ઘેઘુર અવાજના માલિક –
જયેન્દ્ર મહેતા
ઘેઘુર અવાજના
માલિક જયેન્દ્ર મહેતાની ખ્યાતી ગુજરાતી ફિલ્મોમાં અનેરી છે. તેમના અવાજમાં ગજબનો
વજન છે. જેમ મિમિક્રી આર્ટીસ્ટ હિન્દી કલાકારોના અવાજની નકલ કરે છે તેમ મિમિક્રી
આર્ટીસ્ટ જયેન્દ્ર મહેતાના અવાજની પણ નકલ કરે છે.
આમ તો યુ. સી.
ઓ. બેન્કના કર્મચારી ત્રીસ કરતા વધારે વર્ષોથી રહ્યા હતા. આજે બેન્કના કામકાજથી
નિવૃત છે તેના કરતા વધારે સમયથી ફિલ્મોમાં પ્રવૃત છે. તેમની પાસે સમય મર્યાદા
હોવાથી વાત ઓછી થઇ શકી પણ આ વાતમાં તેમણે ઘણું બધું કહી દીધું.
વાત ૧૯૬૪ની છે.
કોલેજમાં હતા ત્યારથી જ નાટક પ્રવૃત્તિ શરૂ થઇ ગઈ હતી. કોલેજકાળ દરમિયાન તખ્તા પર
ભજવાયેલું તેમનું પ્રથમ નાટક ‘હું કંઇક કરી બેસીશ’ હતું. ૧૯૬૬ – ૬૭ની યુથ
ફેસ્ટીવલમાં ‘કોઈનો લાડકવાયો’ નાટકના અભિનય બદલ શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ લઇ આવ્યા.
એ પછી તેમણે અવેતનમાંથી સવેતન, અર્થાત પ્રોફેશનલ રંગમંચ પર પ્રવેશ કર્યો. જેમાં
‘એક અંધારી તાત’ માં મુખ્ય ખલનાયક બન્યા. પાત્રનું નામ ‘બિહારી’ હતું. તે પછી
‘તરસ્યો સંગમ’, ‘ધૂપસળી’ જેવા અનેક
નાટકો કર્યા. ‘ધૂપસળી’ માં રીવોલ્વીંગ સ્ટેજનો પ્રયોગ કરાયો
હતો. ડ્રેકુલા નામની ઘણી ફિલ્મો વર્ષો પહેલા રજૂ થઇ હતી. તેમાંની ત્રણ ફિલ્મોમાંથી
તારવી ‘લોહીની તરસ’ નામનું નાટક કર્યું. જેમાં તેઓ ડ્રેકુલા બન્યા હતા. તેમના
કહેવા મુજબ એ સમયમાં એક નાટકના ઓછામાં ઓછા ૧૦૦ જેટલા શો થતા હતા. ૧૯૭૪મા ‘પ્રીત
પિયુ અને પાનેતર’ ટીમ સાથે આફ્રિકા અને લંડનની ટ્રીપ કરી આવ્યા.
અમદાવાદના આ
કલાકારનો ફિલ્મ પ્રવેશ પણ અદભૂત અને અવનવો છે. ૧૯૭૪મા નાટક ‘માટીનું ઘર’ લઇ મુંબઈ
ગયા હતા. મુંબઈના અખબારોમાં આ નાટકનો રીવ્યુ પ્રગટ થયો. સાથે જયેન્દ્ર મહેતાનો
ફોટો પણ હતો. ત્યારે જાણીતા ચરિત્ર કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક કૃષ્ણકાંત ઉર્ફે
કે.કે.
‘ડાકુરાણી ગંગા’ ની તૈયારી કરતા હતા અને કલાકારોની વરણી
ચાલુ થઇ ગઈ હતી. તેમને આ ફિલ્મ માટે સેકન્ડ વિલન માટે કલાકાર જોઈતો હતો. મુંબઈમાં
શોધવા છતાં મળ્યો નહોતો. તેમની નજર નાટકના રીવ્યુ અને ફોટો પર ગઈ. તરત તેમણે
જાણીતા લેખક સ્વ. હરકિશન મહેતાને ફોટો બતાવ્યો અને શોધી કાઢી મુંબઈ બોલાવી લેવા
કહ્યું.
ત્યારબાદ કે. કે. સાહેબે જયેન્દ્ર મહેતાના નાટકના શો
ઓર્ગેનાઈઝરને ફોન લગાવ્યો અને કહ્યું કે તમારા નાટકના આ કલાકાર કોણ છે ? જેમને
અમારી આગામી ફિલ્મ માટે સાઈન કરવા છે. ઓર્ગેનાઈઝરે કહ્યું તે વ્યક્તિ અમદાવાદના
કલાકાર જયેન્દ્ર મહેતા છે. પરંતુ તે સમયે જયેન્દ્ર મહેતા અમદાવાદ આવી ગયા હતા. તો
મુંબઈથી જયેન્દ્ર મહેતા પર ઓર્ગેનાઈઝરનો ફોન આવ્યો કે તેમને કોઈ પ્રોડ્યુસર મળવા
માંગે છે. તેથી જયેન્દ્ર મહેતા બીજે જ દિવસે ટ્રેનમાં મુંબઈ આવી ગયા ત્યારે
મુંબઈમાં કે.કે. સાહેબ અને હરકિશન મહેતાનું નાટક ચાલતું હતું ‘ડો. રોશનલાલ’
નામનું. જેમાં દીપક ઘીવાલા તથા રાગિણી અભિનય કરી રહ્યા હતા. તે નાટક દરમિયાન
જયેન્દ્ર મહેતા કે. કે. સાહેબને મળ્યા ને ‘ડાકુરાણી ગંગા’ ફિલ્મ માટે તેઓ સાઈન
થયા. જેમાં મેજર વિક્રમસિંહનો રોલ હતો. આવી રીતે જયેન્દ્ર મહેતાને પોતાની પ્રથમ
ફિલ્મ મળી. જે ફિલ્મ અભિનેત્રી રાગિણીની પણ પ્રથમ ફિલ્મ હતી. ત્યારબાદ જયેન્દ્ર
મહેતાએ ૨૫૦થી પણ વધારે ફિલ્મોમાં અભિનય આપ્યો જેમાં ઉલ્લેખનીય છે ‘શેરને માથે
સવાશેર’, ‘ઢોલામારૂ’, ‘રાજરત્ન’, ‘ફૂટપાથની રાણી’, ‘મહાભારત’, ‘મૈયરનો માંડવો
પ્રીતનું પાનેતર’, લંકાની લાડીને ઘોઘાનો વર થી માંડીને ‘ધરતીનો છેડો ઘર’, એકવાર
પિયુને મળવા આવજે’, મેં તો ઓઢી ચૂંદડી તારા નામની’ વગેરે તથા હાલમાં ત્રણથી ચાર
ફિલ્મો કરી રહ્યા છે.
જયારે ગુજરાતી
ફિલ્મોનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હતો ત્યારે તેમણે કલાકાર ચિત્ર મંદિર નામની કો. ઓ.
સોસાયટી બનાવી તેની નીચે મેહુલકુમાર જેવા દિગ્દર્શકને લઈને ‘ગામડાની ગોરી’ નામની
ફિલ્મ બનાવી. જેમાં અરવિંદ કિરાડ તથા અરૂણા ઈરાની હતા. તેમની આ એકમાત્ર ફિલ્મ
સોસાયટી હતી જેમણે બેન્કને પૂરેપૂરા નાણા ભરપાઈ કરી ક્લીન ચીટ મેળવી હતી. તેમણે
સીરીયલોમાં પણ અભિનય આપ્યો છે. જેમાં ‘ભાભી’, ‘શામલી’, ‘હારજીત’, ‘મારા સાજણજી’,
‘નરસૈયો’ તથા રામાનંદ સાગરની હિન્દી સીરીયલ ‘અલીફલીલા’ છે.
મનહરરસ કપૂર,
રવીન્દ્ર દવે, અરૂણ ભટ્ટ જેવા ખેરખા દિગ્દર્શકો સાથે કામ ન કરી શકવાનો અફસોસ છે. ખુશી
એ માટે કે કે. કે., બાબુભાઈ મીસ્ત્રી, ચંદ્રવદન ભટ્ટ, દીનેશ રાવલ, રામકુમાર બોહરા,
બી. જે. પટેલ, હિંમત દવે જેવા સિદ્ધહસ્ત દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. તો આવો
વધુ જયેન્દ્ર મહેતા વિષે.
પ્ર – અત્યારે આપ કઈ ફિલ્મો કરી રહ્યા છો ?
ઉ – હાલમાં હું ભુપતભાઈ ભાવનગરીની ફિલ્મ ‘કેસર કેશવ ને
કંકુ’ તથા ડી. વી. પટેલની ફિલ્મ ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ નું શુટિંગ
કરી રહ્યો છું. જેમાં મારો રોલ પોઝીટીવ છે.
પ્ર – સબસીડી વિષે શું કહેશો ?
ઉ – સબસીડી વિષે મારે એઝ એ એક્ટર કઈ બોલવાનું હોતું જ નથી
પરંતુ તો પણ ગુજરાતી ફિલ્મો માટે સબસીડી અત્યારે એક વરદાન સાબિત થાય છે. સબસીડી
બંધ થવાથી નિર્માતાઓ નારાજ થયા હોય, નાખુશ થયા હોય એ વાત બરાબર છે પણ એક વસ્તુ છે
કે જે નિર્માતાઓ સબસીડી માટે જ ફિલ્મો બનાવતા હતા તે લોકોને મોટો ફટકો પડશે. તે
લોકો આમાંથી બાકાત થઇ જશે કારણ કે તે લોકો ફક્ત સબસીડીની લાલચથી જ ફિલ્મો બનાવતા
હતા. અને ગુજરાતી ફિલ્મોનું સ્ટાડર્ડ સુધરશે અને જે નિર્માતાઓ સારી ક્વોલીટીની
ફિલ્મો બનાવતા હશે તેઓને સબસીડીથી કંઈ ફરક પડતો નથી કારણ કે તેઓનું બજેટ જ ત્રીસ –
ચાલીસ લાખ હોય તેને પાંચ લાખથી શું ફરક પડે છે ? છતાં પણ અત્યારે જે પરિસ્થિતિ છે
જે થીયેટરોનો પ્રોબ્લેમ છે તેને જોતા સબસીડી ખૂબ જ સહાયરૂપ બને તે પણ કે હકીકત છે.
n
ગજ્જર નીલેશ
No comments:
Post a Comment