પ્રથમ નાટકમાં જ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
મેળવનારી - જલ્પા ભટ્ટ
ગુજરાતી ફિલ્મોમાં હંમેશા મેઈન લીડ કરતા ક્યારેક સાઈડ કલાકારોનું કામ ખૂબ
વખણાયું હોય એવા દાખલા બહુ ઓછા જોવા મળ્યા છે. તેમાં પણ જો તે કલાકાર
ઇન્ડસ્ટ્રીઝના નિર્માતા – દિગ્દર્શકોના મનમાં સ્થાન જમાવી લે તો તો વાત જ કંઇક
જુદી છે અને તે જગ્યા બનાવવા પણ કેટલી મહેનત કરવી પડતી હોય તે તો સ્વયં કલાકાર જ
કહી શકે કે તેણે અહીં પોતાનું એક અલગ સ્થાન જમાવી રાખવા કેટકેટલા પાપડ શેકેલા હોય
છે. એમાં પણ જો એ કલાકાર રંગીલા રાજકોટની હોય તો તો પૂછવું જ શું. જે શહેરના
હવામાનમાં જ અભિનયનો સ્પર્શ થતો હોય તે કલાકાર ક્યાંય પણ પાછો ના પડે. ‘મન મોર બની
થનગાટ કરે’, ‘સાજણ મારા સેંથાનો સિંદુર’, ‘સોહાગણ શોભે સાસરીયે’, ‘પ્રેમના
દુશ્મન’, ‘સામ દામ દંડ ભેદ’, ‘આખરી ફૈસલો’, ‘અઢી અક્ષર પ્રેમના’, ‘પારખા’, ‘કેસર
કેશવને કંકુ’ વગેરે જેવી અઢળક ફિલ્મો જેમના નામે બોલે છે તે જલ્પા ભટ્ટ મૂળ
રાજકોટની વતની છે.
સ્કુલકાળ દરમિયાન ‘ગુજરાત રાજ્ય નાટક અકાદમી’ તરફથી ઘણા નાટકો ભજવ્ય. જેમાં
‘વહુએ વગોવ્યા મોટા ખોરડા’ તેમનું પ્રથમ નાટક. જેમાં
તેમને ‘ગુજરાત રાજ્ય સંગીત એન્ડ નાટ્ય’ તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળેલો.
‘વ્યથા મહાવ્યથા’ નાટક માટે બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ મળેલો અને ‘એક સપનું છાનું
છપનું’ નાટક માટે બેસ્ટ કોમિક રોલનો એવોર્ડ મળેલો. અસંખ્ય ગુજરાતી આલ્બમો કરી
ચુકેલી જલ્પા ભટ્ટ ડાન્સ કરવામાં પણ પારંગત છે. રાજકોટ દૂરદર્શન કેન્દ્રની અમુક
શ્રેણીઓ તથા હિન્દી સીરીયલો પણ કરી ચુકી છે. ભારતીય માછીમારોની પાકિસ્તાનમાં થતી
રહેતી કનડગતને વાચા આપતી ડોક્યુમેન્ટરીમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા થયેલી.
પ્ર – પ્રથમ રોલ કઈ રીતે મળ્યો?
ઉ – હું જયારે નાટકોમાં કામ કરતી ત્યારે ઘણા
નિર્માતા – દિગ્દર્શકો નાટકો જોવા આવતા. એમને મારી એક્ટિંગ પસંદ પડી અને મને
ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ મળ્યો. મે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું પણ
ક્યારેક પડદા પર આવીશ.
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં બદલાવ જરૂરી છે?
ઉ – હા, અત્યારે અમુક ગજરાતી ફિલ્મો સારી બની રહી
છે પણ જે ફિલ્મોમાં કંઇક ખૂટતું હોય એવું લાગી રહ્યું હોય
તો તે નજર સામે રાખીને જાણવું જોઈએ કે આ ફિલ્મમાં આ ભૂલ થઇ તો તે ભૂલ વારંવાર બીજી
ફિલ્મોમાં ના થવી જોઈએ. સાથે સાથે ગુજરાતી ફિલ્મોની ક્વોલીટી પણ સુધારવાની જરૂર
છે. જે પ્રમાણે ભોજપુરી ફિલ્મો બની રહી છે અને નફો કરી રહી છે તેની સરખામણીએ
ગુજરાતી ફિલ્મોનું સ્તર ઘણું જ નીચું છે.
પ્ર – તમે નાટક અને ફિલ્મ બંનેમાં કામ કર્યું છે
તો તમારી દ્રષ્ટીએ બંનેમાં શું ફર્ક છે?
ઉ – રીઅલ દાંત અને ચોકઠા જેવો ફરક છે. ફિલ્મો
ચોકઠું છે જયારે નાટકો અસલી દાંત છે. નાટક એ જીવંત કલા છે જેમાં પર્ફોમન્સ લાઈવ
હોય છે જયારે ફિલ્મો એ તો પ્લાસ્ટીકની દુનિયા જેવી છે. રીટેકની દુનિયા. જોકે
બંનેનું મહત્વ તો સરખું જ છે. પરંતુ ફિલ્મ એ નાટકની તુલનામાં તો ના જ આવે. જોકે
બંનેમાં સૌથી મોટો ફરક એ છે કે ફિલ્મોમાં પૈસા ઘણા હોય છે જયારે નાટકોમાં કોઈ બે
પાંદડે ના થઇ શકે. તેમ છતાય માત્ર નાટક ઉપર જીવતા ખમીરવંતા કલાકારો પણ છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment