૩૦૦ થી વધુ ગુજરાતી
ફિલ્મોમાં પ્રેક્ષકોને હસાવનાર અભિનેત્રી – રજનીબાળા
રજનીબાળાએ મૃત્યુ પછી કોઈને રડવાનો પણ મોકો ન આપ્યો. સતત લોકોને હસાવનાર
રજનીબાળાનું ૫૭ વર્ષે બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું હતું આ અંગેની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ને જાણ પણ
નહોતી.
|
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ૩૦૦ કરતા
પણ વધારે ફિલ્મોમાં કોમેડી અને ચરિત્ર અભિનેત્રી તરીકે અભિનયના અજવાળા પાથરનાર મૂળ
પંજાબની અને ગુજરાતને પોતીકું બનાવનાર કલાકાર રજનીબાળાનું બોમ્બે ખાતે ૫૭ વર્ષની
વયે બ્રેઈન હેમરેજને કારણે મૃત્યુ થયું અને કોઈને ખબર પણ નહોતી પડી. ખાસ કરીને
અનેક કલાકારો એવોર્ડ સેરેમનીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એકતાની બુંગીઓ ફૂંકતા હોય છે
પરંતુ થોડાક સમય પહેલા જ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયેલી રજનીબાળા વિષે જાણીતા
કલાકારોને પૂછવામાં આવ્યું ત્યારે અનેક કલાકારોએ ખોખરા અને દંભી સ્વરોમાં જવાબ
આપીને કાયમ જેમ મૃત્યુ પામનારના વખાણ કરવામાં આવતા હોય છે તે રીતે વખાણ કરીને વાત
પતાવી હતી. રજનીબાળાએ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગુજરાતી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને
અલવિદા કરી દીધું હતું. તેઓ તેમના પતિ મોહન શર્મા સાથે મુંબઈ રહેતા હતા અને અચાનક
જ બ્રેઈન હેમરેજથી તેમનું મૃત્યુ થયું હતું. રજનીબાળા વિષે અહીં એટલા માટે લખવાનું
મન થાય કારણ કે તે ગુજરાતી એક્ટ્રેસ ન હતા પણ પંજાબી હતા. તેમનું મૂળ વતન અમૃતસર,
પંજાબ હતું. પિતા સાથે જામનગર આવીને વસવાટ કરનાર રજનીબાળાએ ગુજરાતના માઉસ ટ્રેપ
ગણાતા એવા ‘પ્રીત પિયુ ને પાનેતર’ ના ૮૦૦૦ શોમાંથી ૨૫૦ થી વધુ શોમાં રજનીબાળાએ
અભિનય આપ્યો હતો.
રજનીબાળા પંજાબી હોવા છતાં તેમની જીભમાં
ગુજરાતી ભાષા એટલી હદે વણાઈ ગઈ હતી કે કાઠીયાવાડી લહેકામાં તેમની અને રમેશ મહેતાની
જોડી એક જમાનાની નં. ૧ જોડી બની ગઈ હતી. ગુજરાતી ફિલ્મમાં વિદુષીના રોલમાં જાણીતી
કલાકાર મંજરી દેસાઈના મૃત્યુ પછી રજનીબાળાએ આ સ્થાન મેળવ્યું હતું. ૩૦૦ કરતા પણ
વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું તે આંક જ તેમની ગુજરાતી અભિનય ક્ષમતા બતાવે
છે. તેઓને બે સ્ટેટ લેવલના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
એક સમય હતો જયારે પ્રેક્ષકો રમેશ
મહેતા અને રજનીબાળાની કોમેડી જોવા આવતા. પણ આ કોમેડિયન અભિનેત્રીના મૃત્યુના એક
મહિના પછી પણ ગુજરાતીઓને તો ઠીક પણ તેમની સાથે કામ કરતા કલાકારોને પણ તેમના
મૃત્યુની જાણ નહોતી. ‘તમે રે ચંપોને અમે કેળ’, ‘વટનો કટકો’ વગેરે ગુજરાતી ફિલ્મોથી
લોકપ્રિય થયેલી રજનીબાળા આજે પણ પ્રેક્ષકોના માનસ પર એક યાદ બનીને બેઠા છે. તેમની
સાથે ફિલ્મોમાં કામ કરેલા એક કલાકાર કહે છે કે, એમના મૃત્યુથી હું અજાણ છું. મારી
પ્રથમ ફિલ્મમાં મેં રજનીબાળા સાથે અભિનય કર્યો હતો. તેઓ સારા કલાકારની સાથે-સાથે
સારા ડાન્સર પણ હતા. ગુજરાતી ફિલ્મોમાં તેઓએ જે કામ કર્યું છે તેના કારણે ગુજરાતી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ
સદાય તેમની ઋણી રહેશે. એમ લાગણી વ્યક્ત કરતા ‘પ્રીત પિયુ ને પાનેતર’ ના કલાકાર
રાગી જાની કહે છે કે તેઓ બહુ ખુશમિજાજ અભિનેત્રી હતા અને હાસ્ય તેમની એક્ટિંગમાં જ
નહિ તેમના નેચરમાં જ ઇનબિલ્ટ હતું. તેમની છેલ્લી ક્ષણોમાં તેમના મોટા બહેન રાજકુમારી
તેમની સાથે રહ્યા હતા. જેમણે તેમના મૃત્યુના સમાચાર આપ્યા હતા.
No comments:
Post a Comment