facebook

Friday, 4 September 2015

3 star

કોણ છે ઢોલીવૂડના સલમાન , શાહરૂખ અને આમીર ?


વર્ષોથી બોલીવુડના ત્રણ ખાન સલમાન , શાહરૂખ અને આમીર બોક્સ ઓફીસ પર રોકડી કરાવતા આવ્યા છે. દર્શકોમાં લોકપ્રિય બન્યા છે અને આજે નવા ચહેરાઓ અને નવા સ્ટાર્સ ની વચ્ચે પણ તે એટલા જ લોકપ્રિય રહ્યા છે. આ ત્રણ સ્ટાર ની તિકડમ માત્ર બોલીવૂડ માં જ છે એવું નથી , આપણા ગુજરાતી સિનેમામાં પણ ત્રણ એવા સ્ટાર છે, જેમની સરખામણી બોલીવૂડના સલમાન, શાહરૂખ અને આમીર સાથે થઇ શકે! તો કોણ છે આજની તારીખમાં ઢોલીવૂડ ના સલમાન, શાહરૂખ અને આમીર ? ચાલો જોઈએ..

    "
વોન્ટેડ" ફિલ્મથી સલમાને સાઉથ ટાઈપ એક્શન ફિલ્મોનો ક્રેઝ ઊભો કર્યો અને પછી તો સતત એની ચાહના દર્શકો માં વધતી જ ગઈ. સલમાન નું નામ પડે એટલે દર્શકો થીયેટરો સુધી આંધળી દોડ મુકે છે , એમના માટે ફિલ્મ કયા પ્રકારની છે , એનો દિગ્દર્શક કોણ છે, આ બધી બાબતો બીજા ક્રમે આવે છે , એમના પૈસા તો સલમાન ખાનની એકdશનમાં અને તેના ડાઈલોગ્સ તથા ગીતોમાં જ વસૂલ થઇ જાય છે. બિલકૂલ એ જ રીતે ઢોલીવૂડમાં વિક્રમ ઠાકોર આજના સમયમાં દર્શકોનો લાડીલો છે. ફિલ્મ વિક્રમ ઠાકોરની હોય એટલે ટીકીટબારી પર હાઉસફૂલના પાટિયા પાક્કા . સાથે જ સિલ્વર જુબિલી કે ગોલ્ડન જુબિલી પણ પાક્કી.

   
વિક્રમ ઠાકોરની ફિલ્મ સંપૂર્ણ મનોરંજક અને સાથે મોટા બજેટની હોય છે , જેમાં એક્શન દ્રશ્યો પર અને ગીતો પર મોટા ખર્ચે કામ થયું હોય છે , વળી વિક્રમ પોતે જ જાણીતા સિંગર છે , સાથે તેઓ ગીતના લેખનમાં અને સંગીતમાં પણ સારી સૂઝ ધરાવે છે. સલમાનની જેમ વિક્રમના ડાઈલોગ્સ પણ લોક જીભે ચઢી જાય છે. સલમાનની ફિલ્મના ગીતો મસ્તી ભર્યા હોય છે, ત્યારે વિક્રમની ફિલ્મો પણ મસ્તીભર્યા ગીતોથી અને સુપરહિટ સંગીતથી સજ્જ હોય છે. સલમાનની જેમ વિક્રમની ફિલ્મો પણ "લાર્જર ધેન લાઈફ" એક્શનથી ભરપૂર હોય છે. આ બધા કારણો જ બનાવે છે વિક્રમ ઠાકોર ને ઢોલીવૂડનો લાડીલો સલમાન.
   
બોલીવૂડનો સિતારો શાહરૂખ ખાન એક રોમેન્ટિક ઈમેજ ધરાવતો હતો. શાહરૂખે એકથી એક ચડિયાતી લોકપ્રિય રોમેન્ટિક ફિલ્મો આપી . પણ છેલ્લા કેટલાક વર્ષોમાં શાહરૂખ ખાને માત્ર ટીપીકલ રોમેન્ટિક ફિલ્મો કરવાનું કે દર્શકો એ તેને જે પાત્રો માં વધાવ્યો છે, એ પ્રકારના પાત્ર કરવાનું છોડી ને એક્સપરીમેન્ટસ કરવાનું શરુ કર્યું , "ચક દે ઇન્ડિયા" , "સ્વદેશ " , "રા.વન" જેવી ફિલ્મો માં અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ કરીને પોતાની જાતને એક એકટર તરીકે વધુ ને વધુ પૂરવાર કરવાના પ્રયત્નો કર્યા. અને આવું કરવામાં તેમણે બહુ મોટા જોખમનો વિચાર ન કર્યો કે, દર્શકો તેમના સ્ટારને આવી ભૂમિકાઓ માં સ્વીકારશે કે કેમ ? આવું જ જોખમ ઢોલીવૂડના સ્ટાર હિતેન કુમારને પણ હતું, જયારે તેઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં નિર્ણય કર્યો , માત્ર સારી અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ સ્વીકારવાનો.

   
ગુજરાતી ફિલ્મના પડદે અપાર સફળતા મેળવનાર હિતેન કુમાર માટે ચોક્કસ અઘરું રહ્યું હશે આવું નક્કી કરવું કારણ કે, દર્શકો પોતાના સ્ટારને એક ઈમેજમાં બાંધીને ચાલતા હોય છે અને તેઓ સિનેમાહોલમાં જયારે પોતાના ફેવરીટ સ્ટારની ફિલ્મ જોવા જાય ત્યારે તેમના માઈન્ડ માં અમુક ચોક્કસ પ્રકારની અપેક્ષાઓ હોય છે કે, એ સ્ટાર તેમને ડાન્સ આપશે , રોમેન્સ આપશે , પણ તેમ ન થતા તેમને પોતાનો ગમતો સ્ટાર એક ચેલેન્જીંગ ભૂમિકામાં જોવા મળે છે. હિતેન કુમાર માત્ર પાત્રને મહત્વ આપે છે , પછી તેમના માટે એ જરૂરી નથી હોતું કે એ પાત્ર હીરોનું જ હોય. પાત્ર વિલનનું હોય પણ દમદાર હોય તો પણ તે એ પાત્ર કરવાનું સ્વીકારે છે , અને એ પાત્ર પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવીને દર્શકોની વાહવાહી મેળવે છે. હિતેનકુમારનો ચેલેન્જીંગ રોલ કરવાનો અને અલગ અલગ ભૂમિકાઓમાં પોતાને એક કાબિલ એક્ટર તરીકે મૂલવવાનો કે સાબિત કરવાનો આ અંદાજ તેમને બનાવે છે , ઢોલીવૂડના શાહરૂખ ખાન.
   
આમીરખાનને બોલીવૂડ માં બધા પરફેક્શનિસ્ટ તરીકે ઓળખે છે , તેમની ફિલ્મોની સંખ્યા ઓછી હોય છે પણ ગુણવત્તા ગગનચુંબી હોય છે , એજ રીતે ઢોલીવૂડમાં ચોક્કસ અને નક્કર કામના આગ્રહી છે હિતુ કનોડિયા. યસ , મીલેનીયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા ના સુપુત્ર હિતુ કનોડિયા ઢોલીવૂડમાં પોતાના પિતાનું નામ વધુ ઊજળું કરી રહ્યા છે. ફિલ્મના સેટ પર દરેક બાબતમાં પરફેક્શન જળવાય એવો એમનો ખાસ આગ્રહ હોય છે. પોતાના કોશ્ચ્યુમથી લઇને મેકઅપમાં ગુણવત્તા જળવાઈ છે કે કેમ એ બાબત પર પણ તેમનું ખાસ ધ્યાન હોય છે . ઓછા બજેટમાં બનતી ઢોલીવૂડની ફિલ્મો માં દિગ્દર્શકોથી માંડીને કલાકારોને ઘણું બધું "ચલાવી લેવું" પડતું હોય છે , કામ નીખારવાની જગ્યાએ માત્ર કામ પતાવવાની જ જ્યાં વાત ચાલતી હોય ત્યાં પરફેક્શનનો આગ્રહ રાખો તો મોટે ભાગે લોકોએ વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવાને બદલે તેને ખરાબ જ ચીતરે છે . પણ જેને પરફેક્ટ કામ સિવાય ચાલતું જ નથી , એ માણસ આવી નાની મોટી બાબતોની પરવાહ કરતો નથી. અને એટલે જ હિતુ કનોડિયાનું પોતાના કામમાં રહેલું પરફેક્શન પડદા પર દેખાઈ આવે છે. પોતાના પાત્રમાય તેઓ પૂરેપૂરો જીવ રેડી દે છે , અને એટલે જ હંમેશા શ્રેષ્ઠ કામ આપવાના આગ્રહી કલાકાર હિતુ કનોડિયા ને આપણે બોલીવૂડ ના આમીરખાન સાથે સરખાવીશું .
n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment