facebook

Tuesday 15 September 2015

chandulal shah

આ ગુજરાતી હતા બોલિવૂડના સરદાર’: પટેલના કહેણ પર આપી દીધા એક લાખ!
   


    ભારતને સ્વતંત્રતા અપાવવામાં સરદારનો ફાળો અમૂલ્ય છે એમ આઝાદી અગાઉના બોલીવુડમાં એક વ્યક્તિની ઓળખ સરદાર તરીકે થતી હતી. આખા હિન્દી સિનેજગત પર એક વખત રાજ કરનાર સરદારે અંતિમ દિવસો બહુ જ ખરાબ રીતે પસાર કર્યા હતા. તેજીમાં જેમના ઘર આગળ કારોનો કાફલો રહેતો હતો તેમણે છેલ્લા દિવસોમાં બસમાં ફરવાનો વારો આવ્યો હતો. મૂળ જામનગરના અને મુંબઇની રૂપેરી દુનિયાના વેપારી તરીકે જાણીતા ચંદુલાલ શાહનું નામ આજે પણ હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં આદરથી લેવાય છે.
    એમની કમનસીબી કે જાણીતા કલાકારો કામ માટે એમના સ્ટુડિયો આગળ આંટા મારતા હતા અને જ્યારે આ સરદારે અંતિમ શ્વાસ લીધા ત્યારે માત્ર રાજક્પૂર અને કેટલોક ઓફિસ સ્ટાફ જ અંતિમયાત્રામાં હાજર રહ્યો હતો.  ૧૯૪૫ ની આસપાસ સિનેઉદ્યોગના એકવારના સર્વેસર્વા, અને સિનેજગતના સરદાર તરીકે ઓળખાતા સોદાગર ચંદુલાલ શાહને સરદાર પટેલે કહેલું : ‘‘જુઓ ચંદુભાઈ તમે પણ સરદાર છો. ને લોકો મને પણ સરદાર કહે છે. તમારે ચૂંટણી માટે કોંગ્રેસને લાખ રૂપિયા આપવાના છે.’’ સરદાર ચંદુલાલે તરત જ એ રકમની સગવડ કરી આપી. સ્વરાજ્ય પ્રાપ્તિ પહેલાથી જ બિરલા, બજાજ જેવા ઉદ્યોગપતિઓ સરદારની ઇચ્છા મુજબ ફાળો આપતા, કારણ કે એમને સરદાર પટેલની પ્રામાણિકતા પર પૂરતો વિશ્વાસ હતો.
    સરદારના ઉપનામથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા થયેલા ચંદુલાલ શાહે ૧૯૨૯માં રણજિત ફિલ્મ કંપની સ્થાપી અને ફિલ્મોનું ધોધમાર પ્રોડક્શન ચાલુ કર્યું. રીતસરની ફેક્ટરી જ હતી. આ બેનર હેઠળ ૩૭ મૂંગી ફિલ્મો, ૧૨૦ બોલતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. આ વાત સરદારની છે. એ સરદારની કે વલ્લભભાઇ પટેલને જ્યારે દેશે સરદાર તરીકે સંબોધવાનું શરૂ થયું ત્યારે ફિલ્મજગતને પણ બીજી એક વ્યક્તિમાં સરદારપણું દેખાયેલું.  બન્ને સરદારગુજરાતના. એક કરમસદના અને બીજા જામનગરના. નામ ચંદુલાલ જેસંગભાઇ શાહ. તેઓ ન્યૂ થિયેટર્સ કલકતા, બોમ્બે ટોકિઝ, મુંબઇ, પ્રભાત ફિલ્મ કંપની, કોલ્હાપુર, પૂણેની સામે નામ ગજાવનાર રણજિત ફિલ્મ કંપનીના મશહૂર માલિક, નિર્માતા, દિગ્દર્શક હતા.

    રામગોપાલ વર્માએ ફિલ્મ નિર્માણની ફેક્ટરીકરી તેના સાત-આઠ દાયકા પહેલાં જેમણે ખરા અર્થમાં ફિલ્મનિર્માણની ફેક્ટરી શરૂ કરી હતી અને અનેક કલાકારો, દિગ્દર્શકો, સંગીતકારોને તક આપી હતી. રણજિતનામનું રહસ્ય જાણી લેવા જેવું છે. જામનગરના નરેશ રણજિતસિંહના નામે રમાતી રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટને સૌ જાણે છે. આ રણજિત ફિલ્મ કંપનીપણ એ રણજિતસિંહના નામે જ છે. ચંદુલાલ શાહના પિતા જામનગર રિયાસતના કોઠારી હતા. ચંદુલાલ શાહને સ્વાભાવિક જ રણજિતસિંહ પ્રત્યે આદર એટલે પોતે ફિલ્મ કંપની શરૂ કરી ત્યારે તેમનું માત્ર નામ જ ન આપ્યું, બલકે રિયાસતનું રાજચિન્હ રણજિતનું પ્રતીક બન્યું. ચંદુલાલ પોતે પણ રાજવીથી કમ ન હતા. શાહ સોદાગરના મિજાજથી ફિલ્મો પણ બનાવી અને અંગત જિંદગી પણ જીવ્યા તથા કહાણી બની શકે તેવા મોતને વર્યા.
    રણજિત ફિલ્મ કંપની કે જે પાછળથી રણજિત મૂવિટોન બની તેની સ્થાપના તો ૧૯૨૯માં થઇ પરંતુ તે પહેલાં એપ્રિલ ૧૮૯૮માં જન્મેલા ચંદુલાલે લક્ષ્મી ફિલ્મ કંપની, કોહિનૂર ફિલ્મ કંપની અને જગદીશ ફિલ્મ કંપનીમાં વાર્તાકાર તરીકે કારકિર્દી આરંભી દિગ્દર્શક તરીકે પ્રગતિ કરીને પંચદંડ’(૧૯૨૫, લક્ષ્મી પિક્ચર્સ), ‘ટાઇપિસ્ટ ગર્લ’ (૧૯૨૬) ‘એજ્યુકેટેડ વાઇફ’, ‘ગુણસુંદરી’, ‘સતી માદ્રી’, ‘સિંઘની સુમરી’ (૧૯૨૭) જેવી કોહિનૂરની અને ત્યાર બાદ જગદીશ ફિલ્મ કંપનીનીગૃહલક્ષ્મીઅને વિશ્વ મોહિનીનું દિગ્દર્શન કરતાં કરતાં સુધીમાં આ વેપારી પોતાની કંપની શરૂ કરવા તત્પર થઇ ચૂક્યો હતો. ટાઇપિસ્ટ ગર્લવેળા ગૌહરબાનુ જોડે કેળવાયેલો પરિચય બે-અઢી વર્ષમાં એવો ગાઢ બની ચૂક્યો હતો કે ૧૯૨૯માં રણજિત ફિલ્મ કંપની સ્થાપી ત્યારે ગૌહરબાનુની ભાગીદારી રાખેલી. આ ભાગીદારી પૂરાં પાંત્રીસ વર્ષ ચાલી. ગૌહરબાનુએ ત્યાર બાદ રણજિત સિવાય ક્યાંય અભિનય પણ ન કર્યો. તેઓ એકબીજાને જે રીતે સમર્પિત રહ્યાં તે ફિલ્મજગતમાં ચર્ચાસ્પદ બનતા સંબંધોમાં સૌથી વધુ ગૌરવપૂર્ણ અને નમૂનેદાર સંબંધ હતો. મુંબઇ આવતાં પહેલાં જ પરણી ચૂકેલા ચંદુલાલને પ્રથમ પત્નીથી નવીન નામનો દીકરો પણ હતો.

    રણજિતે ૧૯૨૯થી ૧૯૩૨ સુધીમાં ૩૭ જેટલી મૂંગી ફિલ્મો અને ત્યારબાદ ૧૨૦ બોલતી ફિલ્મો અને બે ગુજરાતી ફિલ્મોને ઉમેરો તો ૧૨૨ ફિલ્મો બનાવી. માત્ર ૩૨ વર્ષના ગાળામાં આટલી બોલતી ફિલ્મો બનાવનારા નિર્માતા શોધ્યે મળવા મુશ્કેલ છે. 1947 સુધી દર વર્ષે તેમની છ-સાત ફિલ્મો રજૂ થતી. આ ફિલ્મોમાં ગૌહર, ઇ. બીલીમોરિયા, મહેતાબ, માઘુરી, ઇશ્વરલાલ, ઘોરી, રાજા સેન્ડો, દીક્ષિત, ચાર્લીથી માંડી પૃથ્વીરાજ કપૂર, ખુર્શીદ, નૂરજહાં, અરુણ(ગોવિંદાના પિતા), મીનાકુમારી, કરણ દીવાન, નિરુપા રોય ઉપરાંત રણજિતની ૧૧ ફિલ્મોમાં ચમકનાર મોતીલાલ પણ છે. મઘુબાલાએ 'બેબી મુમતાઝ' તરીકે રણજિતની ચાર ફિલ્મોમાં કામ કરેલું, તો રાજ કપૂરની કારકિર્દીનો આરંભ પણ અહીંથી થયેલો. રાજની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ 'નીલકમલ'ના નિર્માણમાં પણ તેમની મદદ હતી. દિલીપકુમારે રણજિતની 'જોગન' અને 'ફૂટપાથ'માં તો દેવઆનંદે 'મઘુબાલા' અને 'નીલી'માં કામ કરેલું. આ યાદીમાં મીનાકુમારી, બેગમપારા, ઉષા કિરણ, ગીતાબાલી અને નરગીસ પણ છે. કુંદનલાલ સાયગલ જેવા ત્રીજા-ચોથા દાયકાના સુપર સ્ટાર ગાયક-અભિનેતાને ત્રણ ફિલ્મમાં અભિનય, ગાયન કરવા માટે રૂ.૧,૩૫,૦૦૦ જેવી તે સમયની જબરદસ્ત મોટી રકમ ચૂકવનારા ચંદુલાલ શાહ હતા. ન્યૂ થિયેટર્સમાં મહિને ૧૪૫૦ + ૨૦૦૦ = ૩૪૫૦ મેળવનાર સાયગલને આટલી મોટી રકમ બીજી કોઇ કંપની આપે તેવી હિંમત કોઇનામાં ન હતી. ફિલ્મજગતમાં સ્ટારને સૌથી મોટી રકમ આપવાની શરૂઆત ચંદુલાલ શાહથી જ થઇ છે.
    રણજિતમાં એક તરફ મારઘાડવાળી ફિલ્મો બનતી બીજી તરફ સામાજિક ફિલ્મો. એ સમયે ધાર્મિક ફિલ્મોનું ખૂબ ચલણ હતું. તેથી 'સતી સાવિત્રી', 'કૃષ્ણ સુદામાં', 'સંત તુલસીદાસ', ભક્ત સુરદાસ અને 'શંકર પાર્વતી' જેવી ફિલ્મો પણ બની. 'ચાર ચક્રમ' જેવી પ્રથમ કોમેડી ફિલ્મ પણ ઠેઠ ૧૯૩૨માં બનાવી હતી. 'જોગન', 'ફૂટપાથ' અને 'હમલોગ' જેવી ઉંચા ધોરણની ફિલ્મો પણ ચંદુલાલ શાહે બનાવી. તેમણે લગભગ ૨૧ જેટલા દિગ્દર્શકો પાસે ફિલ્મો બનાવડાવી. તેમની કંપનીમાં એક સમયે ૭૦૦ – ૮૦૦ કલાકાર, ટેક્નિશિયનો કામ કરતા હતા. આ બધા માટે તેમણે રેશનિંગની દુકાન પણ ખોલી હતી. જેથી તેમને ત્યાં કામ કરનાર કદી ભૂખ્યો ન રહે. મુંબઇના દાદર પૂર્વમાં આવેલી તેમની કંપનીમાં શૂટિંગ માટે ચાર સ્ટુડિયો હતા. એ સ્ટુડિયોમાં જ એક મોટા ચોકમાં ચંદુલાલ શાહ અને ગૌહરબાનુનું કાર્યાલય રહેતું. સવારે જ્યારે તે બંને કારમાં પ્રવેશે ત્યારે તેમના ઇંતેજારમાં અનેકો ઉભા રહેલા હોય તેવું રોજિંદું દ્રશ્ય હતું. આવીને સોફા પર બેસે એટલે કામ શરૂ થાય. કામ માગવા આવેલા દિગ્દર્શક, કલાકાર, સંગીતકારને તેઓ થોડી જ વારમાં પારખી લે અને કામ આપે.

    લાખો-કરોડોનું ટર્નઓવર કરનાર અને અનેકો માટે 'શેઠ' એવા ચંદુલાલ શાહ ભારે દિલદાર અને સાહસી હોવા ઉપરાંત શેર-સટ્ટાબાજ હતા. આઝાદી પછી તેમણે સટ્ટામાં જ એકાદ કરોડ ગુમાવેલા પણ તેમણે કોઇને રોવડાવેલ નહીં. પોતાની સંપત્તિ, સ્ટુડિયો વેચીને, ગીરવી મુકીને લેણિયાતોની ૯૬ લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી. એક વાર ઉઠી ગયા પછી તેઓ ફરી ઊભા થઇ શક્યા નહીં. ચંદુલાલ શાહે આપેલા નામ-દામથી અનેકનાં બંગલા-કાર થયાં પણ આખરી દિવસોમાં તેઓ સ્વયં બસમાં સફર કરતા હતા. એક વખત 'અછૂત' જેવી ફિલ્મ બનાવનાર સરદાર ચંદુલાલ શાહ સૌને માટે અછૂત બની ચૂક્યા હતા. છેલ્લે તેમણે રાજ કપૂર-નરગીસ અભિનીત 'પાપી'નું દિગ્દર્શન કર્યું હતું અને તેઓ જ્યારે ૧૯૭૫ની ૨૫મી નવેમ્બરે મૃત્યુ પામ્યા ત્યારે તેમની સ્મશાનયાત્રામાં સ્ટુડિયોના કેટલાક કર્મચારીઓ ઉપરાંત માત્ર રાજ કપૂર હતા. કેદાર શર્મા જેવા ચંદુલાલ શાહના ખાસ દિગ્દર્શકના કહ્યા અનુસાર એક વાર ચંદુલાલ શાહે પૂછેલું કે મારા વિશે તારો શું મત છે? કેદાર શર્મા એ જણાવેલું કે આપ કા ચહેરા લોહે કા, બાલ ચાંદી કે ઓર દિલ સોને કા હૈ!




n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment