જાણીતા દિગ્દર્શક જીતેન્દ્ર રાઠોડની વિદાય પર
તેઓને છેલ્લી ઘડીએ યાદ કરીએ
હમણાં હમણાં ગુજરાતી ફિલ્મો પર કોઈની માઠી નજર લાગી ગઈ હોય એવું લાગી
રહ્યું છે. થોડા સમયમાં કહો કે વધુ સમયમાં પણ હમણાં ઉપરવાળાને પણ સારા કલાકારોની
ખોટ પડી હોય તેવું લાગી રહ્યું છે. પોતાના નામમાં બબ્બે રાજના માલિક મૂળરાજ રાજડા,
રાજકોટના રામજી વાણીયા, ગુજરાતી ફિલ્મોના મહાનાયક પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી અને
હવે હમણાં જ ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ સ્વર્ગસ્થ થયેલા દિગ્દર્શક જીતેન્દ્ર રાઠોડ.
૨૨ જુલાઈ ૧૯૫૬ ના રોજ જન્મેલા જીતેન્દ્ર રાઠોડે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં અમુલ્ય
યોગદાન આપ્યું છે. તેઓ આ ક્ષેત્રમાં દિગ્દર્શક અને અભિનેતા બંને રીતે સક્રિય હતા. ફિલ્મ
લાઈનનો ૨૮ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જીતેન્દ્ર રાઠોડે ઘણી ગુજરાતી ફિલ્મો અને
ટીવી સીરીયલોનું દિગ્દર્શન કર્યું છે. મૂળ ગુજરાતના પણ વર્ષોથી તેઓ મુંબઈ જઈને
સ્થાયી થયેલા એટલે આ ક્ષેત્રના અમુક લોકો પણ તેને ઓળખી શક્યા નથી. જેમની અમુક
સીરીયલો જેવી કે બત્રીસ લક્ષણ (હાસમી વિઝન પ્રો.), છૂટાછેડા જે અમદાવાદ દૂરદર્શન
પર પ્રસારિત થતી હતી (ભાવેશ ફિલ્મ્સ), ઘર સંસાર (સેન્સેટીવ મેકર્સ), હિન્દી સીરીયલ
નવરંગ (શિવશક્તિ એન્ટરપ્રાઈઝ), અને આ જ બેનરમાં બનેલી અખંડ સૌભાગ્યવતી જેવી
સીરીયલોનું તેમણે સફળ દિગ્દર્શન કરેલું. આ ઉપરાંત તેઓએ ગાંગાણી ફિલ્મ્સના બેનર
હેઠળ ‘મન સાયબાની મેડીએ’ જેવી સુપર ડુપર હીટ ગોલ્ડન જ્યુબીલી ફિલ્મ, દલડા લીધા
ચોરી હો રાજ, મિંઢોળ છૂટ્યા માંડવે જેવી ૧૫૦ થી પણ વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું
છે. જેના માટે ટ્રાન્સમીડિયા તરફથી તેમને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.
૨૦૦૫ માં એક ગુજરાતી ફિલ્મ ‘તમે જીત્યા ને અમે હાર્યા’ જે ફિલ્મને ત્યારના
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ વખાણી હતી અને તેનો સ્પેશ્યલ શો ૯
માર્ચ ૨૦૦૫ ના રોજ ગાંધીનગર ખાતે રખાયો હતો. તે પહેલા ૨૪ ફેબ્રુઆરી ૨૦૦૫ ના રોજ
મુંબઈ જુહુ ખાતેના ચંદન સિનેમામાં પણ તેનો પ્રીમિયર શો રખાયો હતો.
તેઓએ ગુજરાતના અને બોલીવૂડના ખ્યાતનામ
દિગ્દર્શકો સાથે પણ આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. જેમાં બાબુભાઈ
મિસ્ત્રી ૬ ફિલ્મો, રાજકુમાર કોહલી ૫ ફિલ્મો, કૃષ્ણકાંત ૨ ફિલ્મો, સુભાષ શાહ ૮
ફિલ્મો, સુનીલ આર. પ્રસાદ ૪ ફિલ્મો, અનીલ મટ્ટો અને ભૂપેન દેસાઈ સાથે એક એક ફિલ્મો
કરી હતી. તેમના પરિવારમાં તેમના ધર્મપત્ની સરલા રાઠોડ, દીકરા આનંદ રાઠોડ અને તેમના
વહુ ભાવિકા રાઠોડ અને તેમનો પુત્ર રિત્વિક રાઠોડને તેઓ રડતા મૂકી આ ફાની દુનિયા
છોડી સ્વર્ગસ્થ થયા. તેમના પરિવાર સાથે આ ઇન્ડસ્ટ્રીઝને પણ એટલું જ દુખ છે કે આપણે
એક સારા દિગ્દર્શકને ખોવાનો વારો આવ્યો છે. પરંતુ ભગવાન પાસે મનુષ્યનું કંઇ ચાલતું
નથી. નહીતો આયુષ્યના બીજા વર્ષો પણ ઉધાર માગીને થોડુક પરિવાર પર વહાલ વરસાવી શકત.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment