંતરે મરાઠી ફિલ્મ બનાવે છે એ રીતે બોલીવૂડના ગુજરાતીઓએ પણ માતૃભાષામાં ફિલ્મ બનાવવી છે, પણ એવું થતું નથી અને એ માટે જો કોઈ જવાબદાર હોય તો તે ગુજરાતી લોકો પોતે જ છે. ગુજરાતીઓ જેટલા બિઝનેસ માટે ઉત્સાહી છે એટલા નિરુત્સાહ પોતાની માતૃભાષા માટે છે અને એ હકીકત છે. આ જ કારણે તો આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાવ નબળી પડી ગઈ છે. મારે અફસોસ સાથે અને એક ગુજરાતી હોવા છતાં કહેવું પડશે કે ગુજરાતીઓ ભાષા અને સાહિત્ય પ્રત્યે બહુ નિરાશાવાદી છે. આ બંને બાબતમાં મરાઠીઓ અને બંગાળીઓ ગુજરાતી કરતા ક્યાંય ચડિયાતા છે અને આપણે તેમને આદર્શ બનાવવા જોઈએ, એટલીસ્ટ તેમના ભાષાપ્રેમ અને સાહિત્યપ્રેમ માટે. જ્યાં સુધી આપણે મનમાંથી આ નિરાશા નહિ કાઢીએ ત્યાં સુધી કોઈ ફરક પડવાન નથી અને ખેદ સાથે એ પણ કહેવું પડે છે કે જો આમ જ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં બહુ મોટી કલ્ચરલ અને લિટરેચરની દ્રષ્ટીએ મુશ્કેલીઓ પણ ઊભી થશે. સતત એવી ફરિયાદ થયા કરતી હોય છે કે સારી ગુજરાતી ફિલ્મ બનતી નથી, અરે ગુજરાતી ફિલ્મ બનાવવા માટે અનેક લોકો રાજી છે. તેમને પૈસા ખર્ચવા છે અને તેમને વિશ્વસ્તરની ટેકનોલોજી સાથે ફિલ્મ પણ બનાવવી છે. એમાં પણ હું કહીશ કે વિશ્વસ્તરની શ્રેષ્ઠ ફિલ્મ અને નાટક બનાવ્યા પછી પણ એ ફિલ્મ માટે ઓડીયન્સ ક્યાંથી લાવીશું? કોણ લેશે ઓડીયન્સની જવાબદારી? એ માટે તો છેવટે એવા લોકો પાસે જ જવાનું છે જેમને ગુજરાતી ભાષા પ્રત્યે મનમાં ગૌરવ નથી. જે સમયે મનમાં આ ગૌરવ પ્રદાન થયું એ સમયે ગુજરાતી ફિલ્મ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવશે, પણ જરૂર છે પેલા ભાષા માટેના ગૌરવની.
    અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા નીરજ વોરા ગાંધીનગર આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને વોરાએ તેમને પોતાનું નવું નાટક ‘વાહ ગુરુ’ જોવાનું આમંત્રણ પાઠવ્યું હતું. સાથે એ પણ જણાવ્યું હતું કે ગાંધીનગર અને ગુજરાતમાં બોલીવૂડની ફિલ્મોના શુટિંગ માટે શ્રેષ્ઠ લોકેશન છે. લોકેશન ઉપરાંત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. નીરજ વોરાએ ગાંધીનગરના યુવાન કેતન પટેલ અને ડૉ. ઋત્વિજ પટેલ સાથે અહીંના લોકેશનની વિગતો પણ મેળવી હતી. વોરાએ કહ્યું હતું કે, કોમેડી બ્લોક બસ્ટર ફિલ્મ ‘હેરાફેરી’ નો ત્રીજો ભાગ બનાવવાનું નક્કી થઇ ગયું છે. ટૂંક સમયમાં અમે તેનું શુટિંગ શરૂ કરવાના છીએ. આ ફિલ્મ માટે પણ ગુજરાતના કેટલાક સ્થળોએ શુટિંગ કરવાની ઈચ્છા છે.
n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment