facebook

Tuesday, 1 September 2015

krushna kant

પુસ્તક નહિ, પણ ઐતિહાસિક કાલસંદુક


    (અમુક મહિનાઓ પહેલા પ્રકાશિત થયેલા અભિનેતા – દિગ્દર્શક કુષ્ણકાન્ત (કે.કે.) ના ફિલ્મી જીવનના સંભારણાના પુસ્તક ‘ગુઝરા હુઆ ઝમાના’ વિષે અહીં કશુ લખવાનો જોગ અને એ પહેલા તો તેની પ્રથમ આવૃત્તિની તમામ નકલો ખતમ થઇ ગઈ અને એક મહિના જેટલા ટૂંકા સમયમાં તેની બીજી આવૃત્તિ કરવાનો નિર્ણય લેવાનો થયો. આ પુસ્તકને મળેલા આવા અભૂતપૂર્વ પ્રતિસાદથી આનંદ અવશ્ય થાય છે, પણ આશ્ચર્ય નથી થતું. હવે બીજી આવૃત્તિ નિમિત્તે એ પુસ્તકના સ્વાગતવચન તરીકે લખેલું આ લખાણ અહીં મુકતા અત્યંત આનંદ થાય છે.)
    જેતપુરની કેપીટોલ ટોકિઝ અને સાલ ૧૯૫૨ની. ફિલ્મ ‘દાગ’ એમાં લાગેલી. ફિલ્મોમાં આવતા સંવેદનાત્મક દ્રશ્યો ઝીલવાની પાકટતા તો આવી જ ગઈ હોય. એ ફિલ્મનું એવું જ એક દ્રશ્ય : દીકરા દિલીપકુમારે (ફિલ્મમાં નામ શંકર જે એક શિલ્પી હોય છે.) દારૂની લતમાં દેવું કરવાથી એની ગેરહાજરીમાં વિધવા માતા (લલીતા પવાર) ને ઘર ખાલી કરાવવા ગામનો શાહુકાર અને એની સાથે જપ્તીદાર આવે છે અને ડોશીને ખાલી હાથે ઘરમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી કરે છે. કકળતા હૈયે ડોશી ઘરમાંથી નીકળવા તો જાય છે પરંતુ નીકળતા નીકળતા એક લોટી પોતાની સાથે લઇ જવાનું મન કરે છે. જેની આમ તો છૂટ નથી. તે લોટીને અડકવા જાય છે એ સાથે જ શાહુકાર તેને ધધડાવી નાખે છે. લલીતા પવાર રીતસર ડરી જાય છે. લોટી લીધા વિના તે આગળ વધે છે. ત્યાં પોતાની ટેકણલાકડી પડી હોય છે. એ ખૌફ ખાધેલી નજરે શાહુકાર તરફ જુએ છે. ત્યારે શાહુકારની સાથે આવેલો જપ્તીદાર એની પર દયા ખાઈને એ છૂટ આપે છે. લે લો માજી લે લો”. એ દ્રશ્ય મારા મનમાં આજે પણ હું મનના પડદા પર જોઈ શકું છું. કારણકે એમાં લલીતા પવાર ઉપરાંત એ બે જણાનો અભિનય પણ અતિ વાસ્તવિક છે. એ બે જણામાં શાહુકારની સાથે આવેલા જપ્તીદાર હતા ચરિત્ર અભિનેતા દુબે અને પેલા બીજા ખૌફ ઉભો કરનાર શાહુકાર તે આ આપણા કે.કે. ઉર્ફે કૃષ્ણકાંત હોય તો એકાદ ક્લોઝઅપ વૃદ્ધાનો હશે. પણ આ બેમાંથી એકનો પણ ક્લોઝઅપ નથી. માત્ર મીડ શોર્ટ જ છે, અને તેમાં પણ દાયકાઓ સુધી જોનારાના મનમાં જળવાઈ રહેનારી પ્રભાવકતા પેદા કરવી એનો યશ દિગ્દર્શકને તો ખરો જ. પણ અભિનેતાઓની પણ એમાં એટલી જ હિસ્સેદારી.

    ૧૯૯૫ થી ૨૦૦૦ સુધીની ગુજરાત રાજ્યની ફિલ્મ એવોર્ડ જ્યુરીના કે.કે. ચેરમેન હતા. ગુજરાતી ફિલ્મોની વાહિયાતતાથી ઉબાઈ ગયેલા કોઈ પણને ગમે તેવી કચરા ફિલ્મને પણ આખેઆખી જોઈ લેવાની શીખ આપતા. એ એમના કાયમી મૃદુ સ્વરે કહેતા, જુઓ ભાઈ, એમ કંટાળવાનું નહિ કે ઝોલા પણ નહિ ખાવાના. કારણકે આપણે ડાયરેક્ટરથી માંડીને ડાન્સમાસ્ટર સુધીની તમામ કેટેગરીમાં ઇનામો આપવાના છે. કેમ ખબર પડે કે છેલ્લા દ્રશ્યોમાં કોઈ ઉત્કૃષ્ટ ગીત-સંગીત કે નૃત્ય નીકળી આવે? આપણાથી કોઈને અન્યાય ના થવો જોઈએ. એમની વાણીમાં રહેલા ન્યાયીભાવ અને વાતની સચ્ચાઈ સ્પર્શતી. એ વાત જુદી છે કે ત્રણ વર્ષને અંતે કંટાળીને વોક-આઉટ’ કરી નાખેલું. એ પછી એથીય સારો યોગ થયેલો. જેનો ઉલ્લેખ કદાચ આ પુસ્તકમાં નથી. તે એ કે ગુજરાત રાજ્ય ફિલ્મ નિર્માણ નિગમ હતું ત્યારે વિનોદ જાની (હવે તો સ્વર્ગસ્થ) એના ચેરમેન હતા. એની અંતર્ગત ફિલ્મ નિર્માણ પણ થતું રહેતું. એક ફિલ્મ બનાવવાનું કે.કે. ને સોપયેલું.      

............
    એવરગ્રીનની જેમ એવરઓલ્ડ ફિલ્મી લોકો પણ હોય છે. એ લોકો ક્યારેય યુવાન નહિ હોય એમ લાગે. આ અનુભૂતિ મને કે.કે. ને મને ‘સીમા’ (૧૯૫૫) ફિલ્મમાં જોઇને થઇ હતી. આશ્રમમાં આશરો લઈને રહેતી એક સ્ત્રીને તેનો દારુડીયો પતિ મળવા આવીને જે ઉધામા મચાવે છે તે જોઇને એમ જ લાગ્યું હતું કે આ યુવાન સ્ત્રીનો પતિ આટલો ઉમરવાન? એમાં એમને ઉમરવાન દેખાવાની કોઈ પાત્રગત આવશ્યકતા નહોતી. પણ તેમનો ઉશ્કેરાટનો અભિનય એટલો હુબહુ હતો કે મારા એમની કાયમી છાપ રહી ગઈ. એવો ઉશ્કેરાટ બલકે પુણ્યપ્રકોપ તેમણે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નામની ગુજરાતી ફિલ્મમાં ઘરના વડીલ તરીકે બતાવ્યો હતો. અભિનય કરવાની કે.કે. ની ઢબ અદભુત છે. ગુસ્સો એમના સ્વભાવમાં હશે તોય એ સ્થાયીભાવ નહિ જ હોય. છતાં એ એ ભાવનો જાનદાર અભિનય કરી શકે છે. તો મૃદુતા એમના સ્વભાવમાં તો સ્થાયીભાવ તરીકે કોઈ પણ વરતી શકે તેમ છે. તો તેવો અભિનય તેમને સહજ છે પણ એ અભિનયગત મૃદુતા જોતા એ એમની એટલે કે કે.કે. તરીકેની વ્યક્તિગત નહિ, પણ જે તે પાત્રની લાક્ષણિક લાગે. આ અઘરી વાત જરા બીજા ઉદાહરણથી સમજાવુ તો અભિનેતા રાજકુમારની કડકાઈ કોઈ પણ પાત્રમાં રાજકુમારીયા જ લાગતી. (જે એમના સ્વભાવમાં જ હતી.) એમની માસ્ટરી એમના અસલ વર્તનમાં હતી તેની તે જ પાત્રમાં વરતાતી. તેનો કોઈ અલગ ‘શેડ’ નહોતો જોવા મળતો. નાના પલશીકરનું રાંકપણું, હંગલનું દયામણાપણું અને નાઝીર હુસૈનનો રૂઆબ, જે તેમની પોતાની મૂડી તરીકે તેમને જન્મથી મળેલું હતું તેના બળ ઉપર જ એ પાત્રોને નિભાવતા. પણ નાટ્ય શાસ્ત્ર એમ કહે છે કે જે પોતાના સ્વભાવમાં હોય તો પણ તે વસ્તુને પોતાની સ્ટાઈલમાં નહિ, પણ સોપાયેલા પાત્રની વર્તન – ઢબમાં ઢાળનારો કલાકાર વધુ પ્રતિભાશાળી ગણાય. પરંતુ એક વાત બેશક, તેમને બીજા ચરિત્ર અભિનેતાઓ કરતા અલગ સ્થાનના અધિકારી બનાવે છે. એમના જુના સાથી કલાકારોમાંથી એકમાત્ર શકીલાજીએ એમની મુખ્ય ભૂમિકાવાળી ‘બેગુનાહ’ ની વાત કરતા કે.કે. ને પણ પ્રશંસાના ભાવથી યાદ કર્યા હતા. અને આ મુદ્દો પણ તેમણે જ સ્પષ્ટ કરી આપ્યો હતો. તે ફિલ્મમાં કે.કે. ની અગત્યની ભૂમિકા હતી. પણ કમનસીબે તે ફિલ્મ તેર અઠવાડિયા ચાલ્યા પછી પ્રતિબંધિત થઇ ગઈ હતી, કારણકે તે હોલીવૂડની એક ફિલ્મની નકલ હતી. શકીલાજીની ભૂમિકા એક ડોક્ટરની હતી.
    આ પુસ્તકમાં આલેખાયેલા સંસ્મરણોમાં કેન્દ્રસ્થાને કે.કે. છે પણ એમને ફોકસ પોતાના પર નથી રાખ્યું. (કાઠીયાવાડી બોલીમાં કહું તો એ વચ્ચે છે પણ વચાળે નથી.) મારું આ વાક્ય જરા એબ્સર્ડ લાગશે. પણ ઝીણવટથી સમજવા જેવું છે. કોઈ પણ ઘટનાને એમણે પોતાની આસપાસ નથી ગુંથી. પરંતુ પોતે તે ઘટનાજાળમાં ક્યાં અને કેવી રીતે ગુંથાયા હતા તે આલેખ્યું છે. આમ એમણે પોતાની જાતની વાતને નહિ પણ ઇતિહાસની કોઈ રસિક વાતને મહત્વ આપ્યું છે. ઇતિહાસની એ વાતને એ નિમિત્તે એમણે બોમ્બે ટોકિઝ, અમર પિક્ચર્સ, અમીય ચક્રવર્તીના ‘માર્સ એન્ડ મુવીઝ’, મહિપતરાય શાહ, અનુપચંદ શાહની નિર્માણસંસ્થા જેવી ચિત્રનિર્માણ સંસ્થાઓની ચડતી-પડતીની કથાઓ વર્ણવી છે. તો એમની પૂરી અધુરી ફિલ્મોની દશા – અવદશા – સફળતા – નિષ્ફળતાની અધિકૃત હકીકતો પણ આપી છે. ગુજરાતી ફિલ્મો અને તખ્તાની રસપ્રદ વાતો તો આમાં તો છે જ. પણ હિન્દી ફિલ્મજગત અને ઉદ્યોગ તેમાં વધુ વિશેષ રીતે ઉપસાવાયા છે.

    એમના દરેક વ્યક્તિચિત્રોમાં એટલું બધું જીવન તેમણે પૂર્યું છે કે આપણી નજર સામે એ હરતા – ફરતા અને કામ કરતા નજર સામે આવે છે. નીતિન બોઝનું વ્યક્તિચિત્ર એમાં સૌથી વધુ તાદશ્ય નીપજી આવ્યું છે. એમને ગુરુ માનનારા કે.કે. એ એમની પુરતી ગરિમા બરકરાર રાખીને પણ એમની હતાશાને વ્યક્ત કરી આપી છે. કેટલીક હકીકતો તેઓ જાણતા હશે. પણ એના ઉલ્લેખ માત્રથી પણ કે.કે. દુર રહ્યા છે. નીતિન બોઝને ‘ગંગા જમના’ નું દિગ્દર્શન સોપીને દિલીપકુમારે ગુરુ પરત્વે કૃતજ્ઞતા તો બતાવી, પણ પાછળથી એ ફિલ્મના દિગ્દર્શનની તમામ બાગડોર પોતાના હાથમાં લઇ લીધી અને ગુરુને નેપથ્યમાં મૂકી દીધા એ હકીકત તો ફિલ્મનો ઈતિહાસ જાણનારા સૌ કોઈ જાણે છે. પરંતુ કે.કે. એ એ વસ્તુને સ્પર્શ ના કરીને આ પુસ્તક પુરતી દિલીપકુમાર અને નીતિન બોઝ બંનેની ઈજ્જતને જાળવી લીધી. બીજા અનેક અનેક વ્યક્તિચિત્રો – રાજ કપૂર, અમીય ચક્રવર્તી, સાધના બોઝ, શોભા ખોટે, લીલા દેસાઈ અને રવીન્દ્ર દવે જેવાના માત્ર વાક્યોના એક – બે લસરકાથી કે.કે. એ રસળતી બાનીમાં નિરૂપ્યા છે અને એ બધા નિરૂપણોની સમાંતરે એ જમાનાની ફિલ્મનિર્માણની પ્રક્રિયા અને ગતિવિધિઓ, કલાકારોની સ્થિતિ, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, શુટિંગની રીતરસમો અને ટેકનીક અને તે વખતનો દેશકાળ સુધ્ધા કે.કે. એ ઈતિહાસજ્ઞ હોવાના કોઈ અભિનિવેશ વગર આ પુસ્તકમાં પ્રતિબિંબિત કરી આપ્યો છે.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment