મંચ સજ્જા
ના મહારથી છેલ વાયડા (છેલ પરેશની જોડી ) ૭૯ વર્ષે આપણી વચ્ચેથી વિદાય થયા
છે. છેક સુધી કાર્યરત રેહનાર શબ્દ્પ્રેમી, રંગ્પ્રેમીને પ્રણામ,સલામ.ગુજરાતી
રંગભૂમિનો પાયો એમના જવાથી હચમચી ગયો છે. પ્રભુ એમના આત્માને
શાંતિ અર્પે અને એમના પરિવારજનોને અને મિત્ર લેખક સંજય છેલ તથા આપણને
સૌને છેલ ભાઈનો ખાલીપો સહન કરવાની ઈશ્વર શક્તિ સમર્પે.
છેલભાઈ આણંદજી વાયડા ગુજરાતી રંગભૂમિ પર આર્ટ ડિરેકશન ક્ષેત્રે ચાર-ચાર દાયકા
સુધી જબરદસ્ત પ્રભુત્વ જમાવેલ.
છેલ-પરેશ
ગયા મહિને
આયુષ્યનાં ૭૫મા વર્ષમાં પ્રવેશ્યા હતા. અહીં તેઓએ પોતાનાં
જીવનનાં રસપ્રદ પાનાં ખોલેલા છે…
૧૯૬૦ના દાયકાના હની છાયા અને કાંતિ મડિયાથી માંડીને આજે
૨૦૧૧માં વિપુલ મહેતા
સુધીની ત્રણ પેઢીના કુલ ૪૭ ડિરેક્ટરો સાથે
તેઓ કામ કરી ચુક્યા હતા.’ બહુ ઇન્ટરેસ્ટિંગ છે છેલભાઈની જીવનયાત્રા.
દ્વારકાવાસી આણંદજી છેલ
અને જયાકુંવરના ઘરે
છેલભાઈનો જન્મ. ચાર ભાઈઓ અને ત્રણ બહેનોમાં તેઓ સાતમા ક્રમે. એમની ભૂરાશ પડતી કાળી કીકીઓમાં સામેના
માણસને તરત પારખી લેતી
તીક્ષ્ણતા, લાંબી જીવનયાત્રાની અનુભવસમૃદ્ધિ એમના વાળ અને દાઢી પર ચળકતો શ્વેત રંગ ધારણ કરીને છવાઈ ગયેલી. એક પળે તેઓ ક્રોધે ભરાશે તો બીજી પળે મુકત મને ખડખડાટ હસી પડશે. એમની ઊર્જા એમના કરતાં ત્રીજા ભાગની ઉંમર ધરાવતી વ્યક્તિને પણ ક્ષોભ પમાડી દે તેવી હતી. ગુજરાતી રંગભૂમિ પર કલા,
સિન્નાવેશ કે સેટ
ડિઝાઈનિંગનાં ક્ષેત્ર પર તેઓ છવાયેલા છે, દાયકાઓથી.
તેમનું નામ તેમનાં કામનું સમાનાર્થી બની ગયું છે. કોઈ પણ
કલાકાર કે પ્રોફેશનલ માટે
આના કરતાં ઉચ્ચતર સ્થિતિ બીજી કઈ હોવાની? છેલભાઈ વાયડા.
છેલ-પરેશ તરીકે મશહૂર
થઈ ચૂકેલી જોડીનું તેઓ અડધું અંગ.
બાર નવેમ્બરના રોજ છેલભાઈએ આ દુનિયામાંથી વિદાય લીધી. ચરચાર દાયકાથી સતત કાર્યરત રહેલા છેલભાઈ તેમણે કરેલાં નાટકોના લેટેસ્ટ આંકડાનું પગેરું રાખી શકયા નથી. અંધેરી પશ્વિમમાં ફોર બંગલોઝ સ્થિત પોતાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફલેટમાં તેઓ રહેતા હતા. તેમના કઠણ અનુસાર આ આંકડો ૪૫૦થી ૫૦૦ની આસપાસ હોવાનો. વચ્ચે મેં એમ જ ડિરેક્ટરોનું લિસ્ટ બનાવ્યું હતું. ૧૯૬૦ના દાયકાના હની છાયા અને કાંતિ મડિયાથી માંડીને આજે ૨૦૧૧માં વિપુલ મહેતા સુધીની ત્રણ પેઢીના કુલ ૪૭ ડિરેક્ટરો સાથે હું કામ કરી ચૂક્યો છું.’
છેલભાઈના પહેલા દસ વર્ષ દ્વારકામાં વીત્યા
પછી આખું કુટુંબ ભુજ આવી ગયું. મેટ્રિક પછી મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી ભુજની સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું અને પેઈન્ટિંગમાં એલિમેન્ટરી અને ઈન્ટરમીડિયેટ પછીના એડવાન્સ તબક્કા સુધીનો અભ્યાસ કર્યો. ભણતાં ભણતાં નાનાંમોટાં પેઇન્ટિંગ્સ તૈયાર કરવાં,
વાહનોની નંબર પ્લેટ બનાવવી વગેરે નાનાંમોટાં કામ પણ કરતા. તે પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)માં આસિસ્ટન્ટ ડ્રાફટમેન તરીકે નોકરીએ લાગી ગયા, જ્યાં તેમને
નકશા બનાવવા, બિલ્ડિંગ્સના માપ લેવા વગેરે કામ કરવાનાં રહેતાં. ડ્રોઈંગનું ટેક્નિકલ નોલેજ તેમને આ રીતે મળ્યું,’
દરમિયાન મોટા ભાઈ
મુંબઈ આવી ચૂક્યા હતા. પાર્લે ઈસ્ટમાં છગનલાલ ત્રિવેદીની ચાલમાં રહેતા
ભાઈએ લૉની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરેલું. છેલભાઈ એકવાર તેમને ત્યાં આવ્યા.
ભાઈએ કહ્યું, ચાલ, એક
સરસ મુલાકાત કરાવું. ભાઈએ તેમને
ડો. ડી. જી. વ્યાસ સામે
ખડા કરી દીધા. ‘ડો. વ્યાસ આઈ-સર્જન હોવા ઉપરાંત સારા આર્ટ ક્રિટિક પણ હતા અને જે. જે.
સ્કૂલ ઓફ આર્ટ્સમાં
તેઓ ડિરેક્ટર હતા. એમને
જોઈને છેલભાઈ હેબતાઈ ગયા. ભુજની આર્ટ સ્કૂલમાં તેમને મળતાં સર્ટિફિકેટ્સમાં નીચે જેની સહી
રહેતી તે ડો. વ્યાસ છેલભાઈની
સામે ઊભા હતા! એમણે
તેમની સ્ટાઈલમાં પૂછ્યું: શું કરે છે છોરા તું? તેની વિગતો જાણ્યા પછી ભાઈને કહ્યું: આને ક્યાં રણમાં
બેસાડી રાખ્યો છે?
ભાઈ કહે, બોલ,
આવવું છે મુંબઈ? એમણે
જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં
છેલભાઈનું એડમિશન કરાવી આપ્યું.
નોકરીમાં રાજીનામું આપીને છેલભાઈ ૧૯૬૦માં મુંબઈ આવી ગયા.’
છેલભાઈને રોજના બે રૂપિયા મળતા. આટલામાંથી પચાસ પૈસાની રાઈસ-પ્લેટ, પચીસ પૈસાનું ચારમિનાર
સિગારેટનું પાકિટ, લોકલ ટ્રેનનું ભાડું
અને ડ્રોઈંગનો સામાન આ બધું કેવી રીતે મેનેજ થાય? દરમિયાન અશોક મહેતા નામના છોકરા સાથે દોસ્તી થઈ. ફર્સ્ટ યરમાં તે બે વખત નાપાસ થઈ ચૂક્યો હતો. ‘અશોકને જે કામ અઘરું
લાગતું તે છેલભાઈને રમતવાત લાગતી. તેઓ એને ભણવામાં મદદ કરે અને બદલામાં જે.
જે. સ્કૂલનાં ચાર વર્ષ દરમિયાન એપ્રનથી માંડીને ડ્રોઈંગના મટિરિયલ સુધીનું
બધું જ એના તરફથી આવતું રહ્યું. એ છેલભાઈને ચા-નાસ્તો કરાવે, જમાડે. ટૂંકમાં, અશોક
તરફથી તેમને સીધુ-સામગ્રી મળતાં થઈ ગયાં! મોટાબેનના નણદોયા કવિ સુંદરજી બેટાઈના સાઉથ ઈન્ડિયન જમાઈ મિસ્ટર જગમોહન ‘ટાઈમ્સ
ઓફ ઈન્ડિયા’ સાથે સંકળાયેલા આર્ટ ક્રિટિક હતા. તેમણે છેલભાઈને મુંબઈ યુનિવર્સિર્ટી સામે આવેલા કલાકારોના અડ્ડા જેવા કોફી હાઉસમાં આવતા-જતા કર્યા. કોફી હાઉસના માલિક એલેકઝાન્ડરને એમણે કહી દીધેલું: આ છોકરાને જે જોઈતું હોય તે આપવાનું પણ એની પાસેથી પૈસા નહીં લેવાના! મિસ્ટર જગમોહન લોકોને છેલભાઈનો રેફરન્સ આપે અને ચિત્રોની નકલ કરવાં જેવાં નાનાંમોટાં કામ અપાવે. આ જ અરસામાં છેલભાઈનો હની છાયા સાથે લોકલ ટ્રેનમાં આકસ્મિકપણે ભેટો થઈ ગયો. છેલભાઈએ એમને ‘મહેંદી રંગ લાગ્યો’ ફિલ્મમાં અભિનેતા રૂપે જોયા હતા. ‘વાતવાતમાં છેલભાઈએ એમને કહ્યું કે મારી મૂળ ઇચ્છા તો આર્ટ ડિરેક્ટર બનવાની છે. હની છાયાએ તેમને રંગભૂમિ નાટ્ય એકેડેમીની ઓપેરા હાઉસ પર આવેલી ઓફિસે આવવા કહ્યું. વિષ્ણુકુમાર વ્યાસ એકેડેમીના પ્રિન્સિપાલ હતા અને હની છાયા પ્રોફેસર. છેલભાઈને
ફ્રી-શિપમાં એડમિશન
આપવામાં આવ્યું.
રંગમંચનો આ તેમનો પહેલો સ્પર્શ.’૧૯૬૩માં
સ્ટેટ લેવલની નાટ્યસ્પર્ધામાં એકેડેમીએ
‘ઈન્સ્પેક્ટર કૌલ’ નામનું હિન્દી નાટક ઊતાર્યું હતું. એના સેટ-ડિઝાઈનને મોડિફાઈ કરવાનું કામ છેલભાઈને સોંપવામાં આવ્યું. નાગપુરમાં સ્પર્ધા હતી અને આ નાટકની સેટ ડિઝાઈનની ખૂબ પ્રશંસા થઈ. બેઘર થઈને અઠવાડિયું રીતસર ફૂટપાથ પર રહેવાનો પીડાદાયી તબક્કો આ જ વર્ષે આવ્યો. ‘એક વર્ષ તેમના પારસી મિત્ર ફેરી નાનજીને ત્યાં રહ્યા. બે મહિના તેમણે ચર્નીરોડ વિસ્તારમાં આવેલી ગાયવાડીના એક ગોડાઉનમાં કાઢ્યા. અહીં ‘શાહજહાં’
નાટકનો સામાન પડ્યો હતો. એમાંથી તકિયાં અને પાથરણાં આમતેમ ગોઠવીને ખુદ શાહજહાંની જેમ તેઓ રહેતા. ૧૯૬૪માં ‘પરિણીતા’ નામનું ગુજરાતી નાટક
સ્પર્ધામાં મુકાયું. ઈન્ડિપેન્ડન્ટ સેટ ડિઝાઈનર તરીકેનું આ
છેલભાઈનું પહેલું નાટક. ઈન્ટરવલમાં જજ દીના પાઠકે એમના માથે હાથ મૂકીને
કહ્યું: ચિંતા ન કર, આના કરતાં સારી રીતે ડિઝાઈન થયેલો સેટ હવે આવવાનો નથી. આ નાટકને સેટ ડિઝાઈનિંગનું ફર્સ્ટ
પ્રાઈઝ મળ્યું. કોઈ ગુજરાતી નાટકને પહેલું
ઈનામ મળ્યું હોય એવો આ
પહેલો પ્રસંગ હતો.
‘હની
છાયા છેલભાઈના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ બની રહ્યા. તેમનો ફિલ્મોમાં અને ટેલિવિઝનમાં પહેલી વાર પ્રવેશ પણ એમણે જ કરાવ્યો,’ આ જ વર્ષે દ્વારકાની કુસુમ નામની કન્યા સાથે છેલભાઈનાં લગ્ન લેવાયાં. છેલભાઈએ જોકે વડીલોને સ્પષ્ટપણે જણાવી દીધું: જ્યાં સુધી ઘરની બહાર મારા નામની તકતી નહીં હોય ત્યાં સુધી કુસુમને મુંબઈ નહીં તેડાવું! (એ અવસર આવ્યો છેક ૧૯૭૨માં. પાર્લા ઈસ્ટમાં ટેરેસ પરના એક આવાસમાં તેમનું સહજીવન સાચા અર્થમાં શરૂ
થયું હતું.) ૧૯૬૫માં
છેલભાઈનાં બે નાટકો સ્પર્ધામાં ઊતર્યા. જોકે પ્રાઈઝ છેલભાઈના સમકાલીન
આર્ટ ડિઝાઈનર વિજય કાપડિયા લઈ ગયા. અખબારોમાં છેલભાઈનું કામ વખાણતાં
લખાણો પ્રગટ થવા લાગ્યાં હતાં. આ વર્ષના ઊત્તરાર્ધમાં એક નિણાર્યક ઘટના
બની. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં વિદ્યાર્થીઓને હાઉસ ડેકોરેશનના પાઠ શીખવતા
પ્રોફેસરે છેલભાઈ સામે પ્રસ્તાવ મૂક્યો: ચાલો, આપણે સાથે કામ કરીએ. છેલભાઈએ અચકાઈને કહ્યું: સર, આપણે
કઈ રીતે સાથે કામ કરી શકીએ?
સરે તો એમના આસિસ્ટન્ટ બનવાની તૈયારી સુઘ્ધાં દેખાડી. છેવટે ડિસેમ્બર ૧૯૬૬માં તેઓ પાટર્નર બન્યા.
આ
પાર્ટનર એટલે પરેશ દરૂ, છેલ-પરેશની પ્રસિદ્ધ જોડીનો બીજો હિસ્સો! ‘મને સૂરજ આપો’ નામનું નાટક સ્પર્ધા
માટે સબમિટ થઈ રહ્યું
હતું. એમાં સેટ ડિઝાઈનર
તરીકે છેલ વાયડાનું નામ હતું. છેલ્લી
ઘડીએ ‘વાયડા’ ભૂંસીને
તેની જગ્યાએ ‘પરેશ’ લખવામાં આવ્યું. તે
વખતે કોઈએ કલ્પના સુઘ્ધાં
કરી હશે ખરી કે આ માણસ
અટક બનીને છેલભાઈનાં નામ સાથે આજીવન
જોડાઈ જવાનો છે અને આવનારાં વર્ષોમાં
છેલ-પરેશની જોડી અનેક ઊંચાઈઓ કર કરવાની છે? …અને એક મહાયાત્રાનો પ્રારંભ થઈ ગયો.
ચંદ્રવદન ભટ્ટ, કાંતિ
મડિયા, હની છાયા, વિજય
દત્ત, પ્રવીણ જોશી, અરવિંદ જોશી,
અરવિંદ ઠક્કર, શૈલેશ દવે જેવા
દિગ્ગજો સાથે એક પછી એક નાટકો આવતાં ગયાં. છેલ વાયડા અને
પરેશ દરૂ દ્વિવચનમાંથી એકવચન બનતા ગયા. ‘તે
વખતે આઈએનટી, રંગભૂમિ, નાટ્યસંપદા અને
રંગમોહિની આ ચાર સંસ્થાઓ નાટકો
બનાવતી. કાંતિ
મડિયાના ૩૨માંથી ૩૧ નાટકો છેલભાઈએ કર્યા. એક નાટક એટલા માટે ન કરી શક્યા કે
તે અરસામાં તેઓ લંડન હતા. એ નાટક જોકે એક જ શોમાં બંધ થઈ ગયું હતું! છેલભાઈને મડિયા ખૂબ ઝઘડતા. છેલભાઈ રિસાઈ જાય, કાંતિ મડિયા મનાવે. છેલભાઈ વગર એને ચાલે જરાય નહીં. મડિયા સારા ક્રાફટમેન હતા, જયારે પ્રવીણ જોશી
પાસે સારું વિઝન હતું.
તેઓ નાટકની થીમ પ્રમાણે
સેટ ડિઝાઈનર સિલેક્ટ કરતા. જેમકે ‘અને ઈન્દ્રજિત’ નામનું
નાટક એમણે એમ.એસ. સથ્યુ
પાસે ડિઝાઈન કરાવ્યું હતું. એ જમાનામાં
નાટક બનાવનારા તેઓની
સાથે બેસતા, ડિસ્કસ કરતા. આખું નાટક પહેલેથી લખાઈને તૈયાર હોય. મુહૂર્ત વખતે આખું નાટક વંચાય. બધા ડિરેક્ટરોને પોતપોતાની શક્તિઓ હતી, પોતપોતાની
શૈલીઓ હતી. ખેલદિલીની ભાવના પણ એટલી જ. હરીફ ડિરેક્ટરનું કામ ગમે તો દિલથી વખાણે.’ ‘ધીમે ધીમે ઘડાતા ગયા. મંચ પર તેઓએ ત્રણ દીવાલો વડે દર્શકને ચાર દીવાલનો આભાસ કરાવવાનો હોય. વાત તો આખરે લૂગડાં અને લાકડાની જ છે. જયંતી દલાલે લખેલાં એક સુંદર પુસ્તકનું શીર્ષક જ
આ છે ને – ‘કાયા
લાકડાની, માયા લૂગડાંની.’’
છેલભાઈ હાલ સુધી પણ અડધી રાતે કોઈ નવો વિચાર આવે તો ઊભા થઈને લખી
લેતા . સવાર સુધીમાં તે વિચાર દિમાગમાંથી છટકી
ગયો તો? તેઓ કહે છે, ‘સેટ ડિઝાઈનરે
માત્ર ઈન્ટિરિયર ડિઝાઈનિંગ નથી કરવાનું, એણે હિસ્ટ્રી ઓફ આર્ટ પણ
જાણવી પડે. જેમ કે તમે રબારીનું ઘર બતાવો
તો સ્ટીલનાં વાસણો ન
ચાલે. રબારીનાં વાસણો
કાંસાનાં જ હોય. આપણે ત્યાં દરેક કોમનું આગવું ભરતકામ છે. સુથાર
અને લુહાર સફેદ કપડાં પર ભરતકામ કરશે, જયારે
ચારણ રંગીન કપડાં પર.’ છેલભાઈએ ‘કંકુ’, ‘ઉપર ગગન વિશાળ’. ‘દાદા હો દીકરી’, ‘લાખો
ફુલાણી’ જેવી પસંદગીની ડઝનેક ગુજરાતી ફિલ્મોમાં સૂઝપૂર્વક આર્ટ ડિરેકશન કર્યું છે. ‘તેરે
શહર મેં’, ‘લૌરી’ અને
‘ખૂબસૂરત’ જેવી
હિન્દી ફિલ્મો માટે
પણ કામ કર્યું. જોકે
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વાતાવરણ તેમને ખાસ માફક ન આવ્યું.
૧૯૭૦માં ‘મહેફિલ’ નામના
ગઝલના કાયક્રમ માટે ઝુમ્મર
તથા વિશાળ કદની સુરાહી
જેવા એલિમેન્ટ્સ વડે સુસંગત માહોલ ઊભો કરતો અફલાતૂન સિન્નાવેશ ખડો કર્યો અને પછી તો ટ્રેન્ડ શરૂ થઈ ગયો.
ડાયરાના સેટમાં ધેઘૂર વડલો અને ચબૂતરો એમનો ટ્રેડમાર્ક બની ગયા. એની નકલ પણ ખૂબ થઈ. આ સિવાય ભજનસંઘ્યા, સુગમ
સંગીત તેમ જ સાહિત્યિક કાર્યક્રમોમાં છેલ-પરેશના સેટ ડિઝાઈનની અલગ છટા દેખાવા
માંડી. ‘નાટક સિવાયના કાર્યક્રમોમાં
પણ મંચ પર સિન્નાવેશ ઊભો કરવાની તેઓએ સૌને આદત લગાડી દીધી છે!’
ધીરુભાઈ અંબાણીના પરિવારનાં લગ્નોમાં લગ્નસ્થળોનું ડિઝાઈનિંગ પણ તેમણે
એક્ઝિક્યુટ કર્યું છે. છેલભાઈના પુત્ર સંજય છેલે ટેલિવિઝન અને હિન્દી ફિલ્મોની દુનિયામાં રાઈટર-ડિરેક્ટર તરીકે નામ કાઢ્યું છે. તેમની ‘દિવ્ય
ભાસ્કર’માં પ્રકાશિત થતી સાપ્તાહિક કોલમ
‘અંદાઝ-એ-બયાં’ ખાસ્સી પોપ્યુલર થઈ છે. છેલભાઈનાં પુત્રી અલ્પના રંગમંચ
અને ટેલિવિઝનનાં અભિનેત્રી તરીકે સક્રિય છે. તેઓ ‘પાપડપોલ’
સિરિયલમાં હીરો વિનયનાં માતા તરીકે દેખાયા હતા.
જાણીતા એક્ટર-ડિરેક્ટર-મોડેલ મેહુલ બૂચ છેલભાઈના જમાઈ થાય. છેલ-પરેશના
હાથ નીચે સુભાષ આશર,
વંદન નાયક (જેનું
કાચી વયે અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું), પ્રદીપ પાલેકર અને પી. ખરસાણીના દીકરા ચીકા ખરસાણી જેવા સેટ ડિઝાઈનર્સ તૈયાર થયા છે.
ગુજરાતી રંગભૂમિ પર ડિરેક્ટર્સ-પ્રોડયુસર્સ-રાઈટર્સ-એક્ટર્સની પેઢીઓ બદલાતી ગઈ, પણ આર્ટ ડિરેક્ટર તરીકે છેલ-પરેશની જોડી હજુ સુધી
અણનમ હતી. મરાઠી રંગભૂમિના આર્ટ ડિરેક્ટર રાજારામ ચૌહાણનું મહારાષ્ટ્ર સરકારે બહુમાન કર્યું હતું. આપણે ત્યાં આવું નથી. જોકે તેઓ અપેક્ષાઓ પણ રાખતા નહોતા. તેઓએ છેલ્લે કહેલું કે જીવવાની મજા આવે છે. શાંતિ છે. લગાવ અને નિષ્ઠા હશે તો કામથી ક્યારેય થકાતું નથી. આનંદ કરવો.
કામચોરી
ન કરવી. દુશ્મન સારું કામ કરે તો એનેય ‘વાહ!’ કહેવી. મારા હમઉમ્ર
મિત્રો પથારીવશ છે ત્યારે હું સક્રિય છું એ વાતની ખુશી છે. બસ, એક જ મહેરછા છે. હું મૃત્યુ પામું પછી મને યાદ
કરીને કોઈ એમ બોલે કે
કલાજગતનો એક સિતારો
ખરી પડ્યો.. તો હું સંતોષ પામીશ. જોકે આવું સાંભળવા અને સંતોષ પામવા હું હાજર નહીં હોઉં!’
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment