સંજય લીલા ભણશાલીની ‘રામલીલા’
‘મન મોર બની થનગાટ
કરે’ કે મન મોર બની વિવાદ કરે કે પછી રબારી સમાજની વાત હોય કે પછી ક્ષત્રીય સમાજની
વાત હોય અને અરવિંદ વેગડાના ગીત ‘ભાઈ ભાઈ’ ની ઉઠાંતરીલીલા પણ કેમ ના હોય સંજય
હંમેશા વિવાદના વમળમાં જ અટવાયેલા રહ્યા છે.
બોલીવુડમાં ગુજરાતી દિગ્દર્શકોમાં હાલના તબક્કે કોઈ
દિગ્દર્શક જો વિવાદમાં હોય તો તે છે સંજય લીલા ભણશાલી. તેમની હિન્દી ફિલ્મ
ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી થઇ અને અમુક અંશે ફિલ્મ બનાવવાનો પ્રવાહ પણ એમણે બદલ્યો.
ઘણા ગુજરાતી દિગ્દર્શકોએ હિન્દી ફિલ્મો બનાવી. જેઓએ તમામે સુપરહીટ, હીટ તથા ફ્લોપ
ફિલ્મો આપી. તે સૌની ફિલ્મોના દિગ્દર્શનની પધ્ધતિ અલગ અલગ હતી. ફિલ્મ ઉદ્યોગમાં
સૌથી વધુ મહત્વ દિગ્દર્શકનું જ હોય છે તે તેઓએ પોતપોતાની રીતે સાબિત કર્યું. અમુક
એવા દિગ્દર્શકો પણ આવ્યા જેઓએ પાયાનું જ્ઞાન ઓછું મેળવેલું હોવા છતાં હિન્દી ફિલ્મ
ઉદ્યોગમાં સારૂ એવું કાઠું કાઢી શક્યા.
સંજય
લીલા ભણશાલીની ફિલ્મો બનાવવાની શૈલીમાં પણ વિવિધતા જોવા મળી. તેમની ફિલ્મોમાં
મનોરંજન, કલાત્મકતા તથા ગુજરાતીપણાનો ત્રિવેણી સંગમ સાધ્યો. અત્યારે અમુક
દિગ્દર્શકો પોતાનું એક યુનિટ બનાવીને જ ફિલ્મો બનાવવામાં માને છે જેમાં યુનિટ સાથે
જોડાયેલા અભિનેતા, અભિનેત્રી, સાથી કલાકારો, સંગીતકાર, કેમેરામેન હોય છે. પણ સંજયે
કદી એવો મોહ નથી રાખ્યો. તેમની ફિલ્મોના કલાકારો બદલાતા રહેતા. તેમની ફિલ્મોના
કલાકારોની યાદી વાંચશો તો ખબર પડશે કે તેઓએ અલગ અલગ દિગ્ગજ કલાકારો સાથે કામ
કર્યું. ૧૯૯૬માં રજૂ થયેલી તેમની પ્રથમ ફિલ્મ હતી ‘ખામોશી – ધ મ્યુઝીકલ’. મૌનમાં
પણ સંગીત છુપાયેલું છે તેવું કહેવા માગતી આ ફિલ્મમાં નાના પાટેકર, સલમાન ખાન,
મનીષા કોઈરાલા, સીમા વિશ્વાસ, હેલન, હિમાની શિવપૂરી તથા રઘુવીર યાદવ જેવા કલાકારો
હતા. આ ફિલ્મના લેખક પણ તેઓ પોતે જ હતા. ક્યારેય કોઈ ફિલ્મ ઉતાવળથી ન બનાવતા
સંજયની બીજી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ આવી ત્રણ વર્ષ પછી ૧૯૯૯માં. જયારે એક
દિગ્દર્શક ફિલ્મમાં કોઈ કચાશ ના રહે તે માટે ધીરજથી ઝીણવટભરી તપાસ કરી ફિલ્મના કોઈ
સીનમાં કઈ ખૂટતું નથી તે વિચારીને આગળ વધતો હોય ત્યારે તે ફિલ્મના કલાકારોએ જ નહિ
બલકે આર્ટ ડાયરેક્ટર, સિનેમેટોગ્રાફર, પટકથાકાર, સંગીતકાર, કોસ્ચ્યુંમ ડીઝાઈનર સૌ કોઈએ
ધીરજ રાખવી પડતી હોય છે. ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મ એક કલાત્મક ફિલ્મ છે જેમાં
સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગણનો પ્રણય ત્રિકોણ બતાવવામાં આવ્યો છે.
સહકલાકારોમાં ગુજરાતીઓનો રાફડો ફાટ્યો છે. કલાકારો હતા કેન્ની દેસાઈ, વિનય પાઠક,
ઘનશ્યામ નાયક વગેરે. આ ફિલ્મમાં કરસન સગઠીયા, દમયંતી બરડાઈ જેવા ગુજરાતની લોકચાહના
ધરાવતા ગાયકોએ પણ પોતાના કંઠનો જાદુ પાથર્યો છે. દરેક વિભાગને સંપૂર્ણ રીતે તૈયાર
કરીને ફિલ્મ બનાવવાની શરૂઆત કરતા.
૨૪
ફેબ્રુઆરી ૧૯૬૩ના રોજ મુંબઇમાં જ જન્મેલા માતા લીલાબહેન ભણશાલી તથા પિતા નવીનભાઈ
ભણશાલીના આ પુત્રે ફિલ્મ સર્જનની અનેક શૈલીનો ય ઊંડો અભ્યાસ કર્યો છે તથા સંજય
જૂના કલાકારોનો ચાહક હોવાથી તેણે ઝોહરા સાયગલ, હેલન, બેગમ પારા જેવી તેમના પોતાના
સમયની ધરખમ અભિનેત્રીઓને પણ પોતાની ફિલ્મોમાં કેમેરા સામે ખડી કરી દીધી હતી. અજય
દેવગણ, ઐશ્વર્યા રાય જેવાને સાવ નવી જ ઓળખ આપી. ઈસ્માઈલ દરબાર, મોન્ટી શર્મા અને
ટૂંક સમય પહેલા જ ઓસમાણ મીર જેવા સંગીતકારને તેમણે હિન્દી ફિલ્મોમાં પહેલી તક આપી
છતાં તે ત્રણેય સંગીતકારો પાસે ઉત્તમ અને લોકપ્રિય સંગીત મેળવી શક્યો. સંજયના પિતા
નવીનભાઈ ભણશાલી પણ એક સમયે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. ૧૯૫૭મા તેમણે જયરાજ
અને શશીકલાની જોડીને લઈને ‘જહાજી લુટેરા’ નામની ‘સી’ ગ્રેડની કહેવાય તેવી ફિલ્મ
બનાવેલી પરંતુ તેઓ ફિલ્મક્ષેત્રે ખાસ કશું ઉકાળ્યા વગર સરેરાશ જીવન જીવવા મજબૂર
બનેલા. મુંબઈના સી. પી. ટેન્કના એક ઓરડામાં તેમનું જીવન વીટી ગયેલું. પરંતુ સંજયની
માતા લીલાબહેન કલાદ્રષ્ટિ ધરવતા, દ્રઢ નિશ્ચયી મહિલા હતા. તેમણે સંજય અને દીકરી
બેલનો ઉછેર એ રીતે કર્યો હતો કે બંનેનો જીવન અને કળા પ્રત્યેનો અભિગમ ઊંડો, નિસ્બત
અને અભ્યાસદ્રષ્ટિભર્યો બની ગયો. સંજયે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં ફિલ્મ સર્જનની
તાલીમ લીધી અને તે વેળા ‘અગ્નિકામ’ ફિલ્મ બનાવી. તેને જોઇનેય ઘણાને તેની પ્રતિભા
વિશેનો પરિચય મળી ગયો. વિધુ વિનોદ ચોપરા પણ પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના જ
વિદ્યાર્થી હતા અને તે વેળા તેમણે ય જે ‘મર્ડર ઓન ધ મંકી હિલ’ બનાવેલી તે
સર્જક્તાસભર હતી. આ કારણે જ બેઉની મૈત્રી થઇ. વિધુએ જયારે ‘પરિંદા’ બનાવવા માંડી
ત્યારે સંજય તેનો સહાયક દિગ્દર્શક બન્યો અને પછી ‘૧૯૪૨ – અ લવસ્ટોરી’ માં પણ સંજયે
આ ભૂમિકા ભજવી. એ ફિલ્મમાં જ ‘કુછ ના કહો..... કુછ ભી ના કહો,’ ગીતની કોરિયોગ્રાફી
સંજયે કરી અને ફિલ્મ રજૂ થતા જ સંજયની કલાદ્રષ્ટિની ચર્ચા શરૂ થઇ ગઈ.
ઘણીવાર ફિલ્મોમાં એવું બનતું હોય છે કે કોઈ એક
નવોદિત કલાકારના અભિનયવાળી ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર તો સફળતાના ઝંડા લહેરાવી દેતી હોય
છે, પરંતુ ત્યારબાદ તે કલાકાર ફિલ્મ ઉદ્યોગમાં ચમકવો જોઈએ તેટલો ચમકતો નથી.
પરિણામે આવા કલાકારે પોતાની નેક્સ્ટ ફિલ્મ મેળવવા રાહ જોવી પડતી હોય છે. તમને
તાજેતરની જ વાત કરું તો અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં પોતાની
અભિનય કલાનો પરિચય આપી દેનારી અભિનેત્રી રિયા ચડ્ડાને તો ફિલ્મની સફળતાની સાથે જ
બોલીવૂડમાંથી ફિલ્મોની ઓફરોનો ધોધ શરૂ થઇ ગયો છે. પરિણામે રિયા ચડ્ડા આ બાબતે
પોતાને નસીબવંતી ગણાવી રહી છે ! આજકાલ સંજય લીલા ભણશાલી પોતાના આગામી પ્રોજેક્ટ
માટે રિયા ચડ્ડા સાથે આજકાલ વાતચીત કરી રહ્યા છે. ‘અંદર ખાને’ એવું જાણવા મળ્યું
છે કે સંજય લીલા ભણશાલી પોતાની આગામી ગુજરાતી ફિલ્મ ‘ રોમીયો જુલિયેટ’ માટે રિયા
ચડ્ડાનો સંપર્ક સાધ્યો છે. જો કે આ ફિલ્મમાં રિયા ચડ્ડાનું નામ જ ફાઈનલ નથી થયું
અને ફિલ્મમાં રિયાને મુખ્ય અભિનેત્રી લેવાની છે કે પછી કોઈ અન્ય મહત્વનો રોલ તેને
આપવાનો છે તે વાત પણ ફાઈનલ થઇ નથી. પરંતુ એવું જાણવા જરૂર મળ્યું છે કે સંજય લીલા
ભણશાલીએ પોતાના આ પ્રોજેક્ટ માટે મુખ્ય અભિનેત્રી તરીકે કરીના કપૂરનું નામ નક્કી
કર્યું હતું. પરંતુ આજકાલ કરીનાએ તે ફિલ્મ નહિ કરવાનું નક્કી કર્યું છે. પરિણામે
સંજય લીલા ભણશાલી મુખ્ય અભિનેત્રીની શોધ પણ ચલાવી રહ્યો છે. કહેવાય છે કે ‘ગેંગ્સ
ઓફ વાસેપુર’ પછી રિયા ચડ્ડા પાસે અગિયાર પ્રસ્તાવો આવ્યા છે. રિયા ચડ્ડા ‘ઓયે
લક્કી લક્કી ઓયે’ ફિલ્મમાં જોવા મળી હતી. પરંતુ તે ઝાઝી ક્લિક થઇ નહોતી. હવે જોઈએ
સંજય લીલા ભણશાલીના આ નવા ગુજરાતી પ્રોજેક્ટમાં રિયા ચડ્ડા મેઈન હિરોઈન તરીકે ચમકે
છે કે પછી કોઈ મહત્વની ભૂમિકામાં તેને લેવામાં આવે છે.
સંજય
એક નિર્માતા, અમુક સ્ટાર્સ, અમુક સંગીતકારને લઈને બેસી રહે તેવા સર્જક નથી. ફિલ્મ
વ્યવસાયમાં જરૂર છે પરંતુ એવી વ્યવસાયિકતા તેણે નથી પોષી કે જે તેને સ્વમાનહીણો
બનાવી દે. ઓડીસી નૃત્ય શીખેલા સંજય લીલા ભણશાલી નૃત્ય કોરિયોગ્રાફીમાં તો પહેલેથી
જ સક્રિય છે.
૧પ નવેમ્બરના રિલીઝ થયેલી
બહુચર્ચિત રામલીલા ફિલ્મ રામાયણ સર્જતી
હોય, તેમ ક્ષત્રિય અને રબારી સમાજે વિરોધના સૂર વ્યક્ત કર્યા
હતા, જેના પડઘમ શાંત પડયા બાદ નવો વિવાદ સપાટી પર
આવ્યો હતો. માંડવીના પ્રસિદ્ધ ગાયક
કલાકાર અસોમાણ મીરના કંઠે
ગવાયેલાં લોકગીત માટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને શ્રેય મળે તેવી મેઘાણીના પરિવારે ફિલ્મ
દિગ્દર્શક પાસે માંગ કરી છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’ નું શૂટિંગ કચ્છમાં કર્યા બાદ રામલીલા ફિલ્મમાં
કચ્છની બે જ્ઞાતિના ટ્રેડિશનલ પરિધાનના દૃશ્યો કંડારવા સાથે માંડવીના ગાયક ઓસમાણ મીરના
સ્વરમાં 'મન મોર બની થનગાટ કરે’ લોકગીત ગવડાવ્યું છે.આ ગીતની રચના
ગુજરાતી સાહિત્ય માટે અથાગ જહેમત ઉઠાવનારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૪માં કરી હતી. રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી
ભાષામાં 'હૃદય અમારો નાચે’ની રચના કરી હતી, જેના પરથી ગુજરાતીમાં 'મન મોર બની ગનગાટ કરે’
લોકગીત
મેઘાણીએ રચ્યું હતું, જેથી બન્ને મોટા ગજાના સાહિત્યકારને
શ્રેય મળવો જોઇએ તે અંગે
સંજય લીલા ભણશાલીનું રૂબરૂ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. કચ્છી ફિલ્મ સર્જકે ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં 'મન મોર બની થનગાટ કરે’
ગીતની પસંદગી કરી હતી, પણ ફિલ્મની સ્ટોરીમાં તે લયબધ ન થતું હોવાથી એ સમયની મનની વાત મનમાં રહી ગઇ હોવાથી રામલીલા ફિલ્મમાં પ૦ ગાયક કલાકારના ઓડિશનલ લેવાયા બાદ કચ્છના નામાંકિત ગાયક ઓસમાણ મીરના કંઠે ગીતનું મુંબઇના સ્ટુડિયોમાં રેકોડિગ કરાયું હતું. અત્રે એ
ઉલ્લખનીય છે કે, આજે ફિલ્મમાં કે ઓસમાણ
મીરે ‘નગારે સંગ ઢોલ બાજે’ ગીતમાં પરફોર્મન્સ આપ્યું છે, જે ૩૬ લાખ દર્શક યુ ટયૂબ પર નિહાળી ચૂક્યા છે. હવે છેવટે આ વિવાદનો પણ અંત આવી ગયો છે
‘ગોલીયોકી રાસલીલા – રામલીલા’ માટે હજુ પણ
વિવાદોનો અંત નથી આવ્યો. આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ ગુજરાતી ગીત ‘ભાઈ ભાઈ’ નો ઉપયોગ
કરવામાં આવ્યો છે. ગાયક અરવિંદ વેગડાએ ફિલ્મના ડીરેક્ટર સંજય લીલા ભણશાલી પર તેમના
દ્વારા લખાયેલું અને ભારે પ્રખ્યાત થયેલું ગીત ‘ભાઈ ભાઈ’ કોઈ પણ મંજુરી વગર
ફિલ્મમાં ઉપયોગમાં લેવાનો આરોપ મુક્યો છે. આ આરોપના સંદર્ભે અરવિંદ વેગડા દ્વારા
કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ૨૦૧૦ની સાલથી ગુજરાતી ગરબામાં અલગ જ
સ્થાન મેળવનાર ‘ભાઈ ભાઈ’ પર અરવિંદ વેગડા લગભગ દોઢ વર્ષથી મહેનત કરતા હતા પરંતુ
તેમની કોઈ પણ મંજુરી વિના ફિલ્મમાં ગીત દર્શાવવામાં આવ્યું છે જેના વિષે તેઓએ
નારાજગી દર્શાવી છે.
અત્યાર સુધીમાં ‘હમ દિલ દે ચુકે સનમ’,
‘દેવદાસ’ અને ‘બ્લેક’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનની એવોર્ડ મેળવનાર સંજયની ‘બ્લેક’
ફિલ્મને ટાઈમ્સ જેવા વિશ્વપ્રસિદ્ધ મેગેઝીને વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોમાં એક ગણાવી
હતી. સંજયને એવોર્ડસની કમી નથી. તેની ફિલ્મના કલાકારો પણ જાણતા હોય છે કે તેમની
કારકીર્દીની તેઓ યાદગાર ફિલ્મ કરી રહ્યા છે. ઐશ્વર્યા રાય, સલમાન ખાન, અજય દેવગણ,
નાના પાટેકર, અમિતાભ બચ્ચન, રાણી મુખર્જીએ તેમની કારકીર્દીની શ્રેષ્ઠ ભૂમિકાઓ
પૈકીની એક સંજયની ફિલ્મમાં કરી છે. હવે દીપિકા પદુકોણે પણ તેમાં ઉમેરાઈ છે તેનો
દીપિકાને પણ ગર્વ છે અને સંજય લીલા ભણશાલી ગુજરાતી છે તેનો આપણને ગર્વ હોવો જોઈએ.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment