facebook

Tuesday 15 September 2015

sanjay prajapati

રમેશ કરોલકરની ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ ના નવી જ શૈલીના ગીતોથી મળ્યો મને નવો અધ્યાય - સંજય પ્રજાપતિ


    જગતમાં બે પ્રકારના કામ હોય છે. LOVE TO DO અને HAVE TO DO. LOVE TO DO એટલે કે ગમતું કામ, પણ એમાં પૂરતા પૈસા નથી મળતા એટલે ના છૂટકે લોકોએ HAVE TO DO એટલે કે મને કમને કરવું પડતું કામ, અને તે એટલા માટે કરવું પડે છે કે પૈસા એમાંથી જ મળે છે. પણ બહુ ઓછા લોકો એવા નસીબદાર હોય છે જે પોતાના શોખને જ વ્યવસાય બનાવી શકે છે. પત્નીને જોઇને જ શાયરીઓ લખવાની શરૂઆત કરી ત્યારે સંજય પ્રજાપતિને કલ્પના પણ નહિ હોય કે ક્યારેક ફિલ્મની હિરોઈનો માટે પણ એ લીરીક્સ લખશે. માતાપિતાના આશીર્વાદથી અને પત્નીની જ પ્રેરણાથી સંજયે પ્રોફેશનલી લખવાની શરૂઆત કરી. નાના ભાઈ તથા મિત્રોએ સાથ – સહકાર અને સૂચનો આપ્યા અને તેમાં પણ પુત્રના જન્મ્યા પછી તરત જ પહેલો બ્રેક ૨૦૧૩ માં એમની બોલીવૂડની ‘ધ ક્લોઝ ડોર’ થી મળ્યો અને એમની કિસ્મતના બંધ દરવાજા અચાનક ખુલી ગયા. ત્યારપછી બીજી પણ એક બોલીવૂડ ફિલ્મ મળી. એવામાં અચાનક એક ફોન આવે છે, એક ગુજરાતી ફિલ્મ માટે ગીત લખશો? ગુજરાતી ફિલ્મની વાત આવે એટલે એમને થયું, પરંપરાગત જે પ્રકારના ચાલે છે એવું કોઈ ગીત લખવાનું હશે. પણ જયારે રૂબરૂ મળવા ગયા ત્યારે ફિલ્મની વનલાઈન સાંભળી એમને લાગ્યું આ કોઈ અલગ અને ચેલેન્જીંગ વર્ક છે. અંને આ ફિલ્મ હતી મુકેશ ઓઝા નિર્મિત ‘રમલી રીક્ષાવાળી’ જે છે સંજયની ત્રીજી ફિલ્મ.


પ્ર – ‘રમલી રીક્ષાવાળી’ ના ગીતો લખવાનો કેવો રહ્યો તમારો અનુભવ?
ઉ – પહેલી બે – ત્રણ બેઠકોમાં ગીતોની તો કોઈ વાત જ ના થઇ. ફિલ્મના લેખક – દિગ્દર્શક શ્રી રમેશ કરોલકરે કહ્યું, ગીતો પછી લખજો, પહેલા તમે સ્ક્રીપ્ટને બરાબર સમજો, તમારી નસનસમાં ઉતારી દો પછી જ, જે સ્ફુરે તે લખો. હું સિચ્યુએશન પણ નહિ આપું. તમે જ સિચ્યુએશન પસંદ કરો અને એના પર લખો. ચારથી છ મહિના સ્ક્રીપ્ટ પર કામ ચાલ્યું. બેઠકો ઉપર બેઠકો થતી ગઈ. સુધારા વધારા થતા ગયા. એક એક સીન પર ચાર છ જણની ટીમ લંબાણ પૂર્વક ચર્ચાઓ કરતી. હવે હું પણ આ ટીમનો ભાગ બની ગયો હતો. શરૂમાં બોલાવ્યો હતો મને એક જ આઈટમ સોંગ લખવા પણ ફિલ્મના પાંચે પાંચ ગીતો મે જ લખી નાખ્યા અને રમેશભાઈ તથા સમગ્ર ટીમને બહુ પસંદ પડ્યા.

પ્ર – કેવા પ્રકારના છે આ ગીતો એના વિષે કંઇ કહેશો?
ઉ - ‘રમલી રીક્ષાવાળી’ ના પાંચે પાંચ ગીતો અલગ અલગ ફ્લેવરના છે. એવરેઝ ગુજરાતી ફિલ્મોમાં જે પ્રકારના ગીતો હોય છે તેનાથી તદ્દન અલગ પ્રકારના છે. હાલની યંગ જનરેશનને ગમે એના પર એમનું ધ્યાન વધુ હતું. ને આજકાલ લોકોની રુચી રોક મ્યુઝીક અને રોક સોંગ પર વધારે છે. આ ફિલ્મમાં ગુજરાતી દર્શકોને એ પ્રકારનું એક રોક સોંગ માણવા મળશે. એની સાથે ગણગણવું ગમે એવું ફેમીલી સોંગ છે, રોમેન્ટિક સોંગ છે. અને એથીય વિશેષ સામાન્ય રીતે હિન્દીમાં હોય છે પણ ગુજરાતી ફિલ્મોમાં બહુ ઓછા લોકોએ પ્રયોગ કર્યો છે એવું એક ઇન્સ્પીરેશનલ સોંગ પણ છે. ગીતોના શબ્દો પણ ભારેખમ સાહિત્યિક નહિ પણ બોલચાલની ટીપીકલ ભાષાના જેથી પ્રેક્ષકો પોતાની જાતને ગીતો સાથે સહજતાથી જોડી શકે.
પ્ર – સાંભળ્યું છે કે આ ફિલ્મના ડિરેક્ટર શ્રી રમેશ કરોલકર અલગ રીતે જ કામ કરવા ટેવાયેલા છે તો કેવો રહ્યો એમની સાથે કામ કરવાનો તમારો અનુભવ?
ઉ – ખૂબ જ ઓછું બોલે. કામનું જ બોલે. દરેક વાતને બારીકાઇથી જુએ. ગીતની લાઈનમાં રચનાની દ્રષ્ટિએ લઘુ ગુરુ માત્રાની ગણત્રી પણ કરે, વધુને વધુ ઓપ્શન્સ માંગે. આપણી પૂરેપૂરી વાત સાંભળે. યોગ્ય સૂચનો આપે, સારા કામને એપ્રીસીએટ કરે, પણ કોમ્પ્રોમાઈઝ ક્યાંય ના કરે. એમની સાથે કામ કરવામાં ખૂબ મજા આવી. નવું નવું શીખવાનું પણ ઘણું મળ્યું. સૌથી મહત્વની વાત, આ આખી પ્રોસેસ દરમ્યાન એક વાત મને બરાબર સમજાઈ ગઈ. ‘અંદર પૂરેપૂરા ખૂપી ગયા વિના ક્યારેય કોઈ શ્રેષ્ઠ સર્જનો થઇ શકતા નથી’.
પ્ર – તમને શું લાગે છે, તમે કહો છો એવા મોર્ડન ગીતો ગુજરાતી દર્શકો સ્વીકારશે ખરા?
ઉ – ગુજરાતી દર્શકો બે ભાગમાં વહેચાઈ ગયા છે. એક છે આજના જમાનાના યંગ છોકરા – છોકરીઓ. જેમને હિન્દી ફિલ્મોમાં જેવા સોંગ બને છે તેવા જ સાંભળવા ગમે છે. બીજો વર્ગ ટીપીકલ ગુજરાતી પ્રેક્ષક જે વર્ષોથી એક જ ઘરેડના ગીતો સાંભળતો આવ્યો છે અને તેને એન્જોય પણ કરે છે. મને એટલું સમજાય છે કે એક સર્જક તરીકે મારી ફરજ બને છે કે પ્રેક્ષકોની રુચીને જ્યાં છે ત્યાંથી એક લેવલ ઉપર લઇ જવી. ગીતોનું મોર્ડન હોવું એનો અર્થ એવો પણ નથી કે એમના માથા ઉપર થઈને જાય ને કઈ જ સમજાય નહિ. ‘રમલી રીક્ષાવાળી’ ફિલ્મના ગીતો ચોક્કસપણે લોકોને ગણગણવા ગમશે. બહેનોને તો ખાસ. કારણ કે આ વાત જ આખી સ્ત્રીઓના સશક્તિકરણની છે.
પ્ર – ગીતોની રચનાની સાથે સાથે ગાયકીનું પણ એટલું જ મહત્વ છે. તો એ બાબતે શું કહેશો આપ.
ઉ – ગુજરાતના ઘણા ગાયક કલાકારોએ પ્રેક્ષકની નાડ પારખી લીધી છે અને વર્ષો સુધી પકડી પણ રાખ્યા છે. કેટલાકને તો પ્રેક્ષકોએ પડદા પર પણ સ્વીકાર્યા છે. બોલીવૂડની ‘રામલીલા’ ફેઈમ અને આપણા જ બરોડાની સૂરસામ્રાજ્ઞી ભૂમી ત્રિવેદી તથા ઐશ્વર્યા મઝુમદાર જેવી નેશનલ લેવલની ગાયિકાઓ ‘રમલી રીક્ષાવાળી’ ના મારા ગીતો ગાઈ રહી છે એ વાતની મને ખૂબ ખુશી છે. આ માટે ફિલ્મના નિર્માતા તથા દિગ્દર્શકનો હું ખૂબ જ આભારી છું.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment