facebook

Saturday, 29 August 2015

disha vakani

દિશા વાકાણી ( દયાભાભી ) નાનપણમાં પોતાના પિતાની સમયસૂચકતાથી ઘાતમાંથી બચી ગયા


    ટચુકડા પડદે અત્યારે દયાબેનને કોણ નથી ઓળખાતું ? ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ થી અપ્રતિમ લોકપ્રીયતા હાંસલ કરનાર દયાબેન. ખરું નામ દિશા વાકાણી અત્યારે દરેક ગૃહિણીઓનું પ્રિય પાત્ર બની ગઈ છે. અમદાવાદની વતની દિશા વાકાણીએ શરૂઆત ગુજરાતી નાટકોથી કરી. ઘણાય નાટકોમાં અભિનય કર્યા બાદ હિન્દી સીરીયલોમાં પણ પોતાના અભિનયના ડંકા વગાડ્યા. પરંતુ મારે તમને તેમની અભિનય કારકિર્દી વિષે અત્યારે વાત નથી કરવી. વાત કરવી છે તો તેમના બાળપણની.

    એક દિવસે સવારે જયારે દિશા પોતાના ઘરે કાગળ પર પેન્સિલ વડે ઘડાનું ચિત્ર દોરી રહી હતી. ચિત્ર દોરતા દોરતા દિશા પોતાના ગળામાં કંઈ આડું આવી ગયું હોય એમ ઉધરસ ખાતી હતી. ગળામાં કંઇક ફસાઈ ગયેલું લાગતું હતું. દિશાના પિતા શ્રી ભીમભાઈ વાકાણીની નજર તેના પર પડી. પિતાએ કહ્યું અહીં આવ બેટા અને દિશાના મોંમાં જોતા માંસનો લોચો બરાબર દેખાતો હતો. દિશાને ડીપ્થેરીયા નામનો રોગ હતો. ભીમભાઈએ ઘડી ભરની પણ વાર ન લગાવતા તાબડતોબ પોતાની દીકરી દિશાને પોતાના સ્કુટર પર આગળના ભાગે ઊભી રાખી દીધી. ત્યારે દિશાની ઉંમર માંડ આઠ વર્ષની હશે. પોતાની દીકરીની આવી હાલત જોઇને કોઈપણ બાપનું હદય કંપી જાય અને શું કરવું શું ન કરવુંની મૂંઝવણમાં પડી જાય. પરંતુ ભીમભાઈએ કોઈ મૂંઝવણમાં ન પડતા સ્કુટર હોસ્પિટલ તરફ હંકારી મુક્યું. દિશાની માતાએ આજુબાજુ પડોશમાં રહેતા પોતાના સ્નેહીજનને બનાવની જાણ કરી. તે ભાઈ પણ હોસ્પીટલનું એડ્રેસ લઇ હોસ્પિટલ જવા તૈયાર થઇ ઉપડી ગયા. મુશ્કેલી હવે શરૂ થવાની હતી.

    ભીમભાઈ પોતાની દીકરીને સ્કુટર પર લઈને નીકળ્યા. તો ખરા પરંતુ તે સમયે અમદાવાદમાં કોમી રમખાણો નાની – નાની વાતે થતી રહેતી. વી. એસ. હોસ્પિટલ જવાનો રસ્તો તેમના ઘરથી ફક્ત એક જ હતો. અધૂરામાં પૂરું તે સમયે આ રોગનું નિદાન આખા ગુજરાતમાં ફક્ત એક જ દવાખાને થતું હતું. જે રસ્તો જમાલપુર મુસ્લિમ એરિયામાં થઈને નીકળતો હતો. ભીમભાઈએ તેમના સ્નેહીજન નટુભાઈને કહ્યું તમે બેંકમાં જઈને પૈસા લઈને હોસ્પિટલ પહોંચો. હું દિશાને લઈને જાઉં છું કારણકે જો વાર લાગશે તો મને ડર છે કે કંઇક અજુગતું ન બની જાય. ત્યાંથી નીકળી આગળ જતા ભીમભાઈને પોલીસે રોક્યા અને કહ્યું અહીંથી ના ચાલશો. કોમી રમખાણ ફાટી નીકળી છે અને જીવનું જોખમ છે. ભીમભાઈએ કહ્યું જઈશ તો જીવનું જોખમ છે નહિ જઉંને સાહેબ તો પણ મારી દીકરીના જીવનું જોખમ છે. પોલીસે કહ્યું તમારે તમારી જવાબદારી પર જવું હોય તો જઈ શકો છો અને ભીમભાઈ ગયા પણ ખરા કારણકે તે ત્યારે એક બાપ હતા. જે પોતાની દીકરીને રોગમાં સપડાતી નહોતી જોઈ શકતા. તે ગયા અને આગળના રસ્તે એકબીજા પર લોકો પથ્થરમારો કરી રહ્યા હતા. ભીમભાઈએ સ્કુટર ઝડપથી ચલાવવા માંડ્યું. આગળ ઉભેલી નાની દિશા પર પોતાને ઢાલ  બનાવીને રાખી જેથી દિશાને કોઈ પથ્થર ન લાગી જાય. જેમ તેમ કરીને હોસ્પિટલ તો પંહોચી ગયા. હોસ્પિટલ પંહોચીને જોયું તો ડોક્ટર સાહેબ કોઈ મેડીકલ સેલ્સમેન સાથે દવા બાબતે ચર્ચા કરી રહ્યા હતા. ભીમભાઈએ જઈને હાંફળાફાંફળા થતા કહ્યું ડોક્ટર સાહેબ મારી દીકરીને તપાસોને. ડોકટરે કહ્યું એક તો તમે વગર પૂછે રજા લીધા વગર અંદર આવી ગયા તમે છો કોણ ? ભીમભાઈએ કહ્યું અત્યારે તો હું એક દીકરીનો બાપ છું. ડોકટરે જલ્દી જલ્દીમાં દિશાનું ચેકઅપ કરીને કહ્યું આ છોકરીને કંઈ નથી. ભીમભાઈને આઘાત લાગ્યો કે દિશાના મોંમાં દેખાય છે તો પણ ડોક્ટર કહે છે કંઈ નથી ? તેમણે ડોક્ટર પાસે લખાણ લીધું કે દિશાને કોઈ બીમારી નથી. ભીમભાઇએ ડોક્ટરને કહ્યું આવડી મોટી હોસ્પિટલમાં તમારી પાસે ફક્ત બેટરી જ છે જેને તમે દિશાના મોંમાં રાખીને કહી દીધું કે કંઈ નથી. ત્યારબાદ કોઈએ ડોકટરોને જાણ કરી કે આ છોકરી તો ટીવી પર સીરીયલોમાં આવે છે. ત્યારે નાનકડી દિશા હિરોઈનના બાળપણના રોલ કરતી હતી. ત્યારબાદ ડોક્ટરોએ ખરું નિદાન શરૂ કર્યું અને દિશાની સાચી દવા કરી. આ જોખમ તે સમયે દિશા માટે જો તેના માતા – પિતાએ ન ઉઠાવ્યું હોત તો દિશાબેન દયાભાભી તરીકે પ્રખ્યાત ન હોત અને આપણી સમક્ષ પણ ન હોત. કહેવાનું એ કે માં – બાપ પોતાના સંતાનો માટે જીવનું જોખમ લઈને પણ ઉછેરે છે. જો એક પિતા પોતાના દીકરા કે દીકરીને તેની જિંદગીના પહેલા પાંચ વર્ષ આંગળી પકડીને ચલાવી શકે તો તે સંતાન પોતાના માં – બાપને  છેલ્લા પાંચ વર્ષ લાકડી પકડીને ના ચલાવી શકે ? બદલામાં દિશા વાકાણી ( દયાભાભી ) આટલા મોટા સ્ટાર હોવા છતાં જો તેમના પપ્પાના પગના તળિયા રાત્રી સુતી વખતે મેલા અને માટીવાળા જુએ તો સાબુવાળા ગરમ પાણીમાં પગ ધોઈ લૂછી અને પગમાં ક્રીમ લગાડી પછી મોજા પહેરાવીને સુવાડી અને ઓઢાડી ખુશ થાય છે. આટલા જમીન પર છે.

   

No comments:

Post a Comment