facebook

Wednesday, 28 October 2015

govind bhai patel

ગોવિંદભાઇના બેસણામાં રડી રોમા માણેક, હિતેન કુમાર થયો ભાવુક

    ઢોલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક સ્વ.ગોવિંદભાઇ પટેલના બેસણામાં શુક્રવાર  સાંજે ઢોલીવુડ આખું ઉમટી પડ્યુ હતું. ઢોલીવુડના અદનાથી લઇને આલા કલાકારો શ્રધ્ધાંજલી અર્પણ કરવા વડોદરા ખાતે આવી પહોંચ્યા હતાં. ઢોલીવુડની સુપ્રસિધ્ધ અભિનેત્રી રોમા માણેક ગોવિંદભાઇને શ્રધ્ધાંજલી અર્પતાં ધ્રુસકે-ધ્રુસકે, ચોધાર આંસુએ રડી હતી. જ્યારે સુપર સ્ટાર હિતેનકુમાર પણ ભાવુક થઇ ગયો હતો. નરેશ કનોડીયા, હિતુ કનોડીયા, પરી પરમાર, જૈમિની ત્રિવેદી, અરવિંદ બારોટ સહિતના દિગ્ગજ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતાં અને ગોવિંદભાઇને ભાવભીની શ્રધ્ધાંજલી અર્પી હતી.
    ગોવિંદભાઇ પટેલ આ દુનિયામાં નથી એમ માનવા આજે પણ તૈયાર હું નથી, તેમ કહેતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડેલી ગુજરાતી ફિલ્મની ખ્યાતનામ અભિનેત્રી રોમા માણેકે વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓમાં મને જો ઓળખ આપી હોય તેનો શ્રેય માત્રને માત્ર ગોવિંદભાઇ પટેલને જાય છે.

    રોમા માણેકે જણાવ્યું હતું કે, જ્યારથી મેં ગોવિંદભાઇ પટેલના અવસાનના સમાચાર સાંભળ્યા છે, ત્યારથી હું મારા આંસુને રોકી શકતી નથી. તેઓ એક જિંદાદીલ અને કલાકાર પારખું હતાં. હું મુંબઇમાં રહેતી હતી અને હિંદી ભાષી હતી. મને ગુજરાતી બોલતા આવડતું ન હતું. છતાં, ગુજરાતી ફિલ્મમાં બ્રેક આપીને મને ગુજરાતીના ઘર-ઘરમાં ઓળખ આપી છે. જી.એન. ફિલ્સના બેનર હેઠળ મેં દેશ રે જોયા દાદા પરદેશ જોયા, ઉંચી મેડીના ઉંચા મોલ અને ગામમાં સાસરિયું અને ગામમાં પીયરયું એમ ત્રણ ફિલ્મો કરી છે. મારો અને ગોવિંદભાઇ વચ્ચે મીઠો ઝઘડો પણ થતો હતો અને મઝાક મસ્તી પણ થતી હતી. અમારા વચ્ચે સારું ટ્યુનિંગ થઇ ગયું હતું.
   રોમા માણેકે જણાવ્યું કે, ગોવિંદભાઇ પટેલ મારા ગોડફાધર હતા અને એક સારા મિત્ર પણ હતા. ગોવિંદભાઇ પટેલની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખોટ પૂરવી અશક્ય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કલાકારોના પિતા સમાન વ્યક્તિ ગુમાવ્યા છે, તેમ કહેવામાં કોઇ અતિશયોકિત નથી. તેમ જણાવી ગોવિંદભાઇ પટેલને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
    શ્રધ્ધાંજલિ અર્પતાં ગોવિંદભાઇ પટેલ સાથે ૧૫ ફિલ્મો કરનાર જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અને ગીતકાર અરવિંદ રાઠોડે જણાવ્યું હતું કે, ગોવિંદભાઇ પટેલની ખરાબ તબિયત હોવા છતાં, ગત તા.૨૮ માર્ચે મને ફિલ્મના મુહૂર્તમાં આવવા માટે ફોન કર્યો હતો. પરંતુ તેઓની તબિયત વધુ લથડતા મુહૂર્ત થઇ શક્યું નહીં. ગોવિંદભાઇ પટેલ તેમની જિંદગી ઉપર પડદો પાડી ગયા તેનું મને ભારે દુઃખ છે.
    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા નિર્દેશક નિર્માતા ગોવિંદભાઇ પટેલના કારેલીબાગ સત્યમ શિવમ સુંદરમ હોલમાં યોજાયેલી શોકસભામાં આવેલા અરવિંદ રાઠોડે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોવિંદભાઇ પટેલ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ભાગલા ઉપર ફિલ્મ બનાવવા માંગતા હતા. પરંતુ તેમનું સ્વપ્ન અધરું રહ્યું છે. આ ફિલ્મ બનાવવા માટે તેમનામાં અનેરો ઉત્સાહ હતો.


     અરવિંદ બારોટે જણાવ્યું હતું કે, ગોવિંદભાઇ પટેલમાં ગજબની ટેલેન્ટ હતી. તે એક ઝવેરી હતા. કલાકારમાં કળા પારખવાની તેમનામાં અદભૂત શક્તિ હતી. કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં તેમના જેવી ટેલેન્ટ શોધવી મુશ્કેલ છે. ઢોલીવુડમાં તેમની ખોટ પૂરી શકાય તેમ નથી.
     ગોવિંદભાઇ પટેલ સાથે મેં દેશ રે જોયા દાદા પરદેશ જોયા સહિત ૧૨ થી ૧૫ જેટલી ફિલ્મો કરી છે. તે તમામ ફિલ્મો સફળ પુરવાર થઇ હતી. તેમ જણાવતા અરવિંદભાઇએ  ઉમેર્યું હતું કે, ગુજરાતી ફિલ્મોની સિકલ જો બદલી હોય તો તે શ્રેય ગોવિંદભાઇ પટેલના ફાળે જાય છે. તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે ફિલ્મી સ્ટુડીઓને ધબકતા રાખ્યા છે. હાલમાં બોલીવુડમાં ડંકો વગાડી રહેલા મેહુલકુમાર અને અબ્બાસ મસ્તાનને પણ તૈયાર કરવામાં ગોવિંદભાઇનો સિંહ ફાળો છે. તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ગોવિંદભાઇ પટેલની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખોટ પુરવી મુશ્કેલ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. તેમ અરવિદભાઇ રાઠોડે શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું.
    ઢોલીવુડને જીવતી રાખવાનું જો શ્રેય જતું હોય તો તે ગોવિંદભાઇ પટેલને ફાળે જાય છે. મને તેમની ફિલ્મ મારા રૂદીયાની રાણી બોલે બંધાણીમાં તેમને ઓફર કરી હતી. પરંતુ હું કરી ન શકી તેનું દુઃખ કાયમ રહેશે. ગોવિંદભાઇ પટેલના અવસાનના સમાચાર વજ્રઘાત સમા હતા. એક તબક્કે મેં સાચું માન્યુ ન હતું. તેમના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ભારે આંચકો અનુભવ્યો છે. તેમણે અનેક નવા કલાકારોને ઓળખ આપી છે., તેમ અભિનેત્રી પરી પરમારે જણાવ્યું હતું.
     પરી પરમારે જણાવ્યું હતું કે, ગોવિંદભાઇ પટેલે તેમની તમામ ફિલ્મોમાં દર્શકોને કંઇક નવિન આપ્યું છે. તેમની તમામ ફિલ્મો પારિવારિક છે. ગોવિંદભાઇ સમાજ અને વર્તમાન સમય તેમજ દર્શકોને કેવું મનોરંજન ગમશે તેનો ખ્યાલ રાખીને ફિલ્મો બનાવતા હતા. તે તેમની આગવી ખુબી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને હવે ગોવિંદભાઇ પટેલ જેવો માણસ મળવો મુશ્કેલ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ધબકતી રહે અને નવા કલાકારો ઇન્ડસ્ટ્રીઝમાં આવતા રહે તેઓ હંમેશા ઇચ્છતા હતા. માર્ગ દર્શક ગુમાવ્યા છે, તેનું મને દુખ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના છે., તેમ પરી પરમારે ઉમેર્યુ હતું.

    ગુજરાતી ફિલ્મના સુપ્રસિધ્ધ નિર્દેશક-નિર્માતા ગોવિંદભાઇ પટેલની શોકસભામાં આવેલા ઢોલીવુડના જાણીતા ખલનાયક જયેન્દ્ર મહેતાએ વાતચિત કરતા જણાવ્યું હતું કે, મેં ગોવિંદભાઇ પટેલની ૧૨ જેટલી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી છે. હું શુટિંગના સેટ ઉપર આવું ત્યારે ગોવિંદભાઇ કહેતા હતા કે, મારો સાવજ આવ્યો.. હવે આ શબ્દો સાંભળવા નહિં મળે. પરંતુ આ શબ્દો મારો શ્વાસ ચાલશે ત્યાં સુધીમાં મારા હ્રદયમાં કણાની જેમ ખુપ્યા કરશે. ગોવિંદભાઇ પટેલ એક અલગ માટીના માનવી હતી. તેમનામાં કલાકાર અને દર્શકો પારખવાની ગજબની શક્તિ હતી. જે વર્તમાન નિર્માતાઓમાં કદાચ હશે.
     તેમને અત્યાર સુધી બનાવેલી ફિલ્મો ગુજરાતી પ્રજાને ધ્યાનમાં રાખીને બનાવી છે. તેઓ ગુજરાતીની નસેનસ પારખી ગયા હતા. અને ગુજરાતીઓને પસંદ પડે તેવી ફિલ્મો બનાવી હતી. તેમની ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડ.માં સદાયે ગુંજતી રહેશે. ગોવિંદભાઇ પટેલ આજે આપણી વચ્ચે નથી, તેનું મને દુઃખ છે. ઇશ્વરને ગમ્યું તે ખરું. કદાચ ઉપર બેઠેલા ગોવિંદને ધરતી ઉપરના ગોવિંદની વધારે જરૂર હશે. વાંસળીવાળો ગોવિંદ ધરતીના ગોવિંદના પરિવારને શક્તિ આપે તેવી પ્રાર્થના.
    બાપ..અમે તો અમારો બાપ ગુમાવ્યો છે. ઢોલીવુડમાં આવનારા દિવસોમાં અમને નામ, ઇજ્જત, ધન-દોલત બધુ મળશે પરંતુ ગોવિંદ પટેલ જેવો માનવી મળવો મુશ્કેલ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ધબકતી રાખનાર માણસ મળવો મુશ્કેલ છે. ગોવિંદભાઇ પટેલમાં ગજબની ટેલેન્ટ હતી. મેં અનેક નિર્માતાઓ સાથે કામ કર્યું છે પરંતુ ગોવિંદભાઇની જોટે કોઇ આવી શકે નહીં, અને આવશે પણ નહીં. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ગોવિંદભાઇની ખોટ પુરવી મશ્કેલ જ નહિં, અતિ મુશ્કેલ છે.તેમ ઢોલીવુડના સુપરસ્ટાર હિતેન કુમારે જણાવ્યું હતું.


     હિતેનકુમારે વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશ રે જોયા દાદા પરદેશ જોયા.. ફિલ્મમાં ગોવિંદભાઇ મને હિરો બનાવવા માંગતા હતા. પરંતુ મેં ગોવિંદભાઇને કહ્યું કે, હું હિરો તરીકે ફિલ્મ કરી શકુ નહિં, તમે જુના હિરોને બોલાવી લો. ત્યારે તેઓએ કહ્યું કે, રૂા.૩૫ લાખ હું ખોવાનો છું, હું ફિલ્મમાં હિરો તરીકે તને જ લઇશ. બાકી પેક-અપ થશે. તેમના કારણે જ હું વિલનમાંથી હિરો બન્યો છું. આજે જે હિતેનકુમારને જોઇ રહ્યા છો, તે તેમના કારણે છે. આજે પણ લોકો દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મને માઇલ સ્ટોન તરીકે યાદ કરે છે. ફિલ્મ ઇન્ડ.ના ખરાબ સમયમાં પણ તેઓ ઝઝુમતા રહ્યા હતા અને ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે હજુ બે ફિલ્મો બનાવવાની ઇચ્છા હતી. તેમણે ૨૩ ફિલ્મો બનાવી હતી અને તેમને ૨૫ ફિલ્મો પૂરી કરવી હતી.
    ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા હિતુ કનોડીયાએ ગોવિંદભાઇ પટેલને શ્રધ્ધાજંલિ અર્પતા જણાવ્યું કે, કાલ્પનિક વાર્તાઓ ઉપરથી ગુજરાતીમાં મહાન ફિલ્મો બનાવનાર ગોવિંદભાઇ એકમાત્ર નિર્માતા હતા. તેમની સાથે ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. પરંતુ મારી હિરો તરીકે કામ કરવાની ઇચ્છા અધુરી રહી ગઇ છે. જો મને તક મળત તો હું ચોક્કસ પણ જી.એન. ફિલ્મ્સ બેનર હેઠળ કરવાનો હતો.

     હિતુ કનોડીયાએ વધુમાં જણાવ્યું કે, ગોવિંદ પટેલ મહાન નિર્માતા હતા. તેઓ ચેલેન્જ સાથે ફિલ્મો બનાવતા હતા. આવા ટેલેન્ટેડ નિર્માતા ગુજરાતી ફિલ્મ ઇન્ડ.ને મળવા મુશ્કેલ છે. અત્યારે પ્રોજેક્ટ મેકર્સ મળશે, પરંતુ તેમના જેવા ફિલ્મ મેકર નહિં મળે તેમ તેને વધુમાં ઉમેર્યું હતું.
    અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે જણાવ્યું કે, ગોવિંદભાઈ પટેલ સાથે અમારા ફિલ્મી સંબંધ તો ખર જ પરંતુ સાથે સાથે ફેમીલી રીલેશન પણ હતા. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હતી નહિ તે પહેલાના તેઓ મારા પિતાને ઓળખાતા હતા. મારી પ્રથમ ફિલ્મ ઢોલો મારા મલકનોની રીલીઝ બાદ તેઓ મને મળવા આવેલા ગાંધીનગર ત્યારે મારૂ ભણતર ચાલુ હતું અને વેકેશન દરમિયાન મે એ ફિલ્મ કરેલી. મારા પિતાનું જયારે દેહાંત થયું ત્યારે ગોવિંદભાઈની ફિલ્મ તારો મલક મારે જોવો છે નું શુટિંગ ચાલતું હતું. તે સમયે તેઓ સવારે ૫ વાગે મારા ઘરે પંહોચી ગયા હતા. ત્યારે તેમણે મને બહુ જ સાંત્વના આપી હતી અને કહ્યું હતું કે તું ફરી ઇન્ડસ્ટ્રીઝમાં કમબેક કર. તેઓ મને ત્યારથી એક દીકરીની જેમ જ રાખતા હતા. તેઓ ફિલ્મોમાં મારા ગોડફાધર હતા. એમની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે.


n  ગજ્જર નીલેશ

No comments:

Post a Comment