facebook

Monday, 12 October 2015

upendra trivedi

એક ચહેરાથી હતી વસ્તી બધી,
સાવ સુનો હવે ડેલો થઇ ગયો
ઉપેન્દ્ર ત્રિવેદી





કેવા હઠીલા છે આ જીવલેણ રોગો પણ,
કામમાં ન આવે કંઇ સત્યના પ્રયોગો પણ,
ક્રોસ પર ચઢે કોઈ, રામ કહી ઢળે કોઈ,
એની એ જ દુનિયા, ને એના એ જ લોકો પણ
    મુંબઈ ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટકહેવાયેલા અને ગુજરાતના ભૂતપૂર્વ વિધાનસભ્ય ઉપેન્દ્ર ત્રિવેદીનું બીમારીને કારણે તા. ૪ જાન્યુઆરીની મોડી રાતે નિધન થયું છે. તે ૭૫ વર્ષના હતા. પદ્મશ્રીએવોર્ડથી સમ્માનિત ઉપેન્દ્રભાઈ છેલ્લા ચાર-પાંચ મહિનાથી બીમાર હતા. એમને કરોડરજ્જૂમાં દુખાવો રહેતા એમને સ્પાઈનની સર્જરી માટે અગાઉ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપેન્દ્રભાઈએ ૭૦ના દાયકામાં અભિનય ક્ષેત્રે તેમની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે ૪૦ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને સેવા આપી હતી. ઉપેન્દ્રભાઈના પાર્થિવ દેહના ૫ જાન્યુઆરીના રોજ બપોરે મુંબઈના વિલે પારલેસ્થિત સ્માશનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે વખતે પરેશ રાવલ, સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય છેલ, સંજય ગોરડિયા, ઉમેશ શુક્લ, પ્રફુલ દવે, ગુજરાતી અભિનેતા ચંદન ઠાકોર હાજર રહ્યા હતા.

    ગુજરાતી ફિલ્મોએ જોયેલા સુવર્ણ યુગને ઉપેન્દ્ર ત્રિવેદી યુગ તરીકે ઓળખવામાં આવે છે. એમના જેવી સફળતા અને લોકપ્રિયતા રાષ્ટ્રીય સ્તરે પણ બહુ ઓછા કળાકારો મેળવી શક્યા છે. એક જ હકીકત એમની સફળતાની મહત્તા સિદ્ધ કરે છે તે એ છે કે ધર્મેન્દ્ર-હેમામાલિનીની હિટ જોડીની જેટલી હિન્દી ફિલ્મો બની છે એના કરતાંય બે-ત્રણ વધુ ફિલ્મો ઉપેન્દ્ર ત્રિવેદી-સ્નેહલતાની જોડીની બની છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના કુકડિયા ગામમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દી મુંબઈમાં ઓલ ઈન્ડિયા રેડિયોમાં શરૂ કરી હતી. તેમણે અભિનેતા તરીકે કરેલી ફિલ્મોમાં ગરવો ગરાસિયો, રાણક દેવી, મચ્છુ તારા વહેતા પાણી, સોરઠની પદમણી, ચૂંદડીનો રંગ, ચૂંદડી ઓઢી તારા નામની, કાદુ મકરાણી, જોગીદાસ ખુમાણ, પાતળી પરમાર, સંતુુ રંગીલી, રેતીના રતન, હોથલ પદમણી, પૈસો બોલે છે, ચિતડાનો ચોર, શેતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણી, ભવ ભવના ભેરુ વગેરેનો સમાવેશ થાય છે.
સમ્રાટમાં નથી કે દરવેશમાં નથી,
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી

    એમની ફિલ્મો અને નાટકો વિષે તો દૈનિક સમાચાર પત્રોમાં ઘણું બધું આવશે જ પણ હું તમને એવા કિસ્સા કહી રહ્યો છું જે તેમના જીવનમાં વાસ્તવિક બની ગયા છે અને આપણા સંભારણા રૂપે તે યાદ રહેશે.
****************

    એક નાટ્યખંડ ભજવવા માટે ઉપેન્દ્ર ત્રિવેદી કફની અને ધોતિયું ચડાવીને સ્ટેજ પર પ્રવેશ્યા. આવા પહેરવેશમાં ગુજરાતીને બદલે તે ઉત્તર પ્રદેશના રહેવાસી જેવા દેખાતા. સાવ અલગ પહેરવેશથી બધાનું ધ્યાન તેની તરફ ખેંચાયું. પરંતુ ઉપેન્દ્ર ત્રિવેદીએ પસંદ કરેલો નાટ્યખંડ કરુણરસપ્રધાન હતો. આ પ્રેક્ષકો શૃંગાર અને હાસ્ય એ બે રસથી ટેવાયેલા અને અતિશય કડક આલોચકો, નાપસંદગીની તત્ક્ષણ અભિવ્યક્તિ કરી દેવામાં સૌ માને. આ બધા વચ્ચે ઉપેન્દ્ર નામના નવા સવા છોકરાએ કરુણરસનો નાટ્યખંડ ભજવવાનું શરૂ કર્યું. ત્યારે પ્રેક્ષકોએ એમને આવડતા હતા એ બધા જાનવરોના અવાજો કાઢવા માંડ્યા. આ ઉપરાંત સિસોટીઓ, તાળીઓ અને હાસ્યનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ ખરું. પરંતુ સામે ઉપેન્દ્ર ત્રિવેદી પણ જાણે એમની સામે હોડમાં ઉતર્યા હતા. આ બધી ધમાલથી વિચલિત થયા વિના એણે પોતાની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો. તન્મય થઈને ભજવણી કરી, આંખમાં આંસુ, અવાજમાં વેદના અને હાવભાવ દ્વારા લાગણીઓને એણે સચોટ રીતે વ્યક્ત કરી. અને આખરે પ્રેક્ષકોએ શાંત થઇ જવું પડ્યું.
***************

    એક નાટક હતું ‘શાહજહાં’. જેને હિન્દીમાં દ્વિજેન્દ્રલાલ રાયે લખેલું અને ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતીમાં રૂપાંતર કરેલું. આ નાટક પહેલું વહેલું મહારાષ્ટ્ર રાજ્ય નાટ્ય મહોત્સવમાં રજૂ થયેલું. ઘણા બધા પાત્રો હતા આ નાટકમાં. શાહજહાંના પુત્ર ઔરંગઝૈબની સંકુલ ભૂમિકા ઉપેન્દ્ર ત્રિવેદીએ ભજવી હતી. આ નાટકનો એક રસપ્રદ કિસ્સો.
    મોગલ શહેનશાહ ઔરંગઝૈબ રાજદરબારમાં હાજર થાય ત્યારે મોટેથી ‘બા..... અદબ, બા..... મુલાહિજા, હોંશિયાર’ એમ બોલાય અને એ પછી શહેનશાહનો પ્રવેશ થાય. આ નાટકમાં અનેક પાત્રો હોવાથી મોટા ભાગના તો નૈપથ્યમાં કંઇકને કંઇક કામમાં લાગેલા અને શહેનશાહને તખ્તા પર એટલે કે રાજદરબારમાં હાજર થવાની ક્ષણ આવી ગઈ. એટલામાં તો બુલંદ અવાજે ‘બા..... અદબ, બા..... મુલાહિજા’ કાને પડ્યું અને મોગલ સમ્રાટ ઔરંગઝૈબ એટલે કે ઉપેન્દ્ર ત્રિવેદી તખ્તા પર પેશ થયા. કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે, ‘બા..... અદબ, બા..... મુલાહિજા’ બીજું કોઈ નહિ, ખુદ ઉપેન્દ્ર ત્રિવેદીએ જ સમયસુચકતા પૂર્વક બોલીને પછી નાટકીય રીતે સમ્રાટ ઔરંગઝૈબ તરીકે ‘એન્ટ્રી’ કરી હતી.
*****************

    ઉપેન્દ્ર ત્રિવેદી જેવા કોઈ બીજા કલાકાર છે પણ નહિ અને હવે ભવિષ્યમાં થશે પણ નહિ. તેઓ અચ્છા અભિનેતા તો હતા જ કે તેઓ ગમે તેવી ભૂમિકાને ન્યાય આપી શકતા પરંતુ તેમનું એક હસમુખું પાસું પણ હતું જે ‘ઝેર તો પીધા જાણી જાણી’ નાટકમાં જોવા મળ્યું હતું.
    આ નાટકના પ્રથમ અંકમાં ગોપાલબાપાને લેવા માટે બ્રહ્માનંદ અને નિત્યાનંદ નામના બે સ્વામીનારાયણના સાધુ સ્વર્ગમાંથી આવે છે. ગોપાલબાપાનું પાત્ર વિષ્ણુકુમાર વ્યાસ ભજવતા હતા. દ્રશ્ય મુજબના સંવાદો પછી ગોપાલબાપાએ બે ડગલા ચાલીને ઢળી પડવાનું હતું. એ વખતે એમના અનુયાયીઓએ હર્ષ – શોક મિશ્રિત સ્વરે ‘આજની ઘડી તે રળિયામણી’ નું ગાન કરવાનું હતું. આથી પ્રેક્ષકગૃહમાં કરુણરસનું મોજું પ્રસરે અને મૃત્યુની અદબ જાળવતા પ્રેક્ષકો સ્તબ્ધ બનીને બેસી રહે. પરંતુ આ પ્રસંગ બન્યો તે વખતે ગોપાલબાપાનું પાત્ર ભજવનાર વિષ્ણુકુમારનું મૂંઝવણ જરા અલગ પ્રકારની હતી. એમના ખિસ્સામાં પનામા સિગરેટનું એકનું એક પાકીટ હતું. છેલ્લા ખેલના પુરસ્કારમાંથી એમણે એ ખરીદેલું. એમને ખબર હતી કે પોતાના બે અંતેવાસીઓનો પાઠ કરનાર જયંત શાહ અને ચંદ્રકાંત સોની ગોપાલબાપા મરી જાય એટલે એમના ખિસ્સામાંથી એમની સિગરેટ કાઢી લેવાની વેતરણમાં હતા. આ સંજોગોમાં મંચ પર સંવાદ આવે,
    ‘આવીએ કે?’ સાધુઓ બોલ્યા.
    ‘આવો, આવો, અંગના ઓશિકા કરું, પંડના પાથરણા કરું.’
    ગોપાલબાપા બોલ્યા અને પછી ધીમા અવાજે ચંદ્રકાંત સોનીને કહ્યું, ‘અલ્યા સોનકા, બંડીમાં સિગરેટ છે, લેતો નહિ.’
    વળી સંવાદ આગળ ચાલ્યો.
    ‘તૈયાર છો ને?’
    ‘સાન્નિધ્યમાં જ બેઠો છું, પ્રભુ,’ આમ કહીને ગોપાલબાપાએ જયંત શાહને ઉદ્દેશીને ધીમેથી કહ્યું, ‘દામા, પેલો સિગરેટ લુટે નહિ તે તું જોજે, તને પણ પછીથી બીજી એક આપીશ.’
    પરંતુ મંચ પર ગોપાલબાપાનું મૃત્યુ થાય ન થાય ત્યાં તો પેલા બંને જણે સિગરેટનું પાકીટ એમના ખિસ્સામાંથી કાઢી લીધું. ગોપાલબાપા એટલે મૃત્યુનો અભિનય કરનાર વિષ્ણુકુમારે જોયું કે, સિગરેટ બચાવવા માટે પોતે હલનચલન કરશે તો ખેલ બગડી જશે. એ વખતે તો ખરેખર એમની હાલત ‘મેરી દુનિયા લુટ રહી થી ઔર મે ખામોશ થા’ જેવી થઇ. આ લુતેલી સિગરેટની લિજ્જત ચંદ્રકાંત સોની, જયંત શાહે માણી અને વિંગમાં ઉભેલા ઉપેન્દ્ર ત્રિવેદીને પણ એક આપી.
********************

    ગુજરાતી ફિલ્મોના વિખ્યાત નિર્માતા મનહર રસ કપૂરના નાના ભાઈ અરુણ રસ કપૂર ઉપેન્દ્ર ત્રિવેદીના મિત્ર હતા. એ ગાળામાં આમ પણ ગુજરાતી ફિલ્મો બહુ જુજ પ્રમાણમાં બનતી અને જે બનતી એમાંની મોટાભાગની ફિલ્મો મનહર રસ કપૂરની રહેતી. અરુણભાઈ દ્વારા ઉપેન્દ્ર ત્રિવેદીએ મનહર રસ કપૂર પર ‘શરસંધાન’ કરવાનું ચાલુ કર્યું હતું. એકાદ વર્ષના એમના પ્રયાસો પછી મનહર રસ કપૂરે તેમને ‘કાદુ મકરાણી’ ફિલ્મમાં પહેલીં તક આપી. બહુ નાનો રોલ હતો. પણ એ એમણે ખંતપૂર્વક સારી રીતે કર્યો. એ પછી ‘મહેંદી રંગ લાગ્યો’ માં બીજી તક આપી. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ થોડું વધુ હીર દાખવ્યું. એટલે એ પછીની ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’ માં એમને સાઈડ હીરોનો રોલ આપ્યો. ત્યારથી એમની સાચી ફિલ્મ કારકિર્દી શરૂ થઇ. એમનામાં આત્મવિશ્વાસ પ્રગટ્યો.
    બીજી બાજુ તખ્તા પર તેની ખ્યાતી પ્રસરવા માંડી. એના નાટકો જોવા માટે ફિલ્મોના નિર્માતા કે દિગ્દર્શકો આવવા લાગ્યા. એ રીતે એકવાર રવીન્દ્ર દવે એમનું ‘અભિનય સમ્રાટ’ નાટક જોવા આવેલા. આ નાટક જોઇને, એમાં ઉપેન્દ્ર ત્રિવેદીની અભિનય છટા જોઇને એ ખૂબ પ્રભાવિત થયા. અને એમણે આ પ્રતિભાશાળી કલાકારને ફિલ્મોમાં કામ આપવાનું નક્કી કરી લીધું. આ અગાઉ ઉપેન્દ્ર ત્રિવેદીએ શરૂમાં ફિલ્મોમાં નાની નાની ભૂમિકાઓ સ્વીકારવાની શરૂઆત કરી એ વખતે એક અનુભવી લેખે હની છાયાનો અભિપ્રાય માંગ્યો હતો. એ વખતે હની છાયાએ કહેલું, ‘તું હીરો બનવાના ધખારા ન રાખતો, તારો એ જાતનો ચહેરો નથી. પરંતુ હિન્દી ચલચિત્રોમાં અત્યારે વિલનની ખોટ છે, તું મનથી વિલન બનવાનું નક્કી કરીને ઘુસણપટ્ટી કર, તો યુવાન વિલન તરીકે ચાલીશ. તારો સ્વભાવ તને અંદર દાખલ થવામાં મદદ કરશે.’ હની છાયાએ આપેલી આ સોનેરી સલાહને સાચી પાડતો હોય એમ એ પછીના થોડા વરસો પછી ઉપેન્દ્ર ત્રિવેદીએ હની છાયાને વધામણી આપતા જણાવેલું, ‘બાપુ, રવીન્દ્ર દવેના ‘નગીના’ માં મેં સંજય ખાન સાથે વિલનની ભૂમિકા સ્વીકારી છે. અને જ્યાં નોકરી કરતો હતો તે રબર કંપની છોડી દીધી છે.’

    રવીન્દ્ર દવેએ ‘અભિનય સમ્રાટ’ નાટક જોયા પછી ઉપેન્દ્ર ત્રિવેદીને પોતાની ‘નગીના’ ફિલ્મમાં વિલનનો મુખ્ય રોલ આપ્યો. આ ફિલ્મમાં હીરો સંજય ખાન તેમજ હિરોઈન લીના ચંદાવરકર હતી. એ સિવાય કૃષ્ણકાંત, બીપીન ગુપ્તા જેવા કલાકારો પણ હતા. અત્યાર સુધી સાઈડની ભૂમિકાઓ કરતા ઉપેન્દ્ર ત્રિવેદીને આ રીતે એક સરસ તક મળી. પરંતુ ગુજરાતી ફિલ્મોનું ભાગ્ય નિર્મિત થવાનું કદાચ લખાયેલું હશે. એટલે ‘નગીના’ ફિલ્મ કોઈપણ કારણોસર રીલીઝ ન થઇ શકી. ફિલ્મની પરિભાષામાં કહીએ તો એ ફિલ્મ ડબ્બામાંથી બહાર ન આવી શકી. રવીન્દ્ર દવે હળવદના બ્રાહ્મણ ખરા, પણ એ લાહોર રહેલા. લાહોરના પંચોલી સ્ટુડીઓમાં ફિલ્મ નિર્માણ કરતા દલસુખ પંચોલીના ભાણેજ થાય. એમને ગુજરાત વિષે મમત્વ ભારોભાર. આ તરફ ‘નગીના’ ફિલ્મ માટેનો કાચો માલ વધેલો એ પડ્યો રહેલો. એ ફિલ્મના કસબીઓ પણ કામ વગરના બેઠેલા. આ વખતે જીતુભાઈ પ્ર. મહેતા, દિનેશ રાવળ જેવા મિત્રોએ રવીન્દ્ર દવેને ગુજરાતી ફિલ્મ ‘જેસલ - તોરલ’ બનાવવાનું સુચન કર્યું. આ ફિલ્મ માટે વધારાનું કશું રોકાણ કરવાનું હતું નહિ. ઉપરથી પડતર સાધન સામગ્રી તેમજ કલાકારો કામમાં આવી જાય તેમ હતું. ‘જેસલ – તોરલ’ માં જેસલની મુખ્ય ભૂમિકા કોને આપવી એ વિષે કશું વિચારવાનું હતું જ નહિ. કેમ કે ઉપેન્દ્ર ત્રિવેદીને ‘નગીના’ માટે લીધેલો. તેની સાથે કામ કરવું બધી રીતે અનુકુળ હતું. આથી ‘જેસલ જાડેજા’ ની ભૂમિકા આપોઆપ સર્વાનુમતે ઉપેન્દ્ર ત્રિવેદીને મળી. આ ફિલ્મની પટકથા જીતુભાઈ પ્ર. મહેતાએ લખેલી. ઉપેન્દ્ર ત્રિવેદીની સામે નાયિકા તરીકે અનુપમા હતી. તો તોરલના પતિ સાસતિયાની ભૂમિકામાં અરવિંદ ત્રિવેદી હતા. રમેશ મહેતા પણ આ ફિલ્મથી કોમેડિયન તરીકે પ્રવેશ્યા. આમ, પછીથી ગુજરાતી ફિલ્મોના પડદા પર રાજ કરનારા અભિનેતાઓ માટે આ ફિલ્મ પ્રવેશદ્વાર સમી બની રહી. આ ફિલ્મમાં સંગીતકાર અવિનાશ વ્યાસે ઈસ્માઈલ વાલેરા તેમજ દિવાળીબેન ભીલ જેવા લોકગાયકોના અવાજને પડદે લીધો. આ ફિલ્મનું નિર્માણ મુંબઈમાં થયું. પરંતુ ગુજરાત સરકારે પ્રોત્સાહન માટે તેને ત્રણ મહિના પૂરતું કરમુક્ત જાહેર કરી. આ ફિલ્મ બોક્સઓફીસ પર ખૂબ ચાલી. કેમકે કચ્છની આ કથા લોકોના હૈયા સાથે જડાયેલી હતી. છેક ૧૯૪૮ માં ‘જેસલ – તોરલ’ પ્રથમવાર બની એ વાતને વરસો વીતી ગયા હતા. પોતીકી લગતી આ કથાને પડદા પર સાકાર થતી જોઇને ગુજરાતના લોકોએ ટીકીટબારી છલકાવી દીધી. ઉપેન્દ્ર ત્રિવેદીએ લોકોના હૈયામાં સ્થાન જમાવી દીધું. એ વખતની ગુજરાતી ફિલ્મોની પરિસ્થિતિ અન્ય એક હકીકતથી પણ સ્પષ્ટ થશે. ૧૯૬૦ માં રચાયેલી ગુજરાત સરકારે શરૂઆતથી ગુજરાતી ફિલ્મોની કેટેગરીમાં એવોર્ડ આપવાનું ચાલુ કર્યું હતું. જેમાં ‘જેસલ – તોરલ’ રજૂ થઇ એ વરસે એટલે કે ૧૯૭૧ માં ગુજરાતી ફિલ્મો ફક્ત બે બની હતી. બીજી ફિલ્મ હતી મનહર અરસ કપૂર નિર્દેશિત ‘ઉપર ગગન વિશાળ’. ખરેખર તો એવોર્ડમાં સ્પર્ધા જેવું કંઇ હતું નહિ. છતાં ફિલ્મની સફળતા દર્શાવવા પૂરતું કહી શકાય કે, એ વરસના મોટાભાગના એવોર્ડઝ ‘જેસલ – તોરલ’ ને ફાળે ગયા. આમ, ‘નગીના’ ની નિષ્ફળતા blassing in disguise સાબિત થઇ. એ પછીના થોડા વરસો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સુવર્ણકાળ સમા બની રહ્યા.

    ‘જેસલ – તોરલ’ ની સફળતા જોઇને ખુદ ઉપેન્દ્ર ત્રિવેદીને ફિલ્મના નિર્માણમાં ઝુકાવવાનું મન થયું. અને પોતે ફિલ્મનું નિર્માણ કરવાનું હોય ત્યારે ‘ઝેર તો પીધા જાણી જાણી’ થી ઉત્તમ બીજી કથા હોઈ શકે? આ નવલકથાના નાટ્ય રૂપાંતરે ઉપેન્દ્ર ત્રિવેદીને ઘણી ખ્યાતી અપાવી હતી. ફિલ્મોના માધ્યમ દ્વારા તે હજીય બહોળા જનસમૂહ સુધી પંહોચી શકે એવી સબળ એ કથા છે. ઉપેન્દ્ર ત્રિવેદીની દિગ્દર્શક તરીકેની ‘ઝેર તો પીધા જાણી જાણી’ પ્રથમ ફિલ્મ હતી. છતાં અત્યાર સુધીનો કેમેરાના માધ્યમનો અનુભવ તેને અહીં ઘણો કામ આવ્યો. તેનું દિગ્દર્શન ખૂબ વખણાયું. આ આખી ફિલ્મનું ટેકિંગ કેટલી સમજદારીથી થયું હતું. એમાં ક્લોઝઅપ ખાસ સૂઝથી વપરાવા જોઈએ, કેમકે આ કથા કોઈ બે પ્રેમીઓ, કોઈ કુટુંબ કે ગામની વાર્તા નથી. પરંતુ સમગ્ર ગુજરાતી સમાજનું ચરિત્રચિત્રણ છે. એમાં કટીંગની લય ધીમી – જાણે એક વિશાળ અને ઊંડી નદી ધીમેધીમે વહી જતી હોય તેવી હોવી જોઈએ. ઉપેન્દ્ર ત્રિવેદીએ સમજદારીપૂર્વક તેમ કર્યું હતું. દિગ્દર્શક તરીકેની આ પહેલી ફિલ્મ હોવાથી આટલી સુઝની એના દિગ્દર્શક પાસેથી કોઈએ આશા નહિ રાખી હોય. પણ ઉપેન્દ્ર ત્રિવેદી તો ‘ઝેર તો પીધા જાણી જાણી’ માં ફિલ્મની કોઠાસૂઝ અને સામાજિક મૂલ્યો પ્રતિ પોતાની પ્રામાણિક નિષ્ઠાથી ખાતરી કરાવી આપી હતી. આ ઉચ્ચ કક્ષાની ફિલ્મ જોકે બોક્સઓફીસ પર તદ્દન નિષ્ફળ રહી. એ માટે કારણોમાં કદાચ એ હોઈ શકે કે હજી લોકરૂચી આ પ્રકારનું કથાવસ્તુ ઝીલવા જેટલી ઘડાઈ ન શકી હોય. ઉપેન્દ્ર ત્રિવેદીની આ ફિલ્મ ઉતરી ગયા પછી જ એને ખબર પડી કે જાણી જોઇને ઝેર પીધું છે. પૈસાની દ્રષ્ટીએ માર પડ્યો, પણ ગુજરાતની પ્રજાના હદયમાં એ દ્વારા એ નીલકંઠ થઇ ગયા. આ એનો એવોર્ડ.
    શ્રેષ્ઠ અભિનેતા, પટકથા લેખક, દિગ્દર્શક અને નિર્માતાનો આવો ચતુરંગી એવોર્ડ હજી સુધી કોઈને મળ્યો નથી અને છતાય એટલું જ સમજવાનું છે કે એ ફિલ્મમાંથી એને માત્ર એવોર્ડ જ મળ્યા. બોક્સઓફીસ પર નિષ્ફળ રહેલી આ ફિલ્મના ઉલ્લેખ વગર ગુજરાતી ફિલ્મોની વાત અધુરી લેખાય એવી એ ફિલ્મ બની. એ પછીના ૧૯૭૩ ના વરસમાં મનુ દેસાઈ દિગ્દર્શિત ‘કાદુ મકરાણી’ રજૂ થયું. જેમાં ફરી એકવાર ઉપેન્દ્ર ત્રિવેદી અને અનુપમાની જોડી હતી. અગાઉ ‘કાદુ મકરાણી’ માં સાઈડ રોલ કરનાર ઉપેન્દ્ર ત્રિવેદીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરી હતી. આ ફિલ્મ ઘણી સફળ થઇ.
    ૧૯૭૩ માં રજૂ થયેલી ઉપેન્દ્ર ત્રિવેદીને ચમકાવતી ત્રણ ફિલ્મો કાદુ મકરાણી, રાજા ભરથરી અને રાણકદેવી જબરદસ્ત હીટ રહી. આ ફિલ્મના ગીતો, એમની જાણીતી કથા અને એમની માવજતને કારણે પ્રેક્ષકોએ તેમને અભૂતપૂર્વ આવકાર આપ્યો. ‘રાજા ભરથરી’ રવીન્દ્ર દવેએ દિગ્દર્શિત કરી હતી અને હાસ્ય અભિનેતા રમેશ મહેતાએ સૌપ્રથમવાર તેની પટકથા અને સંવાદ લખ્યા હતા. એમાંય આ ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત ‘પહેલા પહેલા જુગમાં રાણી.....’ તેમજ ‘ભિક્ષા દે ને મૈયા પિંગળા.....’ એ તો લોકોની આંખો તેમજ હૈયા ભીંજવી દીધા. એ પછીના વરસ ૧૯૭૪ માં ઉપેન્દ્ર ત્રિવેદીને ચમકાવતી વધુ ફિલ્મો ઘૂંઘટ, હરિશ્ચન્દ્ર તારામતી, હોથલ પદમણી અને જય રણછોડ આવી. જેમાંની ‘હોથલ પદમણી’ રવીન્દ્ર દવેએ દિગ્દર્શિત કરી હતી. આ વરસમાં કુલ છ ફિલ્મો આવી. આમ, ફિલ્મોની સરેરાશ જળવાઈ રહેવા છતાં જે રીતે ટીકીટબારી પર ફિલ્મો સફળ થઇ તે જોતા એવું લાગતું હતું કે, ગુજરાતી ફિલ્મોના નિશ્ચેત ખોળીયામાં ધીમેધીમે ચેતનાનો સંચાર થઇ રહ્યો હતો. અને આ ગુજરાતી ફિલ્મ પર સંજીવની છાંટવામાં રવીન્દ્ર દવે તેમજ ઉપેન્દ્ર ત્રિવેદીનો મુખ્ય ફાળો હતો. આખા ચિત્ર માટે ઉપેન્દ્ર ત્રિવેદીને માત્ર ૫૦૦ રૂપિયા મહેનતાણું મળેલું.
    ગુજરાતી ફિલ્મોને ટીકીટબારી પર મળતી સફળતા જોઇને ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું અને ૧૯૭૫ માં સો ટકા કરમુક્તિની જાહેરાત કરી. અને એને કારણે સાવ મરણપથારીએથી થોડો – ઘણો બેઠો થયેલો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ રીતસર દોડવા લાગ્યો. ૧૯૬૨ થી ૧૯૭૪ સુધી વરસે પાંચની સરેરાશે બનતી ગુજરાતી ફિલ્મોનો આંકડો ૧૯૭૫ માં સીધો ૧૨ થઇ ગયો. એ પછી ૧૯૭૬ માં ૨૯ ફિલ્મો, ૧૯૭૭ માં ૩૦ ફિલ્મો, ૧૯૭૮ માં ૩૨ ફિલ્મો, ૧૯૭૯ માં ૩૮ ફિલ્મો, ૧૯૮૦ માં ૩૪ ફિલ્મો અને ૧૯૮૧ માં પણ ૩૪ ફિલ્મો બની. સાચા અર્થમાં ગુજરાતી ફીલ્મઉદ્યોગનો સુવર્ણકાળ શરૂ થયો અને આ સુવર્ણયુગના મહાનાયક તરીકે ઉપેન્દ્ર ત્રિવેદીનું નામ અગ્રણી બની રહ્યું. આગળ જણાવી એ ફિલ્મો ઉપરાંત શેતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણી, ચુંદડીનો રંગ, માલવપતિ મુંજ, ‘રા’નવઘણ, સંતુ રંગીલી, વીર માંગડાવાળો, હલામણ જેઠવો, મનનો માણીગર, પૈસો બોલે છે, સદેવંત - સાવળીંગા, સોન કંસારી, ચુંદડી ઓઢી તારા નામની, દાદા ખેતરપાળ, માણેકથંભ, પાતળી પરમાર, વેરની વસુલાત, અમરસિંહ રાઠોડ, ગરવો ગરાસિયો, નવરંગ ચુંદડી વગેરે અનેક ફિલ્મો આવી. ગુજરાતી ફિલ્મોનું જાણે ઘોડાપુર આવ્યું હોય એમ ટીકીટબારીઓ તેમજ નિર્માતાઓના ખિસ્સા છલકાઈ ગયા એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ઉપેન્દ્ર ત્રિવેદીએ અનુપમા, તરલા મહેતા, કાનન કૌશલ, તનુજા, સુષ્મા વર્મા, અનુરાધા પટેલ, વિદ્યા સિન્હા, અરુણા ઈરાની, લક્ષ્મી છાયા, રીટા ભાદુરી, રાગિણી જેવી અનેક નાયિકાઓ સાથે કામ કર્યું. પરંતુ પડદા પર તેની અને સ્નેહલતાની જોડી હીટ બની રહી. લગભગ ૩૬ ફિલ્મો આ જોડીએ આપી.
    મદ્રાસના જૈમીની પિક્ચર્સવાળા એસ.એસ.બાલને ‘વેરની વસુલાત’ બનાવ્યું. જે જૈમીનીની સ્ટાઈલ મુજબનું ભવ્ય પોષાક ચિત્ર હતું. આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ બેવડી ભૂમિકા કરેલી. નિર્માતા કે દિગ્દર્શક ગમે તે હોય પરંતુ ઉપેન્દ્ર ત્રિવેદી સૌની પહેલી પસંદ હતા.



           

No comments:

Post a Comment