facebook

Saturday 10 October 2015

bhumi trivedi

વડોદરાની સિંગર ભૂમી ત્રિવેદીની ભારે બોલબાલા પહેલા બોલીવૂડમાં છવાઈ હવે ઢોલીવૂડમાં પણ સફળ પ્રયોગ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’ ના સોંગ ‘રામ ચાહે લીલા ચાહે’ માટે ભૂમી ત્રિવેદીને મિર્ચી મ્યુઝીક એવોર્ડ, સ્ટાર ગીલ્ડ એવોર્ડ અને બીગ સ્ટાર એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ જેવા ત્રણ ત્રણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.  
                                                 
    સિંગરોની દુનિયામાં હવે નવા અને પ્રભાવશાળી સિતારા ઉમેરતા જાય છે. જેમણે પોતાના અવાજની પહેચાનથી લોકપ્રિયતા હાંસલ કરી છે. આવા નામમાં અત્યારે સૌથી વધુ ગાજતું નામ સિંગર ભૂમી ત્રિવેદીનું છે.  દિલકશ અને સલુણા અવાજની માલકિન મૂળ વડોદરાની ભૂમી ત્રિવેદીની ગાયકી પર બધા આફરીન છે. બોલીવૂડમાં ભૂમિની ગુંજ ઉઠી છે અને સફળ ફિલ્મ ‘રામલીલા’ ના ગીત ‘રામ ચાહે લીલા ચાહે’ ગાઈને તેણે સૌને પ્રભાવિત કરી દીધા છે. ડોલાવી દીધા છે. બોલીવૂડના નિષ્ણાંતો અને શ્રોતાઓ તથા ભૂમિ ત્રિવેદીના અવાજને સુનિધિ ચૌહાણના અવાજ સાથે સરખાવીને આ ગુજરાતના ગૌરવસમી ગાયકની પ્રશંસા કરી રહ્યા છે. દેશભરમાં જાણીતા ‘ઇન્ડીયન આઇડોલ ૫’ સીઝનની વિજેતા ભૂમી ૨૫ વર્ષની છે. ભૂમીમાં ગુડલુક્સ, આકર્ષક વોઈસ ક્વોલીટી અને મારકણા સ્મિતનું જોરદાર સંગમ છે.
    બોલીવૂડમાં હમણાં ભૂમી ત્રિવેદીનું નામ ખૂબ જ જોશભેર લેવાઈ રહ્યું છે. ભૂમીનું બાળપણ વડોદરામાં વીત્યું અને ત્યાં જ તેણે શિક્ષણ લીધું જેમાં ભૂમીએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. ભૂમી


વડોદરાના શિક્ષિત અને સંગીતની કલા સાથે ઘરોબો ધરાવતા પરિવારની મેમ્બર છે. ભૂમીના પરિવારમાં જ સંગીત એમના બ્લડમાં રહ્યું છે. તેણીના પિતા હસિતભાઈ ત્રિવેદી આમ તો રેલ્વેમાં જોબ કરી રહ્યા છે અને સાથે સાથે સારા ગાયક પણ છે અને માતા સંગીતાબેન ત્રિવેદી પણ પોતે એક શિક્ષક છે અને પોતાનું મ્યુઝીક ગ્રુપ ચલાવે છે. ભૂમીના મોટા બહેન અંકિતા ત્રિવેદી જેઓ હાલ જામનગર ખાતે રિલાયન્સમાં નોકરી કરી રહ્યા છે અને ભરત નાટ્યમના નિપુણ ડાન્સર છે. જયારે ભૂમી અઢી વર્ષની હતી ત્યારે મો.રફીના ગીતો સંભાળતી વખતે એને ક્યાં ખ્યાલ હતો કે તે પણ ક્યારેક વોઈસ ઓફ ગુજરાત બનીને ગુજરાતના લોકોને પોતાના કંઠથી ડોલાવશે? નવરાત્રીમાં ભૂમીનો અવાજ અલગ જ ભાત અને જોશ પેદા કરે છે અને વર્ષોથી તે નવરાત્રીને પોતાના દિલકશ અવાજથી મહેકાવતી રહી છે. નવરાત્રીમાં ગાયકી વખતે ભૂમીની સાથે તેની બહેન પણ સંગીત આપે છે. ભૂમી ૮ માં ધોરણમાં અભ્યાસ કરતી હતી જયારે તેણે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. સ્કુલ – કોલેજના અસંખ્ય સંગીત કાર્યક્રમો અને

સ્પર્ધાઓમાં તેણે ભાગ લીધો છે. ઇન્ડીયન આઈડોલના ઓડીશનમાં અનુ મલિક અને સલીમ જેવા ખેરખા બેઠા હતા ત્યારે ભૂમીએ ‘બાબુલ કી ઓર સુનો લિયે’ ગીત ગાયું અને અનુ મલિકે તેને આ જ ગીત વેસ્ટર્ન સ્ટાઈલમાં ગાવાની ચેલેન્જ કરી હતી. ભૂમીએ એક ગુજરાતી ગીત ‘સ્પાઈસ ગર્લ્સ’ ના અંદાઝમાં રજૂ કરવાનું સુચન કર્યું અને તેણે કે પર્ફોમન્સ આપ્યું તેનાથી જજ ઉભા થઈને ડોલવા લાગ્યા હતા. ભૂમીએ રેપ અને ગુજરાતી હીપહોપનું મિશ્રણ કરીને કાબેલિયત બતાવી હતી. બોલીવૂડની ટોચની હિરોઈનો સોનમ કપૂર અને કંગના રાણાવતએ ભૂમીને પોતાના માટે અવાજ આપવા અને ફિલ્મમાં ગીત ગાવાની ઓફર કરી છે.

    ‘રામલીલા’ જેવી અતિ સફળ ફિલ્મમાં સંજય લીલા ભણશાલીએ ‘રામ ચાહે લીલા ચાહે’ ગીત ભૂમી પાસે જ ગવડાવવાનો નિર્ણય લીધો અને ભૂમીને ઓફર કરીને બોલાવી ત્યારે ભૂમીનો આત્મવિશ્વાસ બમણો થઇ ગયો હતો. મૂવીની એન્ડમાં જે ક્રેડીટ્સમાં સોંગ જોવા મળે છે તે માટે રામલીલા ફિલ્મનું ગીત લખવામાં આવેલું. ફિલ્મમાં આ ગીત પ્રિયંકા ચોપરા પર પીક્ચરાઈઝ થયેલું છે જેના પહેલા તેના પર આ ફિલ્મ રામલીલા માટે અગાઉ એક ગીત તૈયાર થઇ ચુક્યું હતું પરંતુ તે સમયે યુનિટના લોકો અને સંજય લીલા ભણસાલી સાથે પ્રિયંકા ચોપરાએ તે અગાઉનું સોંગ અને ભૂમીએ ગયેલું ‘રામ ચાહે લીલા ચાહે’ સોંગ સાંભળ્યું તો નક્કી એવું કરવામાં આવ્યું કે આ સોંગમા લઈએ અને ફિલ્મના એન્ડમાં ક્રેડીટ સોંગ તરીકે બીજા સોંગનો ઉપયોગ કરવામાં આવ્યો. હાલ આ સોંગ ભૂમિ ત્રિવેદીએ ગયેલું જે એટલું લોકપ્રિય બન્યું કે હજી પણ લોકો તે ગીત ગણગણતા નજરે પડે છે. તે ગીત માટે ભૂમિ ત્રિવેદીને ત્રણ ત્રણ એવોર્ડ પણ મળી ચુક્યા છે જેમાં મિર્ચી મ્યુઝીક એવોર્ડ, સ્ટાર ગીલ્ડ એવોર્ડ અને બીગ સ્ટાર એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ. ઉપરાંત ઝી સિને એવોર્ડઝ તથા આઈફા એવોર્ડઝમાં પણ નોમીનેશન હતું અને સાથે સાથે તેમાં ભૂમીએ પોતાનું પર્ફોમન્સ પણ આપ્યું હતું. ગુજરાતના ગૌરવસમી આ યુવતી પોતાના અતિ પ્રભાવક, સલુણા અને આકર્ષક અવાજથી વધુ સફળતા મેળવીને ગુજરાતનું નામ વધુ રોશન કરશે તેવો બધાને વિશ્વાસ છે. 
પ્ર – આપની પ્રસિદ્ધિ જોતા તમને કેવો અનુભવ થાય છે?
ઉ – ‘રામલીલા’ ફિલ્મ પહેલા પણ મે બે – ત્રણ મુવીમાં ગીતો ગયા હતા પણ તે ફિલ્મોનું એટલું બધું પ્રમોશન નહોતું અને ત્યારે મને પણ દુખ થયેલું કે શરૂઆત આમ થઇ છે તો હવે આગળ ધ્યાન રાખવું. સંજય લીલા ભણસાલીની હું ખૂબ આભારી છું કે જેમણે મને તેમની ફિલ્મમાં મોકો આપ્યો અને એક ગુજરાતી તરીકે તેમણે મારા પર જે વિશ્વાસ મુક્યો તેની હું આખી જીંદગી આભારી રહીશ. એમણે મને પ્લેટફોર્મ આપ્યું મીન્સ કે ઇન્ડિયન આઈડોલ પછીની જે મારી ઓળખમાં એમણે વધારો કર્યો તે બદલ મને ખૂબ જ ખુશી છે. મને ત્યારે તેમણે ફક્ત સોંગ લીરીક્સ લખવા બોલાવેલી.
પ્ર – (અટકાવીને) તમને શું ત્યારે ફક્ત ફિલ્મનું પોસ્ટર આપી ગીત લખવાનું કહેવામાં આવેલું?
ઉ – હા, મને ફક્ત ફિલ્મનું પોસ્ટર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ગીત લખવાનું છે. તેનાથી મે ગુજરાતી લીરીક્સ લખ્યા જે તેમણે વાંચ્યા અને તેમને પસંદ આવ્યું અને તેમણે મને કહ્યું કે તું ગાવાનો એક પ્રયાસ કર મારી ફિલ્મ માટે. મે ગઈ સંભળાવ્યું જે સંજય સરને મારો અવાજ ગમી ગયો અને હું તે સોંગ માટે સિલેક્ટ થઇ.
પ્ર – આપની આવનારી ફિલ્મો?
ઉ – હમણાં નવેમ્બરમાં કે ડીસેમ્બર મહિનામાં એક ફિલ્મ આવી રહી છે જેનું પ્રમોશનનું કામ હાલ શરૂ થઇ ગયું છે. જે સલમાન ખાનની પ્રોડક્શન પ્રસ્તુત છે. સુરજ પંચોલી અને સુનીલ શેટ્ટીની પુત્રી આથીયા શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ છે. જેમાં અન્ય કલાકારોમાં ગોવિંદા, કાદર ખાન, વિનોદ ખન્ના, કિશોર કદમ, શરદ કેલકર અને અનીતા હસનંદાની છે જે ફિલ્મમાં સલમાન ખાન એક કેમીયો કરી રહ્યા છે. જેનું દિગ્દર્શન નીખીલ અડવાની કરી રહ્યા છે. જેમાં મે એક ડ્યુએટ સોંગ ગાયું છે.
પ્ર – હમણાં આપે એક ગુજરાતી ફિલ્મ માટે પણ ગાયું.
ઉ – હા, મે હમણાં જ દત્તજી ની એક ફિલ્મ ‘સીટી ગર્લ ૦૦૯’ માં એક ગુજરાતી સોંગ ગાયું. આઈ થીંક હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ ધીરે ધીરે અર્બન ફિલ્મો બનાવવા તરફ જઈ રહી છે અને લોકો પણ ખાસ્સું એક્સેપ્ટ કરવા માંડ્યા છે. વધુ હું એ પણ કહીશ કે હાલ રેડીઓ પર પણ ગુજરાતી ફિલ્મો માટે એક ચેનલ શરૂ કરવી જોઈએ અને એક ચેનલ ટીવી પર પણ શરૂ કરવી જોઈએ. જે ગુજરાતી ગીતો અને ફિલ્મો સતત ૨૪ કલાક દર્શાવતી રહે. આપણા ગુજરાતમાં લેજેન્ડરી એક્ટર્સ, એક્ટ્રેસીસ, સિંગર્સ, મ્યુઝીક કમ્પોઝર્સ વગેરે કોણ હતા વગેરે સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોચશે તો તેમને વધુ જાણવાનો ઉત્સાહ વધશે. હું અત્યારે દેશના કોઈપણ ખૂણે શો કરવા જાઉં છું તો ત્યાં પોતપોતાના રાજ્યોના એક એફ.એમ. હોય જ છે તો ગુજરાતમાં તે નથી. આજે જો સાઉથ ઇન્ડિયન મુવીના હિન્દી વર્ઝન બને છે તો ગુજરાતી મુવીના કેમ નથી બનતા. તો એ લેવલનું આપણે વિચારીને આગળ ચાલીએ તો લગભગ ઘણો બદલાવ આવી શકે છે ગુજરાતી ફિલ્મોમાં. જેમકે હવે થઇ પણ રહ્યો છે હું વધાઈ આપીશ અભિષેક જૈનને જેમણે ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી બે સફળ ફિલ્મો ગુજરાતના લોકોને આપી. હું પોતે આ ફિલ્મો થીયેટરમાં જોવા ગઈ છું પણ મે નથી જોયું કે આટલી ભીડમાં લોકો ગુજરાતી મુવી જોવા જાય.
પ્ર – સિને મેજીકના વાચકોને કોઈ સંદેશ?
ઉ – હું સિને મેજિક નિયમિત વાંચું છું. ગુજરાતી ફિલ્મો માટે આ મેગેઝીન ખરેખર બિરદાવવા લાયક છે. સિને મેજીકના વાચકોને અને તેના મેમ્બરોને હું કહીશ કે તમે આપણી ગુજરાતી ફિલ્મોને આટલું બધું પ્રોત્સાહન આપો છો તે ખૂબ મોટી વસ્તુ છે અને તમે ધીરજ રાખો છો કે આગળની આવનારી જે પણ ફિલ્મો છે તેના માટે તમે ખૂબ બધી આશાઓ લઈને બેઠા છો. અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં સારા સારા ફિલ્મ ડિરેક્ટરો અને મ્યુઝીક ડિરેક્ટરો આવ્યા છે. અહીં આવીને જે લોકો બોલીવૂડ સુધી ગયા છે તેનાથી પણ આપણે ગર્વ લેવા જેવું છે.  


n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment