હર્ષદ કંડોલિયા નિર્મિત ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ
તારી પ્રીત’ ની કથા મુહુર્ત સમયે દરેક કલાકારે વખાણી
તા. ૪ એપ્રિલના રોજ ગુજરાતી મલ્ટી સ્ટારર
ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું શુભ મુહુર્ત યોજાઈ ગયું. હર્ષદ
કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયા ત્રણેય નિર્માતાઓ કંડોલિયા ફિલ્મ્સના બેનર
હેઠળ એક રોમેન્ટિક લવસ્ટોરી પર આધારિત વિષય પસંદ કરી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
મુહુર્ત પહેલા ફિલ્મ માટે ફ્લોર પર તડામાર તૈયારીઓ થઇ રહી હતી. એક તરફ સવારના ૫
વાગ્યાથી યુનિટના દરેક સભ્યો એટલા ઉત્સાહિત હતા કે ગુજરાતી ફિલ્મોના દર્શકોને એક
નવી જ વાર્તા સાથે કંઇક નવું નજરાણું પીરસીએ. તો બીજી તરફ રાજપીપળાના કાલાઘોડા
ખાતે સેટ લગાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલુ હતી. સવારે ૭ વાગ્યે સૌ સેટ પર હાજર
હતા. મુહુર્ત સમય થતા ફિલ્મના નિર્માતા મનીષ પટેલે શ્રીફળ વિધિ કરી તથા કેમેરાની
સ્વીચ ઓન કરી શુભ શરૂઆત કરી. જૈમીની ત્રિવેદી અને યામિની જોશી પર પ્રથમ શોટ
લેવામાં આવ્યો. સેટ પર હાજર ફિલ્મના તમામ કલાકારો અને આમંત્રિત મહેમાનોએ ફિલ્મના
નિર્માતાઓને તેમની બીગ બજેટ ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી.
ત્યારબાદ સૌને નિર્માતા તરફથી મીઠું મોં
કરાવીને ફિલ્મના બીજા સીન્સનું શુટિંગ શરૂ કરવામાં આવ્યું. સેટનું લાઈવ ચિત્રણ
કરવામાં આવે તો ફિલ્મના દિગ્દર્શક રાહુલ વેગડ અને વિજય દલવાડી બીજા સીન માટે
ફિલ્મના હીરો રાજદીપ બારોટ અને ફિલ્મની હિરોઈન રીના સોનીને સીન સમજાવી રહ્યા હતા.
જે સીનમાં રાજદીપ બારોટે બાઈક પર સીન ભજવવાનો હતો. સેટ પર બાઈક હાજર કરવામાં
આવ્યું. તેના પર રાજદીપ બારોટે પરફેક્ટ સીન ભજવ્યો. ચીફ આસી. ડિરેક્ટર વિનોદ
મેવાડા તરફથી ફિલ્મના દરેક દ્રશ્યો જોરદાર બની રહ્યા. તેઓ પોતાના કામને જ વધુ
મહત્વ આપે છે. જૈમીની ત્રિવેદી સ્ક્રીપ્ટ વાંચી રહ્યા હતા. તેઓના અમુક સીન્સ પત્યા
પછી તેઓએ સંવાદોના ખૂબ જ વખાણ કરેલા અને કહેલું કે, આવા સંવાદો મે મારી આજ સુધીની
એક પણ ફિલ્મમાં નથી બોલ્યા. ખૂબ જ સરસ સંવાદો લખાયા છે. ઉનાળાના ધોમધખતા તાપમાં પણ
ફિલ્મના કલાકારો અભિનય આપી રહ્યા હતા. એ.સી. થીયેટરમાં બેઠા બેઠા ફિલ્મ જોતા
પ્રેક્ષકોને એ વાતનો ખ્યાલ પણ નથી હોતો કે કલાકારો ધોમધખતો તાપ હોય, ઠંડી હોય કે
વરસાદમાં પલળીને પણ સેટ પર હાજર થઇ જતા હોય છે. જે ફક્ત ગુજરાતી ફિલ્મોના
પ્રેક્ષકોના મનોરંજન માટે જ.
પ્રોડક્શન મેનેજર પરેશ વ્યાસ અને તેમની
ટીમનું કામ ખૂબ જ વખાણવાલાયક રહ્યું. સવારે વહેલા ચાર – પાંચ વાગ્યે જાગીને
ફિલ્મના દૂરના લોકેશન પર જરૂરી વ્યવસ્થા થઇ જતી હતી. ફિલ્મના પૂરા યુનીટને અત્યારે
એક સપ્તાહ કરતા પણ વધુ સમય થઇ ગયો છતાં પણ દરેક મેમ્બર પોતપોતાનું કામ બખૂબી
નિભાવે છે. હાલ રાજપીપળાના નયનરમ્ય લોકેશનો પર બે કેમેરા યુનિટ સાથે અલગ અલગ જગ્યાઓ
પર ફિલ્મનું શૂટ ચાલુ છે.
‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ફિલ્મમાં
બબ્બે ડાયરાના કિંગ રાજદીપ બારોટ અને રાકેશ બારોટને લઈને નિર્માતાએ તેમની ફિલ્મને
અત્યારથી જ નંબર વન બનાવી દીધી છે સાથે જ બિનગુજરાતી હિરોઈન અને અત્યારે ગુજરાતી
ફિલ્મોમાં સર્વોચ્ચ શિખર પર બિરાજમાન પ્રીનલ ઓબેરોય છે સાથે સાથે પોતાનો એક અલગ જ
ચાહક વર્ગ ધરાવતી અને ખૂબસૂરત રીના સોની છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જૈમીની
ત્રિવેદી, યામિની જોશી, જીતુ પંડ્યા, રોહિત મહેતા, ક્રિષ્ના ઝાલા, રાજેશ ઝવેરી,
પરેશ વ્યાસ, મિતલ પટેલ, આરતી ઠક્કર, ખ્યાતી વાઘેલા વગેરે છે. આ ઉપરાંત દર ત્રીજી
ફિલ્મે જોવા મળતા ખલનાયક ફિરોઝ ઈરાની અને ભાવનગરનો નવો ચેહરો પ્રેમ કંડોલિયા
વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કથા ભાવનગરના જ યુવાન રાહુલ વેગડે લખી છે.
જેને ફિલ્મના કલાકારોએ પણ વખાણી છે. પટકથા – સંવાદો પણ તેમના જ છે. ફિલ્મનું
કર્ણપ્રિય સંગીત આપ્યું છે ગુજરાતની બેલડી મનોજ વિમલે. રાજપીપળાના રમણીય લોકેશનો
જેમકે, નદી કિનારો, પ્રમોદવિલા પેલેસ, ગાર્ડન વગેરેને કેમેરે કંડારશે અનુ પટેલ અને
રાજુ જામ. ડાન્સ માસ્ટર જુના અને જાણીતા જેમનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આદરથી નામ
લેવાય છે તે માધવ કિશન અને મહેશ બલરાજ. સ્ટીલ ફોટોગ્રાફી નટવરસિંહ ગોહિલ કરી રહ્યા
છે. ફિલ્મનું શુટિંગ હાલ પુરજોશમાં રાજપીપળા ખાતે ચાલુ છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment