facebook

Thursday, 10 September 2015

happy new year

હેપ્પી ન્યૂ યરઃ ગુજરાતી કલાકારોની નવા વર્ષે નવી દિશા


    નવા વર્ષની આજની સલોણી સવાર દરેક ગુજરાતીઓ માટે શુભવંતી છે. બેસતા વર્ષનો આજનો દિવસ ગુજરાતીઓ માટે મોટી ઉજવણીનો દિવસ છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે દિવાળીમાં દીવડા પ્રગટાવવા, રંગોળી પૂરવી, નવા નવા ફરસાણો બનાવવા આ બધી ઉજવણી બહુ ઉત્સાહથી થાય છે. એ જ રીતે ગુજરાતી કલાકારોમાં ફિલ્મના હોય કે ટીવી કે સંગીત જગતના મહારથીઓ એ પણ દિવાળી પૂરજોશમાં મનાવે છે અને વિવિધ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવા સાથે મોટી ઉજવણી કરે છે. જાત-જાતના સંકલ્પો કરે છે. ચાલો આપણે જોઇએ આપણા આ કલાકારો નવા વર્ષે શું નવું કરવાના છે અને તેમની નવા વર્ષની શરૂઆત કેવી રીતે થવાની છે. તો આવા જ હિન્દી ફિલ્મો અથવા ટીવી સીરીયલોમાં સક્રિય એવા અમુક કલાકારો જેમનો બહુ ઓછા સમયમાં સંપર્ક થઇ શક્યો તેમના અનુભવો તેઓએ સિને મેજિક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યા.
    સિને મેજિકના વાચકોને પણ નવા વર્ષની ખૂબ શુભેચ્છા સાથે નવું વર્ષ મંગલમય હો.
    પંકજ ઉધાસઃ નવા વર્ષે અજમાયશ હશે મ્યુઝિક ડિરેકશન

    વાહ, જનાબે ઉમદા ગઝલ ગાયક પંકજ ઉધાસ આ વર્ષે ફિલ્મોમાં સંગીત દિગ્દર્શક તરીકે ઉભરી રહ્યા છે. હવે તે ફિલ્મોમાં પણ સંગીત આપશે. પંકજભાઇ કહે છે, છેલ્લા ૧૦ વર્ષમાં હું દેશ-વિદેશમાં મારી ગઝલ કોન્સર્ટ્સ કરવામાં જ વ્યસ્ત રહેતો હતો, આથી હું ઇચ્છતો હતો તેવા રચનાત્મક કાર્યો નહોતો કરી શક્તો. આથી હવે હું કોન્સટ્઱્સ સાથે નવી નવી પ્રવૃત્તિઓ કરવાનો છું. નિર્માતા આકાશદીપની બે ફિલ્મમાં બે-બે ગીત મારા કમ્પોઝ કરેલા હશે. જાન્યુઆરી મહિનામાં મારું પ્રથમ કૃષ્ણ ભજનનું આલબમ બહાર પાડવાનો છું. નઝમના બાદશાહ કહેવાતા સ્વ. સાહિર લુધિયાનવીની નઝમોનું આલબમ પણ આ વર્ષે બનાવવાનો છું. પંકજભાઇ કહે છે, દિવાળી મારા માટે બહુ મોટું પર્વ છે. હું, ફરીદા અને મારી બંને પુત્રી બધી જ દિવાળી ઘરમાં જ પરંપરાગત રીતે મનાવીએ છીએ.
    હિમેશ રેશમિયાઃ
ફરી ડિસેમ્બરમાં લંડનનું વૅમ્બલી સ્ટેડિયમ 

    સંગીત જગતના સચિન તેંડુલકર હિમેશ રેશમિયા તેમની આ દિવાળીની ઉજવણી તેમની ફિલ્મ સન ઓફ સરદારની રિલીઝ સાથે ઉજવી રહ્યા છે. આ શુભ પર્વના દિવસે તેઓ પૂજા-પાઠ પણ કરે છે. દિવાળીના દિવસે રજૂ થયેલી તેમની આ ફિલ્મ તે થિયેટરમાં દર્શકો સાથે બેસીને જોવાના છે. આ ઉપરાંત અત્યારે યશ ચોપરાની બહુચર્ચિત ફિલ્મ જબ તક હૈ જાનપણ તે તેમના કુટુંબ અને મિત્રો સાથે જોવા જવાના છે. દિવાળીનું પર્વ શુભ હોવાથી તે દિવસે અને નવા વર્ષની શરૂઆતમાં તે ૧૬ ડિસેમ્બરમાં લંડન ખાતે વૅમ્બ્લી સ્ટેડિયમમાં થનારી તેમની મ્યુઝિક કોન્સર્ટનું રીહર્સલ પણ કરી રહ્યા છે. ૨૦૦૬માં પણ તેઓ ત્યાં જ ભવ્ય કોન્સર્ટ કરી ચૂક્યા છે. અત્યારથી જ લંડનથી ડિમાંડ થઇ રહી છે કે હિમેશ તેમની ખિલાડી ૭૮૬ફિલ્મના ગીતોની મેડલી રજૂ કરે. આ ફિલ્મના ગીતો અત્યારે ટોપ ચાર્ટ પર છે. ૩૮ વર્ષના હિમેશભાઇ હજુ પણ માને છે કે તેમની જર્ની તો હવે શરૂ થઇ છે. સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી હિમેશને સચિન તેન્ડુલકર માને છે અને તે હિમેશે ૬૦૦ જેટલા સુપરહિટ ગીતો આપીને સાબિત કરી દીધું છે.
    સંજય છેલઃ નયા દાવ નઇ ગિલ્લી 

    હા, ‘ખૂબસૂરતફેઇમ દિગ્દર્શક અને અનેક સફળ ફિલ્મોના ગીતકાર સંજય છેલ એટલે તેમની અટકની જેમ વાયડા નથી, પણ સ્ટ્રેઇટ ફોરવર્ડ થઇને કહે છે, મારું માનવું છે કે કોઇ પણ દિવસ મારા માટે નવો દિવસ જ હોય છે. એટલે ખાસ કરીને હું નવા વર્ષના દિવસે કોઇ વિશેષ ઉજવણી કરતો નથી. હા, દિવાળી હું જરૂર મનાવું છું અને મને પેઇન્ટિંગ્સ બનાવવાનો બહુ શોખ હોવાથી મેેં આ વર્ષે એક્રેલિક કેનવાસ પર કલરફૂલ રંગોળી પણ બનાવી છે. દિવાળી હું મારા કુટુંબ સાથે જ મનાવું છું. વળી, આ વર્ષ મારું આમ પણ બહુ સારું જવાનું છે, કારણ કે ઘણા લાંબા સમય પછી હું ફરી દિગ્દર્શન કરવાનો છું. નવી બે ફિલ્મ સાઇન કરી છે, જેનું દિગ્દર્શન હું પોતે કરીશ. તેમાં એક કૉમેડી એ બીજી ડ્રામેટિક ફિલ્મ હશે. તેની સ્ક્રીપ્ટિંગ પર કામ ચાલુ છે. તેમાં રીષિ કપૂર અને પરેશ રાવલનું કાસ્ટિંગ પણ થઇ ગયું છે. આ ઉપરાંત હું સાજિદ ખાનની એક ફિલ્મ પણ લખી રહ્યો છું.
    દિશા વાકાણીઃ જીવનમાં પરિવર્તન તો થવું જોઇએ ને!

    તારક મહેતા...ની લોકપ્રિય દિશા વાકાણી સિરિયલમાં અને અંગત જીવનમાં બહુ જુદી છે. દિશા કહે છે, આ વર્ષની મારી દિવાળી દર વર્ષની જેમ જ છે. નવા વર્ષે કોઇ પ્લાનિંગ નથી. જોકે, તે એમ પણ કહે છે કે મારા હજુ લગ્ન નથી થયા. પતિ અને બાળકો હોય તો હજુ જીવનમાં કંઇક ખુશી અને ઉત્સાહ હોય. નવા નવા પ્લાનિંગ હોય. નવું જીવન હોય. પણ કાશ...! અભી દિલ્હી દૂર હૈ. ભગવાનની મરજી. (આપણે નવા વર્ષની શુભેચ્છા આપીએ કે તેમની ઇચ્છા પૂરી થાય) ખેર, નવા વર્ષે આમ તો હું ઘરમાં જ છું. ક્યાં જઇશ, શું કરીશ કંઇ વિચાર્યું નથી, પણ મુંબઈ સમાચારના વાચકોને હું દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છા આપું છું.
    દિલીપ જોશીઃ જગન્નાથપુરી સાથે મારી ચાર પીઠની યાત્રા પૂરી 

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી એટલે આપણા ગુજરાતીઓના માનીતા કલાકાર. દિલીપ જોશી દિવાળીના પર્વ વિશે ઉત્સાહિત થઇને કહે છે, દર વર્ષે હું દિવાળીમાં મુંબઈની બહાર કોઇ જાત્રાના સ્થળે જવાનું જ પસંદ કરું છું. ગયા વર્ષે હું બદ્રીનાથ ગયો હતો. આ વર્ષે હું મારા માતા-પિતા અને કુટુંબ સાથે જગન્નાથ પુરી જવાનો છું. મને કોઇ સુંદર સ્થળનું સાઇટ સીઇંગ કરવું તેના કરતા યાત્રાના સ્થળે ભગવાનના આશીર્વાદ લેવાનું બહુ ગમે છે. ઘણા વર્ષથી મારી ઇચ્છા છે કે હું કૈલાસ માનસરોવરની યાત્રા કરું, જે આ વર્ષે પૂરી કરવાની બહુ ઇચ્છા છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment