facebook

Saturday 26 September 2015

p. kharsani

એક્ટર ન હોત તો હું શું બનત? : પી. ખરસાણી


    ઉંચાઈ સામાન્ય કરતા ઓછી, સપ્રમાણ શારીરી અને આંખોમાં આજે પણ શ્રેષ્ઠ અભિનય કરવાની ખેવના, વળી સરસ વ્યક્તિત્વ અને હસમુખો સ્વભાવ. પહેલી નજરે જે કોઈને પણ પોતીકા બનાવી લે એવા ગુજરાતી પીઢ કલાકાર પ્રાણલાલ ખરસાણી ગુજરાતી ફિલ્મ જગતમાં આગવું સ્થાન ધરાવે છે. જુદા જુદા પાત્રોને યાદગાર રીતે ભજવનાર પ્રાણલાલ ખરસાણીએ પી. ખરસાણી તરીકે દર્શકો અને કલારસિકોના હૃદય પર વર્ષો સુધી રાજ કર્યું. ૨૦ વર્ષની ઉંમરે વ્યવસાયિક રીતે ગુજરાતી નાટકોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પ્રાણલાલ ખરસાણીએ ત્યાર પછી ક્યારેય પાછું વળીને જોયું જ નથી. ૮૫ થી ઉપરની ઉંમરે પહોચેલા પી. ખરસાણી આજકાલ મોટાભાગનો સમય સમાચાર વાંચવામાં જ વિતાવે છે. આખું જીવન ફિલ્મો અને નાટકને સમર્પિત હોવા છતાં આજના ટીવી પ્રોગ્રામો અને ફિલ્મો જોતા નથી કેમકે તેમને તે વાસ્તવિકતાથી દૂર ચાલ્યા ગયા હોય તેમ લાગે છે. સાથે સાથે હમણાં તેઓની જીંદગી વિશેનું પુસ્તક ‘પી. ખરસાણીનો વેશ’ પણ પ્રકાશિત કરવામાં આવ્યું. જેના લીધે મને તેમના વિષે લખવાનું મન થયું. ત્યારે ગુજરાતી ફિલ્મોના પીઢ કલાકારના જીવનની કેટલીક રસપ્રદ વાતો અહીં પ્રથમ પુરુષ એક્વચનમાં તેમના મુખે જ માણીએ.

    ૧૯ જુન ૧૯૨૬ ના દિવસે અમદાવાદમાં જન્મ, પિતાનું નામ દેવજીભાઈ ખરસાણી, માતાનું નામ વ્હાલથી વાલીબા કહીને બોલાવતા. એક નાનો ભાઈ અને બે નાની બહેન. ૮ વર્ષની ઉંમરે મે મારા પિતાને ગુમાવી દીધા. મારી વાલીબાએ જ અમને મોટા કર્યા. પિતાની માંદગીને કારણે નાણા ખર્ચ ખૂબ થયેલો. એટલે તેમના અવસાન બાદ મારી માતાએ અમને ઉછેરવામાં ઘણી જ તકલીફો વેઠેલી. બાનો સ્વભાવ થોડો કડક પણ મને ક્યારેય કોઈ વાત માટે ના નહોતી પાડી. કદાચ એટલે જ કલાજગતમાં હું સફળતા મેળવી શક્યો. નાનપણથી મને ચિત્રો દોરવાનો શોખ એટલે અભ્યાસની સાથે સાથે ચિત્રો દોરવાની પ્રેક્ટિસ કર્યા કરતો. વાલીબાને મદદ કરવા હું અભ્યાસની સાથે સાથે ટ્યુશનો પણ કરતો. મારો અભ્યાસ બહુ લાંબો ચાલ્યો નહિ. હું પાંચમા ધોરણમાં હતો ત્યારે આઝાદીની ચળવળમાં ભાગ લેવાની ઈચ્છા થઇ અને અભ્યાસ છોડી દીધો. એ સમયે ક્યારેય એવું વિચાર્યું નહોતું કે અભિનયક્ષેત્રે હું કારકિર્દી બનાવીશ. મારો એક મિત્ર રામલીલા મંડળીમાં કામ કરતો ત્યારે તેની વાતો સાંભળીને મનમાં નાટક કરવાની ઈચ્છા થઇ હતી. ૧૫ વર્ષની ઉંમરે મે અમારી પોળમાં એક ઉત્સવ સમયે કોમેડી નાટક જાતે જ લખ્યું અને તેમાં અભિનય કર્યો હતો બસ ત્યારથી જ અભિનય મારા જીવનનો એક હિસ્સો બની રહ્યો.

    અભ્યાસ છોડી દીધો હતો એટલે આર્થિક રીતે પગભર થવા માટે ૧૯૪૨ ની લડત બાદ લાટી બજારમાં ૧૦ રૂપિયાના પગારે નોકરી કરી. ત્રણ મહિના પછી એક ઝવેરીને ત્યાં ઝવેરી બજારમાં ૨૫ રૂપિયાના પગારે નોકરી કરી પણ મનને ટાઢક વળતી નહિ એટલે ખાલી સમયમાં ચિત્રો દોર્યા કરતો. આ ગાળામાં અમારી પોળમાં જ રહેતા એક વડીલે મને એક નાટ્યમંડળીના બોર્ડ ચિતરવાનું કામ અપાવ્યું. જીવનમાં ક્યારેય મોટી સાઈઝના ચિત્રો દોરવાનો અનુભવ ન હોવા છતાં મારૂ કામ નાટ્ય કંપનીવાળાને ગમ્યું. બસ ત્યારથી નોકરીને તિલાંજલિ આપીને પેઈન્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. રંગો અને પીંછી વડે કલાકોના કલાકો કામ કરવાનું મને ખૂબ ગમતું. તે સમયના જાણીતા ચિત્રકાર રહીમ સાથે ઘણું કામ કર્યું. ચિત્ર પ્રદર્શની પણ કરી. એ દિવસો યાદ કરૂ ત્યારે આજે પણ રંગોની દુનિયામાં ખોવાઈ જાઉં છું. મને યાદ છે કે ‘ભગવાનને છપ્પન ભોગ જયારે ગરીબના અનાજ માટે વલખા’ આ વિષય પર આઝાદીની લડત દરમિયાન એક વ્યંગચિત્ર મે બનાવેલું. જેને કારણે મારે ત્રણ મહિના ભુગર્ભવાસમાં જવું પડ્યું હતું. પાંચ વર્ષ મે રંગોની દુનિયામાં વિહાર કર્યો. અચાનક જ ચિત્રો સાથેની મારી યાત્રા સમાપ્ત થઇ ગઈ હોય તેમ મારી માંદગીના કારણે ખોટ જવા લાગી. એ કામને છોડવું પડ્યું. એ દિવસોમાં હું અંધારામાં ખોવાઈ ગયો હોઉં એવું લાગ્યું. પણ ત્યારે મને ખ્યાલ નહોતો કે મારા જીવનમાં અભિનયના અજવાળા પથરાશે.

    ૧૯૪૬ માં પ્રથમવાર નાટકમાં કામ કર્યું. ‘રક્ષાબંધન’ તે સમયનું ખૂબ જાણીતું હિન્દી નાટક, જેમાં મને પાત્ર ભજવવાની તક મળી. પ્રથમ નાટકમાં જશવંત ઠાકર જેવા વ્યક્તિની ઓળખાણ થઇ અને તેમની ભારત નાટ્યપીઠ સંસ્થાની નાટ્યક્ષેત્રે મારી કારકિર્દીની શરૂઆત થઇ. તે સમયે નાટકમાં કામ સીધે સીધું મળતું નહિ. નાટ્યમંડળીના બોર્ડ ચિતરવાનું, મેકઅપ કરવાના કે સેટના નાના મોટા કામો કરવા પડતા. મારી શરૂઆત પણ એમ જ થઇ. પહેલા બોર્ડ પેઇન્ટીંગ પછી મેકઅપ અને ત્યારબાદ મને અભિનય કરવાની તક મળી. મળેલા જીવ, જુગલ જુગારી, પૂર્ણિમા, મેના ગુર્જરી, વિરાહ વહુ, ઢીંગલીઘર, પત્તાની જોડ અને જીવન એક નાટક જેવા પ્રસિધ્ધ નાટકોમાં અભિનય કર્યો. જયશંકર સુંદરી, કે. કા. શાસ્ત્રી, ભારતી સારાભાઇ, રસિકલાલ પરીખ અને દીનાબેન પાઠક જેવા નાટકના જાણીતા મહાનુભાવો સાથે કામ કરવાની તક મળી જેથી મને અભિનય અંગેનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત થયું. એ દિવસોમાં મારી સાથે બનેલ એક રસપ્રદ ઘટના મને આજે પણ બરાબર યાદ છે. તે સમયે નાટ્ય વિદ્યા મંદિરના મેના ગુર્જરી નાટકમાં જયશંકર સુંદરી સાથે કામ કરવાનો મોકો મળ્યો. નાટકમાં મેકઅપ, ડ્રેસ ડિઝાઈનીંગ, પબ્લિસીટી, સેટ ડિઝાઈનીંગ અને એક્ટિંગની જવાબદારી મારા માથે હતી. એક સાથે ઘણું કામ હોવાથી હું સૌથી વહેલો હોલ પર પહોંચતો અને સૌથી મોડો ઘેર જતો. કામના થાકના કારણે ચાલુ નાટકમાં એકવાર હું બેભાન થઇ ગયો. આ વાતથી જયશંકર સુંદરી મારી પર ખૂબ જ ગુસ્સે થયેલા. પાછળથી તેમને મારા પર નાખવામાં આવેલી વધારે પડતી જવાબદારી અંગે જાણ થઇ. ત્યારે તેમણે સ્વખર્ચે કલાકારો માટે દૂધ મંગાવવાનું શરૂ કરેલું અને નિયમ કરેલો કે આવનાર દરેક કલાકાર સૌપ્રથમ દૂધ પીને પછી જ કામ શરૂ કરવું. એક મહાન કલાકારના મહાન વ્યક્તિત્વનો અનુભવ મને તે દિવસે થયેલો.
    અભિનય ઉપરાંત હું શાળા કોલેજોમાં અભિનય શીખવાડવા અને નાટક ડિરેક્ટ કરવા જતો હતો. ૬૦ જેટલા કોમર્શિયલ નાટકોનું દિગ્દર્શન મે કરેલું. ૧૯૫૮ માં દામીનીબહેન સાથે ‘મામાજીનો મોરચો’ નાટક ડિરેક્ટ કરેલું. એક મહિનામાં ૧૮ શો કરવા છતાં પણ નુકસાન જતા હું ઘણો જ નિરાશ થઇ ગયો હતો. તે સમયે પરિવારની જવાબદારી પણ ઘણી હતી. આ દિવસોમાં મને પ્રથમ ફિલ્મની ઓફર મળી. મુંબઈમાં કરેલા નાટકોના કારણે મારૂ નામ ત્યાં ખાસ્સું જાણીતું બન્યું હતું જેના કારણે ‘ઘરદીવડી’ ફિલ્મમાં મને કાંતિ મડિયાના ભાઈનું પાત્ર મળ્યું. બસ ત્યારથી ગુજરાતી ફિલ્મોમાં હાસ્યકલાકાર તરીકે મારી નવી ઓળખ બની.

    મારી પ્રથમ ફિલ્મમાં મન્નાડેએ ગાયેલું ‘જુનાગઢનો જોગી હું, ગીરનાર શિખર પર મે મારી ઝુપડી ઠોકી.....’ ગીત મારા પર ફિલ્માવવાનું હતું. દાઢી મુછ સાથેના મેકઅપમાં સવારના ૬ વાગ્યાથી હું તૈયાર થઇ ગયેલો. આખો દિવસ મેકઅપ સાથે જ ફર્યા કરવું પડ્યું. ખરા તાપમાં મેકઅપને કારણે ખૂબ જ અકળામણ અનુભવાતી. જમવાનું પણ સ્ટ્રો વડે ખાધું નહિ પણ પીધું. સતત ત્રણ દિવસના શુટિંગ બાદ ગીત ફિલ્માંકન પૂરું થયું. આ ગીતમાં મારૂ કામ સૌને ગમ્યું તેનો મને સંતોષ હતો. મારી પ્રથમ ફિલ્મ સાથેનો આ પ્રસંગ મને આજે પણ રોમાંચિત કરી દે છે. ફિલ્મો અને નાટક બંનેમાં મને નાટક કરવા વધુ ગમતા. નાટકમાં દર્શકોનો પ્રતિભાવ તરત જ જાણવા મળી જાય છે. મને યાદ છે ‘પત્તાની જોડ’ નાટકમાં મારા પાત્રનું અડધા નાટકે મૃત્યુ થઇ જતું. આ દ્રશ્ય વખતે ઘણા દર્શકો રડતા, તે જોઇને મારા અભિનય માટે મને ગૌરવ થતો. આવી અનુભૂતિ ફિલ્મોમાં કામ કરવાથી મળતી પછી તો કેટલાય દર્શકોની વિનંતીને માન આપીને એ નાટકના મૃત્યુના દ્રશ્યને બદલી દેવામાં આવ્યું.

    ૧૯૫૨ ની ૧૪ મી ફેબ્રુઆરીએ મારા લગ્ન હંસા સાથે થયેલા. આમ તો લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, પરંતુ મારી વાલીબાની જીદને કારણે લગ્ન કર્યા. લગ્નના દિવસોમાં જ મને મંડપ બાંધવાનું મોટું કામ મળ્યું. એક ઉગતા કલાકાર માટે ગૌરવની વાત હતી એટલે લગ્નવિધિ પતાવીને સીધો જ મંડળના કામમાં જોડાયો હતો. મારી પત્નીનું મોઢું પણ મે લગ્નના ત્રણ દિવસ બાદ જોયેલું. મારી પત્નીએ મને મારી કારકિર્દીમાં આગળ વધવા માટે ઘણો સહકાર આપ્યો. મારી નાટકની પ્રેક્ટિસના સમયે તે ઘણીવાર મારી સાથે આવતી અને મને મદદ કરતી. મારા દરેક સારા નરસા દિવસોમાં તેણે મને ખૂબ જ સાથ આપ્યો જેથી મને જીવનની મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મળી. ચાર પુત્ર અને બે પુત્રીઓ સાથેનું અમારૂ જીવન મીઠા સંભારણા સમાન બની રહ્યું છે.


    ‘મળેલા જીવ’ અને ‘જીવન એક નાટક’ માટે મુંબઈ રાજ્ય તરફથી ‘બેસ્ટ એક્ટર’ અને ‘પત્તાની જોડ’ નાટક માટે ‘બેસ્ટ એક્ટર, ડિરેક્ટર’ ના એવોર્ડ પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત ગુજરાત સંગીત નાટક એકેડેમી તરફથી ‘ગૌરવ પુરસ્કાર’, ‘પંડિત ઓમકારનાથ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’, ગુજરાત ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન તરફથી ‘લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યા છે. આશરે ૧૦૦ થી પણ વધુ ગુજરાતી ફિલ્મો, હાજી નાની ગામને ચોરે હેવી ટીવી સીરીયલ અને રેડીઓ પ્રોગ્રામ પણ કર્યા. તેમ છતાં આજે માનો જો પૂછવામાં આવે કે જો હું એક એક્ટર ન હોત તો હું શું બનત? તો તરત જ ‘રસોઈયો બાનું’ એમ જણાવી દઉં. મને રસોઈ બનાવવાનો ઘણો જ શોખ છે. શીરો, દાળ, મકાઈનું શાક હું ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી જાણું છું. જીવનમાં આટલી સફળતા મળ્યા બાદ પણ ચિત્રો દોરવાનું છોડી દીધું તેનો અફસોસ મને રહી ગયો છે. આજે જયારે પણ કોઈ ચિત્ર પ્રદર્શનની મુલાકાત લઉં ત્યારે મને ફરીથી પીંછી હાથમાં પકડવાની ઈચ્છા થઇ આવે છે. ફરીથી રંગોની દુનિયામાં સફર ખેડવા મન લલચાઈ જાય છે. 

    -- ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment