facebook

Saturday, 24 October 2015

padmarani

રંગભૂમિ પર હજી ‘બા રિટાયર નથી થયાં’ – પદ્મારાણી


    ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોની મહારાણી પદ્મારાણી આજે ૭૦ પ્લસ પછી પણ ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પ્રવૃત્ત છે. રંગીલી, છેલછબીલી અને મોજીલી આ મરાઠી-ગુજરાતણનો ચહેરો જ નહીં, બોલી અને જીવનમાં પણ ગુજરાતી જ ધબકે છે. આવાં રંગીલા કલાકારનો રવિવાર કેવો હોય? પદ્મારાણી રવિવારની કથાનો આરંભ કરતાં કહે છે, ‘રવિવાર મારા માટે વાહઅને આહનો દિવસ! કારણ કે દર રવિવારે મારે નાટકનો શો હોય જ. છેલ્લાં ૫૦ વર્ષથી ભાગ્યે જ કોઇ રવિવાર મારા માટે ખાલી ગયો હશે. ૧૯૬૨ના વર્ષમાં જ્યારે શ્વેત-શ્યામ ગુજરાતી ફિલ્મોનો જમાનો હતો ત્યારે મેં ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડ્યાં હતાં. જોકે ફિલ્મોમાં ગયા પછી પણ મેં સ્ટેજ છોડ્યું નહોતું. નાટકો તો હું પહેલેથી જ કરતી.

   
પદ્મારાણીનાં લગ્ન ફક્ત ૧૮ વર્ષની ઉંમરે જ થયાં હતાં. જાણીતા જમીનદાર અને પછી નાટકોના નિર્માતા બનેલા નામદાર ઇરાની સાથે પ્રેમ થતાં તેમણે નાની ઉંમરે જ લગ્ન કરી લીધેલાં. પોતે મરાઠી અને નામદાર પારસી. તે જ સમયે તેમણે સંજીવકુમાર સાથે ગુજરાતી ફિલ્મ કલાપીમાં કવિ કલાપીની પત્ની રમાનો રોલ કરેલો. તે સમયની તસવીર તેમના ઘરની દીવાલ પર જોતાં તે જમાનાની તેમની ભવ્યતા આંખે ઊડીને વળગે. પદ્માબહેન તે સમયે એવી નાનકડી, રૂપકડી સુંદરી લાગે કે ખરેખર જ તે કોઇની પ્રેરણા બની શકે.

    પદ્માબહેન કહે છે, ‘નાટકો કરવા હું ફિલ્મનિર્માતાઓ સાથે કમિટમેન્ટ કરતી કે રવિવારે તો હું રંગભૂમિને જ સમર્પિત રહીશ. આથી જો અમદાવાદ કે ગુજરાતમાં ક્યાંય શૂટિંગ હોય તો શનિવારે રાત્રે હું ટ્રેનમાં બેસી જ જાઉં અને રવિવારે મુંબઈમાં હાજર થઇ જાઉં. રંગભૂમિ એટલે રંગદેવતા. તેના પર અભિનયનો રંગ ચડાવવાનો પાનો એટલો કે શો દરમિયાન યાદગાર, ચોટદાર સંવાદો કે અભિનય પર દર્શકોની તાળીઓ અને સીટીઓનો વરસાદ વરસે ત્યારે હૈયું હરખાઇ જાય અને મનમાંથી ઉદગાર સરી પડે, વાહ ભગવાન, વાહ! આ જ અમારો પ્રાણ ટકાવી રાખવા માટેનો શ્વાસ છે. તાળીઓની ગુંજ અનન્ય શક્તિનો ઉદભવ કરે છે. મેં અત્યાર સુધીમાં ૧૭૫થી વધારે ગુજરાતી ફિલ્મો કરી છે, તેમાં પાતળી પરમાર’, ‘ગંગાસતી’, ‘લોહીની સગાઇ’, ‘અખંડ સૌભાગ્યવતી’, ‘નરસૈયાની હૂંડી’, ‘કસુંબીનો રંગ’, ‘શામળશાનો વિવાહ,’ જેવી કેટલીય ફિલ્મો સુપરહિટ થઈ હતી.હિન્દી સિરિયલો તો તેમણે ફક્ત ચાર-પાંચ જ કરી છે. જેમાં હિમેશ રેશમિયાની ત્રણ સિરિયલો તથા સ્વપ્ન કિનારેના ૧૦૦૦ એપિસોડ્સ તેમણે કર્યા હતા. બાએ મારી બાઉન્ડરી’, ‘કેવડાનાં ડંખ’, ‘બા રિટાયર થાય છે’, ‘સપ્તપદી’, ‘ચંદરવોજેવાં અસંખ્ય નાટકોના તેમણે પાંચથી છ હજાર શોઝ કર્યા છે તથા જય સંતોષી મા’, ‘દિલ’, ‘જાલીમજેવી કેટલીક હિન્દી ફિલ્મો પણ કરી છે. પદ્માબહેન કહે છે, ‘હું ક્યારેય સામેથી કામ લેવા નથી જતી. મારી પાસે નાટકો જ એટલાં બધાં હોય કે મારે ફિલ્મોમાં શા માટે ફિલ્ડિંગ ભરવી પડે? આજે ૭૦ ઉપરની વયે પહોંચ્યા પછીયે કામનો ઉત્સાહ કે લગન નથી ઘટ્યા, પણ ભાગદોડ ઓછી કરું છું. ફક્ત નાટકોમાં જ વધારે ધ્યાન આપું છું. દૈનિક સિરિયલોમાં કામ નથી કરતી. ઓફર્સ તો એટલી આવે છે, પણ મોટા ભાગની સિરિયલોનાં શૂટિંગ બોઇસર, નાયગાંવ, મીરા રોડ એમ દૂરનાં સ્થળોએ થતાં હોય છે. વળી, તેના શૂટિંગ શિડ્યુલનો સમય પણ સવારે ૧૦થી રાત્રે ૧૦થી ૧૨ વાગ્યા સુધી હોય છે. જેના કારણે ઘરમાં શાંતિથી ખાવા-પીવાનો કે આરામ કરવાનો સમય જ ન રહે. આવું હાડમારીભર્યું જીવન કંઇ હવે જીવી ન શકાય. વળી, અત્યારના નિર્માતાઓ તો મારા જેવી વર્ષો જૂની કલાકારને પણ ઑડિશન આપવાનું કહે. અરે! ભઇલા, આ ઇન્ડસ્ટ્રીમાં મેં ૫૦ વર્ષ ગાળ્યાં. શું તે પાણીમાં ગયાં છે કે મારે આ ઉંમરે ઑડિશન આપવા જવું પડે! મારા અભિનય માટે કંઇ મારે પરીક્ષા આપવાની ન હોય! આથી જ હું તેનાથી છેટી રહું છું. એવી જ રામાયણ ગુજરાતી ફિલ્મો માટે પણ છે. આજના ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શકોને તો એ પણ ખબર નથી હોતી કે કયા એન્ગલથી કયો ટેક લેવો ને કેમેરા ક્યાં ગોઠવવો, શોટ ડિવિઝન કેવી રીતે કરવા. એ તો તેમના આસિસ્ટન્ટ ડિરેક્ટર હોય તે તેમને સમજાવે ને પછી શૂટિંગ થાય. ત્યાં સુધી અમારે સેટ પર બેસી રહેવું પડે. એટલો સમય ખાલી બેસી રહીને હું વેડફી ન શકું. આથી જ મે છેલ્લાં છ વર્ષથી ગુજરાતી ફિલ્મો કરવાનું બંધ કરી દીધું છે.

    વળી, રવિવારની વાત પર આવતાં પદ્માબહેન કહે છે, ‘આમ તો મારું જીવન રૂટિન હોય છે, કારણ કે ઘરમાં હું એકલી જ રહું છું. મારી અભિનેત્રી દીકરી ડેઇઝી ઇરાની લગ્ન પછી સિંગાપોરમાં ઠરીઠામ થઇ છે. નાટકોના શો મોટા ભાગે રાત્રે જ હોય. આથી દિવસે મારી મરજી મુજબની જિંદગી વિતાવવાનો સમય અને તક મળે. તાજેતરમાં જ હું બા રિયાટર થાય છેના સવાસો શો લંડનમાં કરીને પાછી ફરી છું. અગાઉ તેના ૫૦૦ શો થઇ ચૂક્યા છે. હવે નવા રોલ અને નવા નાટકની રાહ જોઉં છું.અભિનયની આ મહારાણીને જોકે સ્ટેજ પર કે રૂપેરી પડદે જોવાની મઝા કંઇ અનેરી છે. હિન્દી ફિલ્મોમાં જેમ નિરૂપા રૉય માતાના પાત્રમાં આઇકન બની ચૂક્યાં છે તેવી જ રીતે અત્યારે કેરેક્ટર રોલની જ વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પદ્મારાણી અને સરિતા જોશી પણ ધુરંધર ખેલાડીઓ છે.
પ્ર - તમારી સવાર કેટલી સલોણી હોય?
    પદ્મારાણી ઉવાચઃ સવારે સાડાસાતથી આઠ વાગ્યાની વચ્ચે ઊઠું અને તરત જ ગરમ પાણી સાથે મેથી-હળદર ફાકું. યે મેરી તંદુરસ્તી કા રાઝ હૈ! તેની ૧૦ મિનિટ પછી ચાનો રસાસ્વાદ માણું. ચાની ચૂસકીઓ સાથે નાસ્તો શું હોય કહું? બદામ, ખજૂર, અખરોટની મુઠ્ઠી ભરવાની. આ ઉંમરે કામ કરવાની એનર્જી તો મેળવવી જ પડેને! તેના પોણો કલાક પછી લગભગ એકાદ કલાક સંગીત કે રેડિયોની મઝા માણતાં બ્રીધિંગ એક્સરસાઇઝ પણ થઇ જાય, જે સ્ટેજ પર કામ કરવા માટેનો શ્રેષ્ઠ ખોરાક છે. તે પછી દૂધ પીને સ્નાનાદિનો નિત્યક્રમ પતાવું. ત્યાર પછી પૂજાકર્મ તો હોય જ. હું ગણપતિભક્ત છું આથી તેમની આરતી-દીવો કરીને દિવસને શુભવંતો બનાવું. લગભગ દોઢ વાગ્યાની આસપાસ જમવાનો સમય. મારું જમણ કેવું? ખૂબ જ અલ્પ અને સાદું. બાજરી કે જુવારના રોટલા અને શાક કે રોટલી-શાક. દાળ-ભાત સાંજે ખાવાનાં. એકસાથે આખી થાળી ક્યારેય ન જમું. નકામું વજન વધી જાય તો! વધારે ખાવાથી સુસ્તી પણ ચડે એટલે રાત્રે શોમાં પણ સમસ્યા સર્જાઇ શકે. જોકે બપોરે શો હોય તો હું જમું પણ નહીં. સૂપ અને ખાખરો જ મારું ભોજન બની રહે. કમ ખાઓ ઔર જ્યાદા જીઓ એ મારું સૂત્ર છે. જો સવારે સાડાદસનો શો હોય તો સેન્ડવિચ બનાવીને લઇ જાઉં, જે સેટ પર ચા સાથે આરોગી લઉં.બપોરે શો ન હોય તો શું? ‘ટીવી પર કોઇ સારી ફિલ્મ હોય તો જોવા બેસી જાઉં. ટીવી ન જોઉં તો વાચન કરું. મને વિવિધ અખબારોની પૂર્તિઓ અને સામયિકો વાંચવાં બહુ ગમે. આજની દુનિયામાં શું થાય છે તે જાણવા માટે વાચન જરૂરી છે. બાકી, અમે તો શોઝમાં વ્યસ્ત હોઇએ તો ખબર જ ન પડે કંઇ. નવી પેઢી વિશે, નવા જમાના અને નવા સાહિત્ય કે નવા કલાકારો વિશે અખબારમાં વાંચવાથી જ ખબર પડે,’ પદ્મારાણી કહે છે.

પ્ર - બપોર પછી શું?
    પદ્મારાણી કહે છે, ‘વાચન પછી ૪.૩૦ વાગ્યા સુધી થોડી ઊંઘ ખેંચી લઉં. પછી ઊઠીને વાશી કે એવા દૂરના સ્થળે શો હોય તો મારે વહેલા નીકળી જવું પડે. ટ્રાફિક અને અંતરને કારણે પહોંચતાં વાર લાગી જાય. જો ભાઇદાસ કે નજીકના ઑડિટોરિયમમાં હોય તો એ પ્રમાણે સમય કાઢું. જો શો ન હોય તો એકાદ કલાક વૉક જરૂર કરવાનો. પછી આવીને ફરી સ્નાન કરી તાજીમાજી થઈ જાઉં. સાંજે પણ અંગ્રેજી ફિલ્મ સારી હોય તો ટીવી પર જોવા બેસી જઉં. ક્યારેક મારા મિત્ર અરવિંદ રાઠોડ પણ ઘરે આવે. મારી બહેન સરિતા જોશીના ઘરે જાઉં અને તે પણ મારા ઘરે આવે. એટલે જીવનમાં ખાલીપો ન લાગે. જો નાટક ન હોય અને એકાદ-બે મહિના આરામ કરવાનો હોય તો હું સિંગાપોર મારી દીકરીને ત્યાં જતી રહું. મારી દીકરી પણ ત્યાંની ટીવી ચેનલમાં નિર્માત્રી છે. રાત્રે જમવાનું પણ નક્કી નહીં. સાડાનવ કે દસ વાગ્યા પહેલાં જમી લઉં. શો હોય તો દોઢ વાગ્યે આવીને પણ જમું ખરી. સાંજે તો વેજિટેરિયન સૂપ અને પાલકવાળી દાળ ખાવાની મોજ ન છોડું. જેનાથી શરીરતંત્ર શુદ્ધ થઇ જાય અને સારી નિદ્રા પણ આવી જાય. જોકે મહિનામાં એકાદ વાર નૉનવેજ પણ ખાઇ લઉં. ૧૧ વાગ્યે નિદ્રારાણી મનમાં પ્રવેશી જાય અને બીજા દિવસની સલોણી સવારને માણવા સુંદર સપનાની દુનિયામાં ખોવાઇ જાઉં. આમ, રવિવાર એટલે મારી મરજી અને આરામથી જીવવાનો જ દિવસ.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment