facebook

Friday, 28 August 2015

komal thakkar

મિસ કચ્છ – કોમલ ઠક્કર



    ગુજરાતી ફિલ્મી પડદે આવી રહી છે એક એવી ફિલ્મ જેના પરથી લોહાણા સમાજને ગૌરવ લઇ શકાય. આ ફિલ્મના નિર્માતા – સહનિર્માતા દિલીપ ઠક્કર ( બાવળા ) તથા ચંદ્રકાંત ઠક્કર ‘મેહ’ છે. ફિલ્મનું ટાઈટલ ‘રઘુવંશી’ ફિલ્મની કથાને અનુરૂપ એકદમ યથાર્થ છે. ગ્રામ્ય વિસ્તારના લોહાણા સમાજની રહેણીકરણી, જીવનશૈલી, તેમની રૂઢી, પરંપરાઓ વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરીને ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ‘ઠક્કર’ કલાકારોમાં ખુશમિજાજી શ્રી જીતેન્દ્ર ઠક્કર, જનક ઠક્કર તથા ૨૦૦૪મા ‘મિસ કચ્છ’ નો ખિતાબ મેળવનારી કોમલ ઠક્કર. પોતે ઠક્કર ( રઘુવંશી ) હોવાનો ગર્વ અનુભવતી કોમલ ઠક્કર સાથે થયેલી કેટલીક તેમની કેરિયરની અંતરંગ વાતો.

પ્ર – ફિલ્મોમાં આવવાનું કેવી રીતે થયું ?
ઉ – શરૂઆત મારી ‘મિસ કચ્છ’ નો ખિતાબ ૨૦૦૪મા જીતી ત્યારથી થઇ. તે પ્રસંગ મને જીવનભર યાદ રહેશે. બાદમાં મેં મારી ફર્સ્ટ હિન્દી મુવી સ્વ. દેવ આનંદ સાથેની ‘મી. પ્રાઈમ મીનીસ્ટર’ માં અભિનય કર્યો. જેમાં મેં પ્રથમવાર કેમેરાનો સામનો કર્યો હતો. હાલ હું ‘રઘુવંશી’ નામની ફિલ્મ કરી રહી છું.

પ્ર – ગુજરાતી ફિલ્મો કરીને કેવું અનુભવો છો ?
ઉ – હું પોતે ગુજરાતી જ છું એટલે ગુજરાતી ફિલ્મમાં કામ કરવું તે મારા માટે ગર્વની વાત છે. હિન્દી ફિલ્મથી મારી શરૂઆત થઇ છે પણ હું ગુજરાતી ભાષા પ્રત્યે એટલું જ માન ધરાવું છું જેટલું બીજી ભાષા પ્રત્યે.

પ્ર – આ ફિલ્મના દિગ્દર્શક અતુલ પટેલ સાથે કામ કરવાનો અનુભવ જણાવશો.
ઉ – ‘રઘુવંશી’ ફિલ્મના દિગ્દર્શક અતુલ પટેલ ખુબ જ ઉમદા સ્વભાવના વ્યક્તિ છે. તેઓનું કામ કરવાનું ટાઈમિંગ પાક્કું છે. જેમકે ઘણા કહેવાતા દિગ્દર્શકો આર્ટીસ્ટને કામનો સમય સવારે નવ વાગ્યાનો આપે છે જયારે કલાકાર એકઝેટ નવ વાગ્યે લોકેશન પર હાજર થઇ જાય ત્યારે કામ શરૂ કરવામાં આવે છે અગિયાર – બાર વાગ્યે. અતુલ પટેલ ટાઈમિંગની બાબતમાં પાક્કા છે. તેઓએ જયારે કલાકારને સમય આપ્યો હોય ત્યારે કામ શરૂ થઇ જ જાય છે.

પ્ર – શરૂઆત હિન્દી ફિલ્મથી અને હવે ગુજરાતી ફિલ્મ તો કેરિયર માટે જોખમ નથી ?
ઉ – ના, મને એવું નથી લાગતું, કારણ કે એક આર્ટીસ્ટને પોતાની અભિનયકલા પર પુરેપુરો વિશ્વાસ હોય છે કે તે પોતાની રીલીઝ થયેલી છેલ્લી ફિલ્મ કરતા આવનારી ફિલ્મ ( ભલે કોઈપણ ભાષામાં હોય ) માં સારામાં સારું પાત્રને ન્યાય આપી શકે. બાકી તો પ્રેક્ષકોના હાથમાં છે.

પ્ર – આપના મતે ગુજરાતી ફિલ્મોમાં ઝીરો ફિગર ચાલી શકે ?
ઉ – ઝીરો ફિગર ગુજરાતી ફિલ્મોમાં ના ચાલી શકે. કારણ કે ગુજરાતનો પ્રેક્ષક ઝીરો ફિગર જોવા ટેવાયેલો નથી. ગુજરાતી ફિલ્મની નારી છે. એ ઝીરો ફિગરની કેવી રીતે હોઈ શકે. તમે ભૂતકાળની ફિલ્મો પર નજર કરશો તો પણ જે સફળ હિરોઈન છે તે ઝીરો ફીગરવાળી તો નથી જ.

પ્ર – એવોર્ડ્સને મહત્વ આપો છો ?
ઉ – એમાં શંકાને સ્થાન નથી કે એવોર્ડ્સનું મહત્વ હોય છે. દરેક જણ એવું ઇચ્છે છે કે તેના કામના વખાણ થાય. તેના કામને ઓળખ મળે. પૈસા સાથે નામ પણ મળે તો કોને સારૂ ન લાગે ? આ તમારા કામનું સન્માન છે.
પ્ર – કેવા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા છે ?

ઉ – જૂના દિગ્દર્શકો તો ખરા જ સાથે સાથે નવા ઉત્સાહી દિગ્દર્શકો સાથે કામ કરવાની ચચા છે.  




મારા ચહેરાથી કોઈ વખાણ કરે એના કરતા મારા સ્વભાવથી વખાણ કરે તેવું હું ઈચ્છું છું. - કોમલ ઠક્કર



હંમેશા હંસતી રહું છું. ટેન્શન ફ્રી જીવન જીવું છું. રોજ યોગ કરું છું.              
સારા સ્વાસ્થ માટે તીખું, તળેલું, મસાલાવાળું ખાવાનું ઓછું પસંદ કરું છું.
ફ્રુટ અને ફ્રુટ જ્યુસ વધારે પ્રમાણમાં લઉં છું. બહારનું જમવાનું તાળું છું.            
સવારે નાસ્તામાં ખાખરા, કેલોક્સ, રોસ્ટેડ કાજુ ખૂબ ખાઉં છું. બપોરનું ભોજન હળવું જ લઉં છું.                  
શુટિંગમાંથી ઘરે આવીને ફ્રેશનેસ માટે બોડી મસાજ કરવું છું.                    
બજારની કોઈ ક્રીમ વાપરતી નથી. હું માનું છું કે તે પૈસાનો વ્યય છે. હંમેશા નેચરલ જ રહેવું જોઈએ.                 
સમયની કદર કરું છું. સકારાત્મક વલણ રાખું છું.                                   
સ્વયંને મહત્વ આપું છું. સ્વભાવ મિલનસાર રાખું છું. કોઈની પાસે વધુ આશા રાખતી નથી. ખુશીઓની ઉજવણી કરું છું.
    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોમલ ઠક્કરની ગણના ખૂબસૂરત અને ચૂઝી અભિનેત્રીઓમાં થાય છે. ખૂબસૂરત હોવા છતાય પોતાના કામથી જ પોતાની અલગ ઓળખ બનાવવા માંગે છે. અભિનય બાબતે જરાય બાંધછોડ કરવામાં કોમલ માનતી નથી. જેના કારણે ગુજરાતી ફિલ્મો ઉપરાંત
રાજસ્થાનમાં પણ તેની જબરદસ્ત માંગ છે. સાથે ગુજરાતમાં તેમનું એક આખું ફેન વર્તુળ છે. કોમલ ઠક્કર ફિલ્મોમાં જાણે કોઈ હિન્દી ફિલ્મોની હિરોઈનોને ટક્કર આપે તેવા અભિનયથી પ્રેક્ષકોને પ્રભાવિત કરી જાણે છે. કોમલને રૂપનું જરાય અભિમાન નથી. તે કહે છે કે તનના રૂપ કરતા મનનું રૂપ વધુ અગત્યનું છે, જેનું મન સાફ છે તે જ ખરા અર્થમાં ખૂબસૂરત છે. કચ્છના આદીપુરમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ અને સાથે સાથે ૨૦૦૪માં મિસ કચ્છનો ખિતાબ જીત્ય બાદ અભિનય માટે સારી સારી ઓફરો આવવા માંડેલી પણ છતાય કોમલે તે ઓફરોનો અસ્વીકાર કરેલો. તે અરસામાં દેવ આનંદની ફિલ્મ ‘મી. પ્રાઈમ મીનીસ્ટર’ નું શુટિંગ કચ્છમાં થવાનું હતું જેમાં કોમલ ઠક્કરને અભિનયની તક મળી. જેમાં કોમલે નાનકડી ભૂમિકા ભજવી. ત્યારબાદ રેમ્પ શોનો આરંભ કર્યો અને ત્યાંથી શરૂ થઇ કોમલની ફિલ્મી સફર. હાલ કોમલ ‘વાવ’ નામની એક ગુજરાતી ફિલ્મમાં આવી રહી છે. તો આવો જાણીએ કોમલ પાસેથી તેની ફિલ્મ વિષે.

પ્ર–‘વાવ’ ફિલ્મના આપના પાત્ર વિષે ?
ઉ – મારા પાત્ર વિષે તો હું અત્યારે તો કઈ જ નહિ કહી શકું પણ હા એ ચોક્કસ કહીશ કે ફિલ્મમાં ચાર પાત્રો છે જેમાં હું, હિમાંશુ તુરી, જગદીશ ઠાકોર અને આનંદી ત્રિપાઠી અભિનય કરી રહ્યા છીએ. મને આ ફિલ્મથી ખૂબ જ ઉત્સાહ છે કારણ કે આ ફિલ્મની વાર્તા જ કંઇક અલગ પ્રકારની છે.

પ્ર – આપની શરૂઆત વિષે જણાવશો.
ઉ – મારી પ્રથમ ફિલ્મ હતી ‘હાલો માનવીયુના મેળે’ પરંતુ લીડ રોલ કરેલી પ્રથમ ફિલ્મ હતી ચંદન રાઠોડ સાથે ‘મહીસાગરના સોગંધ’. ત્યારબાદ ૭-૮ ગુજરાતી ફિલ્મો અને ૩-૪ રાજસ્થાની ફિલ્મો કરી છે જેમાં ‘સતરંગી ચુંદડી’, ‘બાબા રામદેવ’, ‘રાજા હરિશ્ચન્દ્ર’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

પ્ર – ગુજરાતી ફિલ્મોમાં ગુજરાત રાજ્ય બહારની હિરોઇનોનું વર્ચસ્વ કેમ છે ?
ઉ – હું નથી માનતી કે ગુજરાતી હિરોઈનો નથી ચાલતી, અગાઉ એવું હતું કે હિરોઈનો મળતી ન હતી અને બહારની હિરોઈનો માટે હિરોઈનબેઝ ફિલ્મો બનતી હતી. જયારે આજે હીરોબેઝ ફિલ્મો ચાલે છે ચતાય અસંખ્ય ગુજરાતી હિરોઈનો ફિલ્મોમાં કામ કરે છે.

પ્ર – ગુજરાતી ફિલ્મો ઓછી ચાલવાનું કારણ શું છે ?
ઉ – કોઈ એક કારણ નથી ઘણા બધા છે. પહેલું કારણ તો ફિલ્મોને સમજી શકે તેવા મેકર્સનો અભાવ, જેઓ અત્યારે ખેતર વેચીને ફિલ્મ બનાવવા આવી જય છે. જેમને ફિલ્મલાઈન શું છે તેની ખબર પણ નથી. પહેલા તો પ્રોડ્યુસર, ડાયરેક્ટર, પ્રોડક્શન મેનેજર, ટેકનીશીયનો અને કલાકારોની બેઠક મળતી અને ફિલ્મ કેવી રીતે બનાવવી તેની ગહન ચર્ચા થતી. આજે તેવું થતું નથી. જો ગુજરાતી ફિલ્મો સફળ કરવી હોય તો પૂરતું ધ્યાન આપીને ફિલ્મ બનાવવી જોઈએ. થીયેટરો પણ સારા હોવા જોઈએ. નાનકડા રોલ માટે પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ગુજરાતી ફિલ્મોમાં પ્રોડ્યુસર ફિલ્મ બનાવે એટલે તેમના કાકા-બાપના સગાઓને રોલ આપી દે છે. જેઓને અભિનયનો અ પણ નથી આવડતો. તો ફિલ્મ ક્યાંથી ચાલે?

પ્ર – આપની ફિટનેસનું રહસ્ય શું છે ?
ઉ – હું માનું છું કે ખૂબસુરતી તનથી નહિ પણ મનથી હોય છે. મારા ચહેરાથી કોઈ વખાણ કરે એના કરતા મારા સ્વભાવથી વખાણ કરે તેવું હું ઈચ્છું છું. મને લોકોએ સ્વીકારીને ખૂબ પ્રેમ આપ્યો છે અને સદાય આવો જ પ્રેમ આપશે તેવી આશા રાખું છું.

પ્ર – એવોર્ડને કેટલું મહત્વ આપો છો ?
ઉ – કલાકારોના જીવનમાં પોતાના કરેલા કામનું વળતર જ સન્માન, પ્રોત્સાહન કે કોઈ એવોર્ડ છે. એક કલાકારને એવી લાલસા હોય છે જ કે તેના કામની પણ કદર થાય. મારૂ માનવું છે કે એવોર્ડ મેળવવો એટલે તમારી કારકિર્દીનું એક ડગલું આગળ વધવું એવું થાય.

પ્ર – હિન્દી ફિલ્મોની જેમ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ હિરોઈનો અંગપ્રદર્શન કરવા લાગી છે. તમે પણ ફિલ્મોમાં અંગપ્રદર્શન કરશો ?
ઉ – એ તો સીનની ડીમાન્ડ અને દિગ્દર્શક પર આધાર રાખે છે. અશ્લીલતા અને અંગપ્રદર્શનમાં બહુ જ પાટલી ભેદરેખા છે અને એ સીન દિગ્દર્શક કેવી રીતે ફિલ્માવશે એના પર આધાર છે. જો કલાત્મક રીતે ફિલ્માવવામાં આવશે તો મને કોઈ સંકોચ નથી.
પ્ર – ક્યા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા છે?
ઉ – સારા મેકરો અને સારા દિગ્દર્શક સાથે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે.
પ્ર – ભગવાન એક વરદાન માંગવાનું કહે તો ?
ઉ – હું ભગવાન પાસે એવું વરદાન માંગું કે હું હંમેશા મારા પરિવાર સાથે ખુશ રહું.     


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment