facebook

Thursday, 29 October 2015

haresh patel

દરેક ફિલ્મના નિર્માતાને ગોવિંદભાઇ પટેલ જેવા સફળ નિર્માતા બનવાની મહેચ્છા રહે એવું વ્યક્તિત્વ હતું : હરેશ પટેલ


    ગુજરાતી ફિલ્મોની ઓળખને પાઘડી, પાળિયા અને પડકારમાંથી બહાર કાઢી નવો આયામ આપનાર વડોદરાના ગોવિંદભાઇ પટેલની સખત મહેનતના લીધે ગુજરાતી ફિલ્મો હિરો-હિરોઇનોને બદલે નિર્માતાના નામે ઓળખાતી થઇ હતી.
   
ગુજરાતી ફિલ્મોના નિર્માતા સ્વ.ગોવિંદભાઇ પટેલની પ્રાર્થનાસભામાં ગુજરાતી ફિલ્મોના નિર્માતા અને તેમના પુત્ર હરેશ પટેલે જણાવ્યું હતું કે દરેક ફિલ્મના નિર્માતાને ગોવિંદભાઇ પટેલ જેવા સફળ નિર્માતા બનવાની મહેચ્છા રહે એવું વ્યક્તિત્વ હતું. કારેલીબાગના સત્યમ શિવમ સુંદરમ હોલ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં નરેશ કનોડિયા, હિતુ કનોડિયા, અરવિંદ બારોટ, વિક્રમ ઠાકોર, રોમા માણેક, ચંદન રાઠોડ, હિતેન કુમાર, પાર્શ્વ ગાયિકા વત્સલા પાટીલ, અમૃત બારોટ, શૈલેન્દ્ર ઠાકોર, ડો.કમલદત્ત વૈધ, ડો.આર.બી.ભેંસાણિયા, અમરકુમાર જાડેજા, મહેશ ભંવરિયા, સુભાષ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રાર્થનાસભામા ટોચના ગુજરાતી એક્ટર્સ રોઈ પડ્યા હતાં.
    ત્યારબાદ હરેશ પટેલ સાથે ફોન પર વાત કરતા ગોવિંદભાઈના નિધન વિશે એક્ટર નરેશ કનોડિયાએ કહ્યું હતું કે ગુજરાતી ચલચિત્ર જગત અંધકારમય ગર્તા તરફ ધકેલાઇ રહ્યું હતું. એવા ટાણે ગોવિંદભાઇ પટેલે એવો નવો ચિલો ચાતર્યો કે મોટાભાગની ગુજરાતી ફિલ્મો હિરો-હિરોઇનને બદલે ગોવિંદભાઇ પટેલના નામે ડંકો વગાડતી હતી. ગુજરાતી ફિલ્મોના ચાહકો પોસ્ટર પર ગોવિંદ પટેલનું નામ વાંચી ફિલ્મો જોવા જતા હતા. ગોવિંદભાઇ પટેલ પોતે ખુબ જ મહેનત કરતા હતા. એટલું જ નહિં, કલા-કસબીઓ પાસે શ્રેષ્ઠ કામ લેવાની કુદરતી દેણ હતી. મે ફાધર ગુમાવ્યા છે. ગુજરાતી ચલચિત્ર જગતને બીજા ગોવિંદ પટેલ મળવા મુશ્કેલ છે.
    હરેશ પટેલ તેમના પુત્ર હોય તેથી તેમના પાસે જેટલી પણ માહિતી હતી તેટલી તેઓએ સિને મેજિક સાથે શેર કરી હતી. જેમાંની અહી પ્રસ્તુત છે.
    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો સુવર્ણ ઈતિહાસ લખાશે ત્યારે બેશક એમાં અનેક ધુરંધરો – મહારથીઓના નામો હશે જ. પણ એમ કહીએ કે ગોવિંદભાઈ પટેલ નામની હસ્તિનું નામ એમાં અનિવાર્યપણે હશે જ તો એને તમે અમારો આત્મવિશ્વાસ તો ગણજો જ પણ સાથે એ વાત પણ ધ્યાનમાં લેજો કે ગોવિંદભાઈ પટેલ એ માટે બિલકુલ લાયક વ્યક્તિ હતા.
અત્યાર સુધી વીસ માતબર કક્ષાની મનોરંજનલક્ષી સફળ ફિલ્મોની પરંપરા જી.એન.ફિલ્મ્સના યશસ્વી બેનરમાં તેમણે સર્જી છે. એમાંય ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી મેગા હીટ ફિલ્મનું નામ મોખરે છે. જે ફિલ્મે કરોડોનો બીઝનેસ કરીને ગુજરાતી ફિલ્મોની ટીકીટબારીની સફળતાને નવી વ્યાખ્યા આપી. એટલું જ નહિ, ગુજરાતી ફિલ્મો માટે એ ફિલ્મે દેશ – વિદેશની માર્કેટ ખોલી આપી. આ જેવી તેવી સિદ્ધિ ન કહેવાય. આ અદભુત સિદ્ધિ માટે જ ગોવિંદભાઈ પટેલને તાજેતરમાં જ દાદાસાહેબ ફાળકે એકેડમી જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ એવરગ્રીન દેવ આનંદના હસ્તે એનાયત થયો હતો. આ એવોર્ડની ઘોષના મિથુન ચક્રવર્તી દ્વારા થઇ અને ગોવિંદભાઈનું ટ્રોફી, પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ સાથે બહુમાન કરવામાં આવ્યું હતું. આવું સનમન એક ગુજરાતી સર્જક અને એય ગોવિંદભાઈ પટેલ જેવી હસ્તિનું થયું એ આપણા માટે આનંદ અને ગર્વની વાત છે.
    વીસ સફળ ફિલ્મોથી પરંપરા આગળ વધે છે અને દશેરા – વિજયાદશમીના શુભ તથા વિજય – સફળતાના સંકેત આપતા તહેવાર નિમિત્તે ગોવિંદભાઈ પટેલે પોતાની સર્જન યાત્રા આગળ વધારેલી. તેમની યશ કલગીમાં એકવીસમું પીછું એટલે તેમની નવી ફિલ્મ ‘હું તારી મીરાને તું મારો શ્યામ રે...’ ફિલ્મનું આ ટાઈટલ પ્રેમ, સમર્પણ અને ત્યાગ ભાવનાની અભિવ્યક્તિ કરે છે. એટલે ફિલ્મની કથામાં આવા જ મોંઘેરા તત્વો હતા. ગોવિંદભાઈ પટેલ માટે પ્રચલિત છે કે તેઓ એક સૂઝવાળા અનુભવી – સમર્થ ફિલ્મસર્જક હતા. ફિલ્મ નિર્માતાના એકેક પાસામાં એમને અનેરી સૂઝ – સમજ હતી. પછી એ પટકથા હોય, એની માવજત હોય, પાત્રાલેખન હોય, સંગીત હોય કે પછી કલાકારોના ડ્રેસ, મેકઅપ, ગેટઅપ કેમ ન હોય? ઘણા સર્જકો, દિગ્દર્શકો મોટી મોટી ઇન્સ્ટીટ્યુટમાંથી દેશ – વિદેશમાં ફરીને આ બધો અનુભવ લઇ આવતા હોય છે. પણ ગોવિંદભાઈ એવી કોઈ ઇન્સ્ટીટ્યુટમાં ગયા નથી. આ હુન્નર, આ કસબ ગોવિંદભાઈએ જાત અનુભવથી શીખ્યા છે. આજના ધુરંધર યશસ્વી ફિલ્મસર્જક ગોવિંદભાઈએ વર્ષો પહેલા સવજીભાઈ પટેલની ગુજરાતી ફિલ્મ ‘શેઠ સગાળશા’ ના શુટિંગ દરમ્યાન પ્રોડકશનના નાના – મોટા કામ એટલે સુધી કે કલાકારોને ચા – પાણીની વ્યવસ્થા કરતા – લાવી આપતા જોયા છે. કોમેડિયન રમેશ મહેતાએ તો ત્યારે ગોવિંદભાઈને એક સામાન્ય સ્પોટ બોય સમજી લીધા હતા. સુખી સમૃદ્ધ પરિવારના અને પોતાના અનાજના વ્યાપક જામેલા વ્યવસાય છતાં ગોવિંદભાઈ એક સામાન્ય સ્પોટ બોય કે પ્રોડક્શનવાળાનું કામ ઈરાદાપૂર્વક કરતા હતા. સો રૂપિયા રોજની મજૂરી માટે નહિ પણ, તેમને નિર્માણનો અભ્યાસ કરવો હતો, અનુભવ લેવો હતો. ફિલ્મ નિર્માણની આંટીઘૂંટી શીખવાનો તેમને શોખ હતો. આ રીતે વરસો સુધી નાનપ અનુભવ્યા વગર ગોવિંદભાઈ ઝીણીઝીણી બાબતોથી વાકેફ થયા અને પછી ‘ઢોલા મારૂ’ ફિલ્મથી સ્વતંત્ર નિર્માતા બન્યા.

    પ્રથમ ફિલ્મના વિષય તરીકે ઢોલા મારૂને પસંદ કરવા પાછળની વાત પણ તેમણે કરેલી.
    એકવાર ટ્રેનમાં પ્રવાસ દરમ્યાન એક માંગણ રાવણહથ્થા પર લોકગીત ગઈ રહ્યો હતો. એમાં આ ઢોલા અને મારૂના પ્રેમ પ્રકરણનો ઉલ્લેખ હતો. ગોવિંદભાઈને એમાં રસ પડ્યો અને તેમણે પેલા ભાઈને પાસે બેસાડીને ઢોલા મારૂ વિષે ઘણી ઘણી માહિતી મેળવી. ગોવિંદભાઈને લાગ્યું કે આ એક સરસ પ્રેમકથા છે. દર્શકોને એમાં રસ પડે એમ છે. એટલે તેમણે જાતે વધુ સંશોધન કરીને ફિલ્મની પટકથા રચી અને મેહુલકુમારના નિર્દેશનમાં એ ફિલ્મ ઢોલા મારૂ શરૂ કરી. જેમાં નરેશ કનોડિયા અને સ્નેહલતા જેવા ત્યારના લોકપ્રિય કલાકારોને લીધા. ફિલ્મ ખૂબ સારી બની, ચાલી અને ધાર્યા કરતા વધારે ચાલી. ગોવિંદભાઈનો ઉત્સાહ વધ્યો અને તેમણે આવી જ એક વધુ પ્રેમકથા શોધી કાઢી. જે ‘હિરણને કાંઠે’ નામથી બનાવી. એ પણ હીટ થઇ. ગોવિંદભાઈને લાગ્યું કે, આવી હૃદયસ્પર્શી પ્રેમકથાને મધુર ગીત – સંગીત સાથે રજૂ કરો તો દર્શકોને ગમે છે અને પછી જી.એન.ફિલ્મ્સના બેનરમાં આવી ગમતીલી પ્રેમકથાવાળી ફિલ્મોનો સિલસિલો શરૂ થયો. ઢોલા મારૂ, મોતી વેરાણા ચોકમાં, રાજ રાજવણ, લાડી લાખની સાહ્યબો સવા લાખનો, લાજું લાખણ, જોડે રહેજો રાજ, ટહુંકે સાજણ સાંભરે, રઢિયાળી રાત, ઉંચી મેડીના ઊંચા મોલ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, ગામમાં પિયરીયું ને ગામમાં સાસરિયું, તારો મલક મારે જોવો છે, મૈયરનો માંડવો ને પ્રીતનું પાનેતર, અમદાવાદ વાયા કડી કલોલ, ઢોલી તારો ઢોલ વાગે.
    આમ, જોતજોતામાં વીસ ફિલ્મો આવી ગઈ. લગભગ દરેક ફિલ્મ સફળ થઇ પણ દરેક ફિલ્મ સાથે કંઇકને કંઇક નવી વાત – નવો મુદ્દો સંકળાયેલો રહ્યો. દા.ત. પ્રથમ બે ફિલ્મો ઢોલા મારૂ અને હિરણને કાંઠે મેહુલકુમારના દિગ્દર્શનમાં હતી. આ ફિલ્મની સફળતાથી તેમનું ખૂબ નામ થયું અને લોકોએ તેમને ગોવિંદભાઈને છોડીને પોતાનું બેનર સ્થાપવા પ્રેર્યો. મેહુલકુમાર ગોવિંદભાઈની ત્રીજી ફિલ્મ ‘સાજણ તારા સંભારણા’ રેકોર્ડીંગ થયા બાદ છેલ્લી ઘડીએ છોડી દીધી અને પારખું દ્રષ્ટિવાળા ગોવિંદભાઈએ તરત જ તેમના મદદનીશ અબ્બાસ મુસ્તાનને એ ત્રીજી ફિલ્મનું દિગ્દર્શન સોંપી દીધું. એ પછી અબ્બાસ મુસ્તાને ગોવિંદભાઈની ‘મોતી વેરાણા ચોકમાં’ નું દિગ્દર્શન કર્યું અને એ દરમ્યાન તેઓ હિન્દી ફિલ્મો તરફ વળી ગયા. ગોવિંદભાઈએ તરત જ પોતાની નવી ફિલ્મના દિગ્દર્શનનું સુકાન સુભાષ શાહને સોંપી દીધું. સુભાષ શાહે ગોવિંદભાઈની અડધો ડઝન ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ફિલ્મો ચાલી અને દિગ્દર્શક તરીકે સુભાષ શાહનું નામ વજનવાળું બની ગયું. પણ પછી ‘દેશ રે જોયા દાદા પર્દ્શ જોયા’ ની અપ્રતિમ – અઢળક સફળતાનો યશ ગોવિંદભાઈને પોતાના નામે લખાયો હશે. એટલે એ ફિલ્મથી ગોવિંદભાઈ પટેલે જાતે જ પોતાની ફિલ્મોનું દિગ્દર્શન કરવા માંડ્યું.
    એ જ રીતે કલાકારોમાં ગોવિંદભાઈ પટેલે હીરો તરીકે નરેશ કનોડિયાને લાંબો સમય જાળવી રાખ્યો. અલબત્ત, હિરોઈન તરીકે સ્નેહલતા સારો સમય રહી, પણ સંજોગ અનુસાર પછી હિરોઈન તરીકે મીનાક્ષી, સ્નેહા, દીપિકા ચીખલીયા (રામાયણ ફેઈમ), દિવ્યા દ્વિવેદી અને અન્ય અભિનેત્રીઓ આવી. જોકે ત્રણ ફિલ્મો પછી ચોથી ફિલ્મ ‘મોતી વેરાણા ચોકમાં’ વેળા એ કહે છે કે ગોવિંદભાઈને હીરો નરેશ સાથે કોઈક મુદ્દે ખટક્યું અને ગોવિંદભાઈએ હીરો તરીકે રણજીતરાજ નામના એ વેળાના જાણીતા (નરેશ પછી નંબર ટુ ગણાતા) હીરોને લેવાનું વિચાર્યું. પણ છેલ્લી ઘડીએ ગોવિંદભાઈ અને નરેશ કનોડિયા વચ્ચે અમુક મિત્રોના કારણે સમાધાન થઇ ગયું અને ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું. એ પછી છેક ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ વેળાએ ગોવિંદભાઈએ ફરીથી હીરો બદલવાનો વિચાર કરેલો. એવું કહેવાય છે કે ત્યારે પ્રાઈઝની બાબતમાં ગોવિંદભાઈ અને કરેશ વચ્ચે ખટકી ગયેલું અને જાણવા મળે છે એ મુજબ ગોવિંદભાઈએ હિતેનકુમારને હીરો તરીકે શોધી કાઢ્યો. પણ ફરી એકવાર ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું અબે હિતેનને ગોવિંદભાઈએ ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ માં વિલનની ભૂમિકામાં સમાવી લીધો અને વિલનના એ પાત્રમાં શ્રેષ્ઠ અભિનય બદલ હિતેનકુમારે ગુજરાત રાજ્ય સરકારનો એવોર્ડ જીતી બતાવ્યો. પછી, જયારે ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ વેળાએ ફરીથી પરિસ્થિતિ કથળી. આ વેળાએ ગોવિંદભાઈએ ખુદ ઘી ઢોળી નાખવા માટે મન મક્કમ કરી લીધું અને નરેશ કનોડિયાને બદલે હિતેનકુમારને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ નો હીરો બનાવી દીધો. બસ એ ફિલ્મથી અડધો ડઝન જેટલી ફિલ્મોમાં હિતેનકુમાર હીરો બની રહ્યો. ‘અમદાવાદ – પાલનપુર વાયા કડી કલોલ’ ફિલ્મમાં હિતેને વિક્રમ ઠાકોર સાથે કામ કર્યું અને તેને એવું લાગ્યું કે, ગોવિંદભાઈએ ફિલ્મમાં તેના કરતા વિક્રમ ઠાકોરને વધુ ફૂટેજ આપ્યું છે. એ મુદ્દે હિતેનને મનદુઃખ થયાનું જાણીતું છે. ખેર, ગોવિંદભાઈએ આ અંગે જાહેરમાં પ્રત્યાઘાત આપીને વિવાદને ચગાવવાનું હંમેશા ટાળ્યું છે અને પોતાની રીતે આગળ વધતા રહેલા. ૨૧ મી ફિલ્મની વાત કરીએ તો તેમણે એક નવા સિંગિંગ સ્ટાર ઈશ્વર ઠાકોરને બ્રેક આપ્યો. જે વિક્રમ ઠાકોરનો ભાઈ છે અને વિક્રમ જેટલા જ તખ્તા, ડાયરા અને આલ્બમની દુનિયામાં લોકપ્રિય છે. હિરોઈન તરીકે તનુશ્રી ઉપરાંત ધવન મેવાડા, પ્રિયંકા સાથે જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડ અગત્યની ભૂમિકામાં હતા. દર્શકોની રુચિથી ગોવિંદભાઈ પતે વાકેફ હતા. છતાં, નમ્રતા સાથે તેઓ કહેતા કે, દર્શકોને ક્યારે શું ગમી જાય એ કહી શકાય નહિ. હું મારી પ્રણાલિકા મુજબ સારી ફિલ્મ આપવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ કરી રહ્યો છું.   



n  ગજ્જર નીલેશ 

1 comment:

  1. ખુબ સરસ કામ કરો છો નીલેશભાઈ. શુભેચ્છા

    ReplyDelete