facebook

Saturday 31 October 2015

mamta soni

‘ઠાકોર નં. 1’ માં આઈટમ સોંગ બાદ સીધી ઉંચી છલાંગ લગાવીને મમતા સોની બની ગઈ ‘બેવફા સાજણ’


    ગુજરાતી ફિલ્મોની બ્યુટીક્વીન એટલે મમતા સોની થોડા સમય પહેલા નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલાની ફિલ્મ ‘ઠાકોર નં. 1’ માં આઈટમ ડાન્સમાં નજરે પડી હતી તે પછી તો મમતા સોનીએ એક હિન્દી ફિલ્મમાં પણ પોતાના જોબનનો જાદુ પાથર્યો છે. પરંતુ તે ફિલ્મ અને તેનું સોંગ રેગ્યુલર ફિલ્મો જેવું જ છે તેમાં કંઇ નવું નથી. બીજી મહત્વની વાત એ પણ છે કે મમતા સોનીએ ટૂંક સમયમાં પોતાના દર્શકોની અને ચાહકોની સંખ્યા વધારીને હરણફાળ ભરી છે જે જાહેર છે. આમ તો મમતા વિક્રમ ઠાકોર સાથે જ ફિલ્મો કરવામાં માને છે પરંતુ આ ભગવાન વાઘેલાની બીજી ફિલ્મ ‘બેવફા સાજણ’ માં તે ગુજરાતી ફિલ્મોના જાણીતા ગાયક – હીરો જગદીશ ઠાકોર સાથે આવવાની છે. તેની પાછળની વાત કરતા મમતા કહે છે કે, હું કોઈ બીજા હીરો સાથે ફિલ્મો સ્વીકારતી જ નથી. કારણકે મે તે ભૂલ અગાઉ પણ કરી છે પરંતુ ભગવાન વાઘેલાની ફિલ્મ સ્વીકારવાનું મુખ્ય કારણ એ છે કે ફિલ્મની વાર્તા મજબુત હતી જે મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. બાકી વિક્રમ સાથે મારી જોડી દર્શકોએ સ્વીકારી છે તેથી હું મારા દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.

પ્ર – ‘બેવફા સાજણ’ વિષે?
ઉ – ભગવાન વાઘેલાની ફિલ્મ ‘બેવફા સાજણ’ માં હું ઇન્સ્પેક્ટરનો રોલ ભજવી રહી છું. મારું એવું પાત્ર છે કે ગુના ખતમ કરવા કરતા જે લોકો ગુના આચરે છે તેવા ગુનેગારોને જ ખતમ કરવા. તેઓ શામાટે આવા કામો કરે છે તેનું કારણ જાણવું જોઈએ અને તેને ખતમ કરવું જોઈએ. ફિલ્મમાં કાયદાકીય રીતે કડક પણ છું અને નરમ દિલની પણ બતાવવામાં આવી છું. બીજી એક વાત હું અહીં જણાવવા માગીશ કે, હું બીજા કોઈની ફિલ્મોમાં ગેસ્ટ અપીરીયન્સ જેવા રોલ કરતી જ નથી અપવાદ કે કોઈ સારૂ બેનર હોય. તે સમયે મે ભગવાન વાઘેલાની ફિલ્મમાં આઈટમ સોંગ કર્યું તો મને ગમ્યું અને એમને પણ ગમ્યું હશે. મારા સોંગથી થીયેટરમાં પબ્લિકનો ધસારો વધ્યો તો એમને એમ થયું હશે કે જો મમતા સોનીના એક સોંગથી જો ચાલતી હોય તો આખી ફિલ્મમાં મમતાને લેવાથી શું પરિણામ આવશે? તેથી તેમણે વિચાર્યું કે મમતા સોનીને લઈને ફિલ્મ બનાવીએ તો પબ્લિકનો સારો રિસ્પોન્સ મળશે. આ ઉપરાંત મારે પણ કંઇક અલગ કરવું હતું જેથી મે આ ફિલ્મ સાઈન કરી. દરેક ફિલ્મોમાં હિરોઈનના ભાગે કંઇ કરવાનું આવતું જ નથી. ઝાડ ફરતે ગીતો ગાવા અને નાચવા કુળવા સિવાય બીજું કશું નવું આવતું નથી. જયારે આ ફિલ્મમાં દર્શકોને હું એક્શન કરતી જોવા મળીશ.

પ્ર – મહિલાઓએ સમાજમાં કેટલું સશક્ત રહેવાની જરૂર છે?
ઉ – મહિલાઓને હું કહીશ કે તમે મને આ રોલમાં જોશો તો ખ્યાલ આવશે કે જીવનમાં કેવા કેવા પરિબળોનો સામનો કરવો પડતો હોય છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા પાત્ર પરથી એક પણ મહિલા સારૂ માર્ગદર્શન મેળવશે તો મને ખુશી થશે. કેમકે નિર્માતાએ મને આ રોલ માટે યોગ્ય સમજી તો હું પડદે રહીને પણ જરૂરી માર્ગદર્શક બની રહીશ. હું અત્યાર સુધી દરેક ઇન્ટરવ્યુમાં કહું છું કે એક લેડીને હંમેશા કામ કરતુ રહેવું જોઈએ. ભલે તમે ઘરની બહાર નથી નીકળી શકતા તો ઘરમાં પણ કંઇક નાનું મોટું કામ કરવું જોઈએ હું એવું માનું છું.

પ્ર – સ્ટંટ સીન જાતે ભજવશો?
ઉ – અત્યાર સુધી તો જે પણ સ્ટંટ સીન મારા ભાગે આવ્યા છે તે મે મારા જાતે જ ભજવ્યા છે કારણકે, તે બહુ નાના સ્ટંટ હતા. પણ આ ફિલ્મમાં મારા ઘણા એવા સ્ટંટ સીન હશે જે દર્શકો પણ જોઇને આશ્ચર્યમાં પડી જશે કે મમતા સોની ફક્ત શાયરીઓ નથી કરી જાણતી. તે એક સારી સ્ટંટ વુમન પણ છે.
પ્ર – ચાહકોની ભીડથી ડર લાગે છે?
ઉ – હા, મારે જયારે જાહેર કાર્યક્રમો હોય છે ત્યારે મને ભીડથી બહુ ડર લાગે છે. ભલે અમે અમારા ચાહકો વચ્ચે હોઈએ છતાં પણ મનમાં એ ડર હોય છે કે ક્યારે કોઈ ચાહક શું કદમ ઉપાડે તે અમને ખબર નથી હોતી. મને મારો એક ચાહક યાદ છે કે, જયારે હું સવારે જાગી તો ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, એક છોકરાએ ‘રાધા રાધા’ નામ લખીને પોતાનું ખૂબ લોહી વહાવેલું. એમાં એવું પણ લખેલું હતું કે તે છોકરાને મને મળવું હતું. ત્યારે એવું થાય કે પોતાનું લોહી કાઢીને આવું બધું કરવાથી શું મતલબ? મારા અમુક પ્રોગ્રામોમાં પણ ફરમાઇશ આવે અને તે પણ લોહીથી કાગળ પર લખેલી હોય.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment