facebook

Tuesday, 15 September 2015

rajal barot

ગાયકીમાં પિતાનું નામ રોશન કરનાર મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ


    માતા - પિતાના પગલે ચાલીને આગળ આવેલા કલાકારોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા નામો મળી શકે છે. ગણવા બેસો તો અનેક મળી જાય જેમકે હિતુ કનોડિયા, ચંદન રાઠોડ, અરુણા ઈરાની વગેરે. જેમાં આજે આપણે આ અંકમાં રાજલ બારોટ વિષે વાત કરવી છે. ઓળખી ગયા ને દર્શકો? (હા, એ જ)
    સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ બાલવા (પાટણ) માં થયો હતો. રાજલ બારોટને ગાયકીની પ્રથમ તક આપનાર તેમના પિતા જ હતા. તેમના આશીર્વાદથી જ હાલ રાજલ લોક ડાયરામાં અને સ્ટેજ પ્રોગ્રામમાં એટલી વ્યસ્ત રહે છે કે બીજા કામ સિવાયની વસ્તુ પર ધ્યાન જ નથી આપી શકતી. જુલાઈ ૨૦૦૬ માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે એટલી ખુશ હતી કે ફૂલી નહોતી સમાતી. પોતાના પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે ડાયરા ક્વીન તરીકે જાણીતી બની ચુકી છે. ૧૩ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરનાર રાજલે અત્યાર સુધીમાં ૭૦ કરતા પણ વધુ આલ્બમોમાં પ્લેબેક આપી ચુકી છે. જેમાં નોંધનીય છે આઈ જવાની આઈ, જવાની આ જવાની, દશામાની લીમડી, ચુડેલ માંના ધામમાં, લવનો ડેન્ગ્યું, ઢોલો ગુજરાતનો, ઢોલો હાલ્યો પરદેશ, દશામાની પૂજા, અંબેમાંનો ટાઈગર, ગુજરાતની સિંહણ, એકડે એક અંબેમાંની ટેક, ગલોલો, અંબેમાં મોંઘવારી બની ડાકણ, સુરતની ભનજૂરિયુ, આ સિવાય માણીગર ઢોલા અને રાજલ હિરલની ધમાલ.

    આ ઉપરાંત ૨૦૦૯ ની સાલમાં ઈ ટીવી પર પ્રસારિત થતી શ્રેણી ‘કોટે મોર ટહૂંક્યા’ માં પણ સક્ષમ યોગદાન આપીને નામના મેળવી હતી તથા ૨૦૦૮ થી ‘ઓઢીલેને ઓઢણી’ એ પ્રથમ આલ્બમથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગરણ માંડનાર રાજલ બારોટ ‘માં પોડશી ઇન્ટરનેશનલ પ્રોડક્શન’ ની કિરીટ ઠક્કરની ‘સિંહણના સોગંધ’ જેમાં પ્રેમલ પંચાલ સાથે તે મુખ્ય ભૂમિકામાં રૂપેરી પડદે રંગ જમાવી ગઈ હતી અને તેની આ અભિનેત્રી તરીકેની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મથી જ હવે રાજલ બારોટનું ‘સિંહણ’ ઉપનામ પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં તેણે ઝાંસીની રાણી જેવી ભૂમિકા ભજવી હતી અને તલવાર ફેરવવામાં નિપુણ હોવાથી લોકો તેને ગુજરાતની સિંહણ કહેવા લાગ્યા હતા. આ સિવાય તેણે રાજકોટની એક જાણીતી કંપનીની ૨૦૧૦ ની સાલમાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ ‘એક ડાળના ફૂલ’ માં પ્લેબેક સિંગિંગ પણ કર્યું હતું.
    બીજું કે રાજલનું કહેવું છે કે તેની પ્રગતિથી તેના માતા – પિતાને શાંતિ મળે તેવી તેઓ રોજ ભગવાનને પ્રાર્થના કરે છે અને રાજલ ને તેની મોટી બેન મેઘલ બારોટ અને નાની હિરલ બારોટ ઉપરાંત તેના મુકેશ મામાનો ખૂબ જ સાથ – સહકાર છે વધુમાં જણાવે છે કે તેના પિતા સ્વ. મણિરાજ બારોટના નિધન પછી તેમને કુટુંબનો બિલકુલ સાથ – સહકાર નથી અને કેટલાયે લોકો સ્વ. મણિરાજ બારોટના નામને પોતાના નામની સાથે જોડીને પોતાની રોજીરોટી ચલાવે છે. સ્વ. મણિરાજ બારોટનું નામ વટાવે છે. તેમાં તેને કોઈ વિરોધ નથી, પણ ઉલટો તેને ગર્વ એ વાતનો થાય છે કે તેના પિતાના નામને લીધે લોકોને રોજીરોટી તો મળી રહે છે.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment