facebook

Monday 12 October 2015

kiran aacharya

ગયા વર્ષની સારી યાદો લઈને આગળ વધો - કિરણ આચાર્ય


    ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી કિરણ આચાર્ય જેમણે ગુજરાતી ફિલ્મી કેરિયરમાં અત્યાર સુધીમાં પોતાની દરેક ફિલ્મોમાં પોતાના ચાહકોને કંઇક નવું આપીને ખુશ કર્યા છે. ફિલ્મી કેરિયરની સાથે સાથે કિરણ પોતાની જીંદગીમાં આવતા ચઢાવ ઉતારમાં પણ હમેશા ચર્ચામાં રહે છે. ૪૦ થી પણ વધારે ગુજરાતી ફિલ્મો તેના ખાતામાં નોંધાઈ ચુકી છે. ‘ભવ ભવના ભરથાર’ થી શરૂ થયેલી તેની કારકિર્દી આજ સુધી સતત ચાલુ જ છે. કિરણ આચાર્ય આમ તો એકદમ માયાળુ અને હસમુખું વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ કોઈ કારણે જો તેનો ગુસ્સાનો પારો ચડી ગયો તો સામે કોઈપણ હોય તેને નમવું જ પડે છે. ફિલ્મના સેટ પર જયારે પણ ફ્રી થાય એટલે તરત તે મ્યુઝીક સાંભળવાનું વધુ પસંદ કરે છે અને અફકોર્સ ફ્રેન્ડસ સાથે મજાક – મસ્તી તો ચાલતી જ રહે છે. હમણાં હમણાં કિરણની લગભગ ત્રણ જેટલી ફિલ્મો આવી રહી છે જેમાં તેના અભિનયના વખાણ ફિલ્મ મેકારોએ પણ કર્યા છે. જેમાં એક મનોજ ડોબરીયાની ફિલ્મ ‘સાજણ તારા વિના સુની જીંદગી’ જેમાં એક્શન સ્ટાર જીત ઉપેન્દ્ર અને રૂપાળી મરજીના દિવાન પણ તેની સાથે અભિનય કરતા જોવા મળવાના છે. જેનું શુટિંગ હાલ આણંદ ખાતે ચાલી રહ્યું છે. ફિલ્મમાં કિરણનું પાત્ર સીધી સાદી અને કંઇક અંશે મોર્ડન પણ હોય તેવી યુવતીનું છે. વધારે તેમણે જણાવવાનો ઇનકાર કરતા મે પછી બીજો સવાલ કર્યો કે, ‘આતંક’ વિષે? તો તેમણે જણાવ્યું કે, હા, ફિલ્મ પૂરી થઇ ગઈ છે અને બીજી બધી પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઈ છે અને હવે ટૂંક સમયમાં રીલીઝ થાય તેવું લાગી રહ્યું છે. ‘કેસર કેશવ અને કંકુ’ ફિલ્મ વિષે પૂછતાં તેઓએ જણાવ્યું કે, તેનું પણ હજુ થોડું કામ બાકી હોવાથી થોડો સમય તે ફિલ્મ પણ રીલીઝ નહિ થાય. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે તેમણે કહ્યું કે, તેમની કામ કરવાની રીત મને ગમી અને તેઓનું નેચર ખૂબ જ સરસ છે. તેઓની આ પ્રથમ ફિલ્મ હતી પણ અમને એવું નહોતું લાગતું કે તેઓ પહેલીવાર દિગ્દર્શન કરી રહ્યા છે. આ અગાઉ કિરણ આચાર્ય અને જીત ઉપેન્દ્રની જોડી ચાણક્યની છેલ્લી ચાલ, જયસુર્યા અને દિલ દોસ્તી અને દુશ્મનીમાં જોવા મળી હતી. આ ઉપરાંત તેઓ અલગ અલગ જોડીમાં પણ બીજી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. એટલે ‘સાજણ તારા વિના સુની જીંદગી’ ફિલ્મ કિરણ આચાર્ય અને જીત ઉપેન્દ્રની જોડીની ચોથી ફિલ્મ ગણી શકાય.

પ્ર – તમારી મનગમતી ફિલ્મ?
ઉ – મારી મને ગમતી ફિલ્મ હતી ‘ત્રણ ડોબા તોબા તોબા’ જે ફિલ્મમાં મે કોમેડી કરી હતી. જેમાં ત્રણ હીરો હતા. તે ફિલ્મ મે જયારે જોઈ ત્યારે હું હસી હસીને થાકી ગઈ હતી. એટલી કોમેડી ફિલ્મ હતી કે મને સાચ્ચે જ પેટમાં દુખવા લાગ્યું હતું.

    નારી પ્રધાન ફિલ્મો તેને કરવી ગમે છે જેમકે હિન્દી ફિલ્મોમાં રેખા જેવા પાત્રો ભજવે છે તેવા પાત્રો ભજવવાની ખૂબ જ ઈચ્છા છે. પરંતુ તેવા પાત્રો ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ લખાય છે. તેનો કિરણ આચાર્યને અફસોસ છે. એક વર્ષ પૂર્ણ થયું અને નવું વર્ષ આવી ગયું છે તો કિરણ આચાર્ય તેના ચાહકોને કહે છે છેલ્લા વર્ષની સારી વાતો, સારી યાદો લઈને આગળ વધો. નવું વર્ષ ગયા વર્ષ કરતા પણ સારૂ બની રહે તેવી કોશિશ કરો.


n  ગજ્જર નીલેશ

No comments:

Post a Comment