facebook

Tuesday 6 October 2015

arvind barot

જો તમે સૂરની સાધના કરશો તો જ સિદ્ધિ મળશે - અરવિંદ બારોટ


    ભગવાન વાઘેલા દિગ્દર્શિત ફિલ્મ ‘મને રૂદિયે વ્હાલા બાપા સીતારામ’ જયારે રજૂ થવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ફિલ્મના ચાર ગીતોને કંઠ આપનાર પ્લેબેક સિંગર અરવિંદ બારોટ પણ ફિલ્મની સફળતા બાબતે ઘણા ઉત્સુક હતા. તેમના જણાવ્યા અનુસાર નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલાએ એકદમ સારી અને કોઈપણ અંધશ્રદ્ધા વગરની ફિલ્મ બનાવી હતી. ખરેખર તે ફિલ્મ દર્શકોએ વખાણી પણ હતી. અરવિંદ બારોટના ચાહકો ખાસ કરીને ભાવનગર, અમરેલી અને સુરત જેવા મહાનગરોમાં બહોળા પ્રમાણમાં છે. ગાવાની શરૂઆત તો અરવિંદ બારોટે નાનપણથી જ કરી દીધી હતી. તેઓના અત્યારની ફિલ્મોને લઈને મનમાંથી નીકળતા વિચારો બહુ જ ગંભીર રીતે તેઓએ વર્ણવ્યા. જેમાં તેઓએ જણાવ્યું કે મે હમણાથી ફિલ્મોમાં ગાવાનું બહુ ઓછું કરી નાખ્યું છે. કારણ કે જાહેર પ્રોગ્રામોમાં ભજન, ધૂન, લોક્ગીતોમાથી સમય ઓછો ફાળવી શકું છું ફિલ્મો માટે. સાથે સાથે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવવાનું તેઓ ચુકતા નથી. પહાડી અવાજના માલિક અરવિંદ બારોટ નવી આવનારી પેઢીના ગાયકોને જેઓ સ્ટેજ પર લાઈવ પર્ફોમન્સ આપી રહ્યા છે તેવા ગાયકોને કહે છે કે લાઈવ પ્રોગ્રામમાં ગાવું અને રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ગાઈને ફિલ્મોને પ્લેબેક આપવું બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ઘણી સુપરહિટ ફિલ્મો તેમના ગયેલા ગીતોને લીધે જ અત્યારે પણ યાદ કરી શકીએ છીએ. જેમકે ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’, ‘મૈયરમાં મનડું નથી લાગતું’. ‘તારો મલક મારે જોવો છે’, ‘ગામમાં પિયરીયું ગામમાં સાસરિયું’, ‘દીકરીનો માંડવો’, ‘પાલવડે બાંધી પ્રીત’ વગેરે.

પ્ર – અત્યારે તમે ફિલ્મોમાં ગાવાનું ઓછું કેમ કરી નાખ્યું?
ઉ – અત્યારની ફિલ્મો પહેલાની ફિલ્મો કરતા સાવ અલગ જ બની રહી હોય તેવું મને લાગે છે. એવું નથી કે મે ગુજરાતી ફિલ્મોમાં ગાવાનું ઓછું કરી નાખ્યું છે. પરંતુ મને મારા પ્રોગ્રામમાંથી જયારે પણ સમય મળે અને સારા ગીતો માટે ઓફર આવે છે ત્યારે હું ચોક્કસ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપું જ છું. મે હમણાં જ ભગવાન વાઘેલાની ફિલ્મ ‘મને રૂદિયે વ્હાલા બાપા સીતારામ’ માં પણ પ્લેબેક આપ્યું હતું. અત્યારની ફિલ્મો બનાવવાનો પ્રવાહ જ અલગ છે.
પ્ર – પહેલા જેવું સંગીત અને ગીતો બનતા હતા તેવો સમય હવે આવશે?
ઉ – એમાં હું એ કહીશ કે આમાં આપણે કોઈનો દોષ કાઢવો જ ન જોઈએ. અત્યારે બધું ખરાબ બને છે કે બધું નકામું જ છે. એવી ટીકા કરવાનો કોઈ અર્થ નથી. પરિવર્તનો દરેક ક્ષેત્રમાં આવતા હોય છે. ગુજરાતી ફિલ્મોમાં પણ અત્યારે પરિવર્તનનો જ પવન ફૂંકાઈ રહ્યો છે. લોકોએ એટલું ચોક્કસ યાદ રાખવું જોઈએ કે સારી વસ્તુ ક્યારેય ભુલાતી નથી.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment