facebook

Monday, 12 October 2015

mamta soni

ગુજરાતી ફિલ્મોની ચુલબુલી અદાકારા એટલે મમતા સોની જેણે અત્યાર સુધીમાં કેટલીયે હીટ અને સુપરહીટ ફિલ્મો આપી છે.


    ગુજરાતી ફિલ્મોની ચુલબુલી અદાકારા એટલે મમતા સોની જેણે અત્યાર સુધીમાં કેટલીયે હીટ અને સુપરહીટ ફિલ્મો આપી છે. નાનપણથી જ અભિનય પ્રત્યે થોડો ઘણો લગાવ તો હતો જ. શરૂઆતમાં બંને બહેનો મમતા સોની અને રીના સોની તેમના માતુશ્રી સાથે જામનગર ખાતે બ્યુટી પાર્લર ચલાવતા હતા. તેમાંથી આગળ વધીને આ બંને બહેનો અત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું એક અલગ આગવું નામ મેળવી ચુકી છે. ઉપરાંત તેણે ઘણા આલ્બમો અને સ્ટેજ પ્રોગ્રામો પણ કરી ચુકી છે જેને જોવા માટે લોકોની એટલી ભીડ જામે છે કે ઉભું રહેવું પણ મુશ્કેલ થઇ પડે છતાં પણ લોકો દૂર દૂરથી આવીને આખી આખી રાત ઉભા રહીને મમતા સોનીનો સ્ટેજ પ્રોગ્રામ નિહાળે છે. મમતા સોનીની જોડી વિક્રમ ઠાકોર સાથે ખૂબ જ જામી ચુકી છે અને જામે જ. કારણ કે, તેઓની બંનેની જોડીએ ઘણી હીટ ફિલ્મો આપી છે. મમતા સોનીની વધુ પડતી ફિલ્મોમાં તેનું નામ રાધા જ રહ્યું હોય હવે તો લોકો મમતા સોનીને જોઇને તેને પોતાના નામે પણ નથી બોલાવતા. જે મમતા સોનીને રાધા કહીને બોલાવે છે જે મમતા સોનીને પસંદ નથી. એવોર્ડ્સ વિષે પૂછતાં તેમણે કહ્યું કે કલાકારના કામની કદર જ એવોર્ડ હોય છે. જો કામ સારૂ હોય તો દર્શકો પણ હોંશે હોંશે સ્વીકારે છે અને જો તમે અભિનયમાં સહેજ પણ ચૂક કરી કે તમારી ફિલ્મ ફ્લોપ.

પ્ર – સંઘર્ષના દિવસો યાદ આવે છે?
ઉ – શરૂઆતના જે ના ભૂલાય તેવા દિવસો તો બધાને હંમેશા યાદ જ હોય છે. તેથી જ તેને ના ભૂલાય તેવા દિવસો કહે છે. ત્યારે મને જયારે કામ મળતું હતું ત્યારે એક એકસાઈટમેન્ટ રહેતું હતું કે, આજે નવું પ્રોજેક્ટ મળ્યું, આજે આ કામ મળ્યું. તે તેનો લુત્ફ હું મારા મિત્રો અને મારી ફેમીલી સાથે શેર કરતી હતી. હવે આજની તારીખમાં છે કે પ્રોજેક્ટ કે નવી ફિલ્મો તો ઘણી મળે છે પણ તેના માટે સમય ઓછો પડે છે. બીજું એ કે પહેલા જેવા રોલ ઓફર થતા તે કોઈપણ હિચકાટ વગર હું કરી લેતી હતી પણ હવે જે રોલ મને સારા લાગે તેવા રોલ જ હું કરું છું. તો પહેલા કામ માટે રાહ જોવી પડતી હતી કે કામ મળી જાય તો મજા આવે અને હવે કામ તો ઘણા બધા આવે છે પણ વ્યવસ્થિત કામ આવે તો મજા આવે છે.

પ્ર – ફિલ્મો અને જાહેર કાર્યક્રમોની વચ્ચે પરિવાર માટે કેવી રીતે સમય ફાળવો છો?
ઉ – હા જુઓ શુટિંગ હોય છે ત્યારે મહિનાઓ સુધી ઘરથી બહાર રહેવું પડતું હોય છે. ઘણી બધી વાતોમાં જતું પણ કરવું પડતું હોય છે કે અમુક જગ્યાઓ પર પીવાનું પાણી સારૂ ન હોય, જમવાનું સારૂ ન હોય. તડકામાં શુટિંગ કરવું પડે. એટલે અમારે શુટિંગમાં અમારું હાર્ડવર્ક વધારે હોય છે. જયારે લાઈવ શોમાં બહુ મજા આવતી હોય છે. બે – ત્રણ કલાકનું ટ્રાવેલિંગ હોય અને ત્યાં સ્ટેજ પર્ફોમન્સ હોય. જે રાત્રે જ હોય છે એટલે દિવસે આરામ કરવાનો સમય તો મળી જાય છે. તો ત્યાં અમારે પબ્લિક સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય છે તો ખ્યાલ આવે છે કે પબ્લિક અમને કેટલી લાઈક કરે છે. કેવો રિસ્પોન્સ આપે છે. ત્રીજી વાત રહી ઘરની. જે તો હું જયારે પણ થોડો સમય મળે હું મારી બહેનોના ઘરે કે પાપા સાથે સમય વિતાવું છું. ટૂંકમાં ત્રણેય વસ્તુ માટે હું સમય ફાળવી શકું છું.

પ્ર – પરિવારના એકથી વધુ સભ્યો ફિલ્મ લાઈનમાં હોય તો હરીફાઈ થતી હોય છે. તો તમારે એવું બને છે ખરું?
ઉ – ના અમારે બંને બહેનોમાં એવું કંઇ પણ નથી. હું તો તે આગળ વધે તેમાં તો બહુ જ ખુશ છું. મારો સ્વભાવ તો એવો છે કે હું જો મારી કોઈ બહેનપણી કામ કરવા માગતી હોય તો તેના માટે પણ દિગ્દર્શકને ભલામણ કરું છું. મને જો કોઈ સારો પ્રોજેક્ટ મળે છે તો સૌથી પહેલા હું મારા ઘરના લોકોને જ કહું છું કે આજે મે આ ફિલ્મ સાઈન કરી, આજે મારો પ્રોગ્રામ સારો રહ્યો, જે સાંભળીને તેઓ પણ ખુશ થાય છે અને તેને સારૂ કામ મળે છે તો તેઓ મને ગર્વથી કહે છે. એટલે અમારી વચ્ચે કોમ્પીટીશન જેવું કંઇ નથી.

પ્ર – જાણવા મળ્યું છે કે એક દિગ્દર્શક તમને બંનેને સાથે લઈને ફિલ્મ બનાવવાની યોજના બનાવેલી પણ?
ઉ - એવું તો થતું રહે છે પણ મને ખ્યાલ નથી કે તે કોણ હતા અને અમે બંને સાથે ફિલ્મો કરીએ તો કોઈને પણ કોઈ બંધો તો નથી જ. આ અગાઉ પણ અમે બંને બહેનોએ સાથે એક ફિલ્મ બેવફા પરદેશી કરી જ છે. હા અમુક દિગ્દર્શકો એવી ફિલ્મ અમને બંનેને સાથે લઈને બનાવવા માંગતા હોય પણ પછી તે વાત ક્યાં જતી તહે છે તે ખબર નહિ.
પ્ર – તમે વિક્રમ ઠાકોર સાથે જ વધુ ફિલ્મો સ્વીકારો છો બીજી ફિલ્મો?

ઉ – એના પાછળ રીઝન એ છે કે આજે આપણને ખબર હોય છે કે માર્કેટમાં શું ચાલે છે શું નથી ચાલતું. એવું નથી કે હિરોઈન. આજે તમે ઘણા બધા પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પણ જોઇલો. એ લોકો પણ પકડીને જ બેઠા છે કે ભાઈ અમારે આની જોડે જ કામ કરવું છે. તો તેવું શામાટે? તો તેમને એની ખાતરી છે કે અમને ત્યાંથી ઇન્કમ થશે. ફિલ્મ રીલીઝ થતા કંઇક ફાયદો થશે. એવું નથી કે મે બીજા આર્ટીસ્ટ જોડે કામ નથી કર્યું. એક – બે વખત રિસ્ક લીધું પણ છે કે કદાચ એ લોકોના નામ પર ફિલ્મ ચાલે પણ નથી ચાલી. જે ચાલે છે એ હિસાબથી અમે લોકો કામ કરીએ છીએ. 


    -- ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment