facebook

Friday, 4 September 2015

heena rajput

‘રમલી રીક્ષાવાળી’ માં શહેરની સડકો પર રીક્ષા ચલાવતી જોવા મળશે - હીના રાજપૂત


    મૈયરમાં મનડું નથી લાગતું એક એવી ફિલ્મ જેણે ગુજરાતી ફિલ્મોમાં અલગ ભાત પાડી હતી. તે ફિલ્મના તમામ કલાકારો ફિલ્મની રીલીઝ બાદ ઘન જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. કારણ કે દર્શકો તરફથી તે ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં એક કલાકાર હતી હીના રાજપૂત તેમનું કામ પણ વિવેચકોએ વખાણ્યું હતું. હમણાં ટૂંક સમય પહેલા જ તેઓ ભાવનગર તેમની ફિલ્મ ‘હરપાલદે શક્તિના અમર અજવાળા’ ફિલ્મના પ્રમોશન માટે આવેલા. ત્યારે મારી સાથે તેમની મુલાકાત થયેલી. હાલ તેઓ રમેશભાઈની ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં પોતાનું નામ નોંધાવી ચુકી છે. તેઓએ અત્યાર સુધીમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પોતાના લાજવાબ અભિનય દ્વારા પોતાના ચાહકોને ખુશ કર્યા છે અને આ ફિલ્મમાં હીના રાજપૂત એક અલગ જ ગેટઅપમાં જોવા મળશે. અસલ જીંદગીમાં તેઓ સ્વભાવે એકદમ મળતાવડા છે જે તેમનો પ્લસ પોઈન્ટ છે. તેમની ફિલ્મ અંગે તેઓ પાસેથી જાણીએ તો વધુ મજા પડશે.

પ્ર – આપની ફિલ્મ અને પાત્ર વિષે કહેશો.
ઉ – નિર્માતા રમેશભાઈની આ ફિલ્મનું નામ ‘રમલી રીક્ષાવાળી’ છે જેમાં હું લીડ ભૂમિકા ભજવી રહી છું. આપણા જીવનમાં અમુક એવા કપરા સંજોગો આવતા હોય છે કે સ્ત્રીઓએ પણ કામ કરવા જવું પડે છે. આમ જો કે હાલના સમયમાં સ્ત્રીઓ કામ કરે જ છે પણ તે કામ તેમને પોતાની કાબેલિયતના આધારે મળેલા હોય છે. જેમાં તેઓ કાયદેસર રીતે જોડાયેલી હોય છે પણ અમુક એવા પણ રોજગાર હોય છે જે તેણે મરજી ન હોવા છતાં પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા કરવું પડતું હોય છે. મારી પણ બસ આવી જ ભૂમિકા છે આ ફિલ્મમાં. જે રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

પ્ર – તમને રીક્ષા ચલાવતા આવડતું હતું કે તમે શીખ્યા?
ઉ – ના ના ના, મને રીક્ષા ચલાવતા નહોતું આવડતું પણ મારે આ ફિલ્મમાં રીક્ષા ચલાવવાની હોવાથી હું અત્યારથી જ રીક્ષા ચલાવવાનું શીખી રહી છું. મને આ ફિલ્મ મળી છે તો હું સાબિત કરવા માગું છું કે ગુજરાતી ફિલ્મોની હિરોઈનો ફક્ત ઝાડ ફરતે આંટા લગાવતી જ નહિ જોવા મળે. મને જયારે ફિલ્મના નિર્માતા રમેશભાઈનો ફોન આવ્યો અને તેમણે મને ‘રમલી રીક્ષાવાળી’ ફિલ્મ બનાવવાની વાત કરી અને તેઓ મને લીડ રોલમાં લેવા માંગતા હતા. તો ત્યારે જ મે ફિલ્મ વિષે હા પાડી દીધી કે આવું પાત્ર તો ક્યારેક જ ભજવવા મળે છે. આ પાત્ર મારૂ દરેક ફિલ્મ કરતા અલગ હશે અને આ ફિલ્મમાં હું એક નવા જ અવતારમાં જોવા મળીશ.
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં હિરોઈનોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો કેમ નથી બનતી?
ઉ – તે જ મોટો સવાલ છે કે જો હિન્દી ફિલ્મો મહિલાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનાવી શકતા હોય તો આપણે કેમ આટલા પાછળ છીએ. આવી ફિલ્મો પહેલા ગુજરાતીમાં બનતી હતી જેમાં ત્યારના કલાકારોએ જાનદાર અભિનય થાકી તે ફિલ્મોને ગુજરાતી ફિલ્મોના ફલક પર બેસાડી દીધી. હવે આવા રોલ બહુ ઓછા લખાય છે જે એક દુખની વાત છે.
પ્ર – દિવાળી કેવી રોતે ઉજવો છો?
ઉ – દુનિયાના બધા લોકોની દિવાળી રંગીન જ હોય છે પણ મારી દિવાળી તો અનેક રંગોથી ભરપુર હોય છે. રંગો એટલે સંબંધોના રંગ જે આપણે એકબીજા માટે જાળવીએ છીએ. દિવાળીમાં મને મારા ઘરનું ડેકોરેશન કરવાનો શોખ છે. ફટાકડા હું બહુ ઓછા ફોડું છું અને સ્વીટ ખાવાનું મને વધારે ગમે છે.


n  ગજ્જર નીલેશ  

No comments:

Post a Comment