facebook

Friday, 28 August 2015

kiran achary

સંતોકબેન જાડેજા જેવું પાત્ર ભજવવાની ઈચ્છા છે : કિરણ આચાર્ય



    ગુજરાતી ફિલ્મોમાં સૌથી લાંબી ઇનિંગ કોઈ હિરોઈને ખેલી હોય તો પ્રથમ સ્નેહલતાનું નામ આવે. તે સમયમાં સ્નેહલતાને બાદ કરતા બીજી કોઈ હિરોઈન આટલી વ્યસ્ત નહોતી. અરૂણા ઈરાની હતી પણ ટૂંક સમય માટે. ગુજરાતી ફિલ્મોમાં જ્યાં સુધી હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મો મળી ત્યાં સુધી જ તેમણે રસ લીધો. હમણાથી ગુજરાતી ફિલ્મોમાં હિરોઈન પ્રધાન ફિલ્મો નહીવત બને છે. હિરોઈનના ભાગે કાં તો હીરો સાથે ઝાડ ફરતે ફરીને ગીતો ગાવાના કાં તો રોવા – કકળવા સિવાય બીજું કાંઈ આવતું જ નથી. લાંબી ઈનીંગની હરોળમાં અત્યારે જો કોઈ હીરોઈનનું નામ મોખરે છે તો તે છે કિરણ આચાર્ય. કિરણ આચાર્ય અત્યારે દર ત્રીજી ફિલ્મે દર્શકોને જોવા મળી રહી છે. ભૂપત ભાવનગરીની હિરોઈન પ્રધાન ફિલ્મ ‘કેસર કેશવ ને કંકુ’ તથા ડી. વી. પટેલની ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ જેવી ફિલ્મોમાં કિરણ પોતાના અભિનયના કિરણો પાથરશે. હીરો તરીકે જીત ઉપેન્દ્ર હોય, હિતેન કુમાર હોય, હિતુ કનોડિયા હોય, ચંદન રાઠોડ હોય કે પછી સંજય મૌર્ય હોય કિરણ આચાર્યએ બધા આર્ટીસ્ટ સાથે સારી જમાવટ કરી છે. કિરણ આચાર્યનો લૂક લોભામણો છે. ગ્લેમરસ છે. એંગલથી સેક્સી લાગે છે ઉપરાંત સોનામાં સુગંધ ભળે તેમ તેની માંજરી આંખો તેનો પ્લસ પોઈન્ટ છે. આવો જાણીએ કિરણની આવનારી ફિલ્મ ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ વિષે.

પ્ર – આપના પાત્ર વિષે જણાવશો.
ઉ – ફિલ્મમાં મારૂ પાત્ર એક નટખટ, ચુલબુલી, બહુ બોલકી ગામડાની છોરીનું છે. જે હીરોની પાછળ પ્રેમમાં પાગલ થઈને પડી હોય છે. પાત્રમાં એવું કઇ હટકેપણું નથી જે રેગ્યુલર ગુજરાતી ફિલ્મોમાં ગામડાની છોરી જોવા મળે છે તેવું જ પાત્ર છે.
પ્ર – આ ફિલ્મમાં બોલીવૂડના ખ્યાતનામ વિલન રઝા મુરાદ સાથે દ્રશ્ય ભજવતા કેવું લાગ્યું ?
ઉ – રઝા મુરાદજી હિન્દી ફિલ્મોના સીનીયર કલાકાર છે. તેમની સાથે આ ફિલ્મમાં મારો એક સીન છે. તે સીન કરતા મને થોડો ખચકાટ તો થયો જ હતો. પણ હું ગર્વ પણ અનુભવતી હતી કે રઝા મુરાદ સાથે કામ કરવા મળ્યું.

પ્ર – એવી કોઈ અન્ય ફિલ્મો જેમાં કામ કરવાની મજા આવી હોય ?
ઉ – સોરી, મેં ઘણી ફિલ્મો કરી છે પણ અમુક ફિલ્મને બાદ કરતા મને કોઈ ફિલ્મથી સંતોષ મળ્યો નથી. કારણ કે એક કલાકારને હંમેશા અસંતોષ જ રહેતો હોય છે. હા, ચાણક્યનું પાત્ર કંઇક ઠીક હતું. ખરું મેં મારા ભાગે આવેલા કામને યોગ્ય ન્યાય આપવાનો નિષ્ઠાથી પ્રયાસ કર્યો છે. ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ ના પાત્રમાં મેં ઘણી મહેનત કરી છે.
એનું મને સારૂ પરિણામ મળશે અને મારી યોગ્ય કદર થશે એવી આશા છે.

પ્ર – ક્યાં પ્રકારની ભૂમિકા ભજવવા માંગો છો ?
ઉ – સ્ત્રી પ્રધાન ફિલ્મો જેવી કે હિન્દી ફિલ્મો હોય છે જેમકે ખૂન ભરી માંગ, દામિની વગેરે જેવા અને સંતોક બેન જાડેજાનું પાત્ર ભજવવાની ઈચ્છા છે. ગોડમધરમાં શબાના આઝમીએ ભજવેલું તે પાત્ર મને પ્રભાવિત કરી ગયું હતું.

પ્ર – પરંતુ તમને લાગે કે આવી ભૂમિકાઓ ગુજરાતી ફિલ્મોમાં લખાય છે ?

ઉ – ના, એજ તો અફસોસ છે. ગુજરાતી ફિલ્મોમાં આજે એવું પાત્રલેખન, એવી ભૂમિકાઓ લખતી નથી કે હિરોઈનના મહત્વવાળી ફિલ્મો બનતી નથી. અરૂણા ઈરાની અને રાગિણી જેવી અભિનેત્રીઓને ધ્યાનમાં રાખીને ફિલ્મો લખાતી અને બનતી હતી. આજે હવે ક્યાં એ વાત છે ! પણ આજે જયારે સ્ત્રી દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મવાળાઓએ પણ પોતાની ફિલ્મોમાં હિરોઇનોના પાત્રને મહત્વ આપવું જોઈએ. મને આશા છે કે નજીકના ભવિષ્યમાં આવું થશે.

No comments:

Post a Comment