facebook

Thursday 10 September 2015

vasant narkar

‘ધ લેડી દબંગ’ માથા ફરેલ વ્યક્તિની વાત છે. વસંત નારકર


    મહારાષ્ટ્ર મૂળ વતન એટલે મરાઠી માનુષ પણ જન્મ અમદાવાદમાં એટલે પાક્કા અમદાવાદી વસંત નારકર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. ૧૯૮૩ ની સાલમાં ઇકોનોમિકસ વિષય સાથે બી.કોમ. ગ્રેજ્યુએટ થયેલા વસંત નારકરનું ભણતર ઊંચું છે. છતાં પણ તેઓ ફક્ત ને ફક્ત ગુજરાતની પ્રજાને મનોરંજન પૂરું પાડવા અને પોતાનું સેવેલું સપનું સાકાર કરવા આ ક્ષેત્રમાં આવ્યા. ભણતર દરમિયાન નાટકોમાં ભાગ લેવાથી તેમને ઘણા ઇનામો અને પ્રોત્સાહનો મળ્યા. જેથી તેઓએ હજી આગળ વધવાનું વિચાર્યું. બસ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા નાટકોના ૪૦૦૦ થી પણ વધુ શો વસંત નારકર દિગ્દર્શિત કરી ચુક્યા છે. ૧૯૯૭ થી ૨૦૦૫ સુધી તેઓ મલ્લિકા સારાભાઇની દર્પણ કોમ્યુનિકેશનમાં સંકળાયેલા રહ્યા. દૂરદર્શન પર સામાજિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું જવાબદારીપૂર્ણ સંચાલન કર્યું. ૨૦૦૬ માં ‘વિનાયક કોમ્યુનિકેશન’ નામે અમદાવાદના ગુરુકુળ ખાતે પોતાના સ્ટુડીઓની સ્થાપના કરી. ઘણા આલ્બમો અને ટેલી ફિલ્મો બનાવી. ગુજરાતી ફિલ્મોમાં તેમણે ૨૦૧૦ ની સાલમાં ફિલ્મ ‘શિવ વિવાહ’ થી દિગ્દર્શનની શરૂઆત કરી જે યાત્રા અવિરત ચાલુ જ છે. હાલ તેઓ શૈલેશ શાહ નિર્મિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’ નું દિગ્દર્શન કરી રહ્યા છે.

પ્ર – ફિલ્મ વિષે કહેશો.
ઉ – ગુજરાતમાં લગભગ હિરોઈન ઓરીએન્ટેડ ફિલ્મો નથી બનતી અને બની હશે તો પણ સોશિયલ અને એવી કંઇક બની હશે પરંતુ એક્શન ફિલ્મો હિરોઈનને લઈને તો જવલ્લે જ બનતી હોય છે. એટલે અમારો એક થ્રોટ હતો કે હિરોઈનપ્રધાન એકાદ ફિલ્મ બનાવીએ. જેમાં એક્શન હોય અને હિરોઈન પોતે હીરોની જેમ એક્શન કરતી હોય. એટલે અમે ખૂબ વિચાર કાર્ય પછી એ નિર્ણય પર આવ્યા કે દબંગ હોય પણ તે કોઈ લેડી હોય તો એવું કંઇક કરીએ. ટાઈટલ પણ મનમાં ત્યારે જ મળી ગયેલું કે ‘ધ લેડી દબંગ’ રાખીએ. જેના પરથી અમે સ્ક્રીપ્ટ તૈયાર કરી અને જેને અમે પરિણામ સુધી લઇ જવા મહેનત કરી રહ્યા છીએ. દબંગ શબ્દ જે વ્યક્તિ અન્યાય સાથે લડતો હોય અને માથા ફરેલ હોય તેના માટે વપરાતો બિહારી શબ્દ છે અને મારી ફિલ્મની હિરોઈન પણ આ ફિલ્મમાં માથા ફરેલ ઇન્સ્પેક્ટર જ બતાવવામાં આવી છે.
પ્ર – તમે પહેલા નાટકોમાં અભિનય પણ કરી ચુક્યા છો તો ફિલ્મોમાં?
ઉ – હા, હું પહેલા નાટકોમાં અભિનય પણ કરી ચુક્યો છું પણ હવે રાઈટર અને દિગ્દર્શક રહેવા માગું છું. કારણ કે હવે એટલો સમય પણ નથી મળતો કે અભિનયને સમય આપી શકું. અને હવે થોડું મારા માટે અભિનય કરવો શક્ય પણ મને નથી લાગતો. જેટલી મને લખવામાં અને દિગ્દર્શનમાં મજા આવે છે એટલી હવે અભિનય કરવામાં મજા નથી આવતી.
પ્ર – શૈલેશ શાહ સાથેનો આપનો અભિપ્રાય જણાવશો.
ઉ – શૈલેશ શાહ એક ઉમદા પ્રોડ્યુસર છે જે દિગ્દર્શકને દરેક પ્રકારની છૂટ આપે છે અને વચ્ચે કોઈ દખલગીરી નથી કરતા. ડિરેક્ટરને ફિલ્મ દરમિયાન એમની અરજીથી જેટલા પણ નાણા ખર્ચાય જેટલું પણ પ્રોડક્શનનું કામ થાય એની માહિતી તેમને હોય જ છે. જેથી તેઓને અમે જણાવીએ કે આ રીતનું છે આ વસ્તુ જોઈએ છે તો તેઓ સો ટકા અમને પ્રોવાઈડ કરે છે. જે લાઈફમાં એકદમ બિન્દાસ માણસ છે. આવા પ્રોડ્યુસરો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ખરેખર બહુ ઓછા છે.
પ્ર – દર્શકોને કોઈ સંદેશ?
ઉ – હા હું ચોક્કસ દર્શકોને કહીશ કે એક મનોરંજક ફિલ્મ બની રહી છે. ફિલ્મમાં લેડી દબંગની ડબલ રોલની વાર્તા છે અને ગુજરાતની જનતાને એક અલગ પ્રકારનું મનોરંજન મળી રહે અને તે દર્શક પણ કહી શકે કે હા યાર આ ગુજરાતી ફિલ્મમાં ઘણો ચેન્જ આવી ગયો છે.


n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment