facebook

Monday, 12 October 2015

jivan chhaya ghelsat

૧૫૦ થી વધુ ગુજરાતી ફિલ્મો કરનાર કલાકારનો મૃતદેહ રોડ પરથી મળ્યો



    આજવા બ્રિજ પાસે 150 ઉપરાંતની ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર જીવનભાઈ ઘેલસટનો મૃતદેહ બે દિવસ અગાઉ મળી આવ્યો હતો. પોલીસે અજાણી વ્યક્તિ તરીકે નોંધ કરી તેમનાં વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી. આખરે તેમની દીકરી મળી આવતાં તેઓ ગુજરાતી ફિલ્મજગત સાથે જોડાયેલા  હોવાનું બહાર આવ્યું હતું. તેમનો મૃતદેહ દીકરીને સોંપાયો હતો. ફિલ્મ કલાકાર તરીકે તેમણે પોતાના જીવનમાં ઘણા ઉતારચઢાવ જોયા હતા. સ્ટુડિયો બંધ થઈ ગયા બાદ તેઓ ભિક્ષુક જેવું જીવન ગાળતા હતા. તેમના અવસાનને પગલે પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

સયાજીપાર્ક ગામમાં વર્ષોથી રહેતા 65 વર્ષીય જીવનભાઈ છાયા ઉર્ફે શંકરભાઈ ગોવિંદભાઈ ઘેલસટ મૂળ ભાવનગરના તલગાજરડા ગામના વતની હતા. તેમને લગ્નજીવન દરમ્યાન એક પુત્રી રૂપાબેન છે. તેઓ 150 ઉપરાંતની ગુજરાતી ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતા હતા. તેઓ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં કામ કરતા હતા. સ્ટુડિયો બંધ થઈ ગયા બાદ ભિક્ષુક જેવું જીવન ગાળતા હતા. તેઓ વિવિધ બીમારીઓથી પીડાતા હતા. આજવા બ્રિજ ઉતરવાના એલએન્ડટી સર્કલ તરફના રસ્તા પર 5 ડિસેમ્બરે બપોરે તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તેમની પાસેથી કોઈ ઓળખપત્ર કે અન્ય કોઈ રીતે તેમની ઓળખ છતી થઈ શકે તેમ ન હતું.

પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ બાદ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂક્યો હતો. તે પછી પોલીસને તેમના ખિસ્સામાંથી ગુજરાતી ફિલ્મના નામી કલાકાર નરેશ કનોડિયા અને રમેશ મહેતા સાથેના ફોટોઝ અને પોતાની દીકરીનું સરનામું મળ્યું હોઈ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. આખરે નડિયાદ ખાતેના કણજરી ખાતે રહેતી તેમની દીકરી રૂપાબેન અરવિંદભાઈ પરમારનો સંપર્ક થતાં તેમને ઓળખ માટે બોલાવાયાં હતાં. તેમણે મૃતદેહની ઓળખ પોતાના પિતા તરીકે કરી હતી. પોલીસે તેમના મૃતદેહને અંતિમ વિધિ માટે રવિવારે સોંપી હતી.
-રોજના માત્ર 5ના વેતનથી કામ કરતા

તેમણે ગુજરાતી ફિલ્મજગતમાં તેમની કારકિર્દીની શરૂઆત સ્પોટ બોયથી કરી હતી. ત્યારબાદ તેઓ ધીમેધીમે આગળ વધતાં નવા કલાકારોને લાવી એક્સ્ટ્રા સપ્લાયરનું કામ કરતા. તે પછી ક્રાઉડમાં ઊભા રહેવા અને નાના ડાયલોગ્સથી શરૂ કરી તેમણે ઘણી વાર રમેશ મહેતા જેવા ઉમદા કલાકાર સાથે નાનકડા કોમેડી રોલ પણ કર્યા હતા. ઘણીવાર ફિલ્મમાં લગ્ન કે ગરબાના સીનમાં ઢોલી તરીકે તેઓ કામ કરતા હતા.


-ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ તેમની વહારે ન આવ્યું

ઇન્ડસ્ટ્રીમાં તેમણે ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું તથા 150થી વધુ મૂવીમાં તેઓ સહકલાકાર, સ્પોટબોય, કોમેડિયન ઉપરાંતના અલગ અલગ નાના રોલ કરી ચૂક્યા છે. આવા કપરા દિવસોમાં પણ ઇન્ડસ્ટ્રીનું કોઈ તેમની વહારે આવ્યું નહીં. બે દિવસ તેમનો મૃતદેહ અજાણી વ્યક્તિ તરીકે કોલ્ડરૂમમાં પડ્યો રહ્યો.
 -રૂપાબેન પરમાર, મૃતકનાં પુત્રી
-જીવન ઘેલસટની જાણીતી ફિલ્મો

તેમણે કેટલીક ગુજરાતી તેમજ હિન્દી ભાષાની જાણીતી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેવી કે નાણા વગરનો નાથિયો, ઢોલી, ઢોલામારૂ, મહીસાગરની આરે, ઉજળી મેરામણ, મેરૂ માલણ વગેરે. તદ્ ઉપરાંત હિન્દી ફિલ્મ મેં હું શેરનીમાં કામ સાથે પ્રોડક્શન સાથે સંકડાયેલા હતા.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment