facebook

Saturday, 29 August 2015

erick avari

પરદાદા બોલીવૂડમાં, પ્રપૌત્ર હોલીવૂડમાં ફેમસ
મૂંગી સિનેમાના મોટા વિતરક જે. એફ. માદનના પ્રપૌત્ર એરિક અવારી હોલીવૂડમાં વિખ્યાત એક્ટર છે.

    ગુજરાતીઓએ અનેક દેશોમાં, અનેક ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. ઉદ્યોગ – વ્યાપારનું ક્ષેત્ર તો તેમના માટે સહજ છે. પરંતુ રાજકારણ, ટેકનોલોજી, શાસન, ક્રિકેટથી માંડી ફિલ્મોમાં પણ તેમનું મોટું પ્રદાન છે. બેન કિંગ્સ્લે કે જે મૂળ કૃષ્ણ ભાણજી છે તેમના વિષે તો ઘણા જાણે છે. પરંતુ એવા બીજા પણ છે. આમાં એકનું નામ છે એરિક અવારી. નામ પરથી તેઓ અંગ્રેજ જણાશે પરંતુ તેમનું મૂળ નામ છે નરીમાન એરચ અવારી અને હજુ વધુ ઓળખ કાઢવી હોય તો ભારતીય ફિલ્મોધોગના આરંભે જેમનું મોટું પ્રદાન છે તે જમશેદજી ફરામજી માદનના તેઓ પ્રપૌત્ર. જે. એફ. માદન ( ૧૮૫૬ – ૧૯૨૩ ) મૂંગી સિનેમાના કાળે મોટા વિતરક હતા અને ઠેકઠેકાણે તેમના સિનેમાગૃહ હતા. મૂળ તેમની પારસી થીયેટર કંપની હતી. પછી ફિલ્મો તરફ વળ્યા અને ૧૯૦૨માં જે. એફ. માદન એન્ડ સન્સ નામે કંપની શરૂ કરેલી. જયારે નિર્માતા બન્યા ત્યારે ૧૯૧૭માં ‘સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર’, ૧૯૧૯માં ‘બિલ્વમંગલ’ ઉપરાંત ‘વિષવૃક્ષ’, ‘દુર્ગેશ નંદિની’, ‘રાધારાની’ અને ટાગોરની કૃતિ પરથી ‘ગિરિબાલા’ જેવી ફિલ્મો બનાવેલી. આ જે. એફ. માદનના ત્રીજા પુત્ર તે જે. જે. માદન અને આ જે. જે. માદન તે જ એરિક અવારીના દાદા. ૧૩ એપ્રિલ ૧૯૫૨માં એરિક અવારીનો દાર્જિલીંગમાં જન્મ કારણ કે તેમના

પિતા એરચ અવારીના ત્યાં બે સિનેમા થીયેટર હતા. કેપિટલ અને રિંક. એરિકનું પ્રાથમિક શિક્ષણ પણ ત્યાની વિખ્યાત નોર્થ પોઈન્ટ સ્કુલમાં થયું. એક તો દાર્જિલીંગ અને જુદી સ્કૂલનો માહોલ એટલે શરૂથી જ તેમની માનસિકતા જરા જુદી રીતે ઘડાઈ અને પછી તેઓ અમેરિકાના સાઉથ કરોલીનાની કોલેજ ઓફ ચાર્લ્સટનમાં ભણ્યા. આ ભણતર દરમ્યાન જ તેઓ અભિનય તરફ ઢળ્યા. ચહેરો મૂળ ભારતીય નહી એટલે બહુ ઝડપથી ગોઠવાતા ગયા અને ગ્રાન્ડ ઓપેરાથી આરંભી સોપ ઓપેરા સુધીની સફર શરૂ થઇ. શેક્સપિયરના ‘મિડ સમર નાઈટ ડ્રીમ’ નાટકથી તેમણે પ્રસિદ્ધિ મેળવવા માંડી અને પછી ‘ધ મેપ ઓફ ધ વર્લ્ડ’, ‘ટિસ પિટી સીઝ વ્હોર’ જેવા નાટકો આવ્યા. આ નાટકો જ તેમને ફિલ્મો અને ટી.વી. શ્રેણી તરફ લઇ ગયા. દાર્જિલીંગમાં જે સ્કુલમાં ભણેલા ત્યાં અંગ્રેજી ઉચ્ચારણો સહજ બનેલા અને પછી કોલેજના ભણતર દરમ્યાન જે મિત્રો મળ્યા તેમણે તેમને જાણે પાક્કા અમેરિકન બનાવી દીધેલા. ધીમે ધીમે તેમને ફિલ્મો મળવી શરૂ થઇ અને ‘મિસ્ટર ડિડસ’ ઓળખ મળી. ‘ધ બીસ્ટ ઓફ વોર’ થી તેઓ હોલીવૂડમાં પ્રવેશ્યા પછી ફિલ્મો જ નહિ ટી.વી. શ્રેણીઓ પણ મળવા માંડી. આમાં મહત્વની વાત એ હતી કે અમેરિકા, બ્રિટનમાં મૂળ ભારતીય નિર્માતાઓ પણ સક્રિય છે અને તેમની ટી.વી. શ્રેણીમાં કામ કરો તો જુદી ઓળખ ઊભી થાય. જયારે આ તો મૂળ અમેરિકન નિર્માતાઓની ટી.વી. શ્રેણી હતી. તેમાંય ‘મમી’ જેવી વિજ્ઞાનકથા આધારિત ટી.વી. શ્રેણીએ તો તેમને ભારે પ્રસિદ્ધિ અપાવી. આ પ્રસિદ્ધિ તેમને માઈક નિકોલસ, ટીમ બર્ટન, સત્યજીત રે સમા દિગ્દર્શકો સુધી લઇ ગઈ. તેમને સત્યજીત રે ની ફિલ્મમાં કામ કરવામાં આનંદ આવ્યો કારણ કે ક્યારેક જે.એફ.માદને કોલકાતામાં પહેલીવાર કહેવાય એમ ફિલ્મનું શુટિંગ કરેલું સમજો કે કોલકાતા ફિલ્મ ઇતિહાસનો આરંભ માદન વડે થયો હતો અને એ જ કોલકાતાના વિશ્વવિખ્યાત દિગ્દર્શક સત્યજીત રે સાથે તેમને કામ કરવા મળ્યું.

    લોસ એન્જલસમાં રહેતા એરિક અવારી હોલીવૂડના અનેક સ્ટાર્સ સાથે કામ કરી ચુક્યા છે જેમાં મેરીલ સ્ટ્રીપ સાથેની ‘ડેર ડેવિલ’ પણ છે. ૧૯૯૧થી તેઓ લોસ એન્જલસ છે અને વચ્ચે વચ્ચે નાટકોમાં પણ કામ કરતા રહે છે.
    હોલીવૂડના કલાકારોમાં તો ફિલ્મો સાથે નાટકોમાં કામ કરતા રહેવાની જૂની પરંપરા છે. ભારતમાં એવું ખાસ બનતું નથી અને બને તો ત્યારે કે જયારે ફિલ્મો કે ટી.વી.માં ધારી સફળતા ન મળે. એરિકનો અભિનય ‘સ્ટારગેટ’, ‘ઇન્ડિપેન્ડન્સ ડે’, ‘ ફ્લાય ઓફ ધ લિવિંગ ડેડ’, ‘ડેર ડેવિલ’, ‘હોમ અલોન – ૪’, ‘પ્લેનેટ ઓફ ધ એપ્સ’ જેવી ફિલ્મો, ટી.વી. શ્રેણીઓમાં જોઈ શકાય છે. UGGBFRV’ઝાર્ક ગ્રાન્ડ ઇન્કિવઝિટર’ નામની વિડીયોગેમમાં તેમણે મીર યાત્રિક નામના લાગણીહીન ડીકટેટરના પાત્રને આવાજ આપ્યો છે. ચંદ્ર સુરેશની ‘હીરોઝ’ માં તેઓ રિચાર્ડ ગેર સાથે ચમકેલા. એરિક હવે હોલીવૂડનો હિસ્સો છે.    
    જે.એફ.માદનનો આત્મા તેમના આ વંશવારસથી પ્રસન્ન હશે.                          માદનનો પ્રભાવ ભારત અને તેના પડોશી દેશો સુધી હતો અને એરિક હોલીવૂડ સુધી.   

n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment